Skip to main content

NMC બિલ: કેટલી ખેંચ કેટલી ઢીલ?


"આજે સાંજે આઠ વાગ્યાથી હવે પછી કોલેજમાંથી બહાર આવનારા MBBSની ડિગ્રી મેડિકલ પ્રેક્ટિસ માટે રદ કરવામાં આવે છે...."☺️☺️☺️
કંઈક આવું જ જાણે થવા જઈ રહ્યું હોય એવો માહોલ ઉભો થઈ ગયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ડીમોનિટાઇઝેશનની હાકલ પડી હોય એવું લાગે છે. નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં પાસ થયું ત્યારથી અથવા કહો કે એ પહેલાથી જ વાતાવરણ વ્હાઇટ એપ્રોન અને સ્ટેથો સાથે ગુંજી રહ્યું હતું. કાનપુર મેડિકલ કોલેજમાં લગભગ એક દશકો વિતાવીને ભણેલા ઇએનટી સર્જન ડૉ.હર્ષવર્ધન જ્યારે હેલ્થમિનિસ્ટર તરીકે સંસદમાં આ બિલનું વર્ણન કરતા હોય ત્યારે બધા ડોકટરોને જાણે આ મંત્રી પોતાના પ્રોફેશનનો ગદ્દાર હોય એવું લાગવા માંડ્યું. જોકે આ બિલના પડઘમ તો એક વર્ષ પહેલાથી જ વાગવા માંડ્યા હતા, આ તો નવી ટર્મમાં ડૉ.હર્ષવર્ધનનું બેસવું અને NMC નું પડવું એવું થયું.


👉 NMC બિલ લાવવાનું કારણ શું?

NMC બિલ મુખ્યત્વે બે બાબતોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
  • MCIમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર દૂર કરવો.
  • ગ્રામ્ય વિસ્તારો સુધી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવી.

MCI વર્ષોથી આપણા દેશમાં મેડિકલ એજ્યુકેશનને રેગ્યુલેટ કરતી આવી છે. કોઈ એક IAS ઓફિસર પણ એક જગ્યાએ પગ જમાવે તો એ ધીમે ધીમે ભ્રષ્ટાચારનો રોટલો ચાખતો થઈ શકે અને આ તો વર્ષોથી 'જૈસે થે જય હિન્દ' વાળી કાઉન્સિલ એટલે પેઘી જાય એ તો વ્યાજબી છે. થોડા થોડા સમયે તેનું વેલીડેશન અને કેલિબ્રેશન તો થવું જ જોઈએ. તો સમજો કે આ NMC એ એક આવી જ પ્રોસેસ છે. સાત થી આઠ વર્ષ પહેલા કેતન દેસાઈ કાંડ બહાર આવ્યું હતું એ આપણે સૌ જાણીએ છીએ. પણ ફક્ત આ એકાદ કાંડને ધ્યાને લઈને સોટી ઉપાડવામાં આવી એવું નથી. ખર્ચાળ મેડિકલ એજ્યુકેશન, પ્રાઇવેટ યુનિવર્સીટીઓની જોહુકમી, જુદી જુદી સંસ્થામાંથી બહાર નીકળતા નવા ડોકટરો વચ્ચે જોવા મળતો જમીન આસમાનનો ફરક આ દરેક વાતને ધ્યાને લઈને કંઈક નવું કરવાની કોશિશ થઈ રહી છે.

વળી, ડોકટરોની ગ્રામ્ય કક્ષાએ સેવા આપવામાં જોવા મળતી ઉદાસીનતા પણ અંતે NMCમાં પરિણમી હોય એવું લાગે છે. ગ્રામ્ય વિસ્તારોમાં છેવાડાના માણસ સુધી આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં ડોકટરને પહોચાડવો એ એક અઘરું કામ છે અને આ કામને હાથમાં લઈને સરકાર કદાચ ઘણા જુના કોડ અને એકટને એકબાજુ મૂકીને (દુઃ)સાહસી પગલું ભરી રહી છે.

