Skip to main content

સરકારી દવાખાનાના કેટલાક વીઆઇપી દર્દીઓ સાથે પરિચય


આ લેખની પાત્ર અને ઘટનાઓ જરાય કાલ્પનિક નથી. જેની કોઈ પણ વ્યક્તિ કે ઘટના સાથે સમાનતા થઈ શકે એવું પણ બની શકે અને જો એવું બને તો સમજવું કે આ વ્યક્તિ કે ઘટનાને ઉદ્દેશીને જ લખાયું છે. સરકારી દવાખાનામાં આવનારા કેટલાક દર્દીઓ (ના, ખરેખર આ લોકો દર્દીઓ નથી હોતા) પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો કોઈ પણ દર્દ વગર દવાખાનાના નામે કરતા જાય એ ખરેખર પ્રશંસાપાત્ર છે. આ મહાનુભાવોને કારણે જ દવાખાના આટલા વ્યસ્ત રહે છે જે હકીકતમાં સાચા દર્દીઓના સમયને મફતમાં ઓહિયા કરી જતા હોય છે. હવે આ શું માંડી યાર.. સાચા દર્દી અને ખોટા દર્દી..? એવું તે કાઈ હોતું હશે? હા... હોય.. જ્યાં મફતનું બોર્ડ લાગે ત્યાં ઘઉં સાથે કાકરા હોવાના જ... તો તમારી તર્કશક્તિ ને થોડો આરામ આપો અને હલકા ફૂલકા પણ કડવા સત્યને આ મહાનુભાવોના ચરિત્રદર્શન દ્વારા માણીએ. 

🧐 ડોકટરના જ્ઞાનની ખરાઈ કરવાવાળા



વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય. પણ અત્યારે વિશ્વાસ કરવો કોના પર? અને આ તો વળી દવાખાનાનો મામલો. કોણ જાણે શું વાંધો હોય અને ડોકટર શું નવુ કાઢીને બેસે? ગાડીને ગેરેજ પર લઇ જાઓ ત્યારે આપણે જે પ્રોબ્લેમ રિપેર કરવા ગયા હોય તેની સાથે બીજી એકાદ વસ્તુઓ પણ 'હવે ચાલે એમ નથી ચેન્જ કરવી પડશે' એવું કહીને મિકેનિક બીલમાં થોડો વધારો કરી જ લેતો હોય છે, એવી શંકા મોટાભાગના લોકો કરતા હોય છે. બસ આ જ હવાનો સિદ્ધાંત પાણીમાં પણ લાગુ કરી દેવામાં આવે છે. 'ડોક્ટર પણ આવુ જ કાંઈક વધારાનું તો નહીં જોડી દેતા હોય ને?' એવા ડરથી ઘણા દર્દીઓ સેકન્ડરી એડવાઇઝ માટે દવાખાને આવે છે. યાદ રાખજો આપણે ફક્ત સરકારી દવાખાનાની જ વાત કરીએ છીએ કારણ કે મફતમાં સલાહ અને નવા પ્રયોગો અહીં જ શક્ય છે. આ દર્દીઓ પહેલા તો પોતાની બીમારી કહેશે નહીં અને બીજી જગ્યા પર કરાવેલા રીપોર્ટને પણ જાણે કે બહુ મોટો પુરાવો હોય એમ સાચવીને રાખશે. ત્યારબાદ ડોક્ટરને જાણે પોતે કંઈ જ જાણતો  ન હોય એમ ભોળાભાવે બધી વિગતો કહેશે. તેના આધારે ડોકટર પોતાનું નિદાન રજૂ કરશે. જો આ નિદાન આગળ બતાવેલા ડોક્ટર સાથે સુસંગત ન થાય એટલે તરત જ પેલા કરાવેલા રીપોર્ટનું બિલાડુ કોથળા માંથી કાઢશે અને કહેશે કે ફલાણા ડોકટરે તો 'આવું કીધું'તું અને તમે આવું કયો છો? તો આમાં સાચું કોણ?' 

