હજુ તો 2023નો પ્રથમ મહિનો પૂરો થવામાં પણ કેટલાક દિવસોની વાર હતી ત્યાં અમેરિકાથી સેન્ટર ફોર ડ્રગ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા ન્યુ યોર્ક ટાઈમ્સમાં એક ખબર પ્રકાશિત થઈ જેમાં Ezricare Artificial Tears નામના આંખના ટીપાંને પ્રાણઘાતક જાહેર કરવામાં આવ્યા. આ ટીપાંનો ઉપયોગ આમ તો હજારો લોકોએ કરેલો હશે પણ તેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યા અને 8 લોકો કાયમી અંધાપાનો ભોગ બન્યા. બાકી ઘણા લોકોને નાની મોટી બીમારીઓ થઈ જેમાં ફેફસાંની બીમારીથી લઈને ઘા ન રૂઝાવા સુધીના અનેક પ્રશ્નો સામે આવ્યા. આ દવાને ભારતની તમિલનાડુમાં આવેલી ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા બનાવીને અમેરિકા એક્સપોર્ટ કરવામાં આવેલ અને ફરી એકવાર ભારતની ફાર્મા કંપની દુનિયાની શંકાશીલ નજરોમાં આવી ગઈ.
આ Ezricare આંખના ટીપાં એટલે કાર્બોક્સી મિથાઇલ સેલ્યુલોઝ કે જે કૃત્રિમ આંસુ તરીકે વપરાય છે. નામની જેમ જ જ્યારે આંખ સૂકી લાગે અને ઇરિટેશન જેવું થાય ત્યારે આ ટીપાં આંખમાં 'ઓઈલિંગ' કરીને આંખનો ઘસારો અટકાવવાની સેવા બજાવે છે. તો આવી સેવા જીવલેણ કેમ બની? CDC અને USFDAનું જો કહેવું માનીએ તો આ આંખની દવાના બંધ સિલપેક વાયલમાંથી Pseudomonas aeruginosa નામક એક ખુબજ શક્તિશાળી એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો ગ્રોથ જોવામાં આવ્યો. જેને કારણે આ બધા કોમ્પ્લિકેશન્સ જોવા મળતા હતા.
પરંતુ આરોપી કંપનીનું કહેવું માનીએ તો તામિલનાડુની ડ્રગ ઓથોરિટીએ આ જ બેચના સેમ્પલ ટેસ્ટ કર્યા અને ઉપરાંતના અવેલેબલ બીજી પણ Ezricareની 24 બેચ તપાસી જોઈ તો તેમાં આવા કોઈ બેક્ટેરિયા જોવા મળેલ નથી તેવું જાહેર કર્યું. આવું જાહેર કરવા છતાં ગ્લોબલ ફાર્માએ પોતાની આ પ્રોડક્ટ USમાંથી પાછી ખેંચવાની શરૂ કરી દીધી અને જે લોકો ઉપયોગ કરતા હોય તેને પણ ઉપયોગ ન કરવાની વિનમ્ર ચેતવણી આપી! આ રિકોલ પણ જેવું તેવું નહિ પરંતુ કંપની દ્વારા ક્લાસ 1 કક્ષાનું રિકોલ શરૂ કરાયું.
[રિકોલને મુખ્યત્વે FDA મુજબ ત્રણ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે.
- જો માર્કેટમાં કોઈ ગંભીર બીમારી કે ઇજા પહોંચાડે એવી પ્રોડક્ટ હોય તો રિકોલ કલાસ 1.
- જો ગંભીર બીમારી કે આડઅસરની શકયતા લાગતી હોય પણ ચોક્કસ ન હોય ત્યારે રિકોલ કલાસ 2.
- કોઈ ગંભીર આડઅસર કે બીમારી ન ફેલાવે પણ તે તેના રેગ્યુલેશન પ્રમાણે તૈયાર થયેલ ન હોય ત્યારે રિકોલ કલાસ 3 અમલમાં મુકાય છે.]
