Skip to main content

ફાર્માસિસ્ટ -અ ફરગોટન હીરો



“ભાઈ, હજુ થોડી દુ:ખાવાની બે ગોળી વધુ આપી દો ને...”
“પણ તમારે જરૂર નથી એટલી દવાની, આમાં ડોકટરે જેટલી લખી એટલી મેં આપી દીધી.”
“તમે આપી દોને , ડોકટરે ભલે ના લખી હોય. પડી હશે તો કામ લાગશે”
આખરે કંટાળીને સરકારી દવાખાનાનો ફાર્માસિસ્ટ બે વધુ ગોળી કાપીને આપે છે એ દર્દીને અને લાઈનમાં તેના પછી ઉભેલો બીજો દર્દી- એ જ સંવાદ અને એજ માંગણી સાથે.

આ સંવાદ કોઈ કરીયાણા ની દુકાન નો હોય એવું લાગે પહેલા તો, પણ લગભગ બધાજ સરકારી દવાખાનાઓમાં ફાર્માસિસ્ટ (ઓહ સોરી, તમે ના ઓળખ્યા? પેલો દવાવાળો)ની હાલત આવી જ છે, આખા ભારતભરમાં. ક્યારેક ફાર્માસિસ્ટ શબ્દ સાંભળીને અજુગતું લાગે કે આ વ્યક્તિ નક્કી કોઈ ખેતીના બિઝનેશ સાથે સંકળાયેલો હશે, ખાસ કરીને અધુરો ઘડો માથા પર રાખીને ચાલતા કહેવાતા અંગ્રેજી વિવેચકોને આવું વધુ લાગશે. આમ પણ આપણા દેશમાં ફાર્માસિસ્ટના કાર્યને અને તેની કાબેલીયતને સમજનારા એટલા જ છે જેટલા અમાસની રાત્રે આકાશમાં ચંદ્રદર્શન કરનારા. લોકોના પ્રત્યક્ષ સંપર્કમાં આવનારા બે જ ફાર્માસિસ્ટ છે, એક સરકારી દવાખાનાની દવાની બારીએ જોવા મળતા નાશપ્રાય: જીવો અને બીજા પ્રાઇવેટ મેડીકલ સ્ટોરમાં ખુબ જ ઓછા અને ભાગ્યે જ જોવા મળતા દુર્લભ જીવો. જેવી રીતે કેટલાક ડોકટરો ફક્ત ખીસ્સો ખાલી કરવામાં જ હોશિયાર હોય છે, તો આ જ ખિસ્સામાં ભાગ પડાવનારા મેડીકલ સ્ટોર હવે સ્વાસ્થ્ય જેવી ગંભીર બાબતોમાં પણ નૈતિક મુલ્યોને નેવે મુકીને લોકોને લુંટવામાં ભાગીદાર બની રહ્યા છે. મેડીકલ સ્ટોરનો આ ટ્રેન્ડ તેના વ્યવસાયિક વલણ ને કારણેજ સામે આવ્યો છે અને તેનું પરિણામ આજે એ આવ્યું છે કે મેડીકલ સ્ટોર માટે જવાબદાર ફાર્માસિસ્ટ, કે જેના ખભા ઉપર જ દવાની જવાબદારી હોય છે એ જ ગાયબ થઇ ગયો છે. મેડીકલ સ્ટોરમા આજે જવલ્લે જ ફાર્માસિસ્ટ જોવા મળે છે, બાકી તો ‘કે’ થી કેમેસ્ટ્રી નો સ્પેલીંગ શરુ કરનારા કેમિસ્ટ જ મળશે. આ કહેવાતા ‘કે’ ફોર કેમિસ્ટ લોકોએ જ આજે ક્વોલીફાઈડ અને રજીસ્ટ્રેશન ધરાવતા ફાર્માસિસ્ટની જરૂરીયાતને ઓલવી નાખીને તેને દુર્લભ બનાવી દીધા છે.

હજુ દવાના સંશોધન થી માંડીને દવાની બનાવટ અને ટેસ્ટીંગ કરતો વ્યક્તિ પોતાની જાતને ફાર્માસિસ્ટ માની શકે છે, પરંતુ એ જ દવાને લોકો સુધી પ્રત્યક્ષ રીતે પહોચાડતા વ્યક્તિની ઓળખ હવે ફક્ત દવા દેવાવાળા તરીકે જ સીમિત થઇ ગઈ છે. સરકારી દવાખાનામા ફાર્માસિસ્ટની હાલત માટે હવે આપણે કોને ગુનેગાર ઠેરવશું? આપણી હેલ્થ સીસ્ટમને; લોકોની મફત મનોવૃતીને; ગર્વનો ઘડો છલકાવી દે એવી ભારતની વસ્તીને કે ફાર્માસિસ્ટની પોતાની નિષ્ક્રિયતાને?

