"Keep a watch... on the faults of the patients, which often make them lie about the taking of things prescribed."
-Hippocrates
મેડિસિન ના ભીષ્મ એવા હિપોક્રેટ્સ ઉપરની ભવિષ્યવાણી એવા સમયે કરી ગયા જ્યારે ઈશુ નો જન્મ પણ થયો ન હતો. એમને ખબર હતી કે મારા વાલીડાઓ એટલા સીધા તો નહીં જ હોય કે કીધું કરે. અહીં 'કવિ' હિપોક્રેટ્સ દર્દીઓને રૂપક બનાવીને સમજાવે છે કે દવાને કહ્યા પ્રમાણે ન લેનારો દર્દી ડોકટર પાસે જઈને તો ખોટું ડહાપણ કરશે જ કે તમારી દવા બધી બરાબર ખાધી પણ કાંઈ ફેર પડ્યો નહીં.
દવા ખાવી એ જ ઘણી વાર પૂરતું નથી હોતું આપણી બીમારીને ડામવા માટે; સાથે સાથે એ દવા ક્યારે, કેટલી, કોની સાથે, કેટલી વાર અને કેટલા દિવસ લેવી એ પણ પુરેપુરો ખ્યાલ હોવો જરૂરી છે. દવા કે સારવાર પ્રત્યે આપણી સાતત્યતા અને ડોકટર કે ફાર્માસીસ્ટ દ્વારા એના માટે અપાયેલ તમામ સુચનોનું પાલન એટલે જ Drug adherence. અહીં દવા કે સારવાર પૂરતું મર્યાદિત ન રાખતા WHO સારવારને અનુકૂળ જીવનશૈલીમાં પરિવર્તન અને ખોરાક માં નિયમિત કહ્યા મુજબ નું અનુસરણ ને પણ Drug adherence ની વ્યાખ્યામાં જોડે છે. WHO ના એક રિપોર્ટ મુજબ આશરે 50% થી વધુ દર્દીઓ સારવાર સંબંધી સુચનોનું પાલન કરવામાં ઉણા ઉતરે છે. મતલબ એ થયો કે અડધા દર્દીઓ તો ડોકટરના કહ્યામાં જ નથી તો પછી ધાર્યું પરિણામ કઈ રીતે મેળવી શકાય. આજ્ઞાનું પાલન તો આપણે આપણા વડીલોનું પણ નથી કરતા તો પછી આ ડોકટર-ફાર્માસીસ્ટ શુ ચીજ છે! ક્યારેક એવું વિચારજો કે જે સારવાર કે દવા માટે લાખો રૂપિયા બગાડીને પણ તમે એ જ સારવારનો કે દવા નો સાચો લાભ ના લઈ શકો તો સૌથી મોટું મૂર્ખ કોણ? એમાં પણ હવે તો ગુગલ યુગમાં સામાન્ય સારવાર તો આપણે મેડિકલ સ્ટોર પાસે થી જ મેળવી લઈએ છીએ અને એમ માનતા હોઈએ છીએ કે આપણે ડોકટરની કન્સલ્ટન્ટ ફી બચાવી લીધી. પણ હે મહાનુભાવો ! આ દવા તમારા માટે યોગ્ય છે કે નહીં અને યોગ્ય ન હોય તો શું કરશો એ જવાબ બધા ગૂગલમાંથી નહી મળે.
