દરેક બનાવો અને દરેક વસ્તુને આપણે ફિક્શનના ઢબે જોવા ટેવાયેલા છીએ. આ વાત ફક્ત ફિલ્મી દુનિયાના અસ્તિત્વ પછી જ જોવા મળી એવું નથી. જ્યારે ફિલ્મો બનતી ન હતી ત્યારે પણ લોકો કોઈ પણ વાતમાં વાર્તા શોધવાનો પ્રયત્ન પોતાની જાતે પુરી રીતે કરતા હતા. આપણું અર્ધજાગૃત મન દરેક બનાવ કે સમાચારોમાં પણ વાર્તા જ શોધે છે પછી તે કરૂણ જ કેમ ના હોય. મીડિયા ચેનલ દ્વારા પરોસવામાં આવતી માહિતી પણ કઈક અંશે ફિક્શનના વાઘા પહેરાવીને જ મુકાય છે.
આપણી કુટેવોને સુટેવોમાં બદલવા આપણા ઋષિમુનિઓએ પણ આપણને કેટલીક પ્રણાલીઓ પહેલેથી જ આપેલી જેનો આપણે હજુ સુધી અર્થ જાણ્યા વગર અમલ કરી જ રહ્યા છીએ પણ ધીમે ધીમે તે પ્રણાલીને એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરાવતા કરાવતા તેમાં રહેલા લોજીકને સાથે બાંધીને આગળ વધારવાનું ચુકી ગયા. આ સુટેવોને પણ વાર્તાના તાંતણામાં ગૂંથીને જ આપણા વડવાઓ અને ઋષિમુનિઓ આપી ગયા. પરંતુ વાર્તાઓ અને વ્રતકથાઓ રહી ગઈ અને તેનું હાર્દ અને તેના પાછળનું વિજ્ઞાન ધીમે ધીમે વિસરાતું ગયું. તો મહત્વનો મુદ્દો એ જ છે કે ફિક્શન કે વાર્તા એ જ સૌથી સરળ રસ્તો છે કોઈ પણ મોટી વાતને ગળે ઉતારવાનો. જરા વિચાર કરો કે જો મહાભારતમાં યુદ્ધસ્થિતિનું નિર્માણ થયા વગર જ શ્રી કૃષ્ણએ એક વડલા નીચે બેસાડીને જ કૌરવો અને પાંડવોને ભગવદ્દ ગીતાનો પાઠ ભણાવી દીધો હોત તો..! શક્ય છે કે એ વર્ષો સુધી એટલો યાદ પણ ના હોત. પરંતુ તેની આજુબાજુના બનાવોને સરસ રીતે વ્યાસજી એ ગૂંથી લીધા અને અર્ક પાઈ દીધો. એનો એવો મતલબ જરાય નથી કે દરેક બનાવો ઉભા કરાયા હોય. મૂળ અર્ક પોતે જ પોતાની આસપાસના બનાવોને પોતાની તરફ ખેંચીને દિશાનિર્દેશ કરતો હોય છે જેને સમજવા માટે ફક્ત એક સમર્થની કલમ અને ઇચ્છાશક્તિની જરૂર હોય છે. અમારી ફાર્મસીની ભાષામાં કહું તો 500 મિલિગ્રામ પેરાસીટામોલ લેવા માટે તેની સાથે અમુક ગ્રામના એકસીપીયન્ટ પણ ભેગા આરોગવા પડે તો જ પેરાસીટામોલ તેના યોગ્ય સ્થાને પહોંચીને અસર બતાવે.
