વિસ્મયભાઈને સામાન્ય શરદી થવાથી દસ દિવસનો બેડ રેસ્ટ ડોકટર સજેસ્ટ કરે છે. કિનલબહેને એક વર્ષ પહેલા ગર્ભાશય નું ઓપરેશન કરાવ્યું પણ હજુ સુધી તે હોસ્પિટલના બીછાને છે. રિતેશદાદાને બે વર્ષથી ટીબીની દવા શરૂ છે પણ છતાં કંઈ ખાસ ફરક લાગતો નથી. વળી તેનો પૌત્ર નેવીલ પણ બે અઠવાડિયાથી ખાંસતો દેખાય છે. ડેનિશાદાદીને છ મહિના પહેલા આંગળીમાં નખનાં ભાગે કઈક વાગ્યું હતું પણ હજુ તેમાંથી રસી નીકળવાના શરૂ છે, હવે તો જોકે એ આંગળીના બે જ વેઢા બચ્યા છે !!!
આ બધી વાતો ઇ.સ. 2040 માં જ સાંભળવા મળે તો નવાઈ નહીં.(દાદા દાદીના નામ પણ આવાં જ હશે!) એ સમય દૂર નથી જ્યારે અત્યારની યુવા પેઢી વૃદ્ધાવસ્થામાં ડગ ભરતી હશે અને આવનારી પેઢીની મહામારીઓ લાચાર થઈને જોઈ રહી હશે. અહીં દિલ્હીના 400 ઉપર પહોંચેલા એર ક્વોલીટી ઈન્ડેક્સની વાત નથી ચાલતી પણ ઝોમ્બીની જેમ આગળ વધી રહેલા 'સુપરબગ્સ'ની વાત છે.
સુપરબગ્સ એટલે એવા બેક્ટેરિયા જેના પર એન્ટિબાયોટિક દવાઓ કોઈ ખાસ અસર નથી કરી શકતી. આ બેક્ટેરિયા એન્ટિબાયોટિક દવાઓ સામે રજીસ્ટન્સ કેળવીને સર્વશક્તિમાન બની ગયા હોય છે. બસ આવા સુપરબગ્સને પોતાની આગળની પેઢી વધારવા પછી તો ફક્ત એક અનુકૂળ વાતાવરણના બહાનાની જરૂર છે . ડોકટરના સંતાન ડોકટર ના પણ બની શકે પરંતુ સુપરબગ્સના ઈંડા ચીતરવા ના પડે, એ તો સુપરબગ્સ જ થવાના!! આ સુપરબગ્સ (એન્ટિબાયોટિક રજીસ્ટન્ટ બેક્ટેરિયા) તમારી નાની બીમારીને મોટી બનાવવા તનતોડ મહેનત કરે છે. આખરે તમારી બીમારી જ તમારા માટે તન, મન અને ધનતોડ બની જાય છે.
એક ગોળી ખાઈને ચલતી કા નામ ગાડીમાં પુરપાટ વેગે જિંદગી જીવતા આપણે કદી વિચાર્યું નથી કે જ્યારે આ ગોળી કામ નહીં કરે ત્યારે આપણી ગાડીને બ્રેક લાગી જશે. એક સમયે ખેતરમાં જે પાણી ઉભો પાક પી લેતો એ જ પાણી પીનારા આપણે આજે ફિલ્ટરના પાણી પીવા છતાં થતી પથરી જેવા રોગમાં પણ બીજા સેકન્ડરી ઇન્ફેક્શન ભેળવીને બીમારીને કોમ્પ્લિકેટ કરી રહ્યા છીએ. આખરે એવી કઈ શક્તિ આ સુપરબગ્સ માં છે જે હોમો સેપિયન્સને ટક્કર આપી રહી છે? હકીકતમાં સામાન્ય બેકટરિયાને સુપરબગ્સ બનાવવામાં મોટો હાથ તો માનવજાતનો જ છે. જેવી રીતે આપણે આપણા બાળકોને વેકસીન રૂપે બેક્ટેરિયા કે વાઇરસના એન્ટીજન પુરા પાડીને તેના શરીરમાં એ બેક્ટેરિયા કે વાયરસ સામે લડવા એન્ટીબોડી ઉત્પન્ન કરીયે છીએ બસ એવી જ રીતે અપ્રમાણસર માત્રામાં મનફાવે તેમ લેવાતી એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયા માટે વેકસીનનું કામ કરે છે અને તેને સુપરબગ્સ બનાવી દે છે.
સુપરબગ્સનો ફેલાવો કરવામાં આપણે કોઈ પ્રણાલી બાકી નથી રાખી. પ્રાણી અને પક્ષીઓમાં વધુ પડતા એન્ટિબાયોટિક્સના ઉપયોગથી ઉભા થતા રજીસ્ટન્ટ સુપરબગ્સ તેના દૂધ અને માંસ દ્વારા બીજી પ્રણાલીમાં પ્રવેશે છે. વળી હવા અને પાણી તો આ સરખામણીએ સામાન્ય વાહક ગણી શકાય. આપણા ખોરાકમાં લેવાતા મામુલી માત્રાના પેસ્ટીસાઈડ્સ પણ એક પ્રકારના વનસ્પતિ માટેના એન્ટીમાઇક્રોબીઅલ કેમિકલ એજન્ટ્સ જ છે જે આડકતરી રીતે સુપરબગ્સની શક્તિમાં વધારો કરે છે. આપણી આજુબાજુ દરેક સિસ્ટમમાં આ દાનવ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે જેની સામે લડવાની આ છેલ્લી તક છે. જો આ સમય હાથમાંથી જતો રહ્યો તો કદાચ બહુ મોડું થઈ જશે.
WHO દ્વારા આ વર્ષે 12નવેમ્બર થી 18નવેમ્બર સુધી ઉજવવામાં આવતું 'વર્લ્ડ એન્ટિબાયોટિક અવેરનેસ વીક' આ ઝુંબેશનો જ એક ભાગ છે, જેમાં લોકોને એન્ટિબાયોટિક રજીસ્ટન્સથી માહિતગાર કરવામાં આવે છે. જો મહાભારતના કે રામાયણના યુદ્ધની શરૂઆત જ બ્રહ્માસ્ત્રથી થઈ હોત તો? તો કદાચ એ દરેક યુદ્ધ એક જ દિવસમાં પુરું થઈ જાત પણ બ્રહ્માસ્ત્રનું મહત્વ ઘટી જાત. એવી જ રીતે જો ઇઝરાયેલ ગાઝાપટ્ટી પર દારૂગોળાની મિસાઈલને બદલે સીધો પરમાણુ બૉમ્બ જ ફેંકી દે તો? તો ઇઝરાયેલ પણ તેના માઠાં પરીણામો ભોગવે. સોયની જગ્યાએ તલવારથી કામ લેનાર હોમો સેપિયન્સ એટલી વિવેકબુદ્ધિ દાખવી શકશે? દાખવવી પડશે જ, નહિ તો બે દિવસની તાવ કે શરદી સહન ન કરી શકનારા આપણે એક મહિનો હોસ્પિટલની પથારી પર વિતાવવો પડે તો નવાઈ નહીં અને એ પણ તાજા-માજા-સાજા થવાની કોઈ પણ ગેરન્ટી વગર!!!
Comments
Post a Comment