દેવોના વૈધ ધન્વન્તરીને કેટલાક લોકો પ્રથમ ડોક્ટર માને છે તો કેટલાક (ખરેખર તો બહુ ઓછા) ફાર્માસિસ્ટ માને છે. બંને સાચા છે. ધન્વન્તરી પોતે જ ઔષધિની શોધખોળ કરતા, તૈયાર કરતા અને નક્કી પણ પોતે જ કરતા કે ક્યારે કઈ ઔષધિનો ઉપયોગ કરવો. સમય જતા આજના આ  કાળમાં ધન્વન્તરીની એ જવાબદારીઓના બીજ  બે જુદી જુદી જમીનમાં રોપવામાં આવ્યા. એક બીજમાંથી અંકુર ફૂટ્યું અને સમય જતા એક મોટું વટવૃક્ષ બની ગયું. તો બીજા બીજમાંથી વૃક્ષ થવાને બદલે એક વેલનો જન્મ થયો, જેને વૃક્ષના સહારે જ ઉપર ચડવું શક્ય હતું. જોકે વેલના ફળ એટલા જ મીઠા હતા, જેટલા પેલા વૃક્ષના. કંઇક અંશે બંને ફળના ગુણ પણ લગભગ સરખા જ હતા. આ કરોડરજ્જુ વગરની વેલ એ જ ફાર્માસિસ્ટ.

થોડા સમય પહેલાજ એક ફાર્માસિસ્ટ વિશે સોશિઅલ મીડિયામાં સમાચાર વાંચેલા. સમાચાર કોઈ એક હિન્દી ન્યૂઝપેપરના જ હતા પણ સોશિઅલ મીડિયા પર સવાર થઈને મારા સુધી પહોંચ્યા હતા. કોઈ અંતરિયાળ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ્ટે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના પાડતા દર્દીએ ફાર્મસીસ્ટના હાથપગ તોડી નાખ્યા. ફાર્માસિસ્ટ તો તેના નિયમ મુજબ સાચો હતો કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન અપાય, પણ સામે પક્ષે દર્દી પોતે જ પોતાની દવા નક્કી કરીને ફાર્માસિસ્ટ પાસે માંગવા આવ્યો હતો. આખરે એ 'નિર્દોષ' દર્દીએ લાગણીમાં તણાઈને માંગણી મૂકી દીધી અને માંગણીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પછી શું થયું એ બધું વાંચવાની જરૂર નથી કારણકે એ ન્યૂઝપેપરમાં એ ફાર્માસિસ્ટ ભાઈનો પ્લાસ્ટરથી મઢેલો ફોટો જોઈને બધો અંદાજ આવી જશે.

આ વાંચીને આપણને થશે કે આમાં વળી નવું શું છે? ડોકટરોને પણ તાજેતરમાં આવીજ હિંસાઓ નો ભોગ બનવું પડ્યું છે અને છતાં 'પડ્યા પર પાટું મારે' તેમ કોર્ટે ડોકટરોને લપડાક લગાવી કે આવા બનાવોથી તમે હડતાળ પર ના ઉતરી શકો. તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો નથી પણ તમારો વ્યવસાય લોકોની જિંદગી અને માનવતા સાથે સંકળાયેલો છે.

ફરી આપણે આપણા ભુલાયેલા નાયક તરફ પાછા ફરીએ. કદાચ આપણો નાયક પણ આમાંજ ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. કદાચ આપણા દેશની વ્યવસ્થા જ આ ફાર્માસિસ્ટ નામના ફોરેન બોડીને સ્વીકારવા તૈયાર ન હોય એમ તેને દેશની ઇમ્યુન સિસ્ટમ માંથી બહાર કાઢી નાખે છે અને એટલે જ આ સ્વાસ્થ્યનો સેનાની આજે ચીમડાયેલા ફૂલ જેવો થઈ ગયો છે. એવા તો કેટકેટલાય મુદ્દાઓ ને આપણે જવાબદાર ઠેરવી શકીયે પણ પહેલા કેટલાંક ઉડીને આંખે વળગે એવા મુદ્દાઓ જોઈએ.