આરોપી ગ્લોબલ ફાર્મા એકબાજુ પોતાને નિર્દોષ બતાવે છે અને બીજી બાજુ કલાસ 1 રિકોલ માટે ફેબ્રુઆરીના અંતમાં જ ઓર્ડર આપે છે. આ બાજુ આદુ ખાઈને પાછળ પડેલી CDC અને USFDA વારંવાર દુનિયાના પ્લેટફોર્મ પર આ જોખમી બેક્ટેરિયાની હેડલાઈન્સ મુકતું રહે છે. તો સમજવું શું? આખિર કાતિલ હૈ કૌન...? CDCના નામમાં જેમ પ્રિવેન્શનનો P સાયલન્ટ છે એમ ક્યાંક CDCના ઇરાદાઓ તો ક્યાંક સાયલન્ટ નથી ને..?
ચાલો તેનો તાગ મેળવવા માટે સિઝન 2 તરફ આગળ વધીએ.
2022 ના જુલાઈ-ઓગસ્ટમાં પણ આવી જ એક ન્યુઝ હેડલાઇને આખા વિશ્વમાં વર્લ્ડ ફાર્મસી ભારતની ફજેતી કરવાની તક ઝડપી હતી. આફ્રિકાના ગામ્બિયા દેશમાંથી ખબર આવી કે ભારતની મેઇડન ફાર્મા નામની કંપનીએ એક્સપોર્ટ કરેલ કફ સીરપ પીવાથી 66 જેટલા બાળકો મૃત્યુ પામ્યા. (આંકડા તરફ ન જતાં કારણ કે WHOએ આ આંકડો અત્યારે 300 બાળકો સુધી પહોંચાડી દીધો છે.)
ગામ્બિયા એક ગરીબ દેશ છે કે જેની પાસે પૂરતી ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેણે આ કેસમાં ઊંડું ઉતરવા માટે ટેસ્ટિંગનો સઘળો કારભાર CDCને સોંપી દીધો. જગત જમાદાર અમેરિકાની આ એજન્સી ફરી એકવાર ભારતના કેસમાં દાખલ થઈ અથવા કરવામાં આવી જે સંયોગ ગણો એ પણ તેણે ગામ્બિયાનો વિકટીમ કાર્ડ તરીકે ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો. ફરી એકવાર ગ્લોબલ મીડિયામાં પોતે એક ગરીબ દેશની વ્હારે આવ્યું છે એવી છાપ ઉભી કરવાની સાથે મેઇડન ફાર્મા પર આરોપ પણ લગાવ્યા.
આરોપ સંગીન હોય તો તપાસ તો થવી જ રહી. ભારત સરકારે ફાર્માકોલોજીસ્ટ ડૉ.વાય. કે. ગુપ્તાના વડપણ હેઠળ એક તપાસ કમિટીની રચના કરી જેમાં નમુનાની તપાસ બાદ આ કફ સીરપ અને ગામ્બિયામાં થયેલા બાળકોના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી એવું સામે આવ્યું. (અથવા લાવવામાં આવ્યું એ ભગવાનને ખબર) પણ મેઇડન ફાર્માનો હરિયાણા પ્લાન્ટ કે જ્યાં આ સીરપ બન્યા તેને તરત જ તાળાં મારવામાં આવ્યા. હેલ્થ મિનિસ્ટ્રિના સૂત્રો જણાવે છે કે આ રિપોર્ટ જ્યારે WHO દ્વારા માંગવામાં આવ્યો ત્યારે આ WHOનો ડોમેઈન એરિયા નથી એવું કહીને ભારત દ્વારા તેને બધા જ રિપોર્ટ આપવામાં આવ્યા નહિ. બીજી બાજુ ગામ્બિયાની ઓથોરિટીએ જે સેમ્પલ્સને ડેન્જર જાહેર કરેલા એ કફ સિરપના સેમ્પલ ભારત સરકારે WHO પાસે માંગ્યા ત્યારે તેનો પણ હજુ સુધી કોઈ જ વળતો જવાબ WHO એ આપ્યો નહિ .
આ બ્લેમ ગેમ વચ્ચે મૃત્યુ પામેલા બાળકોનું રહસ્ય દરેક પોતપોતાના સત્યના ચશ્માંથી બતાવવાની કોશિશ કરી રહ્યા છે. છતાં કોઈ એક અપરાધી પર વિશ્વાસથી કોઈ આંગળી મૂકી શકતું નથી. આવું કેમ?
