હાલમાં જ આયર્લેન્ડની એક ગ્લોબલ એજન્સી કે જે દર વર્ષે ભૂખથી પીડિત દેશોનો સુચકઆંક બહાર પાડે છે જેને હંગર ઇન્ડેક્સ (Hunger Index) કહે છે તેમાં ભારત 101 નંબરે ખૂબ જ ખરાબ રીતે ચિત્રિત થયું. આપણા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ જેવા પડોશીઓ પણ આ સર્વે મુજબ ભારત કરતા સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતનો ભૂખમરો આ લોલીપોપ પાડોશીઓ કરતા પણ ખરાબ છે, બોલો! આ પાડોશીઓ સાથેની સરખામણી બાદ તમને એમ થશે કે નક્કી કઈક લોચો છે આ સર્વેમાં. આવું જ ભારત સરકારને પણ થયું. તેણે આ સર્વે માટે ભારતના ફૂડ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવેલ ડેટાનું અલગ રીતે ખોટું ઇન્ટરપ્રિટેશન થયું છે એમ કહીને આ હંગર ઈન્ડેક્સ કાઢવાની પદ્ધતિને જ 'અનસાયન્ટિફિક મેથોડોલોજી' (Unscientific Methodology)ગણાવીને નકારી કાઢી.
પોલિટિકલી જોઈએ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ ડેટા જે સરકારના પક્ષમાં બોલતો હોય એ સાચો અને સરકારની ખરાબ કામગીરી બતાવતો હોય તો એ તરત જ 'અનસાયન્ટિફિક' કેટેગરીમાં આવી જાય છે. મતલબ કે મનને ગમે એ મોરલો! કોઈપણ સર્વે કે ડેટાને એવી રીતે સુવ્યવસ્થિત ગોઠવીને લોકોને અભિભૂત કરી દેવા કે લોકોના વિચારો પર તેની ઊંડી અસર થાય તેને જ શાસ્ત્રોમાં 'મેનિપ્યુલેશન' (Manipulation) કહ્યું છે.
મેનિપ્યુલેશન શબ્દનો જો ગુજરાતી અર્થ કરવા બેસીએ તો એ વધુ ગૂંચવણ ઉભી કરે છે, કારણ કે પરિસ્થિતિ પ્રમાણે તેના અર્થ બદલાતા રહે છે જેમ કે ચાલાકી, તોડજોડ, હેરફેર, છલ વગેરે વગેરે. ચાલાકી શબ્દ સારો લાગે તો સામે છલ શબ્દ છેતરામણો લાગે. ટૂંકમાં આપણા મનમાં મેનિપ્યુલેશન શબ્દ જ વધુ સ્થિર અર્થ ઉપસાવે છે એવું પહેલી વાર સાંભળતા લાગે. મેનિપ્યુલેશન એ લેટિન શબ્દ મેનિપ્યુલશ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ હેન્ડી અથવા તો આસાનીથી સમજી કે વાપરી શકાય એવો થતો. હવે આ શબ્દ જેટલો બોલવામાં વપરાય છે તેનાથી વધુ તેનો પ્રેક્ટિકલ વપરાશ અનેક ગણો વધ્યો છે.
મેનિપ્યુલેશન મુખ્યત્વે બે રીતે વપરાય છે:
1. સાયકોલોજીકલ મેનિપ્યુલેશન
(Psychological Manipulation)
2. ડેટા મેનિપ્યુલેશન
(Data Manipulation)
બીજાના વિચારોને પ્રભાવિત કરીને તેની પાસેથી ધાર્યું કામ કરાવવું તેને સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કહેવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ ડેટા કે નંબર્સને ફેરવી તોડીને મનગમતા રિઝલ્ટમાં રૂપાંતર કરવાની કળા એટલે ડેટા મેનિપ્યુલેશન. એક રીતે જોઈએ તો ડેટા મેનિપ્યુલેશન દ્વારા પણ સાયકોલોજીકલ મેનિપ્યુલેશન કરી શકાય છે. મોટેભાગે આવા ડેટા મેનિપ્યુલેશન વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરતા ફેક ન્યુઝ જેવા જ હોય છે જે તમારા મનમાં દ્રઢ રીતે બેસી જાય છે અને તમને સાયકોલોજીકલી મેનિપ્યુલેટ કરી નાખે છે. મોટા રમખાણો, આતંકવાદ, ઇલેક્શન કેમ્પઈન વગેરે સાયકોલોજીકલ મેનિપ્યુલેશનના ભવ્ય ઉદાહરણો છે.
