Skip to main content

તંત્રની બેદરકારી એટલે શું?

 આજકાલ મીડિયા માટે લખવી જે ખૂબ જ સરળ બની ગઈ છે એવી આ હેડલાઈન દરેક લોકોના જીભે ચડી બેઠી છે. પણ આ તંત્રની વ્યાખ્યા થોડી સમજવાની જરૂર છે.


આ તંત્ર એટલે કોણ? સરકારી કચેરી? સરકારી દવાખાના? સરકારી કર્મચારીઓ? સરકાર પોતે? આમાંથી કોણ?


ખરેખર ઉપરના બધા તો તંત્રનો એક ચતુર્થ ભાગ સમાન જ છે. સાચું તંત્ર બનેલું છે લોકોનું. જ્યાં લોકો નથી, નાગરિકો નથી એ તંત્ર નથી. ઘણી વાર તંત્રમાં ઉપરનામાંથી એક પણ ન હોય છતાં એ તંત્ર હોઈ શકે. રેલીઓ સરકારે કરી તેને સફળ બનાવી લોકોએ. મેચોનું આયોજન થયું તેની ટિકિટો બેફામ વેચાઈ, લીધી કોણે, લોકોએ. એટલે જ્યારે જ્યારે તંત્ર સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ત્યારે ત્રણ આંગળીઓ આપણી તરફ પણ હોય છે અને આ આંગળીઓ ભેગી મળીને જ તંત્ર બનાવે છે.


હવે બેદરકારી શબ્દ તરફ પ્રયાણ કરીએ. આવી મહામારીમાં પોતાની ફરજ બજાવતા (આને ઉપકાર ન સમજીને ફરજ સમજીએ તો પણ..) હેલ્થ સ્ટાફ ઉપર દરરોજ માછલાં ધોવા કેટલા વ્યાજબી છે? ક્યારેક કોઈના ટેસ્ટમાં ટેક્નિકલ ક્ષતિ આવે તો બેદરકારી. કોઈનો જીવ જાય તો હેલ્થ સ્ટાફની બેદરકારી. કોઈને બેડ ઉપલબ્ધ ન થાય તો હેલ્થસ્ટાફની બેદરકારી. કોઈને પૂરતી દવાઓ ઉપલબ્ધ ન થાય તો દવાખાનાની બેદરકારી. શું ક્યારેય કોઈ મીડિયાએ આમાં અંદર ઉતરવાની દરકાર કરી છે? કરે તો ન્યુઝ થોડા બને. કારણ કે ખરેખર આ બધી બેદરકારી નથી હોતી પણ મોટેભાગે મર્યાદાઓ હોય છે. ઓવરલોડેડ વાહન પણ લાંબો સમય ચલાવામાં આવે તો બ્રેકડાઉન થઈ શકે કે એક્સિડન્ટ થવાનો ભય રહે. આ તો મનુષ્ય છે કોઈ સુપરહીરો તો નથી કે જે છેલ્લા તેર મહિનાથી સતત આ મહામારી સાથે તો લડી જ રહ્યા છે પરંતુ કેટલીક મજબૂરીઓ સાથે પણ લડી રહ્યા છે અને આ મજબૂરીઓના ઘાવ પર નમક છાંટવાનું કામ મીડિયા કરે છે. તેર મહિનાના ઘાવ તેના શરીર પર નહીં દેખાય પણ તેની મન:સ્થિતિનો સીટી સ્કેન કરવામાં આવે તો જરૂર ડિપ્રેશન પોઝિટિવ આવે. આ ન દેખાતા ઘાવ વડે ઝઝૂમતું શરીર જ્યારે કોઈ ભૂલ કરી બેસે તેને બેદરકારીનો સિક્કો લાગે છે. જેના તેર મહિના હોસ્પિટલની બિલ્ડીંગથી ઘરના એક દસ બાય દસના  અલાયદા રૂમ સુધી સીમિત હોય તેના દ્વારા હવે આવી બેદરકારીઓ વધવા પણ સંભવ છે. 


..તો શું આ 'થાક' ના જસ્ટિફિકેશન વડે આપણે આ મજબૂરીને ક્ષમ્ય ગણશું? ના, એ તો કેટલાક બેજવાબદારો માટે જવાબદારીમાંથી બચવાનું બહાનું બની જશે. અત્યારે જ્યારે 'માનવસર્જિત' ભૂલો આ ઓવરલોડને કારણે વધી રહી છે તેના મૂળના કારણો શોધવામાં મીડિયા અત્યાર સુધી ઘોરી રહ્યું હતું. આ બેદરકારીઓની મોટી માછલીઓ ક્યારેય જાળમાં ફસાતી હોતી નથી. આ મજબૂરીઓમાંથી કેટલીક મજબૂરીઓ તો વર્ષોથી બિરાજમાન હતી જેને નજર અંદાજ કરવામાં આવી. સિલેક્ટિવ જર્નાલીઝમ પણ આ મજબૂરીઓ પ્રેરનારું પરિબળ છે. જ્યારે કોઈ આગની ઘટના બને કે તરત દરેક બિલ્ડિંગમાં ફાયરસેફટી ચકાસવાના સ્ટિંગ શરૂ કરતું મીડિયા ઘટના પહેલા ક્યાં હતું? કેમ કોઈ મુસીબતનું નિદાન પહેલેથી નથી થતું? કારણ કે જો નિદાન પહેલેથી થાય તો તે નિદાન ન્યુઝ ના બની શકે. બે વર્ષ પહેલાં બનેલી સુરતની ટ્યુશન ક્લાસિસમાં આગમાં હોમાઈ ગયેલા બાળકોની ઘટના બાદ શું ફાયર સ્ટેશન હવે મજબૂત થયું કે કેમ તેની ચકાસણી થઈ કે કોઈ ટ્યુશન કલાસીસમાં સેફટીની ચકાસણી થઈ? અને જો સક્ષમ થઈ ગયું હોય તો એ સમાચાર કેમ ના હોઈ શકે?


બેદરકારીના સમાચારો સાથે એક એવો વર્ગ ઉભો થયો છે જે કોરોનાથી નથી ડરતો એટલો હોસ્પિટલથી ડરે છે. કોરોનાને સ્કેમ સમજીને હજુ પણ નાદાની કરી રહ્યા છે. વેક્સિન અંગે પણ મનફાવે એમ દુષ્પ્રચાર કરી રહ્યા છે. આવું કરીને તે વાસ્તવિકતાનો સ્વીકાર ન કરવાની નબળાઈ બતાવી રહ્યા છે. આ લોકો પેલા શાહમૃગ જેવું વર્તન કરી રહ્યા છે જે એવું માને છે કે હું માથું જમીનમાં છુપાવી દઈશ તો કોઈ મને જોઈ નહીં શકે. વાસ્તવિકતા સ્વીકાર્યા વગર કે ભુલ સ્વીકાર્યા વગર ક્યાં સુધી કાલ્પનિક ભયના ડાયેરિયા ફોરવર્ડ કરતા રહેશો? એક વર્ષ થઈ ગયું, આપણે કોરોનાને હજુ ન ઓળખી શક્યા પણ કોરોના આપણને બહુ સારી રીતે ઓળખી ગયો છે.

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જ

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડી

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