Drug adherence એટલું જ જરૂરી છે જેટલું સવાર બપોર સાંજ નિયમિત જમવું અને દરરોજ સવારે નહાવું.(જો લાગુ પડતું હોય તો!) નબળા Drug adherence નું સૌથી વધુ ખરાબ પરિણામ આપણે ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતા દર્દીઓમાં જોઈ શકીએ છીએ. આ દર્દીઓ માટે Drug adherence એટલું જ જરૂરી છે જેટલો જીવવા માટે ઓક્સિજન. બ્લડપ્રેસર ની ગોળી લેતા દર્દી જો એક થી વધુ વાર ગોળી લેતા ભૂલે એટલે તરત જ તેનું પરિણામ તેના બ્લડ પ્રેસરમાં જોવા મળશે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ જ વસ્તુ જોઈ શકાય. આવા દર્દીઓ માટે ગોળી લેવાનો નિયમિત સમય પણ એટલો જ મહત્વનો બની જાય છે. આ સમયમાં એક કલાક થી વધુનો ફેરફાર પણ ક્યારેક માઠા પરિણામો લાવી શકે છે. આ ઉપરાંત ટૂંકા સમયની સારવારમાં પણ Drug adherence એટલું જ મહત્વનું બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત આવે એન્ટિબાયોટિક દવાઓની. ચણા મમરાની જેમ આજે દેવામાં આવતી એન્ટિબાયોટિક્સ તેના સેવનમાં એટલી સાવધાની માંગી લે છે કે જેની આપને સૌને કોઈ ગંભીરતા જ નથી. એન્ટિબાયોટિક્સને સાથે આપેલી બીજી દવાઓની સાપેક્ષે થોડી વીઆઇપી સગવડ આપીને માન આપવું જરૂરી છે. કારણ તમે એક એવો ટાઈમબૉમ્બ તમારા પેટમાં મુકવા જઈ રહયા છો જેના છેડા બરાબર સમયસર નહીં જોડાઈ તો ભવિષ્ય માં ગમેત્યારે એન્ટિબાયોટિક રજીસ્ટન્સ ના રૂપમાં ફૂટી શકે છે. જો સૂચિત ડોઝ અને સમયગાળા સુધી એન્ટિબાયોટિકસ ન લેવામાં આવે તો આપણા શરીર માટે તે ભવિષ્યમાં બિનઉપયોગી પુરવાર થઇ શકે છે. ભારત જેવા દેશમાં નબળું Drug adherence એ એન્ટિબાયોટિક રજીસ્ટન્સ જેવી મોટી મહામારી માટે સૌથી મોટું કારણ છે.
દર્દીની સારવાર પ્રત્યેની અનિયમિતતા માટે દર્દીને કદાચ એકલો જવાબદાર ના પણ ગણી શકાય. દર્દીને આપવામાં આવતી એક કરતાં વધુ દવાઓ દર્દીને કન્ફ્યુઝ કરી મૂકે છે. આ પોલીફાર્મસી પ્રેક્ટિસ ની જગ્યાએ જો ડોકટર ઓછી અથવા કોમ્બિનેશન વાળી તેમજ જરૂરી દવા જ પ્રિસ્ક્રાઇબ કરે અને વધારાની કમિશનયુક્ત દવાઓને અવગણે તો જ દર્દીને માનસિક અને આર્થિક કન્ફ્યુઝ થતો બચાવી શકાય. સવાસો કરોડના દેશમાં ડોકટર કે ફાર્મસીસ્ટ દ્વારા તેની આગળ લાગેલી લાંબી લાઈનને પૂરતો સમય ફાળવી દવાઓનું મહત્વ સમજાવવાનો સવાલ જ ઉભો નથી થતો. અમેરિકા જેવા વિકસિત દેશોમાં જ્યાં એક દર્દી દીઠ ડોકટર સરેરાશ 15મિનિટ ઓપીડી સમય ફાળવે છે એની સાપેક્ષે આપણાં કિસ્સામાં માત્ર દોઢ મિનિટથી કામ ચલાવી લેવું પડે છે. વળી આપણા હેલ્થ વર્કરોની સર્વિસ પણ એટલી પાણિયારી નથી કે અમુક દર્દીને ઘટતી માહિતી સીંચી આપે. ઘર ઘર ફરતા આ હેલ્થ વર્કરો આ સાંકળ ને પુરી કરવામાં અસમર્થ રહયા છે, તો બીજી બાજુ જે લોકો આ માહિતી આપવા સમર્થ છે એવા ફાર્માસિસ્ટના ફાળામાં પણ આ બાબતે ખાસ કંઈ કરવાનું આવતું નથી જે આપણા