હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.
કેમ?
કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું.
આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે.
એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે.
અહીં વાત અસરકારકતાની નહિ પણ લોકપ્રિયતાની એટલા માટે કરવામાં આવે છે કે લોકોને જલ્દીથી સાજા થવામાં રસ છે નહીં કે ભવિષ્યમાં થવાની કોઈ પણ આડઅસરોમાં.
હોસ્પિટલમાં દવાઓ આપતી વખતે શરૂઆતમાં એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગ થી ભવિષ્યમાં થતા રજીસ્ટન્સ વિશે કે પછી કાયમી પેઇનકિલર ને ચાવી ચાવી ને તેને કિડની કિલર બનાવી દેતા કહેવાતા દર્દીઓને જોઈને ચીડ ચડતી. પછી ધીમે ધીમે મને ફરક પડતો જ બંધ થઈ ગયો. જો દર્દીઓ સમજવા જ તૈયાર ન હોય તો મારે શું પડી છે? એવું વિચારીને હું પણ મારી ફરજ મૂકીને નોકરી કરવા માંડ્યો.
એવું નથી કે લોકોને આ આડઅસરોની જાણ નથી કરવામાં આવતી. દરેકને થોડાઘણે અંશે તો ખબર પડે જ છે કે લાંબા ગાળે આ બધું સારું તો નથી જ. આમ છતાં બસ આજે હું હેમખેમ બેઠો થઈ જાવ, આજનું કામ પતાવી લઉં પછી જોયું જાય. એવી માનસિકતા લઈને આ ખતરો કે ખિલાડીઓ બેઠા હોય છે. દરરોજ દવાઓ ખાઈને વર્ષો પછી કિડનીના પ્રોબ્લેમ્સ લઈને આવતા દર્દીઓની આખી સાયકલ મેં જોઈ છે. દરરોજ ખાવાના કોઈ ધડા રાખવા હોતા નથી અને એન્ટાસિડના ટીકડીઓ દરરોજ પોતાની જઠરાગ્નિમાં પધરાવતા મહાનુભાવોની વિટામિન બી 12 ની ખામીઓ વાળી આખી સાયકલ પણ નજરોનજર જોઈ છે. દર્દીઓને સમજાવ્યું પણ છે. પણ પછી તો મોડું થઈ ગયું હોય છે.
જિંદગીના પછવાડે મોટા દવાખાનાના ચક્કરમાં ખિસ્સા પણ ખાલી કરી બેસતા આ લોકો નાની નાની બીમારીઓમાં શરીરને લડવાનો સમય આપવા તૈયાર નથી હોતા. સામાન્ય શરદીને પણ ટેકલ કરતા શરીરને ચાર થી પાંચ દિવસ લાગે છે પરતું દવાઓ ખાઈને એક દિવસમાં સાજા થઈ જતાં અધૂરીયા જીવવાળા દર્દીઓ શું જાણે ઇશ્વરે શરીરને આપેલી શક્તિઓ! દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ વરદાન જરૂર છે પણ દવાઓની શક્તિઓનો આડેધડ ઉપયોગ શરીરની શક્તિઓને ક્યારે ક્ષીણ કરી દેશે એ ખબર પણ નહીં પડે!
સુપર ઓવર: સાહેબ મને પેટમાં દુઃખે છે. પેટ પર લગાડવાની ટ્યુબ આપોને, દવા તો ગરમ લાગે છે.
Comments
Post a Comment