વેબસિરિઝ: એડોલ્શન્સ
કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ
ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો.
સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવાની છે. આ સિરીઝમાં આમ તો સ્ટોરી મુજબ પાત્રો ખૂબ ઓછા છે છતાં બે પિતાઓ તમારી નજર સામે જરૂર આવશે. મુખ્ય ટીનેજર પાત્ર જેમી મિલરના પિતા એડવર્ડ મિલર અને પોલીસ અધિકારીની ભૂમિકામાં રહેલ લ્યુક બેસકોમ્બ.
આ બંને પાત્રો મને કોઈના કોઈ વખતે બિચારા જેવા લાગ્યા છે. પોતાના સંતાનો સામે આ બંને પિતા કોઈ એક સમયે તો લાચાર જોવા મળે જ છે. આમ છતાં એડવર્ડ મિલર પાસે લાચારી દૂર કરવાનો મોકો જતો રહ્યો છે જ્યારે લ્યુક પોતાને તેના પુત્ર એડમ સાથે તેની સ્કૂલમાં જઈને કેસ સોલ્વ કરવાની સાથે સાથે મનમેળ કરવાનો મોકો પણ હાથવગો કરી લે છે.
જેમીના પિતા એડવર્ડ જ્યારે પહેલી વાર પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર જેમી સાથે બેસીને પોલીસની હાજરીમાં મર્ડર સમયનો વીડિયો જુએ છે ત્યારે તે જેમી(પુત્ર) સાથે બાથ ભીડીને રડે છે અને ભાંગી પડે છે. તેને ફક્ત ગુસ્સો નથી આવતો પણ પોતાના પાલનપોષણ પર ખૂબ જ પસ્તાવો થાય છે. તે છેલ્લા એપિસોડમાં પોતાની પત્ની પાસે આ પસ્તાવો રજૂ કરે છે. જરૂર મુજબની દરેક વસ્તુઓ જેમીને આપવા છતાં જે બન્યું એ તે માની શકતા ન હતા. આમ છતાં તેની મોટી પુત્રીના ભવિષ્ય ખાતર તે આ કડવો ઘૂંટડો પી ને પણ પોતાની આગળની લાઇફ જીવવા તૈયાર થાય છે. પડોશીઓ પણ આ મિલર ફેમિલીને ચોક્કસ પ્રકારના ચશ્માંથી જોવાનું શરૂ કરે છે, આવા કિસ્સામાં પોતાના ગુસ્સાને કારણે પોતાના પર કાબુ ગુમાવીને તો ક્યારેક ઘરના મુખ્ય વ્યક્તિ તરીકેની ફરજ યાદ આવતા પોતાના પર જે રીતે એડવર્ડ કંટ્રોલ કરે છે તે એકદમ નેચરલ લાગે છે.
પોતાના પરિવાર પર કોઈ પણ આંચ આવે તો કંઇ પણ કરી છૂટવા પિતા તૈયાર હોય છે પણ જ્યારે પરિવારનું કોઈ સભ્ય જ તેને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે તો કેટલું મજબૂર લાગે છે આ પાત્ર!! એડવર્ડ આવી પરિસ્થિતિમાં પોતાના પુત્ર માટે તો કંઇ કરી શકે એમ નથી પણ હવે બાકીના પરિવાર માટે તે મક્કમ થઈને જિંદગી જીવવા પોતાને તૈયાર કરે છે.
લ્યુક પણ પોલીસ તરીકેની ફરજ બજાવતા પોતે પુત્રને સમય નથી આપી શકતો એ જાણે છે પણ સાથે સાથે જ્યારે તેને તેના પુત્ર(એડમ) પાસેથી સોશિયલ મિડિયા અંગેના ટીનેજર્સના કોડવર્ડ જાણવા મળે છે ત્યારે તેને ખૂબ જ હેરાની થાય છે. તે વિશ્વાસ નથી કરી શકતો કે આ બાળકો આ હદ સુધી પણ જઈ શકે. આ બધા વિચારોથી ડરીને તેને પોતાના પુત્ર પ્રત્યે સહાનુભૂતિ જાગે છે. તે જાણે છે કે જે પરિસ્થિતિમાં અત્યારે જેમી છે એ પરીસ્થીતીમાં પોતાનો પુત્ર હોય તો? આ વિચાર માત્રથી જ તેના મનમાં એડમ પ્રત્યે પ્રેમ જાગે છે. એક પિતાને તેના પૂત્ર પ્રત્યે પ્રેમ હોય જ એમાં શું નવું? પણ આ પ્રેમ પિતા ક્યારેય પોતાના સંતાનો ટીનેજરની વય પર પહોંચ્યા બાદ કહી શકતા નથી અને કનેક્ટિવિટી ગુમાવી બેસે છે. આ વાતનો લ્યુકને ખૂબ પહેલા અહેસાસ થઈ જાય છે. માટે જ તે એડમ પાસે માફી માંગે છે અને કેસના ઇન્વેસ્ટિગેશનને પડતું મૂકી પહેલા એડમ સાથે લંચ કરવાના બહાને સમય પસાર કરવા નીકળી પડે છે. આ સમયે જ એડમના વર્તનમાં પણ ઘણો ફરક આવે છે અને શરૂઆતમાં જે અંતર્મુખી લાગતો હતો તે હવે તેના પિતા સાથે ખિલખિલાટ હસતો જોવા મળે છે.
લ્યુક અને એડવર્ડ બંને પેરેન્ટિંગના એક જ પરિમાણમાં હોવા છતાં ટીનેજર પર જે બાહ્ય પરિબળો લાગે છે તેમાંથી એકદમ અજાણ હોય છે. જો કે લ્યુક આ પરિબળોને જેમીના કેસને કારણે વહેલા પારખી લે છે જ્યારે એડવર્ડને આ બધું સમજાતા ખૂબ જ નુકશાન થઈ ગયું હોય છે.
આ બધું વાંચ્યા પછી કદાચ તમે આ બે પાત્રો સાથે વધુ કનેક્ટ કરી શકશો. ખાસ કરીને જો તમે એક પેરેન્ટ છો તો આ સ્લો, બોરિંગ અને નીરસ લાગતી સિરીઝ જોઈને એકવાર તો મંથન કરવું જ રહ્યું.
Comments
Post a Comment