આ વખતે ડોકટરની હાલત કેવી થાય એ તમે વિચારી જુઓ. અહીં દર્દી પોતે ચિત્રમાંથી બહાર આવી જશે અને પ્રશ્ન બે ડોક્ટર વચ્ચે આવીને ઉભો રહી જશે. શક્ય છે કે લેબ વેલ્યુમાં માઇનર તફાવત આવતો હોય અને ડોકટરની નિદાન કરવાની દિશા પણ તેના આધારે બદલાતી હોય. પરંતુ અહીં આ દર્દી માટે એ બહુમૂલ્ય નથી હોતું. તેના માટે તો ફક્ત બે ડોકટરોની સરખામણી જ મહત્વની હોય છે. વળી, પોતાની બીમારીની સારવાર તો એ કોઈ ત્રીજા જ ડોકટર પાસે કરાવીને આ ભગવદ્દકાર્યમાં જોડાયો હોય છે આ વાતની જાણ દર્દી સિવાય કોઈને હોતી નથી. બસ બે ડોક્ટરનું જ્ઞાન ચકાસીને તે રિપોર્ટ વહેતો કરી મૂકે કે કોણ બેસ્ટ છે એ જ તેનું લક્ષ્ય. 

🤤 ઘરે રાખેલી પ્રાયમરી એઇડ કીટ રિફિલ કરવાવાળા



દરેકના ઘરે એક નાનું દવાખાનું હોય જ છે. હોવું પણ જોઈએ. ક્યારેક કોઈ નાની મોટી ઇજાઓ વખતે પોતાનો ખ્યાલ રાખી શકાય એ માટે જરૂરી છે. પણ આ કેટેગરીમાં આવતા મહાનુભાવો માટે પ્રાયમરી એઇડ કીટ એટલે લગભગ દવાખાનાની અડધો અડધ વસ્તુઓ. તેની પ્રાયમરી એઇડ કીટ ફક્ત બેન્ડેજ કે પેઈન કિલરથી જ પુરી નથી થઈ જતી. તેમાં થોડી એન્ટિબાયોટિક્સનો તડકો પણ જોઈએ, કફ સીરપનો સ્ટોક પણ જોઈએ અને ખંજવાળ આવતી હોય કે ના આવતી હોય તેની એક ક્રીમ તો બોક્ષમાં હોવી જ જોઈએ. આ સિવાય પણ હાથ ધોવાના લિકવિડ એન્ટિસેપ્ટિક થી લઈને કાન સાફ કરવા માટેનું સરકારી કોટન પણ હોવું જ જોઈએ.

કેટલાક મુરબ્બીઓને તો ક્યારેક માથામાં મહેંદી નાખવી હોય તો સર્જીકલ ગ્લોવ્ઝની જરૂર તો પડે જ ને ભાઈ! સર્જીકલ ગ્લોવ્ઝ આ માટે જ તો હોય છે. વળી પોતાના પાલતુ પ્રાણીઓ માટેની મલમ પટ્ટી પણ અલગથી રાખવી પડે. તેના માટે પણ હોમો સેપિયન્સ માટે બંધાયેલા સરકારી દવાખાના જ માયબાપ છે. 

જો કોઈ સિનિયર સીટીઝન યાત્રા પર, સોરી જાત્રા પર જતાં હોય તો પેકિંગની શરૂઆત સરકારી દવાખાના પરથી દવાઓની કીટ બનાવીને જ કરવામાં આવે છે. આ કીટ પર દરેક સ્ટ્રીપ પર જે તે દવાના ઉપયોગો એવી રીતે લખાય છે કે એ દવા બનાવતી કંપનીઓ પણ શરમાઈ જાય. શાળામાંથી પ્રવાસ જવાનો હોય તો પણ સાગમટે ઉલ્ટીની દવા તો હકથી આપવી જ પડે. 