સિસ્ટમની નબળા મેનેજમેન્ટની સૂચક છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય સાક્ષરતા નહીં આવે ત્યાં સુધી આપણે Drug adherence ને મજબૂત નહીં બનાવી શકીએ. આ માટે દર્દીને દવા લક્ષી એટલી સમજ તો હોવી જ જોઈએ કે જે તેને સાતત્ય સારવાર માટે મજબૂર કરે. ઘણીવાર કોઈ દવાઓની સામાન્ય સાઈડફેક્ટ દર્દીઓથી છુપાવાય છે અથવા સમયના અભાવે જણાવવામાં આવતી નથી જેના પરિણામે આ સામાન્ય સાઈડ ઇફેક્ટને કારણે દર્દી સારવાર પુરી કરતું નથી. ટીબી ની સારવાર માં વપરાતી રિફામ્પીસીન દવાનું મેટાબોલિઝમ થયા બાદ એ પેશાબ વાટે બહાર નીકળે ત્યારે પેશાબનો રંગ લાલ થઈ જાય છે પણ દર્દી પેશાબ માં લોહી નીકળે છે એવું સમજીને સારવાર વચ્ચે જ છોડી દે છે અને એટલે જ આપણા દેશ માં આજે ડ્રગ રજીસ્ટન્સ ટીબી ના કેસ વધ્યા છે. ટીબી ની સારવાર માટે ડોટ્સ નામની પદ્ધતિ ભારત દેશમાં અપનાવવામાં આવી જેમાં દર્દીને ફરજીયાતપણે નિશ્ચિત કરેલ વ્યક્તિની હાજરીમાં જ દવા ગળવી પડે છે. આવી પદ્ધતિ હવે ઇલેક્ટ્રોનિક મીડિયા રેકોર્ડ દ્વારા પણ ટૂંક સમયમાં પ્રચલિત થવાની છે જેમાં દર્દીએ દવા ગળ્યા પછી ફરજીયાત પણે અમુક ચોક્કસ નંબર પર મિસ્કોલ કરીને ખાતરી આપવી પડશે કે દવા સમયસર લીધેલી છે જેનો ઓટોમેટિક રેકોર્ડ ઇલેક્ટ્રોનિકલી સચવાશે અને સમયાંતરે દર્દીની પ્રત્યક્ષ ચકાસણી પણ કરાશે.
ઘણીવાર દર્દી એક ડોકટરની દવા પુરી કર્યા વગર અધીરા બનીને કોઈ બીજા જ ડોકટર પાસે જઈ ચડે છે અને ત્યાંથી પણ એક બે દિવસ માં પરિણામ ન મળતા ત્રીજા ડોકટરને ફેંદે છે, આ પણ એક નબળા Drug adherence નું જ કારણ છે. અધીરા અને લાગણીશીલ દર્દીને આત્મીયતા થી સમજાવી શકાય અને દવા સમયસર ન લેવાના ગેરફાયદાઓથી વાકેફ કરાવી શકાય. ઘણી વાર દર્દીઓની પોતાની માન્યતાઓ પણ તેને અમુક દવાથી દૂર રહેવા માટે પ્રેરે છે. જેમેકે કોઈ હર્બલ મેડીસીનમાં માનતા દર્દી ક્યારેય એલોપેથી ટ્રીટમેન્ટને સહકાર નહીં આપે. પરંતુ જો આવા દર્દીને એક યા બીજી રીતે સમજાવીને વાત ગળે ઉતારવામાં આવે તો Drug adherence વધારી શકાય છે. જેમ કે ડાયાબિટીસનો આવો કોઈ દર્દી હોય તેને સમજાવી શકાય કે તમે જે મેટફોર્મિન દવા લો છો એ ફ્રેન્ચ લીલીએક નામના એક હર્બમાંથી જ મેળવાય છે. આવી જ રીતે દર્દીઓની બીજી કેટલીક અંધશ્રદ્ધા પણ હોઈ શકે જેને વિવેકપૂર્ણ રીતે ઉકેલવી એ દરેક હેલ્થ પ્રોફેશનલની જવાબદારી છે.
મોટા ભાગની લાંબા ગાળાની સારવાર એ પહેલાના ટૂંકા ગાળાના નબળા Drug adherence નું જ પરિણામ છે. સફળ સારવાર માટે દર્દી દવાને પોતાની શક્તિ મુજબ વર્તવાનો પુરેપુરો સમય અને તક આપે એ ખૂબ જ જરૂરી છે. નહીં તો એક એક ને નાના બાળક ની જેમ નાક દબાવીને ફરજીયાત દવા પીવડાવાનો સમય પાછો ફરે તો નવાઈ નહીં.
Phatmacist role is more creative in drug dosage regime
ReplyDeleteGreat job dear
Thank you
Delete