લોકડાઉનના બે મહિના થવા આવ્યા પણ હજુ આ મહામારીનો કોઈ અંત દેખાતો નથી. હા, મીડિયામાં વેકસીન અને દવાઓની માહિતીને આધારે આ અંતને ઝડપથી જ હેપી એન્ડિંગ તરફ વાળવાની આશાઓ જન્માવાય છે. પરંતુ હેપી એન્ડિંગથી ટેવાયેલા આપણે ક્યારેક નરી વાસ્તવિકતાને બાજુ પર મૂકીને દરેક એન્ડિંગને હેપી બનાવવાનો ડોળ કરીયે છીએ. જુદા જુદા લોકો દ્વારા આ મહામારીની એક્સપાયરી ડેટ છેલ્લા બે મહિનાથી રિલીઝ કરાઈ રહી છે અને એમાંથી કેટલીય તારીખો અત્યારે નજીકનો ભૂતકાળ બની ચુકી છે. જો કે આ અનુમાનોની રેન્જ ખૂબ મોટી છે અને એ લંબાતી જ જાય તો પણ શક નહિ. જો કે આ પરિસ્થિતિ સાથે જીવતા શીખીને પણ હેપી એન્ડીગ ને બદલે હેપી સ્ટાર્ટ કરી શકાય એમ છે. આ વાત પણ વહેલી મોડી બધાએ ગળે ઉતારવી જ રહી. એક તરફ આપણે દવા અને વેકસીનથી કોરોનાને હરાવવાની આશા સેવી રહ્યા છીએ તો બીજીબાજુ વાઇરસ પોતાનો સ્ટ્રેઇન બદલે અને ઓછો આક્રમક થાય એવા ચમત્કારની રાહે ઈશ્વર સામે પણ નજરો માંડી રહ્યા છીએ. આ સાથે આપણે દેશના કેટલાક ક્ષેત્રોમાં આવેલા ભૂકંપના હળવા આંચકા અને વિશાખપટ્ટનમની ગેસ દુર્ઘટના જેવા બનાવોને પણ ઈશ્વરના પ્રકોપ સાથે જોડીને મનમાં તો એક ફિક્શન જ બનાવી રહ્યા છીએ.
... તો ધ વ્હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા એવેરીબડી વોન્ટ્સ ફિક્શન. 'સ્પાઈડર' નામની એક સાઉથની ફિલ્મમાં સિરિયલ કિલરને પકડવા માટે વલખા મારતા હીરોને એક સાયકોલોજિસ્ટ કિલરની સાયકોલોજીને બહુ સરળ વાતમાં સમજાવે છે કે આપણું અર્ધજાગૃત મન કઈક અસામાન્ય શોધતુ જ રહે છે. જો કોઈ ટ્રેન દુર્ઘટના થાય અને ફક્ત થોડા લોકો ઘવાય અને મૃત્યુ એકપણ ના થાય તો પણ મનમાં અંદરના ખૂણે એક વ્યગ્રતા થાય છે કારણકે આપણે હમેશા આવી દુર્ઘટનાને મોત સાથે જોવા જ ટેવાયેલા છીએ. આ અર્ધજાગૃત મનની આંતરિક ખુશી કે કરુણા અને દર્દ ઉભું કરવું અને દરેક સામાન્ય વસ્તુમાં પણ સતત કઈક અસામાન્ય શોધવું એ એક હેબીટ જેવું થઈ ગયું છે. આ ફિલ્મની આ નાનકડી વાત પરથી લાગે છે કે મોટાભાગના લોકો આ સંવેદનાઓને લાગણી વડે બહાર લાવે છે અને ધીમે ધીમે આ લાગણીઓ તેની સાથે જોડાયેલા તાંતણા બાંધીને ફિક્શનમાં પરિણમે છે. કોરોનાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણે દેશમાં તીવ્ર ગતિથી બની રહેલા દરેક બનાવમાં એક હીરો અને એક વિલન શોધવા મથી રહ્યા છીએ અને આ દ્વંદ્વ કદાચ સુષુપ્ત રીતે દરેકના મનમાં ખેલાઈ રહ્યો છે. પણ હકીકત એ છે કે આ દ્વંદ્વનો કોઈ અંત નથી એટલે જ દરેક પોતપોતાની રીતે આનો ગમતો અંત કે ગમતો અર્થ કાઢીને તેને બળજબરીથી હેપી એન્ડિંગનો ટેગ મારીને આગળ વધી જવા માંગે છે.
સુપર ઓવર: ભલુ થાય સંજય લીલા ભણસાલી જેવા માણસોનું જેણે હેપી એન્ડિંગને પોતાની સ્ક્રિપ્ટમાંથી જ કાઢી નાખીને આજની પેઢીને નવી શક્યતાઓ તરફ વિચારતી કરી.
Comments
Post a Comment