એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.
પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જાય. આવું ઘણાં દિવસ ચાલ્યું.
એવામાં એક દિવસ સિંહને મોટી મિજબાની કરવાની ઈચ્છા થઈ તેણે ઝરખની ટીમને કહ્યું કે આજે મારે ઘરે મહેમાન આવે છે એટલે મિજાબની કરવાની છે. એક શિકારથી નહીં ચાલે આજે તો વિવિધ મિષ્ટાન્ન જોઇશે. ઝરખની ટીમ લાગી ગઈ કામે. જુદી જુદી દિશાઓમાંથી તેણે જુદા જુદા પ્રાણીઓને ગુફા હવાલે કરવાનું શરૂ કર્યું.
આ બાજુ જંગલમાં એક સાથે આટલા બધા પ્રાણીઓ ગુમ થવાથી સોંપો પડી ગયો. બધા પ્રાણીઓએ ભેગા થઈ મિટિંગ કરી. મિટિંગમાં તેણે રાજા સિંહને પણ બોલાવવાનું નક્કી કર્યું. સિંહે બધાની વાત સાંભળીને કહ્યું કે આ તો ખૂબ જ ગંભીર ઘટના છે. આમાં જે પણ સામેલ હશે તેને ચલાવી લેવામાં આવશે નહિ. ખૂબ જ ભારેમાં ભારે સજા થશે. આ માટે હું શિયાળભાઈને તપાસ સોપું છું. એક અઠવાડિયામાં મારે ખોવાયેલા પ્રાણીઓ અથવા તેના માટે જવાબદાર ગુનેગાર જોઈએ જ. શિયાળે છાતી ઊંચી કરીને સલામ ભરી.
અઠવાડિયા બાદ ફરી સભા ભરાઈ. કેટલાક પ્રાણીઓ ગુનેગારની સજા સાંભળવા માટે ઉત્સુકતા વશ તો કેટલાક પોતાના કુટુંબીજનોની ભાળ માટે કે ઉચિત ન્યાયની આશ માટે આંખોમાં પાણી ભરીને સભામાં ભેગા થયા હતા. શિયાળે રિપોર્ટ રજૂ કર્યો.
થોડા સમય પહેલા જે ઘટના બની તેનાથી રાજાજી ખૂબ દુઃખી છે. પરંતુ સમયસરની કાર્યવાહીથી આપણે આજે ગુનેગારો સુધી પહોંચી શક્યા છીએ. આ ગુનેગારો બીજા કોઈ નહિ પણ ઝરખ છે. ઝરખને અમારી ટીમના ઘણા શિયાળે જંગલના માસુમ પ્રાણીઓને બાજુના જંગલમાં લઇ જઇ ત્યાં ભેગા મળીને તેની મિજબાની કરતા જોયા છે. તેને પુરાવા તરીકે રાખીને રાજાજીએ ઝરખને જંગલથી બરતરફ કરવાની સજા નક્કી કરી છે. હવે એ આપણી હદમાં પ્રવેશી શકશે નહીં તેમજ તેની કોઈ વાત પણ માન્ય રાખવામાં આવશે નહિ. આજથી આપણું જંગલ ઝરખના આતંકથી મુક્ત થશે. સાથે સાથે ગુમાવેલા પ્રાણીઓના સ્વજનો માટે આ દુઃખની ઘડીમાં આગામી એક મહિના માટે રાજા દ્વારા ઘાસચારની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેને આ ભારે ક્ષણોમાં પોતાના ગુજરાનની ચિંતા ન રહે. કેટલાક પ્રાણીઓએ જયજયકાર બોલાવ્યો તો કેટલાક પ્રાણીઓએ આ ન્યાયપૂર્ણ કાર્યવાહીને સમગ્ર જંગલમાં રાજાજીના ગુણગાન સાથે હવા વેગે વહેતી કરી દીધી.
એક વર્ષ બાદ આજે શિયાળને સિંહ માટે શિકાર શોધવાનો ઓર્ડર મળી ગયો છે તેમજ ઝરખને પણ રાજાજીએ બાજુના જંગલના રાજા વાઘ સાથે વાત કરીને સેટ કરી દીધેલ છે. પ્રાણીઓ બધા જંગલમાં વાર તહેવારે એકાદ પ્રાણીઓ ખોવાતા વધુ ચિંતા કરતા નથી. કારણકે વાયુ વેગે અમુક પ્રાણીઓ વાતોને ફેલાવીને તેને ખાતરી કરાવે છે કે ભૂતકાળમાં એકસાથે કેટલા બધા પ્રાણીઓ લાપતા થતા હતા તેની સામે આજે એ રેશિયો ઘણો ઘટી ગયો છે એટલે ચિંતા કરવા જેવું કંઈ નથી.
સુપર ઓવર:
આ વાર્તાને હાલમાં તેમજ ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓ કે હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ સમાનતા નજરે પડતી હોય તો તેને માત્ર એક સંયોગ કહેવાશે.
👍👍
ReplyDelete👌👌👌
ReplyDelete😄😄😄😄😄😄
ReplyDelete