જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ!
જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે!
જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ.
😵💫એડિક્શન
પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લાગતું કે ટીવી કંઇ થોડું વ્યસનમાં આવે? પણ આજે મોબાઈલ એડિક્શન એક સામાન્ય શબ્દ બની ગયો છે ત્યારે વચ્ચે આપણે એક એડિક્શનને હજુ ગંભીરતાથી નથી લેતા અને તે છે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનું એડિક્શન.
વાર તહેવારે અને કોઈ પણ નાના મોટા સેલિબ્રેશનમાં હવે ઘરની મીઠાઈનું સ્થાન આર્ટિફિશિયલ સ્વીટનર્સથી બનેલા પેસ્ટ્રી અને પીણાંઓએ લઈ લીધું. હા, એ પણ ફાસ્ટ ફૂડ જ ગણાય, ખાલી તીખું તમતમતું જ ફાસ્ટ ફૂડ હોય એવું મગજમાંથી કાઢી નાખવું. આવા ફૂડનું વાર તહેવારે પેટમાં પડવું એ આપણા શરીરના ન્યૂરોટ્રન્સમિટર્સ માટે ખતરા સમાન છે. જેને કારણે ડોપામાઇન અને સેરોટોનિનનું બેલેન્સ બગડે છે.
આ જંક ફૂડ ડોપામાઇનના મધપૂડાને એવી રીતે છંછેડે છે કે થોડા થોડા સમયે તેનું ક્રેવિંગ થવા માંડે છે. આ ક્રેવિંગ ભલે દારૂડિયા કે ડ્રગ્સ લેવાવાળાને પડતી તકલીફો જેટલું બહારથી ગંભીર નથી દેખાતું પણ અંદરખાને જે શરીરમાં જૈવ રાસાયણિક ફેરફારો થાય છે એ મહદ્ અંશે કોઈ ડ્રગ એડિક્ટને ડ્રગ્સ ન મળતા થતા ફેરફારો જેવું જ હોય છે. દારૂના બંધાણીઓ તો ખોટા જ બદનામ છે, કોઈ પિઝાના બંધાણીને પૂછી તો જુઓ.
😖ઇરિટેશન
ઉપર જે વાત કરી તેમાંનું સેરોટોનિન બહુ કામનું કેમિકલ છે. એ શરીરના તાપમાન નિયમન માટે મગજના સંદેશ વાહક તરીકે કામ કરે છે. ઉપરાંત શ્વસન અને ધબકારાની ગતિના નિયમનમાં પણ મગજને આસિસ્ટ કરે છે. આ બધાની સાથે સાથે મગજનું લિમ્બિક સિસ્ટમ કે જે લાગણીઓના સંચાલનનું ઘર છે એ ઘરમાં પણ આ સેરોટોનિન કચરાં પોતા કરવાનું કામ કરે છે. હવે જો સેરોટોનિનનું પ્રમાણ ઘટ્યું તો સમજી લેવું કે આ લાગણીઓનું ઘર ધૂળ અને જાળાંથી ભરાઈ જવાનું. પછી જે થશે તે તમારા મગજના હાથમાં તો નહીં જ હોય.
લાગણીઓ બેકાબૂ બને, ગુસ્સો આવે, રડવું આવે, હસવું આવે બધું જ થાય પણ તમારા કાબુની બહાર. વાતવાતમાં ઇરિટેશન થાય. કોઈ જગ્યાએ ફોકસ ન થઈ શકે. જેમ 30 સેકન્ડની એક રીલ પૂરી કરતા પહેલા પણ આપણે 25મી સેકન્ડે સ્ક્રોલ કરીને બીજી રીલ પર કૂદી જતાં હોઈએ એવી જ રીતે રોજબરોજના દરેક કામને આવી રીતે સ્કીપ કરવાની જંક ટેવ પડવાની શરૂ થઈ જાય છે. જે ક્યારેય આપણે સ્વીકારતા જ નથી.
🤯ડિપ્રેશન
જંક ફૂડમાંથી શરીરને હાઈ સુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટના શોટ લાગ્યા પછી બ્લડ સુગરમાં એટલો ઝડપી ફેરફાર થાય છે કે મૂડને સ્વિંગ કરી દે છે. ઘડીક એનર્જેટિક ફીલ થાય છે પણ આ શોર્ટ ટર્મ ફિલિંગ થોડીવાર પછી એટલી જ નોન એનર્જેટિક ફીલ કરાવી દે છે. જાણે કે તમારી એનર્જી પણ મૂડ સાથે સ્વિંગ થતી હોય એવું લાગે.
આ સુગર સ્પાઇક બીજા મેટાબોલિક ડિસઓર્ડર તો કરે જ છે પણ સાથે સાથે મગજને જરૂરી એમિનો એસિડ્સની ફેક્ટરીને તાળું મારી દે છે. વળી જે એમિનો એસિડ્સ પોષણક્ષમ ખોરાકમાંથી મળવાના હતા તે તો ક્યારના સિલેબસમાંથી જ નીકળી ગયા છે. આ જરૂરી એમિનો એસિડ્સ વગર મગજ નવા ચેતાતંતુ બનાવવાનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખે છે. હવે સમજી શકો કે ડિપ્રેશન કેમ માથું ઊંચું કરે છે અને આવા બેઝિક એમિનો એસિડ્સની યાદમાં મગજના તાર ઝણઝણી ન જાય તો બીજું શું થાય?
🤒ઇન્ફ્લેમેશન
જંક ફૂડ થી કાંઈ સોજા ચડી જાય? હા, જંક ફૂડને કારણે પેટના ગુડ અને બેડ બેક્ટેરિયા વચ્ચેનું બેલેન્સ બગડી જાય છે જેને ભણેલાઓ ડિસ્બાયોસિસ કહે છે. આ બેલેન્સના હટવાથી શરીરનું ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે અને પાચનતંત્રના જે ભાગમાં જંક ફૂડ પ્રહાર કરીને બેઠું છે ત્યાં સમારકામ કરવા લાગશે. આ સમારકામ કરવામાં આપણું ઇમ્યુન સિસ્ટમ એટલા બધા સૈનિકો બનાવશે કે તે ભાગમાં સોજો આવી જશે. વળી આ સૈનિકો આખા શરીરમાં પેટ્રોલિંગ કરશે અને જ્યાં શાંતિ છે એવા ભાગોમાં પણ હોશિયારી કરશે. જેને કારણે દુખશે પેટમાં પણ કુટાશે માથું. માથામાં તો મગજ. મગજમાં પેલું લિમ્બિક સિસ્ટમ. લિમ્બિક સિસ્ટમ એટલે.... સમજી ગયા ને. છેલ્લે તો પેટ સાથે મૂડની પથારી ફરવાની જ છે.
સુપર ઓવર: સૌથી વધુ મૂડ સ્વિંગ કરનારું જંક ફૂડ પાણીપુરી જ છે. માનવામાં ન આવતું હોય તો કોઈ પણ પુરુષને પૂછી જુઓ!
સરસ ✍️👆
ReplyDeleteGood info
ReplyDelete