Skip to main content

પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક




ઇતિહાસના પાનાઓ પર સેકન્ડે સેકન્ડની ઘટનાઓ કંડારાઈ રહી છે એવા આ કોરોના પેન્ડેમિક સમયમાં એક નવો શબ્દ ઉગીને સામે આવ્યો, જે છે ઇન્ફોડેમિક (infodemic). પેન્ડેમિક દ્વારા થતા નુકસાનના આંકડાઓ જગજાહેર થતા રહે છે પણ અફસોસ ઇન્ફોડેમિકને લગતી કોઈ આંકડાકીય માહિતી સામે નથી આવતી કે જેના દ્વારા થયેલ નુકસાનને માપી શકાય. 

ઇન્ફોડેમિક એટલે માહિતીનો એવો વિસ્ફોટ કે જેમાંથી ઉડતા ચીંથડે ચીંથડાઓનો લોકો ઉપયોગ કરીને પોતાના કપડામાં થિંગડા મારી રહ્યા છે. અધકચરી માહિતીનો ઉપયોગ કરીને લોકો પોતાની થિયરી વહેતી કરી રહ્યા છે. એકબાજુ તંત્ર કોરોના સામે લડી રહ્યું છે તો બીજી બાજુ આવી અફવા બજારો સામે પણ પગલાં લેવાના શરૂ થઈ ગયા છે. અફસોસની વાત એ છે કે હવે કોરોના સામેની લડાઈ ફક્ત એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી રહી, હવે દરેક મોરચે તેની સામે લડવાનો વખત આવી ગયો છે.

ઇન્ફોડેમિક એટલી હદે વકરશે તેનો અંદાજ કદાચ કોઈને નહિ હોય. આજે કોઈ પણ માહિતીથી જાગૃત હોવું, અવગત હોવું એ એક વાત છે પણ એ જ માહિતીનો સ્ત્રોત કે ઉદ્દગમ જાણ્યા વગર તેના પર ભરોસો કરી લેવો એ અલગ વાત છે. ફક્ત માહિતી મેળવી લેવાથી વાત પુરી નથી થઈ જતી. આ માહિતીમાં પોતાની હાયપોથીસીસ બનાવીને તેમાં તથ્યો વગરનો મરીમસાલો ઉમેરવો અને વાનગી દૂરથી જ સ્વાદિષ્ટ લાગે તેવું બનાવીને વહેંચી દેવું એ આપણી આવડત થઈ ગઈ છે. સોશિઅલ મીડિયાના આ યુગમાં  પ્રસરતી માહિતી કદાચ કોરોના વાઇરસના પ્રસરણ કરતા પણ વધુ ઝડપી છે.


આજે કદાચ કોઈને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો બોલશે કે ઘરની બહાર નહીં નીકળવાનું, માસ્ક બાંધવાનું, હાથ ધોવાના વગેરે વગેરે. પણ તેનું આચરણ તે બીજા પર છોડી દેશે. સલાહ આપવી સરળ છે પરંતુ તેનું પાલન એટલું જ અઘરું. અત્યારે તમે જેને પોતાના ફાઇનાન્સિયલ એડવાઇઝર માનતા હો, જેની દરેક વાત માનીને તમે સફળતાનાં શિખરો સર કર્યા હોય, જેની એક એક સલાહ તમારા માટે લાખોનો ફાયદો કરાવી ગઈ હોય એ જ વ્યક્તિ જ્યારે તમને કોરોનાનું જ્ઞાન પીરસતો મેસેજ કરશે ત્યારે તમે તેના પર આંખ મીંચીને ભરોસો કરવાના જ. ફક્ત ભરોસો જ નહિ પણ સાથે સાંજ સુધીમાં એ મેસેજનો ચેપ તમે હજારો મોબાઈલ સુધી પ્રસરાવી દેશો એ પણ નકકી. પરંતુ એ જ માહિતી આરોગ્યના પરિપ્રેક્ષ્યમાં કેટલી સાચી હતી તેની કોઈ તસ્દી લેવાનું કામ તમે કર્યું નથી.

બે દિવસ પહેલા WHO એ કોરોના સામે લડવાની પોતાની પાંચ મુદાની જાહેરાત કરી. જેમાં અસરગ્રસ્ત દેશોને મદદ કરવી, નવી હેલ્થ ટીમનું ગઠન કરવું અને તેને તાલીમ આપવી, રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ પુર જોશમાં ચલાવવું, હેલ્થ વર્કરોને પૂરતા સાધનો અને રક્ષણ માટેના ઉપકરણો મળી રહે તેની ખાતરી કરવી અને ખૂબ જ અગત્યનું કે ઇન્ફોડેમિક સામે લડત ચલાવી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી. ઇન્ફોડેમિકના મુદ્દાને આટલું મહત્વ આપવાનું કરણ એ જ છે કે જે નુકશાન પેન્ડેમિક ને કારણે થઈ રહ્યું છે તેના જેટલું જ નુકશાન ઇન્ફોડેમિકને કારણે થઈ રહ્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં ઓટલા પરિષદમાં લોકોના ચારિત્ર્ય નક્કી થતા હોય એવા સંજોગોમાં અફવાઓ દ્વારા પોતાનો પક્ષ ખૂબ જ આસાનીથી વહેતો કરી શકાય અને લોકો કરી રહ્યા છે એ સહુ કોઈ જાણે છે. માહિતી વિસ્ફોટના નરસા પરિણામો આપણે કેટલાય નામી અનામી આંદોલનો અને કુદરતી આફતોમાં પણ ભોગવી ચુક્યા છીએ. પણ બોધપાઠ લેવાને બદલે ઘરે ઘરે ગુપ્તરીતે છુપાયેલા વિચારકો જ્યાં સુધી પોતાનો સિદ્ધાંત સાંપ્રત પ્રવાહમાં ના જોડે ત્યાં સુધી તેનું પાંડીત્ય અધૂરું રહેલું હોય એવું જ તેને લાગ્યા રાખે છે. 



પેન્ડેમિક ને કારણે અસરગ્રસ્તોનો આંકડો ભલે હજુ અઢાર લાખ સુધી પહોંચ્યો હોય પરંતુ ઇન્ફોડેમિકને કારણે માનસિક રીતે અને કદાચ તેને કારણે શારીરિક રીતે પણ ભોગ બનેલા લોકોની સંખ્યા કદાચ આનાથી ક્યાંય મોટી હશે.

સુપર ઓવર: હમણાં જ મળેલ તાજા સોશિયલ મીડિયા મેસેજ અનુસાર કોરોનાનો ટેસ્ટ તમે ઘરે બેઠા શ્વાસ રોકીને પણ કરી શકો છો... લ્યો બોલો.

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જ

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડી

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