👉 NMC બિલ ઊડતી નજરે

નેશનલ મેડિકલ કમિશન એક એવું કમિશન બનશે કે જેનો હાથ હમેંશા MCIની ઉપર જ રહેશે. મોટાભાગના નિર્ણયો લેવાની સતા આ કમિશનના સભ્યો પાસે જ રહેશે, જેમાં રોટેશન પોલિસી મુજબ જુદા જુદા રાજ્યોમાંથી 11 સભ્યો, MCIના 5 સભ્યો, જુદી જુદી યુનિવર્સિટીના 6 વાઇસ ચાન્સેલર, 2 સભ્યો કોઇપણ ઓટોનોમસ બોર્ડના અને 1 સભ્ય સર્ચ કમિટી નક્કી કરે એ. આમ કુલ 25 સભ્યો આ કમિશનના કર્તાહર્તા બનશે. જોકે લાંબી સંસદીય ચર્ચાઓ બાદ આ બિલના નવા અમેન્ડમેન્ટમાં MCIના 5ને બદલે 9 અને વાઇસ ચાન્સેલર 6 માંથી 10 સભ્યો કરવામાં આવશે એવી સરકારે ખાતરી આપી છે. આવી રીતે MCIના એકચક્રીય શાસનનો અંત આવશે એવું લાગી રહ્યુ છે.


આ સિવાય NMC મેડિકલ એજ્યુકેશનમાં એક નવો યુગ લાવવા માંગે છે એવું લાગે છે. હજુ તો NEET ને માંડ પચાવતા શીખ્યા હતા, ત્યાંજ આગળ જતા NEXT નું કડવું કારેલું સામે ધરી દેવામાં આવ્યું. નેશનલ એક્ઝીટ ટેસ્ટના રૂપે હવે એક વધારાનું લેવલ નવા બહાર આવનારા MBBS વિદ્યાર્થીઓએ એકેડેમિક ફાઇનલ એક્ઝામની સાથે પાર કરવું પડશે. NEXT પાસ કરેલ વ્યક્તિને જ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ માટે લાઇસન્સ આપવામાં આવશે. વળી વિદેશથી લાખેરી MBBSની ડિગ્રી લઈને આવતા દેશી પંખીડાઓને પણ હવે MCIની ટેસ્ટને બદલે NEXT જ આપવી પડશે. મતલબ કે હવે બધા માટે એક જ ફિલ્ટરમાંથી પસાર થવાનું રહેશે. જેવી રીતે સીતાએ સીતા હોવાનું પ્રમાણ આપવા અગ્નિપરીક્ષા આપેલી એવી જ રીતે હવે ડોકટરોએ ડોકટર હોવાનું પ્રમાણ આપવા આ અગનખેલ ખેલવો જ રહ્યો.

આગળ વાત કરી એમ MCIના ભ્રષ્ટાચારને ડામવા હવે  ફી નિયમનની પ્રક્રિયા પણ NMC પોતાના હાથમાં લેવા જઇ રહી છે. આપણા દેશમાં આશરે કુલ મળીને 80000 ની આસપાસ મેડિકલ સીટ અવેલેબલ છે, જેમાંથી આશરે 40000 જેટલી સીટ ગવર્નમેન્ટ કોલેજોની છે અને બાકીની 40000 પ્રાઇવેટ કોલેજોની છે. આ પ્રાઇવેટ કોલેજનું ફી માળખું હવે પછી 50% બેઠકો પર NMC નક્કી કરશે અને બાકીની 50% બેઠકો રાજ્ય સરકાર કેન્દ્રના નિયમોની મર્યાદામાં નક્કી કરશે. જોઈએ હવે આ નવું સ્ટ્રક્ચર કેટલું ખિસ્સાને માફક આવે!

સૌથી કોન્ટ્રોવર્સીલ મુદ્દો આ બીલનો એ છે કે હવે ગ્રામ્ય કક્ષાએ નવા મિડલાઈન હેલ્થ પ્રોવાઇડર ઉભા કરવામાં આવશે, જેને કેટલીક દવા પ્રિસ્ક્રાઇબ કરવાનું વરદાન આપવામાં આવશે અને ધીમે ધીમે એ હેલ્થ પ્રોવાઇડર તરીકે બીએસસી નર્સિંગ કે આયુષ ડોકટરોને હોડમાં મુકવામાં આવશે. જોકે હજુ આ પોસ્ટ માટે ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવી નથી. ફક્ત ઉદાહરણ રૂપે નર્સિંગ કેડરને મુકવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટર આ અંગે સંસદમાં પોતાની સ્પીચમાં સફાઈ પણ આપી ચુક્યા છે કે આ મિડ હેલ્થ પ્રોવાઇડર માટે જરૂરી કોર્ષનું સ્ટ્રક્ચર આગામી સમયમાં નક્કી કરવામાં આવશે જેમાં અત્યારે ચાલી રહેલા છ મહિનાના બ્રિજવાસી કોર્ષનો આઈડિયા પડતો મુકવામાં આવશે અને એક નવો જ કોર્ષ જરૂરિયાતને અનુરૂપ સમયસીમા નક્કી કરીને આગામી નવ મહિનામાં NMC નક્કી કરશે. એટલે કે કોર્ષનો સમયગાળો, તેના માટે એલિજીબલ કેન્ડીડેટ્સ હજુ કમિશન નક્કી કરશે. આ ઉપરાંત NEXT નું સ્ટ્રક્ચર પણ ઘડતા આગામી 3 વર્ષ લાગશે એવું સરકાર માની રહી છે. સો જસ્ટ ટેક અ ચિલ પિલ ફોર અ વ્હાઇલ.

