શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે? પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....
A magnifying pen