ચાલો હજુ એક સિઝન 3 ફેંદી લઈએ...
ગત ડિસેમ્બરમાં ફરી એકવાર એક કફ સીરપે 18 બાળકોનો ભોગ લીધો. આ વખતે દેશ હતો ઉઝબેકિસ્તાન અને આ ભારતની કફ સીરપ બનાવનાર કંપની હતી મેરીઓન બાયોટેક. ઉઝબેકિસ્તાનની ઓથોરિટીએ ભારત સરકારને સીધી જ આ અંગે જાણ કરી જેમાં વચ્ચે કોઇ જગત જમાદારની જરૂર ના પડી. ભારત સરકારે તરત જ આ કફ સિરપના સેમ્પલ ચંદીગઢ લેબમાં તપાસ અર્થે મોકલ્યા. થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશ સરકારે પણ તેની રીતે આ સેમ્પલને ટેસ્ટ કર્યા અને આ વખતે ઉઝબેકિસ્તાન સાચું ઠર્યું. ઘણા સેમ્પલ તેની સ્ટાન્ડર્ડ ક્વોલિટીથી જોજનો દૂર નીકળ્યા તેમજ કેટલાક ભેળસેળવાળા બનાવટી કેમિકલ પણ મળ્યા. આ કંપનીના ત્રણ મોટા એમ્પ્લોયી અત્યારે સળિયા પાછળ છે.
પણ WHO ને ભાવતું'તું 'ને વૈધે કીધું જેવો તૈયાર લાડવો મળી ગયો અને આ કિસ્સાને પણ ગામ્બિયા સાથે જોડીને એક એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું. ટૂંકમાં કહીએ તો ભારતને નોટિસ ઇસ્યુ કરી દીધી. WHO સંસ્થા કોરોના કાળ પછી તેના ગણ્યા ગાંઠ્યા દેશ તરફી ઝુકાવ માટે બદનામ તો હતી જ હવે એ વધુ શંકાશીલ બની છે.
ઉપરોક્ત કિસ્સાઓ દર્શાવે છે કે પૂરતા પુરાવાઓ હોય તો ભૂલ સ્વીકાવામાં ભારતે પાછી પાની નથી કરી પણ જ્યારે કોઈ શંકાશીલ ષડયંત્રની ગંધ આવે ત્યારે રાજકીય કાવાદાવા ખેલવામાં વર્લ્ડ ફાર્મસી પણ કાંઈ ઉણી ઉત્તરે એમ નથી.
પરંતુ તેનો મતલબ એવો જરાય નથી કે વર્લ્ડ ફાર્મસીના ટેગ ખાતર આપણે ક્વોન્ટીટી ઉપર એટલો બધો ભાર આપી દઈએ કે કવોલિટી ક્યાંક ખોવાઈ જાય. હાલમાં જ દેશની અઢાર જેટલી કંપનીઓમાં સરકારની એજન્સીઓ દ્વારા રેઇડ પાડીને નકલી દવાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગત ડિસેમ્બરમાં સનફાર્માએ પણ પોતાની Diltiazem નામની હૃદયની દવાને અમેરિકાના માર્કેટમાંથી કન્ટેન્ટ યુનિફોરમિટી ટેસ્ટ ફેલ થવાના કારણે કલાસ 3 રિકોલ કરી હતી. આવું કરવાથી કોઈ નાનું નથી થઈ જવાનું. પરંતુ આંતરરાષ્ટ્રીય દ્વેષ અને ઈર્ષ્યાની માયાજાળમાં માસૂમ જિંદગીઓને પ્યાદા બનાવવાનું દુનિયાએ માંડી વાળવું જોઈએ.
સુપર ઓવર:
દવાની આડઅસર દર્દીની તાસીર પર આધાર રાખે છે પણ દવાની સારી અસર ફક્ત અમારા પર આધાર રાખે છે.
આપના ખભે બંદૂકવાળી ગલી,
કમિશનપુર ચાર રસ્તા,
અમથાવાદ
Great.......analysis...... to sandip bhai
ReplyDelete