ક્યારે હસવું અને ક્યારે ગંભીર થવું? આ બે લાગણીઓ પર કાબુ રાખતા આવડે તો જ મેડિકલ ફિલ્ડમાં સફળતાપૂર્વક કામ કરી શકાય. અન્યથા લોકોની નારાજગીનો ભોગ બનવું પડે તો નવાઈ નહિ!
ઘણીવખત એવું બને છે કે ગાંભીર્ય અને અટ્ટહાસ્ય એ બંને અંતિમો વચ્ચેનો ભેદ પારખવામાં થાપ ખાઈ જવાય છે. આ ભૂલનું પરિણામ દર્દી કે તેના સગાના માનસપટ પર કેવું આવે એ જાણવું હોય તો તેની જગ્યાએ તેની મનોસ્થિતિ મુજબ અને તેના આઈકયુ લેવલ સાથે વિચારવામાં આવે તો જ સાચી પરિસ્થિતિનો તાગ મળી શકે.
આઈસીયુ જેવા વિભાગમાં કામ કરતા સ્ટાફને આ બાબતો વધુ સારી રીતે લાગુ પડે છે. આઇસીયુ કે ઇમરજન્સી વિભાગમાં કામ કરતા કરતા જુદા જુદા દર્દીઓની માનસિકતા સાથે પણ કામ કરવું પડે છે. ઘણીવાર કિસ્સાઓ હાસ્યાસ્પદ પણ થતા હોય છે અને ઘણીવાર કિસ્સામાં ઉમેરાતી કરુણતા દર્દીને પણ ઢીલો પાડી શકે છે. આ બંને વચ્ચેની ફ્રિકવન્સી મેચ કરીને કાર્ય કરી શકે એ જ મહારથી. આવા ગંભીર વોર્ડમાં કામ કરતા મેડિકલ કે પેરામેડીકલ સ્ટાફ પોતાના મોબાઈલ સાથે કે બીજા સ્ટાફ સાથે મજાકમશ્કરી કરતા હોય ત્યારે પોતાની બીમારી સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો દર્દી પર શું વિતતું હશે? એનાથી ઉલટું ગંભીર દર્દીને સ્ટાફની ચહેરાની રેખાઓમાં ચિંતા વંચાતી હોય તો તેની હિંમતમાં પણ નાની તિરાડ પડવાની સંભાવના વધી જતી હોય છે.
આમ તો આ વાત દરેક પ્રોફેશનમાં એટલી જ મહત્વપૂર્ણ છે કે તમે જે સેવા આપો છો કે બિઝનેસ કરો છો તેમાં સામેની વ્યક્તિને સંતોષ થાય. પણ આ પ્રોફેશનમાં માત્ર સંતોષ પૂરતો નથી હોતો પણ સાથે સાથે જિંદગી સામે ઝઝૂમવાની હિંમત પણ જરૂરી હોય છે. ગંભીર દર્દીઓને ખુશ રાખવામાં કે હાસ્ય ઉપજાવે તેવા દર્દીઓના કિસ્સામાં હાસ્ય અને ગંભીરતા સાથે સ્ટાફ એ દર્દી અને તેના સગાવહાલાંનું આત્મસન્માન પણ જાળવે એ મહત્વનું હોય છે. હોસ્પિટલમાં થતી મેડિકલ સ્ટાફ સામેની હિંસાઓના કિસ્સાઓમાં ક્યારેક આવી હિંસાનું કારણ બસ આ લાગણીઓ પરનો કાબૂ જ હોય છે જેમાં મોટાભાગના કિસ્સાઓમાં મેડિકલ સ્ટાફનું આત્મસન્માન ઘવાતું હોય છે પણ આંશિક કિસ્સાઓમાં દર્દીઓના આત્મસન્માન સાથે પણ ખીલવાડ થાય, ક્યારેક ભલે અપમાન ન થાય પણ પૂરતા સન્માન સાથે જવાબ દેવામાં પણ સ્ટાફ પાછો પડે કે દર્દીઓની સગવડ સાચવવામાં અક્ષમ તંત્રની નિષ્ફળતાનો ગુસ્સો દર્દીઓ પર નીકળે તો પણ હિંસા પરિણમે એવી શક્યતાઓ છે.
આવા સંવેદનશીલ વાતાવરણમાં પોતાના મગજને ફ્રિજમાં રાખીને કઈ રીતે કામ કરતા શીખવવું એ પણ એક કળા છે. આવી કળાઓ ક્યાંય સિલેબસમાં શીખવા નથી મળતી પણ જીવનમાં જોવા મળતા જુદા જુદા લોકોની માનસિકતાના અભ્યાસના આધારે પાકી થાય છે. અનુભવનું ભાથું બંધાય કે નૈતિકતાનો કક્કો ઘૂંટાય એટલું જ મહત્વનું નથી હોતું, ઘણીવાર પોતાના અને દર્દીના બન્નેના આત્મસન્માન વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે ખરું ધર્મયુદ્ધ જામે છે. આ યુદ્ધમાં બન્ને પક્ષને પોતાનું સત્ય જ જગત સત્ય લાગતું હોય છે. આવા ધર્મયુદ્ધના કિસ્સામાં જ મેડિકલ સ્ટાફને પોતાની કળા બતાવવાની હોય છે. જેમાં આત્મસન્માન અને પરસન્માન બન્નેની વચ્ચેનું બેલન્સ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં નક્કી કરવાનું હોય છે.
સુપર ઓવર: ઓપરેશનના બીજા દિવસે એનેસ્થેસિયાની અસર ઓછી થયા બાદ દર્દીએ ડોકટરને પૂછ્યું, "ગઈકાલે ચાલુ ઓપરેશને તમે જે લક્ઝુરિયસ પ્લોટ બુક કરવાની કંઈક વાત કરતા હતા તેનો ભાવ શું છે?"
Comments
Post a Comment