👉 ડોકટર કેમ નારાજ છે?


અહીં નારાજની યાદીમાં ફક્ત MBBS ડોકટરને જ ગણવા. કારણકે બીજા નોન એલોપેથી ડોકટરો કદાચ ખુશ હશે કે તેને પણ એલોપેથી ડોકટરો જેવો દરજ્જો મળવા જઈ રહ્યો છે. અરે આયુષ અને હોમિયોની સાથે કેટલોક પેરામેડીકલ સ્ટાફ પણ હવે ધીમે ધીમે મલકાઈ રહ્યો છે, જે તેની ઉતાવળ છે. વર્ષોની મહેનત બાદ બનતા MBBS ડોકટરો કઈ રીતે સહન કરી લે કે કોઈ નોન એલોપેથી ક્રિએચર આવીને તેનો ઇજારો લઈ જાય. એક માનવસહજ લાગણી કહો કે ખામી પણ બીજાને આગળ આવતા જોઈને આપણે પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂસવામાં વધુ શક્તિ વાપરીએ છીએ. આપણે ત્યાં એક સંસ્કૃતિ ઉભી થઈ છે કે ભણીગણીને સેટ તો એવા જ શહેરમાં થવું જ્યાં સુખસગવડ ઉપરાંતની વૈભવી જીવનશૈલી મળી રહે. બસ આ માનsickતાએ ડોકટરોને આજે રસ્તા પર લાવી દીધા છે. વર્ષોની મહેનત બાદ આ લોકો ખરેખર હકથી પોતાનો વૈભવ અને સ્થાન નક્કી કરી શકે એમાં કોઈ તેની સ્વતંત્રતા છીનવી ના શકે, પરંતુ આને કારણે વ્યવસ્થામાં જે છીંડું પડી રહ્યું છે તેને થિંગડું પણ ના મારવા દેવું એ વળી ક્યાંની દાદાગીરી? ઉપરથી પોતાના સુપિરિયારીટી કોમ્પ્લેક્સને પોષીને બીજા ડોકટરોને જોલાછાપ અને અણઘડ કહીને તેને ઉતારી પાડવામાં આવે છે, જે ખરેખર નિંદનીય છે. જો MBBS એવું માની રહ્યા હોય કે આ લોકોને લીગલાઈઝ કરવાથી દર્દીઓની હાલાકીમાં વધારો થશે તો જાણી લેવું કે હાલમાં પણ દસ નાપાસ ડેક્ષાપેથી ડૉક્ટરોની કોઈ અછત નથી. જો એ લોકો આ પ્રેક્ટિસ બિન્દાસ કરતા હોય તો તેના કરતા આ વિષયને ભલે અધુરો તો અધુરો પણ જાણનાર વ્યક્તિ કામ કરે તો આ કહેવાતા જોલાછાપની દુકાન બંદ થઈ શકે એવી આશા રાખી શકાય. જોકે આમાં નોન એલોપેથી ડોકટરો પણ પોતાની ખામીઓ સામે ચાલીને સ્વીકારતા હોય એવું લાગે છે. શું તમને તમારી પોતાની પેથી ઉપર વિશ્વાસ નથી કે તમારે બીજાની પેથી ઉછીની લઈને હરખાવુ પડે છે. જો વિશ્વાસ જ નથી તો આ ફિલ્ડમાં આવીને તમે એવી જ આકાંક્ષા રાખી હશે કે કોઈપણ પેથી હોય આપણે તો પેરાસીટામોલ જ દેવાની છે ને ! વળી, હાલમાં ગ્રામ્ય કક્ષાએ કામ કરતા હેલ્થ વર્કરો જ ઓલરેડી મોટાભાગની દવાઓ બિન્દાસ વાપરી રહ્યા છે, તો હવે જે થવાનું છે તેમાં નવું શું છે?