1. ભારતની વસ્તી

ગર્વથી છાતી ફુલાઈ જાય એવી વસ્તી ધરાવતો આપનો ભારત દેશ. આ વિશાળ વસ્તીને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટેનું મેનેજમેન્ટ પણ હજુ ભારતની જેમ જ વિકાસશીલ છે અને વિકસિત થવાની રાહમાં છે. WHO ના 2016 ના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દર એક લાખે 80 ડોકટરો છે અને 50 ફાર્માસિસ્ટ છે. હવે આ 80 ડૉક્ટરોમાં એલોપથી રજીસ્ટર્ડ ડોકટરોની સંખ્યા માત્ર 36 જ છે. બાકીના 44 ડૉક્ટરોમાં  'અડધી કેપસ્યુલ સવારે અને અડધી કેપસ્યુલ સાંજે' લખતા નોન એલોપેથી ડૉક્ટરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામેગામ જનધનને સ્વાસ્થ્ય દુવિધાઓ પુરી પાડતા નોનમેટ્રિક પાસ ડેક્ષાપેથી ડોકટરો તો ખરાં જ. હવે વાત કરીએ પેલા 50 ફાર્મસીસ્ટની તો આ 50 રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ માંથી કેટલાક ઇન્ડસ્ટ્રીયલ તો કેટલાક રિસર્ચ સાથે સંકળાયેલા છે. લોકોના સીધા સંપર્કમાં આવતા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ ની સંખ્યા ખૂબ જ ઓછી છે.

એ તો માનવું જ રહ્યું કે ભારતભરમાં સરકારી દવાખાના કરતા પ્રાઇવેટ દવાખાનાની સંખ્યા અને બોલબાલા વધુ છે. પણ હકીકતમાં ભારતની મોટાભાગની વસ્તી આ સરકારી દવાખાનાઓના સંપર્કમાં જ આવે છે અથવા બીજી રીતે કહીએ તો તેને સરકારી જ પરવડે એમ છે. અમેરિકાની ખોબા જેટલી (ભવ્ય ભારતની સાપેક્ષે) વસ્તીને સાચવવા પણ નિદાન કરતો ડોકટર અલગ અને દવા લખતો ફાર્માસિસ્ટ અલગ હોય છે તો તેની સામે આપણા દેશ માં એક હાથેથી વેકસીનની કોલ્ડ ચેઇન ને ખેંચતો અને બીજા હાથે દર્દીને દવા પુરી પડતો અને વધેલા હાથે સરકારને આંકડા પુરા પાડતા ફાર્માસિસ્ટ પાસે શુ અપેક્ષા રાખી શકાય? ધારોકે આ સરકારી દવાખાના નો ફાર્માસિસ્ટ બાંયો ચડાવીને દર્દીને દવાની આડઅસરો કે દવા લેવાની પદ્ધતિને વિગતવાર સમજાવી પણ દે તો એટલા સમયમાં લાંબી કતારમાં ઉભેલા પાછળના દર્દી ધીરજ ગુમાવીને પોતાની બાંયો ના ચડાવે તેની શું ખાતરી?

2. શિક્ષણ પ્રણાલી

ભવ્ય ભારતની ભવ્ય વસ્તીને ભવ્ય રોજગાર (હકીકતમાં તો બેરોજગાર) પૂરો પાડવા માટે આપણા ભવ્ય નેતાઓએ ભવ્ય સંખ્યામાં કોલેજોની રિબન કાપી નાખી અને આ ભવ્ય કોલેજોમાંથી બહાર નીકળતી ભવ્ય યુવાની આ જ કેરિયર માં આગળ પેટનો ખાડો પૂરવા માટે વલખાં મારે છે. ફાર્મસીની કોલેજોનો રાફળો પણ છેલ્લા અમુક વર્ષોમાં એવી રીતે ફાટ્યો કે કદાચ બધા જ યુવાનો પ્રવેશ મેળવી લે તો પણ જગ્યાઓ ખાલી પડે અને પછી એ ખાલી પડેલી જગ્યાની 'હરાજી' થાય એ તો નક્કી છે. ક્વોન્ટીટી ની ભીડમાં એટલે જ શિક્ષણની અને શિક્ષણ મેળવતા ફાર્માસિસ્ટ ની ક્વોલિટી સાથે ચેડાં શરૂ થયા. વાત કરીએ આ શિક્ષણ સંસ્થામાં ભણાવાતા અભ્યાસક્રમની તો એ અભ્યાસક્રમ જોયા પછી એમ જ લાગે કે દરેક વિદ્યાર્થી કોઈને કોઈ દવાનું સંશોધન તો જરૂર કરશે. પણ દવાના સંશોધન અને તેના ઔદ્યોગિકરણ ને સમજાવતો અભ્યાસક્રમ કોમ્યુનીટી માં ફાર્માસિસ્ટ ની ફરજો શીખવવામાં નિષ્ફળ રહ્યો છે. વળી, દવાના જન્મથી મરણ સુધીની બાયોગ્રાફી જાણતો ફાર્માસિસ્ટ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માં પણ કોઈક બીજી જ પ્રજાતિ ( કદાચ તમે ઓળખતા હશો)ના માણસો સાથે સીધો હરીફાઈ માં આવે છે. શું ખબર એ પ્રજાતિ ને પણ આવો જ કોઈ અભ્યાસક્રમ બીજું કોઈ લેબલ મારીને ભણાવી દેવાયો હશે. કદાચ એટલે જ ભારતની વિવિધતામાં એકતા જગ જાહેર છે.

