બટુકભાઈ દરરોજ બગીચામાં ફરવા જાય અને એક બાંકડા પર બેસે. એ બાંકડો તેનો પ્રિય. બે-ચાર મિત્રો સાથે ગપ્પાબાજી કરીને જ દરરોજ સાંજે છુટા પડે. પણ એક દિવસ સાંજે છુટા પડતા પહેલાં તેને પગમાં કંઈક ચુભ્યું. જોયું તો કીટકના કરડવાનું નાનું ઝખમ થયું હતું. બધા એ વાત ને અવગણીને છુટા પડ્યા. બીજા દિવસે પાછા જ્યારે બધા એ બાંકડા પાસે ભેગા થયા ત્યારે જાણવા મળ્યું કે તે બાંકડા નીચે એક દર છે જેમાં ઘણા સમયથી એક સાપ રહે છે. બસ આ વાત બટુકભાઈના કાને પડતા જ તેને ચક્કર આવવા માંડ્યા અને પરસેવો છૂટી ગયો. તરત જ ઘરે ભાગ્યા. ઊલટીઓ થવા માંડી. તાવ ચડી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બટુકભાઈને સાપ નહીં પણ કીટક જ કરડયું હતું. પરંતુ 24 કલાક પછી તેના મનમાં ઘુસેલ વહેમ અને ડરને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ કાલ્પનિક ડરને કારણે ઉત્પન્ન થતી પરિસ્થિતિને વાસો વેગલ રીફલેક્સ (vaso vagal reflex) કહે છે, જે આજકાલ ગુજરાતમાં ઓરી રુબેલા(MR) રસીકરણ અભિયાનમાં બાળકો તથા વાલીઓમાં જોવા મળી રહ્યો છે.
આ સઘળા રીફલેક્સ માટે જવાબદાર કોણ? બહુ સરળ જવાબ છે, આપણું બેજવાબદાર મીડિયા અને બેજવાબદાર લોકોથી છલકાતું સોશિઅલ મીડિયા. છેલ્લા 40 વર્ષોથી દુનિયામાં આ MR ની રસી વપરાઈ રહી છે. WHO ના લક્ષ્ય પ્રમાણે ભારત સિવાયના એશિયાના બીજા 10 દેશો ઓરી અને રુબેલા ને 2020 પહેલા નાબૂદ કરવા આ અભિયાનમાં જોડાયેલા છે. અરે, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં તો આ રસી રોજબરોજના રસીકરણમાં વાપરવાની શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ભારતના આશરે 20 જેટલા રાજ્યોમાં પણ આ રસીકરણ અભિયાન થઇ ગયા બાદ તેને રોજબરોજના રસીકરણપત્રક માં સામેલ કરી દીધી છે. આ રાજ્યોમાં ક્યાંય કોઈ ગંભીર આડઅસરો જોવા મળી નથી. હા, કેટલીક સામાન્ય અસરો જોવા મળી શકે જેમકે એકાદ દિવસ તાવ આવવો, ઉલટી થવી, ઇન્જેક્શન આપ્યાની જગ્યાએ લાલાશ આવી જવી વગેરે. પરંતુ આ બધી સામાન્ય અસરો છે જે બીજા કોઈ પણ વેકસીનથી કે કોઈ દવા થી પણ આવી શકે છે. આ અસરોને આડઅસરો કહેવાને બદલે આપણે સાઈડ ઇફેક્ટ કહીએ તો વધુ સારું કેમકે આવી ક્ષણિક અવગણી શકાય તેવી અસરોની સામે મળતો ઓરી અને રુબેલા સામે લડવાનો આજીવન ફાયદો વધુ મહત્વનો છે. પણ આવું બધું આપણને કોણ સમજાવે?