ઘર પર સંગ્રહ કરેલી દવાઓનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય પરિસ્થિતિમાં ઉપયોગ થતો હોય તેની કોઈ આશા કે અપેક્ષા હોતી નથી. જેવી રીતે તમારી પાસે બેન્ક બેલન્સ હોવું મહત્વનું છે તેવી જ રીતે કેટલાક લેભાગુઓ માટે ઘરમાં સરકારી દવાઓની પેટી ફૂલ હોવી એટલી જ આવશ્યક છે. પ્રજાના પૈસાથી જ ચાલતા આ દવાખાનાનો કેટલાક લોભીલૂંટારાઓ બહુ સિફતપૂર્વક ઉપયોગ કરે છે.

😎 બધા બરાબર કામ કરે છે કે નહિ તે ચકાસવા વાળા

દરેક ગામ ,શહેર કે મોહલ્લામાં એવા બે ત્રણ કાલીન ભૈયા અથવા વર્ષોથી જેની પેઢીઓ ચાલતી હોય એવા મુન્નાભૈયા તો હશે જ. નામ ભલે ભારે લાગે પણ આ લોકોનો હેતુ લોકસેવાનો જ હોય છે. સવારમાં ઉઠતાંવેંત જ તેને કોઈ એવી જાહેર જગ્યાની જરૂર પડે છે કે જ્યાં તે પોતાનું સુપરવિઝન કરી શકે અને ચશ્મા ચડાવીને પોતાનું કૌશલ્ય બતાવી શકે. આ લોકોમાં એવા માણસો હોય છે જેના બાપદાદાઓએ દવાખાના બાંધવા માટે નાની મોટી પહેલ કરી હોય છે પણ પાછળથી તેની પ્રજા તેના નામે પેઢીઓ સુધી ચરી ખાતી હોય છે.

દવાખાનામાં પ્રવેશતાની સાથે જ આ ભાઈલોગ માટે દવાખાનાના બધા જ નિયમો ઓગળી જાય છે અને નિયમમાં રહેવાનું માત્ર દવાખાનાના સ્ટાફને ભાગે જ વધે છે. સ્ટાફ સાથેનું તેનું વર્તન એટલું ઘરેલુ હોય છે કે જેટલું તેને ઘરે પણ એટલું ઘરોબા જેવું લાગતું ન હોય. દવાખાનાના વિકસાર્થે એ તમામ સ્ટાફની હાજરીથી લઈને જાજરૂ સુધીની સેવાઓ તપાસ કરવા આંટા મારશે પણ પોતે સાંજે અંધારામાં લોટો લઈને જતો હોય એ વાત ફક્ત તેના ઘરના લોકો જ જાણતા હોય છે. પોતાની રાજકીય છાપને જાળવી રાખવા કે નવી બનાવવા માટે એવા ધતિંગ કરતા હોય છે કે એ જોઈને ક્યારેક અમેરિકાના સ્ટાર ચૂંટણીપ્રચારક ટ્રમ્પ પણ શરમાઈ જાય. હાજર દર્દીઓ કે સ્ટાફની પ્રાયવસીની આ લોકોને બહુ ચિંતા હોતી નથી. મોટાભાગે ડોકટર સામે બેસીને બે હટકે વાતો કરવી અને હાજર દર્દીઓમાં મોભો પાડી દેવો એવો જ હલકટ ઈરાદો હોય છે. વિસ્તારમાં આરોગ્યસેવાઓ પરનું પુરેપુરુ ભારણ આ ભૈયા લોગ અને હાથે બનીબેઠેલા નેતા લોગ પર જ તો હોય છે. હોસ્પિટલ સ્ટાફ તો બસ તેના વિઝનમાં નાની સહાય કરવા પૂરતો જ હોય છે.

😠 ઘરનો ગુસ્સો હળવો કરવાવાળા



ઉપર વર્ણવેલ માણસો તથા એ સિવાયના કેટલાક લલ્લુપંજુ માણસો કે જેનું ઘરે કાંઈ ઉપજતું નથી હોતું એ ઘરની ઉપાધિઓ હોસ્પિટલ સાથે લઈને આવતા હોય છે. ત્યારબાદ તેની આ ઉપાધિઓ કેટલીક લાગણીઓ વાટે આ સરકારી જગ્યા પર ફૂટી નીકળતી હોય છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં મુંજાયેલા જીવો પ્રજાશાસિત દવાખાનાઓમાં આવીને પોતાના ટેલેન્ટનો પરચો આપતા હોય છે. દરેકને પોતાની આવડત અને લાગણીઓ બહાર લાવવા માટે પ્લેટફોર્મની જરૂર પડતી હોય છે. એ પ્લેટફોર્મ સરકારી દવાખાનું પૂરું પાડે છે. 