ભૂલવા માટે પહેલા યાદ હોવું જરૂરી છે. પણ જો ભુલાયેલું યાદ ન આવતું હોય તો સમજી લેવું કે આ યાદ પહેલા જ આપણા માનસપટ પર ક્યારેય છાપ પાડી શકી નથી. આવું જ કંઈક આપણા નાયકનું છે. ભારતની વસ્તી અને શિક્ષણ પ્રણાલી ઉપરાંત જે મુદ્દા આજે ફાર્માસિસ્ટને આરોગ્ય સેનામાંથી નાત બહાર મુકવા માટે કારણભૂત છે એ છે:

3. ફાર્માસિસ્ટની ઉપેક્ષા
      
ભારતદેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર આ ફાર્માસિસ્ટ નામક નાયક ખરેખર પોતાની કામગીરીનો યશ લેવામાં ઉણો ઉતર્યો છે. આજે પોલિયો જેવો અસાધ્ય રોગ નાબૂદ થયો એમાં સરકારથી લઈને છેવાડાના આશા બહેનો અને હેલ્થવર્કરો સુધીના  આરોગ્યકર્મીઓની પીઠ થપથપાવામાં આવી. પણ આ પોલીયો રસીને બનાવટથી બાળકના મુખ સુધી લઇ જતા પહેલા ફિક્સ ડિપોઝીટ તરીકે સાચવી રાખનાર ફાર્માસિસ્ટ ને વ્યાજના નામે શૂન્ય મળ્યું. આરોગ્યકર્મી સિવાયના આ અભિયાનના સિપાહીઓ એવા શિક્ષકો પણ આ અભિયાનની સફળતાનો યશ લેવામાં ચુકતા નથી, પણ પેલો 'દો બુંદ' ને સાચવવા વાળો જ અદ્રશ્ય થઈ ગયો. 

ટીબી જેવી મહામારીમાં સફળતાપૂર્વક યોગ્ય કાઉન્સેલિંગ કરી જાણતો ફાર્માસિસ્ટ આજે ફક્ત આંકડાકીય વિગતો માટે જ મર્યાદિત થઈ ગયો છે. ફાર્માસિસ્ટ કદાચ આ વાત વર્ષોથી જાણતો હતો (તો કીધું કેમ નહીં?) કે ટીબીની એકાંતરે મળતી દવાની સારવાર કરતા ડેઇલી ફિક્સ ડોઝ સારવારની પોલિસિ દર્દીની સરળતા વધારી શકે અને ડ્રગ રજીસ્ટન્સ ના કિસ્સાઓ ઓછા કરી શકે છે. પણ આ વાત આપણી ભવ્ય ભારતની સરકારના કાને ત્યારે જ ગઈ જ્યારે સુપ્રીમ કોર્ટે તેનો કાન મરોડયો. આજે ભારતના અર્થતંત્ર નો એક નોંધપાત્ર ભાગ ફાર્માસ્યુટિકલ સેકટર પર આધારિત છે. પણ આ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં કામ કરનારો જીવ ફાર્માસિસ્ટ કહેવાય અને તેની ક્વોલિફિકેશન શુ છે તેની બહુ ઓછાને ખબર છે!

