મોટાભાગના નેવુંના દશકમાં જન્મેલા અલ્લાદીન અને તેના ઝીનીના દીવાના હતા. તો વળી એકવીસમી સદીના પહેલા દશકમાં સ્પાઇડર મેન અને ક્રિશ જેવા સુપરહીરોના પગરવ થયા. ત્યારબાદ મારવેલ અને ડિસીએ એટલી ધૂમ મચાવી એમાં પણ મારવેલના એવેન્જર્સ તો મોટાભાગના યુવાનો અને ટીનેજર્સ માટે ફક્ત એક ફિકશન ન રહેતા હકીકતની નજીક બની ગયા. આ બધા વચ્ચે આપણે જે. કે. રોલિંગના હેરી પોટરને થોડો ભૂલી શકીએ? એવી એકાદ જાદુઈ લાકડી આપણા હાથમાં પણ હોય અને બે ત્રણ આડા અવળાં મંત્રો બોલીને આપણે પણ જાદુ કરી શકીએ તો કેવું!
આ બધી ઈચ્છાઓ પણ ધીમે ધીમે ઉંમરની સાથે બદલાતી જાય. પહેલા જે વસ્તુ ફક્ત ટીવી કે સિનેમા માં જોઈને તેનાથી ઘડી વાર અંજાઈ જતા એ ધીમે ધીમે મનમાં ઘર કરવા માંડે. એવું લાગવા માંડે કે આમાંનું કોઈ એકાદ પાત્ર હું પણ હોઉં! પણ શા માટે?
તમને ક્યા સમયે આવો વિચાર આવે છે? જ્યારે તમે તમારી આજુબાજુ અકળામણ અનુભવો, અન્યાય અનુભવો ત્યારે તરત જ તમને થાય કે આવી કોઈ તાકાત મારી પાસે હોત તો બધાને સીધા કરી દેત. જ્યારે કોઈ ચેનલ પર આંતકવાદીના હુમલા ના સમાચાર જોઈને તમારી અંદર રહેલો સુપરમેનનો અવતાર જાગી ઉઠે અને મનમાં જ એ આતંકવાદીઓને પોતાના આંખની લેઝરથી ભષ્મ કરવા હવાઇયાત્રા પર નીકળી પડે. જ્યારે કોઈ સરકારી કચેરીમાં કોઈ ભ્રષ્ટાચાર થતો જુઓ ત્યારે તરત જ ઈચ્છા થાય કે હું પણ મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ પહેરીને સામે વાળાને એક લાફો મારીને ભાગી જાઉં અથવા તો તેનું છૂપું સ્ટિંગ ઓપરેશન કરીને તેને બધાની સામે લાવું. તમારા પાડોશી સાથેની સામાન્ય રકઝકમાં પણ તમને તમારા સુપરપાવર ઉપયોગ કરવાની તાલાવેલી લાગવા માંડે. કારણ કે સુપર પાવર માટે જરૂરી લાયકાત અને માનસિક શક્તિ આપણી પાસે નથી. આપણે વધી વધીને બસ ઉપરોક્ત કારણ માટે જ આ સુપરપાવર વાપરશું. પણ હકીકતમાં ઉપરોક્ત તમામ બાબતો સામે લડવા દરેકને ઈશ્વરે શક્તિ આપી જ છે અને એ સામાન્ય ઈચ્છાશક્તિ વડે પણ આ બાબતો સુલજાવી શકાય એવી હોય છે.