પછી તો આ દબાયેલા દારૂગોળાને એક ચિંગારીની જ જરૂર હોય છે. ડોકટર પાસે જવામાં જો લાઈનમાં વધુ પડતું ઉભવુ પડે, પોતાની ઇચ્છા મુજબના ફોર્મ્યુલેશન જો પ્રિસ્ક્રિપ્શનમાં ના હોય અથવા કોઈ પણ સ્ટાફ દ્વારા ભારતરત્ન ને સમકક્ષ સન્માન આપવાનું ચુકાઈ ગયું હોય એટલે બસ સમજી લો કે લાગી ગઈ ચિંગારી. ત્યારબાદ એ પોતાની લાગણીને એવા શબ્દફૂલો રૂપે પોતાના મુખકમળમાંથી બહાર લાવશે કે વાતાવરણ વસંતમય બની જશે. જ્યારે પોતાની અંદર રહેલા અને દિવસો સુધી ઘરમાં દબાયેલા લાવાને બહાર ના કાઢે ત્યાં સુધી તેમની લાગણીઓનો આ પ્રવાહ અસ્ખલિત વહયા કરશે જેની સમયના સાપેક્ષવાદ સાથે કોઈ જ તુલના નહિ થઈ શકે.

🗣️ સ્ટાફની પર્સનલ પંચાત કરવાવાળા



'તમે ક્યાંથી આવો છો?' કે 'તમે ક્યાં રહો છો?' જેવા પ્રશ્નો દ્વારા સંપર્કસેતુ સાધતા મહાનુભવોનો મુખ્ય હેતુ ઓળખાણ પ્રસ્થાપિત કરવાનો હોય છે. આ કાલીઘેલી વાતો દ્વારા સાતમી પેઢી સુધીની ઓળખાણ વડે સંબંધ બાંધવાનો અખતરો કરતા હોય છે. મોટાભાગે ક્યાંક ને ક્યાંક તો એ કોઈ પણ રીતે આ સંબંધ બાંધવામાં સફળ થતા જ હોય છે. આમ પણ સંબંધો વગરનું જીવન તો નકામું છે. તમે સંબંધ ના બાંધી શકો તો તમારું જીવન વ્યર્થ છે. પણ ઉભા રહો, આ એ કેટેગરીમાં આવે એવા સંબંધ નથી હોતા. આ તો એક તરફી જરૂરિયાત માટેના સંબંધ હોય છે.

આ સંબંધ પ્રસ્થાપનની પ્રક્રિયા બાદ આગળના સ્ટેપમાં આ સંબંધનો ફાયદો ઉપાડવાની પ્રોસેસ ચાલુ થાય છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે દર્દી પોતાની જાતને વીઆઇપી કેટેગરીમાં મૂકી દે છે. પછી તેના માટે દવાખાનાના પ્રોટોકોલ ફોલો કરવાના હોતા નથી. કેશ કાઢવાથી માંડીને લાઈનમાં પોતાના વારા માટે હવે તેને સમય પસાર કરવાની જરૂર રહેતી નથી. બસ તમારી સાથે પર્સનલ વાત કરવી છે કે અંગત છે કે ઓળખાણમાં છે એવા આઈડી કાર્ડ જનરેટ કરીને પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. આ કારણે સંબંધોને શરમાવીને મહદ્ અંશે આ લોકો સફળ થતા હોય છે. જોકે એમાં કાંઇ ખોટું પણ નથી જ્યા સુધી આપણા સંબંધો બીજા દર્દીઓની સેવાઓમાં અંતરાયરૂપ ના બને ત્યાં સુધી.