મેનિપ્યુલેશન ખરા અર્થમાં લઈએ તો ફાયદાકારક પણ છે. વ્યસનમુક્તિ કેન્દ્રો પર કરવામાં આવતું કાઉન્સેલિંગ પણ વ્યસનીને મેનિપ્યુલેટ કરવાની જ એક કળા છે જે કોઈના ભલા માટે કરવામાં આવે છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવેલ મેનિપ્યુલેશન ક્યાં ઓછા છે! યુધિષ્ઠિર પાસે નરોવકુંજરોવા કહેવડાવીને દ્રોણાચાર્યનો વધ કરવામાં આવ્યો, સૂર્યાસ્તનો સ્વાંગ રચીને જયદ્રથને મારવામાં આવ્યો કે દુર્યોધનની જાંઘને નબળી રાખવા તેને વસ્ત્ર પહેરીને માતા ગાંધારી પાસે જવા કહેવામાં આવ્યું, આ બધું શ્રીકૃષ્ણનું મેનિપ્યુલેશન જ કહી શકાય. પરંતુ તેણે આ મેનિપ્યુલેશન પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પણ 'બહુજન હિતાય બહુજન સુખાય' માટે કરેલું. આજકાલનો માણસ પોતાના છલકપટને જો શ્રીકૃષ્ણની ચાલાકી વડે જસ્ટિફાય કરીને ઢાંકતો હોય તો એ તેની ભૂલ છે. કારણકે આજના કાળમાં મેનિપ્યુલેશન એ ફક્ત અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટેનું એક હથિયાર બનતું જાય છે.
કોરોના કાળમાં કેટલીયે નનામીઓ ખભા વગર જ સ્મશાને પહોંચીને સળગી એ સહુ કોઈ જાણે છે અને વિશ્વફલક પર આ નામશેષ થયેલ જીવનો આંકડો પણ ન ઉમેરાય એવું ડેટા મેનિપ્યુલેશન કોનું કલ્યાણ કરવા માટે? લોકોની હાલાકીના આંકડાઓ હોય કે સુખાકારીના આંકડાઓ હોય દરેક જગ્યાએ ઉતાર ચડાવ કરીને રજૂ કરવાની દાયકાઓથી ચાલી આવતી આ પદ્ધતિ કયાં જઈને અટકશે? આવા ડેટા મેનિપ્યુલેશન વડે આસાનીથી અભિભૂત થતા માનવીઓએ હવે ચાલાકીથી ગુડ મેનિપ્યુલેશન અને બેડ મેનિપ્યુલેશન વચ્ચેનો ભેદ સમજવો પડશે.
સુપર ઓવર: સો કરોડ વેક્સિનેશનનો આંકડો પાર કર્યા બાદ એક સમારોહમાં નેતાજી અને ઉચ્ચ અધિકારીઓ આરોગ્યકર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી રહ્યા હતા. સન્માનપત્ર એનાયત કરતી વખતે સ્ટેજ પર હાજર સન્માનપત્ર લેનાર તથા સન્માનપત્ર આપનાર બન્નેના મોં પર સ્મિત પાછળ છુપાયેલું એક અનૈતિક લુચ્ચું હાસ્ય હતું. પ્રેક્ષકોને આ હાસ્ય પારખવા કરતા જોરજોરથી તાળીઓ પાડવામાં વધુ રસ હતો.
Comments
Post a Comment