નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ.
નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે
પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના પરિવારની સુરક્ષાની વાત આવે ત્યારે તે બિચારો લાગે અને પરિવારની સુરક્ષાના બદલામાં એટલો તો ખતરનાક બની જાય કે એ પોતાનું સામ્રાજ્યને પણ બરબાદ કરવા તૈયાર થઈ જાય. ગમે એમ તો પણ પાબ્લો એક સંસારી જીવડો એટલે પરિવાર તેની તાકાત તો હતી પણ સાથે સાથે તેની નબળાઈ પણ પરિવાર જ હતો. જ્યારે તેની પત્ની, બાળકો અને માં એમ કહે કે હું તારી સાથે છું ત્યારે ત્યારે તે વધુ ખતરનાક બની જાતો. પરંતુ કેટલાક સંજોગો એવા આવે જેમાં તેની પત્ની તેને પોતાના અપ્રોચને લઈને થોડી બાંધછોડ કરવાની તૈયારી કરે કે તરત જ તે પોતાના નિર્ણયમાં ગફલત ખાઈ જતો. તેની પત્નીને જયારે દુનિયાની બધી જ વસ્તુઓ (ખુશીઓ નહિ) મળી જાય ત્યારે તે ખુશ થતી પણ જ્યારે તેના માથા પર મોત નાચતું હોય ત્યારે તેને પાબ્લોના નિર્ણયો પર શંકા જાગે. જો કે અંતે જેમ તેમ પોતાના પતિ પર વિશ્વાસ રાખીને એ તમામ રિસ્ક લેવા તૈયાર થઈ જ જાય છે જેનું પરિણામ તો અંતે પાબ્લોને જ ભોગવવાનું આવે છે.
પાબ્લોના પરિવારમાં સૌથી ક્લિયરકટ માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિ હોય તો એ તેના પિતા છે. આખું કોલમ્બિયા અને અમેરિકા જેનાથી થરથરતું હતું એવા પાબ્લોને તેના પિતા જ એક મોં પર કહી શકતા કે તું ખોટો છો. બાકી બધા તો ખુશામતખોરોએ જી સર જી સર કરીને પાબ્લોની કબર ખોદી હતી.
આ સિરીઝની વાસ્તવિકતા સાથેની છણાવટ પાબ્લોને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. પાબ્લોનું વ્યક્તિત્વ ક્યારેક બળવાન, ક્યારેક ભીરુ અને મોટાભાગે અહંકારી લાગે. જ્યારે કત્લેઆમ મચાવે ત્યારે કોઈનો વિચાર કરતો નથી અને જ્યારે પોતાના પર કે પોતાના પરિવાર પર ખતરો આવે ત્યારે તે વિકટીમ બનીને હ્યુમન રાઇટ્સ લઈને ન્યાય માટે બળજબરી કરે છે. ખરેખર ક્રૂર લોકો કાશ્મીર થી લઈને કોલમ્બિયા સુધી બધા આવા જ હશે? પોતે કરે તો બધું ઉચિત પણ પોતાના પર આવે તો અન્યાય !
👌👏👏
ReplyDeleteThanks
Delete