🏥દવાખાનાની જાહેર સંપતિને પોતાના બાપદાદાની સમજવાવાળા



જ્યારે જાહેર સંપત્તિના નુકશાનની વાત આવે ત્યારે નિઃશંકપણે એસટી બસો હંમેશા પહેલા નંબરે આવી છે અને આવતી રહેશે પણ જો બીજા નંબર પરની સહાનુભૂતિ આપ આપવા માંગતા હો તો એ સરકારી દવાખાનાને આપી શકો. જો કે બીજી પણ ઘણી જગ્યાઓ છે જે બધી પ્રજાના બાપાની જ છે પણ આ જગ્યા પર તેમના પિતૃઓનો કઈક એટલો બધો વિશેષાધિકાર છે કે બધું પોતીકું જ લાગતું હોય છે. આ પોતીકાપણું એટલું બધું હોય છે કે ક્યારેક દવાખાનાની ઈંટ પણ સજ્જનોને પોતાના ઘરની ઈંટ જેટલી જ વ્હાલી લાગવા માંડે છે.

દવા અને સર્જીકલ મટિરિયલની તો આપણે આગળ વાત કરી એમ એ તો આવા દર્દીઓની વસિયતમાં જ લખાયેલ હોય છે એટલે તેમાં કોઈ આનાકાની કરવાની આવતી જ નથી. પણ કેટલીક જગ્યાએ તો સરકારી દવાખાના કે તેના કવાટર્સને પ્રજા જાતે જ પોતાના સ્વહિતાર્થે ઉપયોગમાં લઇ લેતા હોય છે. પ્રજાસત્તાક દેશની આ જ તો સુંદરતા છે.


આ સર્વે લોકોની અવળચંડાઈને ધ્યાને લઈને અગાઉ તમારી જે તર્કશક્તિને આરામ કરવા કહેલું તેને જગાડો અને વિચારો કે આ બધામાં નુકશાન કોને અને કેટલું? સરવાળે તો રેલો સામાન્ય ભોળી પ્રજાના પગતળે જ આવશે. જોકે દરેક દર્દી આવા નથી હોતા તેની સ્પષ્ટતા અગાઉ જ કરી છે તેવી જ રીતે દરેક સરકારી દવાખાનાની સવલતો પણ એવી નથી હોતી કે જેને તમે ફાઈવ સ્ટારથી નવાજી શકો. પણ દવાખાનાના ફાઈવસ્ટાર હોવા ના હોવા સાથે ઉપરોક્ત બુદ્ધિજીવીઓની ચાલચલગતમાં કોઈ જ ફેર પડવાનો નથી. એટલે આવા વીસ ટકા લોકોને હાંસિયામાં રાખીને જ આગળ વધવું અપેક્ષિત છે.

આ પણ વાંચવા જેવું: 👉 હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?


સુપર ઓવર: "ડોકટર સાહેબ, અનફિટનું સર્ટિફિકેટ જોઈએ છે."

"કેમ શું થયું તમને?"

"થયું કાંઈ નથી. બસ થોડા દિવસની રજા મંજૂર કરાવવી છે."

આવો પણ એક મોટો વર્ગ છે.😀


Comments

  1. થોડા વર્ષો પહેલા હું આંખની હોસ્પિટલ માં ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો ત્યારે આપના બ્લોગમાં દર્શાવેલ બધાજ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યો છું....



    ખૂબ જ સુંદર અને જોરદાર નિરૂપણ


    સાચી વાસ્તવિકતા.....

    ReplyDelete
    Replies
    1. વાહ... હમદર્દને મળીને આનંદ થયો. 😀

      Delete
  2. જોરદાર
    એકેક શબ્દ સાચો છે

    ReplyDelete
  3. બહુ સાચું કીધું ભાઈ

    ReplyDelete
  4. એકદમ સાચું.... એક એક શબ્દ સાચો...

    ReplyDelete
  5. વાહ ભાઈ...મજા આવી ગઈ અને અમુક ચહેરા તાજા થઈ ગયા....😊

    ReplyDelete
  6. Super Bhai,
    ખુબ સરસ અને સાચુ લખ્યું છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...