4. ફાર્માસિસ્ટની નિષ્ક્રિયતા

આજે શુ ફાર્માસિસ્ટ પોતે એવુ માને છે કે પોતે એક નાયક છે કે હતો? પોતાની જાતને નાયક માનવું એ થોડું અતિશયોક્તિ ભર્યું લાગે પણ આ અતિશયોક્તિથી જ બે પગથિયાં નીચે ઉતારતાં સ્વમાનનો વિસ્તાર શરૂ થાય છે જેમાં  ફાર્માસિસ્ટ પોતે પણ પગ નથી મૂકી શક્યો. અભિમાન અને સ્વમાન વચ્ચે એક નાનકડી ભેદરેખા હોય છે. વળી બીજા પાસેથી તમે માનની અપેક્ષા પણ તો જ રાખી શકો જો તમારી પાસે તમારું પોતાનું સ્વમાન હોય. શુ ફાર્માસિસ્ટ પોતે એવું માને છે કે એ આરોગ્યવિભાગની એક મહત્વની કડી છે? જો ફાર્માસિસ્ટ આવું વિચારે તો તરત જ મનમાં હસી કાઢશે, અરે ભાઈ દવાખાનામાં હું નહીં તો ડોકટર છે નર્સ છે એ લોકો આવડત કેળવી લેશે અને દવા આપશે. મારી શુ જરૂર છે! હું તો બસ ઉપરવાળાએ 60-70 વર્ષનું પેકેજ આપ્યું છે એ પૂરું કરવા આવ્યો છું. ફાર્માસિસ્ટે ક્યારેય પોતાની જરૂરિયાત ઉભી થવા જ નથી દીધી, ઉલટાનું ફાર્મસીસ્ટના વિકલ્પો મળી રહે એવા ઘણાં મૂર્ખ પગલાંઓ ભરી બેઠો છે.
આજે કોઈ પણ સરકારી દવાખાનામાં જશો તો બિચારો ફાર્માસિસ્ટ એક બારીના ઝરૂખે નિસ્તેજ ચહેરે દેખાશે. હા, તમે બારી પરના બોર્ડને વાંચીને જરૂર ઓળખી શકશો કે આ ફાર્માસિસ્ટ છે પણ ભૂલથી જો તમે તેને કોઈ દવાનું 'પોસ્ટમોર્ટમ' કરવાનું કહેશો તો તરત જ અચકાઇ જશે. કારણ તેની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે અને આ બુઠ્ઠી ધારને કારણે જ તેના ચહેરા પરની તેજસ્વીતા ઓલવાઈ ગઈ છે. આજે કયો ફાર્માસિસ્ટ પોતાના પહેરવેશ પરથી અલગ પડે છે? કેટલા ફાર્માસિસ્ટ ડ્રગ ડીસ્પેનસિંગ વખતે પોતાની ઓળખ બતાવતો એપ્રોન પહેરે છે? ક્યા ફાર્માસિસ્ટની ભાષા અભિવ્યક્તિ કે કાઉન્સેલિંગ પાવર તમને દવા નિયમિત અને યોગ્ય પ્રમાણમાં લેવા પ્રેરે છે? લગભગ નહિવત. ચાર રસ્તા પર ઉભેલો ટ્રાફિક કંટ્રોલર પણ પોતાના ડ્રેસકોડ ના જોરે ધાક જમાવે છે, તો ફાર્માસિસ્ટ કેમ ડોકટર અને નર્સ સ્ટાફથી અલાયદો લાગીને પોતાની ઓળખ ગુમાવે છે?  કારણ ફાર્માસિસ્ટ આજે પોતે જ પોતાની જાતને ભૂલી ચુક્યો છે.  પોતે જ ભૂલી ગયો છે કે આ સિસ્ટમમાં તે નાયક હતો કે હજુ પણ બની શકે એમ છે. આજે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ફાર્મસીસ્ટ પોતાનાથી ઓછા ક્વોલિફાય લોકોની જીહુજુરી કરતો જોવા મળે છે તો મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે ઓળખાતો માર્કેટિંગ એક્સપર્ટ ફાર્માસિસ્ટ પણ જેવા તેવા ડોક્ટરોના અપમાનનો ભોગ બનીને ઝેરના પ્યાલા હસતા મોઢે ગળે ઉતારે છે. હરખ તો હવે બસ એ જ વાતનો છે કે આટઆટલા સંઘર્ષો છતાં ફાર્માસિસ્ટ નિષ્ક્રિય તો નિષ્ક્રિય પણ અસ્તિત્વ ધરાવે છે. આ નાયક ક્યારે પોતાની સુષુપ્ત શક્તિઓને ઓળખશે અને ક્યારે નાયક બનીને ગર્વભેર આગળ આવશે એ તો આવનારો સમય જ કહેશે.




Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...