હા, એક વસ્તુ નવી છે જે ખરેખર ધ્યાને આવે એવી છે. વિદેશથી આવીને NEXT આપનાર અને ભારતમાં ભણીને NEXT આપનાર બંને જો ફેલ થાય તો વિદેશી MBBS લોકલ કરતા એક પગથિયું આગળ કહેવાય. કારણ કે તેની પાસે જે તે દેશની પ્રેક્ટિસ માટેની જોગવાઈ અકબંધ છે કારણકે એ ત્યાંનું લાઇસન્સ ઓલરેડી ધરાવે છે જો એ ત્યાં સેટલ થવા માંગતો હોય તો પછી ભલે તે ભારતમાં એલિજીબલ ના ગણાય પરંતુ આપણો ભારતીય બેચલર ના ઘરનો ના ઘાટનો. આ બાબતમાં ચોખ્ખો વાંધો ઉપાડવાનો અધિકાર ખરો.

👉 અંતિમ ચિંતા

MBBS ડોકટરોની ચિંતા અસ્થાને જરાય નથી, પણ સાથે આ છીંડાને થિંગડું મારવા પોતે શુ કરી શકે એ પ્રયાસ સામે ચાલીને કરે તો કદાચ વ્યવસ્થાને નિયમો મુજબ ગોઠવી શકાય. સરકાર પોતે જ કહે છે કે અમે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એકટ, 1956 ને નેવે મૂકી રહ્યા છીએ તો નારાજગી વ્યાજબી છે. જોકે ડ્રગ એન્ડ કોસ્મેટિક એકટ,1948 જેવા ધારાધોરણો હયાત હોવા છતાં તેનું વાયોલેશન જો ખુલ્લેઆમ થતું હોય તો આ કાઈ નવી વાત નથી. વળી નવા બિલ પ્રમાણે સરકાર એ પણ ખાતરી આપે છે કે ડિગ્રી વગરના અણઘડ ડોકટરોની સજા 1લાખ થી વધારીને 5 લાખ અને 1 વર્ષની કેદ કરવામાં આવી છે, પણ અત્યાર સુધીમાં જુના નિયમ મુજબ કેટલા ટકા પાસેથી 1 લાખ લેવામાં આવ્યા છે તેનો કોઈ હિસાબ ખરો? પરિવર્તન સંસારનો નિયમ છે એ કદાચ સારા માટે હોય કે ખરાબ માટે પણ ઇતિહાસ હંમેશા સાક્ષી રહ્યો છે કે દરેક પરિવર્તન સામે નવી ક્રાંતિ કે વિરોધ તો થવાનો જ અને જો પરિવર્તન ખરેખર બહુ જન હિતાય બહુ જન સુખાય હશે તો જરૂર આ વિરોધના વંટોળ સામે ટકી શકશે. ઘણા વર્ષો સુધી સાઉથ ઇસ્ટ રિજનમાં WHO ના મુખ્ય સલાહકાર રહી ચૂકેલા ડૉ. હર્ષવર્ધન મિડલાઈન હેલ્થ પ્રોવાઇડર માટે ચીન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સંદર્ભ અને WHO ની ગાઈડલાઈનને ભલે આગળ ધરતા હોય પણ એવી જ બીજી ઘણી ગાઈડલાઇન્સ મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફના લાભાર્થે પણ હોય છે જેને સરકાર જાણી જોઈને અવગણી રહી છે. બસ ગમતાનો ગુલાલ કરીને જ ઉડાડવામાં આવી રહ્યો છે. અત્યારે તો આ બિલને 'નરો વા કુંજરો વા' જ કહેવુ રહ્યું. સમય જ નક્કી કરશે કે નવા અમેન્ડમેન્ટ્સ ઉમેરાઈને આવતું તાજું બિલ કોના માટે કેટલું સ્વાદિષ્ટ રહેશે!

સુપર ઓવર: મને ચાની પ્યાલી પકડાવતા છોટુને મેં મજાકમાં પૂછી નાખ્યું,"છોટુ, આ ડોકટરો માટે NEXT ની ટેસ્ટ કેટલી વ્યાજબી છે?" છોટુએ પોતાની આગવી અદામાં કહ્યું," સા'બ, પેલા કોહલી જેવા કોહલીને ભી જો રમવા માટે યો યો ટેસ્ટ આલવી પડતી હોય તો આ ડોકટર લોકોએ તો આલવી જ પડે."

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...