મારા મતે મારુ ને તારા મતે તારું, મને લાગે મીઠું એ તને લાગે ખારું. દરેક મનુષ્યના આંગળાની રેખાઓ જેમ અલગ હોય એવી જ રીતે મસ્તકની અંદર ના વિચારો પણ તદ્દન અલગ જ હોવાના. મારો કોઈ વિચાર તરંગ તારા કોઈ વિચાર તરંગ સાથે મળી જાય તો તેનો મતલબ એ નથી કે બંને એક જ રેખામાં સમાંતર દોડશે. ક્યાંક તો એ રેખાઓ એકબીજાને છેદશે જ અને આ છેદનબિંદુએ જ બંનેના મત અલગ પડી જશે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણીમાં બસ આવી જ રેખાઓ એકબીજાને છેદી છેદીને આગળ વધતી હોય છે. આજે આપણે અનેક અંગત, સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય પ્રશ્નોથી ઘેરાયેલા છીએ, છતાં સમયાંતરે આવતો ચૂંટણી પર્વ એક નવી જ આશાનું કિરણ લઈને આવે છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આ તક આપણે અજમાવી શકીએ છીએ. હા, કદાચ હતાશ થયેલા અને દેશની પરિસ્થિતિ પર રડતા લોકોને આ અતિશયોક્તિ લાગે પણ જ્યારે આપણે આપણા મતની તાકાતની સરખામણી કોઈ બિનલોકશાહી રાષ્ટ્ર સાથે કરવા જઈએ ત્યારે સમજાશે કે આપણા હાથમાં કેટલી સતા છે. પણ આપણે શું આ સત્તા નો યોગ્ય ઉપયોગ કરી જાણીએ છીએ? ફલાણાના વિચારોમાં દોરવાઈ જઈને આપણે ફક્ત આપણો મત બીજાને નથી આપતા પણ આપણે એ વિચારધારામાં સહમતી પ...
A magnifying pen