Skip to main content

ફિલ્મના પાત્રથી પ્રભાવિત થઈ શકાય, તે પાત્ર ભજવનારથી થવું જરૂરી નથી.


આજે મોટિવેશન કે પ્રેરણા એ એક બિઝનેશ થઈ ગયો છે. પહેલા કદાચ એક બે દાયકા પહેલા આ ક્ષેત્રમાં એટલું બધું કાંઈ હતું નહિ પણ હવે ધીમે ધીમે લોકોની તાસીર પારખીને કેટલાક વકતાઓએ પોતાની જાદુઈ વાણીથી નબળી મનોદશા વાળા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજે મોટીવેશનલ સ્પીકરોનો રાફળો ફાટ્યો છે અને તેઓના દરેક સેમિનાર પણ હાઉસફુલ જઇ રહ્યા છે.(અહીં હાઉસફુલ કોરોના કાળ પહેલા લખેલ સમજવું.) મોટીવેશનલ સ્પીકર્સ એટલા હોશિયાર છે કે તેને એ પણ ખબર છે કે મારા સેમિનારમાં હજારની ટીકીટ લઈને બેસવાવાળા જ સૌથી વધુ ડિપ્રેસ હોય છે. જો કે ડિપ્રેશનને શ્રીમંતાઈ સાથે જ ઘરોબો છે એવું નથી પણ શ્રીમંતોનું ડિપ્રેશન લાખોનું હોય છે એ વાત મોટીવેશનલ સ્પીકર સૌથી વધુ જાણે છે. મોટિવેશન એ પ્રોફેશન ના હોઈ શકે, જો આ સ્પીકર પોતે એવું જીવન જીવીને દાખલો બેસાડે તો જરૂર પ્રભાવિત થઈ જવાય.


પણ વાત ડિપ્રેશન કે સ્યુસાઇડની નથી કરવી. વાત કરવી છે કોઈ પણ સેલિબ્રિટી તરફની આપણી માનસિકતાની. કોઈ પણ ફિલ્મી એકટર સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ કે એટલા બહોળા પ્રમાણમાં લોકો બીજા કોઈ ફિલ્ડના સેલિબ્રિટી સાથે બહુ જૂજ જોડાતા હશે. ખરેખર ભૂલ અહીં જ થઈ જાય છે. આપણે એ એક્ટર સાથે જોડાવાનું કારણ તેણે કોઈ એક કે વધુ ફિલ્મોમાં ભજવેલ અપ્રતિમ પાત્ર હોય છે. પણ આ પાત્ર સાથેનું આપણું જોડાણ એટલું ઊંડું ઉતરે છે કે આપણે એ પાત્ર ભજવનારની પર્સનલ લાઈફમાં ડોકિયું કરવા માંડીએ છીએ. રિયલ કેરેકટર ધોની કરતા તેનું રીલ કેરેકટર સુશાંતસિંહ રાજપૂત વધુ પ્રેરણાદાયી લાગવા માંડે, કારણ કે મનને ફિક્શન પસંદ છે. હવે તકલીફ ત્યાં થાય છે જ્યારે આપણે આ કેરેક્ટરની અપેક્ષા તે એકટરની રિયલ લાઈફમાં પણ રાખતા થઈ જઈએ છીએ. રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને શું તમે બીજા નેગેટિવ પાત્રમાં પચાવી શકશો? 