સ્પાઇડર મેન ફિલ્મનો એક બહુ જ પ્રખ્યાત ડાયલોગ છે કે વિશેષ શક્તિઓની સાથે વિશેષ જવાબદારીઓ પણ આવે છે. આ જવાબદારીઓ ફક્ત આપણી દુનિયા પ્રત્યેની જ નથી રહેતી પણ આપણા પોતાના જીવન માટે પણ લાગુ પડે છે. આ સુપર પાવરનો ઉપયોગ તમે તમારા સ્વાર્થ માટે કરો એમાં આ સુપર પાવરનું કોઈ જ મહત્વ નથી. આપણે દરેક ફિલ્મોમાં મોટા ભાગે આવી શક્તિઓનો ઉપયોગ બદલાની ભાવનાથી જ કરવામાં આવતો હોય એવું જોવા મળે છે. ખરેખર પ્રમાણિકતાથી વિચારો કે તમારી પાસે જો કોઈ સુપરપાવર હોય તેનો ઉપયોગ શું નાના એવા પાડોશીના ઝઘડાઓમાં કર્યા વગર રહી શકો ખરા? શું ખરેખર ક્યાંય નાની વાતમાં તમારું અપમાન થાય તો તેનો બદલો લેવાનું મનમાં ક્યાંક ને ક્યાંક સાચવીને રાખનારા સમય આવ્યે આ સુપર પાવર દ્વારા શું બદલો નથી લેવાના?
એક વાત ક્યાંક વાંચેલી યાદ આવે છે. એક ગુરુએ તેના શિષ્યને મૃતને પુનર્જીવિત કરવાની વિદ્યા આપી. ત્યારબાદ એ શિષ્ય કોઈ એક ગામમાં ગયો. ત્યાં એ શિષ્યને તેની વિદ્વત્તા માટે લલકારવામાં આવ્યો. એક ગાયને મારીને તેની સામે રાખવામાં આવી અને તેની શક્તિઓ માટે કેટલાકે ઉશ્કેરણી કરી કે જો ખરેખર તું તારા ગુરુનો શિષ્ય હો તો આ ગાયને પુનર્જીવિત કરી બતાવ. શિષ્ય આ મૃત ગાયની કરુણા અને મૂર્ખ લોકો પરના ગુસ્સાનો ભોગ બની ગાયને સજીવન કરી બતાવી અને લોકોને ચૂપ કરી દીધા. આ વાતની જ્યારે ગુરુજીને ખબર પડી તો તેને ખૂબ દુઃખ થયું. તેણે એ શિષ્યને પ્રાયશ્ચિત કરવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા કહ્યું. કારણ કે શિષ્યએ જે ઉદ્દેશ માટે શક્તિ વાપરેલી તે ઉદ્દેશ શુદ્ધ ન હતો. આ વાતમાં આપણને વિચાર થાય કે આમાં પેલી ગાયનો શું વાંક? પણ આ બધું જે થયું એ કોઈ એક વ્યક્તિની નબળી ઇચ્છાશક્તિને પ્રતાપે થયું. ઉશ્કેરણી કરનાર લોકોને જ કદાચ એ શિષ્યની નબળાઈ હાથ લાગી ગઈ અને એમાં જ તેની પરિક્ષા થઈ ગઈ જેમાં તે નાપાસ થયો.
આવી ઝીણી ઝીણી બાબતોનો વિચાર કરીએ તો ખરેખર સમજાય કે ઈશ્વરે જે કાંઈ આપ્યું છે તે માપી તોલીને જ આપ્યું છે. જેને જેટલી ક્ષમતા છે એટલું જ આપ્યું છે. તેનાથી વધુ ન આપીને પણ ઈશ્વરે માણસજાત ઉપર ઉપકાર જ કર્યો છે.
માણસને જેટલું આપ્યું છે એ પણ સુપર પાવરથી કાંઈ ઓછું નથી. પણ આ તો દરેકને લગભગ સરખું શરીર આપ્યું છે એટલે આપણે એકબીજાની સાપેક્ષે આપણી શક્તિ કાંઈ જ નથી લાગતી. ક્યારેક કોઈ દિવ્યાંગ વ્યક્તિ પાસે જઈને વિચાર કરજો કે ઈશ્વરે તમને કેટલી શક્તિઓ આપી છે!
Comments
Post a Comment