ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ? સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી! આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...
શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે? પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....