એકટર પોતાના કેરેક્ટરમાં જરૂર મશગૂલ હોય છે પણ તેનાથી વધુ મશગૂલ તેના પ્રેક્ષકો હોય છે. પછી આપણને  આમિર ખાનની દરેક વાતો રણછોડદાસ ચાંચડની વાતો જ લાગવા માંડે છે. સલમાનભાઈ નું બ્રેસલેટ આપણને તેના ફેન હોવાનું પ્રતિક લાગવા માંડે છે. પ્રિયંકા ચોપરાની કોઈ પણ વાતમાંથી આપણે જે પ્રેરણા લઈએ છીએ એટલી કદાચ મેરીકોમ પાસેથી પણ નથી લેતા. ધીમે ધીમે એકટર જ કેરેકટર લાગવા માંડે છે અને આપણી અપેક્ષાઓને બે પાંખો વધુ ફૂટે છે. તેમની પાસેથી આપણે એ બધુ અપેક્ષિત કરીએ છીએ જેટલું આપણે તેના 3 કલાક થી ઓછા સમયના કેરેકટર પાસેથી કર્યું હોય. ત્યારબાદ એક સમય એવો આવે છે કે આ એકટર કોઈ વાતમાં આપણી ધાર્મિક કે રાજનૈતિક ભાવનાઓ દુભાય એવી એકાદ હિલચાલ કરી દે છે અને પછી લાખો લોકોની અપેક્ષાઓને ધક્કો પહોંચે છે. રાતોરાત એ એકટર તેના માટે બોયકોટ કેટેગરીમાં આવી જાય છે. એક જ મિનિટમાં લોકોનું દિલ તૂટી જાય છે. કેવા નાદાન લોકો છે! આ એકટરને તમે મનથી માનેલા કેરેકટર સાથે કોઈ લેવા દેવા હોતું નથી અથવા તો આવું થવા પાછળ તેના કેરેક્ટરનો કોઈ વાંક નથી. તેમની પણ એક સ્વતંત્ર જિંદગી હોય છે જેમાં કદાચ શરૂઆતની વાહવાહી તેને ગમતી હોય પણ પછી પ્રશંસાના પ્રત્યુતર આપવા અને લાખો ફેનનું દિલ ના તૂટે તેનું ધ્યાન રાખવું એ પણ એક ચેલેન્જ બની જતી હોય છે. અપેક્ષાઓના ભાર નીચે તો ધોની અને સચિન પણ જીવી ગયા છે. બસ ફરક એ હતો કે એ લોકોને ફિલ્મી કલાકારોની જેમ કોઈ બીજુ કેરેકટર ભજવવાનું ન હતું. તેણે પોતાના કિરદારમાં જ કામ કરવાનું હતું. શાહરુખ ખાનની ફિલ્મ 'ફેન' આવેલી જેમાં તેના જબરા ફેનનું ગાંડપણ ચોખ્ખું બતાવાયુ છે અને તે ગાંડપણનો અંત પણ ખૂબ કરૂણ છે એ પણ આપે જોયુ હશે. આપણે આવા જ ફેન બની ગયા છીએ. મનોરંજનમાંથી, વોટ્સએપ મેસેજમાંથી કે કોઈપણ મોટીવેશનલ સ્પીકરના શબ્દો સાથે આપણું જીવન જોડવાની કોશિષ કરતા આપણે દરેક જગ્યાએ પ્રેરણા શોધીએ છીએ. નીતીશ ભારદ્વાજ પાસેથી પ્રેરણા શોધવાનો પ્રયત્ન કરતા આપણે કૃષ્ણને ભૂલી જઈએ છીએ. યુદ્ધના મેદાનમાં ડિપ્રેશનમાં સરી પડેલા અર્જુનને ઉભો કરનાર કૃષ્ણને આપણે ગૌણ બનાવી દીધો છે. આપણે એટલા બધા પ્રભાવિત થઈ જઈએ છીએ ફિલ્મી કેરેક્ટર્સથી કે આ પ્રભાવને જ પ્રેરણા સમજવાની નાદાની કરી બેસીએ છીએ. ફિલ્મનું કેરેકટર ભજવનાર કરતા તેને કલમ દ્વારા જન્મ આપનાર લેખકની ભાવના અને વિચારો વધુ સશક્ત હોય છે. હું એમ નથી કહેતો કે ફિલ્મો પ્રેરણા ના આપી શકે, પણ ફિલ્મનું પ્રેરણાત્મક પાસું તેનું કેરેકટર છે, નહિ કે એકટર એ વાત મગજમાં ઉતરવી જોઈએ. તેને નાહકનું એક્ટરના જીવન સાથે જોડીને ગૂંચવણ ઉભી ના કરવી જોઈએ. હા, મારા પ્રોફાઈલ પિક્ચરમાં રહેલા આયરન મેન થી હું પ્રભાવિત છું પણ તેનો અર્થ એ નથી કે હું રોબર્ટ ડી. જુનિયરને મારો આદર્શ બનાવી લઉં.

સુપર ઓવર: જો એકટર લોકો જ તેના કેરેક્ટરને છાતીએ લગાવીને જીવતા હોત તો કદાચ આજે એક જીવ બચી ગયો હોત!

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જ

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડી

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