Skip to main content

પ્રિસ્ક્રીપ્શનનું ભૂલદર્શનશાસ્ત્ર

           પ્રમોદભાઈને પેટમાં દુખાવો થતો હતો એટલે ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન(prescription) લખાવી મેડિકલ સ્ટોરેથી દવા લીધી, પીધી અને સારું થઈ ગયું. દસ બાર મહિના પછી ફરીથી પેટમાં થોડી ગડબડ જેવું લાગ્યું એટલે આપણા સંગ્રહખોર પ્રમોદભાઈએ મોહેંજો દારો ના અવશેષ જેવું પેલું જૂનું પ્રિસ્ક્રીપ્શન શોધી કાઢ્યું અને લગાવી દોટ મેડિકલ સ્ટોર તરફ. મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ(Pharmacist) જેવા દેખાતા (☺️) એક ભલા માણસે તરત જ હોંશે હોંશે એ દવા કાઢી આપી. પ્રમોદભાઈએ ફરીથી દવા લીધી, પીધી પણ સારું ન થયું. પણ આ તો પ્રમોદભાઈ , હાર તો ના જ માને, પહોંચી ગયા પડોશી ઉધારમલ પાસે. ઉધારમલ ને પણ પહેલા કાંઈક પેટના દુખાવામાં અમુક દવા લીધી હતી એનાથી એ ભાઈ ને સારું થઈ ગયું હતું. એટલે આ સક્સેસ સ્ટોરીને ધ્યાને લેતા પ્રમોદભાઈએ ઉધારમલ પાસેથી તેની દવા ઉધાર લીધી, પીધી પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. છેલ્લી જાણકારી મુજબ પ્રમોદભાઈ હોસ્પિટલમાં દસ દિવસથી એડમિટ છે.
          આવા કેટલાય પ્રમાદિ પ્રમોદભાઈ વગર વિચાર્યે કેમિકલના ઝાડ પેટમાં વાવે છે અને પાછળથી પસ્તાય છે. તો સામે એવા ઉધારમલનો પણ તોટો ના મળે. ડોકટરે એક વખત લખી આપેલું પ્રિસ્ક્રીપ્શન એક જ વખતના અમલિકરણ માટે છે જ્યાં સુધી ડોકટર તેની આગળ પરવાનગી ના આપે. અમુક ગાંઠે બાંધેલા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં આ પ્રિસ્ક્રીપ્શન વેલીડ છે પણ કોઈપણ પ્રિસ્ક્રીપ્શન છ મહિનાથી વધુ વેલીડ તો ના જ ગણી શકાય. છ મહિને આ કાયમી દર્દીઓએ પણ ડોકટરના દર્શન કરવા હિતાવહ જ છે. પણ આ તો થઈ બધી શાસ્ત્રોક્ત વાતો, આપણે તો શાસ્ત્રોથી પર ખરા ને!
          પ્રિસ્ક્રીપ્શન પર લખેલી તારીખ ને વાંચવાની જવાબદારી ફાર્મસીસ્ટ ની પણ એટલી જ છે જેટલી લખવાની ડોકટરની. પણ આ હોંશે હોંશે દવા આપતો ભલો માણસ કદાચ ફાર્મસીસ્ટ જ ના હોય તો? તો પછી આ વાત એને તો ક્યાંથી લાગુ પડી શકે. ભારતમાં મેડિકલ સ્ટોર પર જોવા મળતા દિગ્ગજ મોટે ભાગે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ ના હોય એવું સામાન્ય છે. આમ પણ ગામના ચોરે એલોપેથી દવા લખતો ડોકટર પણ મુન્નાભાઈ જ નીકળે તો નવાઈ નહિ!
          જ્યારે આપણે કોઈ સિસ્ટમ કે પ્રણાલિકા તરફ આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની જે ચાર આંગળી આપણા તરફ આવે છે એ જ દર્શાવે છે કે આંગણું તો ઘરનું જ પહેલા સાફ કરવું પડશે, બહાર ઝાડું સાથે ફોટોશૂટ પછી ક્યારેક કરી લઈશુ. પહેલી નજરે જેમ પ્રમોદભાઈ વાંકે ચડે તો પ્રમોદભાઈની નજરે પેલો ફાર્મસીસ્ટ વાંકે ચડે કે તારીખ વેલીડ ના હોવા છતાં દવા કેમ આપી? તો સામે ફાર્મસીસ્ટ (જો ઓરીજીનલ હશે તો) પણ ડોકટરના પ્રિસ્ક્રીપ્શનમાં બે પાંચ ભૂલો બતાવીને પોતાની તરફ ચીંધાયેલી આંગળીની દિશા બદલશે. પરિણામ ગણિતના નિયમ મુજબ વત્તે ઓછે ઓછા થઈને શૂન્ય થઈ જશે.
          માત્ર ડોકટર કે ફાર્મસીસ્ટ જ નહીં પણ જ્યારે આરોગ્યના જવાબદાર તમામ કર્મીઓ આ મુહિમને નહિ અપનાવે ત્યાં સુધી લોકોને સમજાવીને જાગૃત કરવાનો નુસખો કારગત નીવડે એમ નથી. એક નાની ભૂલને મોટી ભૂલમાં પરિવર્તીત થતી રોકવી હશે તો સિસ્ટમના દરેક પાસામાં નવી અપડેટ જરૂરી છે નહીં તો સિસ્ટમને હેંગ થતા બહુ વાર લાગે એમ નથી.

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...