મારા મતે મારુ ને તારા મતે તારું,
મને લાગે મીઠું એ તને લાગે ખારું.
દરેક મનુષ્યના આંગળાની રેખાઓ જેમ અલગ હોય એવી જ રીતે મસ્તકની અંદર ના વિચારો પણ તદ્દન અલગ જ હોવાના. મારો કોઈ વિચાર તરંગ તારા કોઈ વિચાર તરંગ સાથે મળી જાય તો તેનો મતલબ એ નથી કે બંને એક જ રેખામાં સમાંતર દોડશે. ક્યાંક તો એ રેખાઓ એકબીજાને છેદશે જ અને આ છેદનબિંદુએ જ બંનેના મત અલગ પડી જશે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણીમાં બસ આવી જ રેખાઓ એકબીજાને છેદી છેદીને આગળ વધતી હોય છે.
આજે આપણે અનેક અંગત, સ્થાનિક, રાજકીય અને રાષ્ટ્રીય પ્રશ્નોથી ઘેરાયેલા છીએ, છતાં સમયાંતરે આવતો ચૂંટણી પર્વ એક નવી જ આશાનું કિરણ લઈને આવે છે. ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આ તક આપણે અજમાવી શકીએ છીએ. હા, કદાચ હતાશ થયેલા અને દેશની પરિસ્થિતિ પર રડતા લોકોને આ અતિશયોક્તિ લાગે પણ જ્યારે આપણે આપણા મતની તાકાતની સરખામણી કોઈ બિનલોકશાહી રાષ્ટ્ર સાથે કરવા જઈએ ત્યારે સમજાશે કે આપણા હાથમાં કેટલી સતા છે. પણ આપણે શું આ સત્તા નો યોગ્ય ઉપયોગ કરી જાણીએ છીએ?
ફલાણાના વિચારોમાં દોરવાઈ જઈને આપણે ફક્ત આપણો મત બીજાને નથી આપતા પણ આપણે એ વિચારધારામાં સહમતી પુરાવીએ છીએ. આગળ વાત કરી એમ બની શકે કે આપણી વિચારધારા સાંગોપાંગ સામ્ય ના પણ ધરાવતી હોય. પણ આપણે આપણા અભિમાનને પોષવા માટે આપણો મત બીજા પર થોપીને બીજો પણ આજ મત અપનાવે તેનો આનંદ લઈએ છીએ. મારા મતે હું સાચો હોઈ શકું મારી વિચારશૈલી મુજબ હું અલગ દ્રષ્ટિકોણથી જોતો હોઉં એવું બની શકે અને એવું જ તમારા મતની બાબતમાં પણ બની શકે. બંધારણે 18 વર્ષથી ઉપરના લોકોને વૈચારિક પુખ્ત સમજીને તક આપી છે કે પોતાના વિચારને રાષ્ટ્ર સમક્ષ મૂકી શકે. વૈચારિક પુખ્તતાને કદાચ ઉંમર સાથે સાંકળી ના શકાય કારણ કે 50 વર્ષના પીઢને પણ એક 'બ્રેકીંગ ન્યુઝ' પોતાનો મત બદલવા માટે મજબૂર કરી શકે તેમજ 20 વર્ષના નવલોહીયાને પણ 'પીરસાયેલો' ભૂતકાળ પ્રવર્તમાન પ્રવાહને બદલવાનું જુનૂન ચડાવી શકે. તો શું ચુંટણીના મહિના અગાઉ ટીવી અને સોશિઅલ મીડિયા ની સાથે મગજ પણ બંદ કરી દેવું?
પરિક્ષા અગાઉ જેમ છેલ્લી ઘડીનું વાંચન કરીને ઝડપથી પરિક્ષાખંડમાં ઓકવાની તાલાવેલી લાગે એવી જ તાલાવેલીથી આપણે આ પર્વને જોઈએ છીએ. અધ્યયન કરવું છે તો વર્ષના શરૂઆતથી કરેલું જ પરિક્ષા પછી પણ સાથે આવશે. પરીક્ષા સમયે આરોગેલું પરિક્ષાખંડ સુધી જ સાથે રહેશે. આવું જ લાંબા ગાળાનું અધ્યયન અને અવલોકન કરીને જો મતદાતા પોતાનો વિચાર પોતાની આંગળીને રજૂ કરવા દે તો જ આ પર્વ સાર્થક બનશે.
Nice message.. Its a long process.
ReplyDeleteમને આપના પર ગૌરવ છે જેમને કોઈ પોસ્ટમાં સહેજ 'રાજકીય ગંધ' આવવા દીધી નથી, માત્ર વિવેક જાગૃત કર્યો
ધન્યવાદ!
Thank you dear...
Delete