બ્રેકીંગ ન્યુઝ માટે વલખાં મારતા આપણાં PhD પત્રકારો પોતાના મનનાં માનેલા સૂત્રો પાસેથી ખબર લઈને પહોંચી જાય છે કે MR રસીને કારણે આડઅસરો નો દોર ચાલુ થતા સરકાર સામે પ્રશ્નો ઉઠયા છે. અરે મારા માઈકવાળા ભાઈ ! આ રસી વર્ષોથી પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાઈ રહી છે તેની સામે કોઈ પ્રશ્ન ના ઉઠ્યો પણ જયારે વિનામૂલ્યે સરકારશ્રી તરફથી સામાન્ય લોકોની સ્વાસ્થ્યની કાળજી રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે તો શા માટે તમે તમારા હરખપદુડા સુત્રોને લઈને શોરબકોર કરો છો. તમે ગઈકાલે દહીં વડા ખાધા હતા તો તેનું પણ તમને રિએક્શન આવી શકે છે અને ક્યારેક પ્રદુષિત હવા શ્વાસમાં જશે તો તેનું પણ રિએક્શન આવી શકે છે તો શું તમે શ્વાસ લેવાનું પણ બંધ કરી દેશો?
જમાલપુરાના કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના કોંગ્રેસના MLA ગ્યાસુદીન શેખ આ બંનેએ પોતાના વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવા લોકોને આ રસી અપાવવા ભલામણ કરી અને સમજાવ્યું કે આ રસીથી કોઈજ નપુંશકતા આવતી નથી. ધન્ય છે આ નેતાઓને જે આવા સમયે રાજકારણની દુશ્મનાવટ ભૂલીને અભિયાનની વહારે આવ્યા. જોકે આવું ફક્ત ગુજરાતમાં જ નહીં પણ આ જ વર્ષના મે મહિનામાં લુધિયાનામાં થયેલા રસીકરણ અભિયાનમાં પણ MR રસીની આડઅસરો બતાવતો ફોટોશોપ કરેલો ફેક વીડિયો વાઇરલ થયો હતો જેને કારણે વાલીઓ ચિંતામાં મુકાયા હતા. આપણી નબળી માનસિકતા જ એવી છે કે આપણે મોટા પીડિયાટ્રિક ડોકટરો, આરોગ્ય કર્મીઓ અને આ ઝુંબેશને વેગવાન બનાવતા અમિતાભ બચ્ચન અને બીજા લોકલ સેલિબ્રિટી જેવા મહાનુભાવોનું નહીં માનીએ પણ પાનના ગલ્લે બીડી ફૂંકતો નથ્થુ જો એમ કહે કે આ રસી જીવલેણ છે એટલે માની જશું અને કરી દેશું વાયરલ. વાહ રે આપણા બુદ્ધિજીવીઓ!
ફાર્મસીસ્ટ દ્વારા રાતદિવસ એક કરીને આવડી મોટી વસ્તીને પૂરું પાડવા માટે મોટા પ્રમાણમાં આ
વેકસીનનું ઉત્પાદન કરવામાં આવે છે અને છેક અંતરિયાળ ગામડાઓ સુધી આ જ ફાર્મસીસ્ટ તે રસીની ગુણવત્તા જાળવણી ની મહામૂલી જવાબદારી સંભાળીને તમને ખાતરી આપે છે કે આપનું બાળક સુરક્ષિત છે. પણ અહીં કોઈ અમિતાભ બચ્ચનનું માનવા તૈયાર નથી તો ફાર્મસીસ્ટ નું તો શું માનવાના?
ગુજરાતમાં NHMના મિશન ડાયરેકટર ડો.ગૌરવ દહીયાએ લોકોમાં જાગૃતિ લાવવા અને ખોટી ગેરસમજો ન ફેલાવવા ભલામણ કરી છે. આજે બાળકો અને વાલીઓ MR વેકસીનની આડઅસરનો નહીં પણ vaso vagal reflex નો ભોગ બની રહ્યા છે જેનું નિયંત્રણ આપણે જ કરવું પડશે. નહીં તો પાકિસ્તાનમાં પોલિયો રસી પીવડાવવા નીકળતા આરોગ્ય કર્મીઓ પર આતંકવાદીઓ દ્વારા થતા ગોળીબારમાં અને કંઈ જાણ્યા વગર જ ખોટા મેસેજ પાસ કરતા સોશિઅલ મીડિયાના આઈન્સ્ટાઈન મિત્રો, પેપર મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા માં કોઈ ખાસ ફરક રહેશે નહીં!!! પ્રભુને પ્રાર્થના કે ગુજરાતની શાણી પ્રજા થોડું શાણપણ વાપરે!
સચોટ માર્ગદર્શન.
ReplyDelete👍👍👍
ReplyDelete👍👍👍
ReplyDelete