મારે કોરોનાની વેક્સિન લેવી જોઈએ કે નહીં? આ પ્રશ્નનો જવાબ શોધવા આપણે ફરીથી 2020 ના એપ્રિલ મહિનામાં ટાઈમ ટ્રાવેલ કરવું પડે. યાદ કરો એ સમય જ્યારે આપણે પૃથ્વીના વિનાશની કાલીઘેલી વાતો કરતા હતા. નાસ્તિકમાંથી કેટલાય રાતોરાત આસ્તિક પાર્ટીમાં આવી ગયા હતા. ઘરમાં ભરાઈને નિર્બળ થઈ ગયેલા લોકો કલ્કી અવતારની રાહ જોતાં હતા તો કેટલાક પ્રકૃતિના કોપ સામે હાથ જોડીને બેઠા હતા.
દરેકની જિંદગીમાં અમુક એવી ઘાતક ક્ષણો હોય છે જેને જીવી જનાર પોતાની આગલી પેઢીને પણ આ ક્ષણો સામે કેવી બાથ ભીડી હતી તેની ફાંકા ફોજદારી કરતા હોય છે. પણ એવી ક્ષણો બહુ ઓછી હોય છે જ્યારે સમગ્ર માનવસમાજ એકસાથે પોતાના સંતાનોને ભવિષ્યમાં આવી કપરી ક્ષણોનું સાચું વર્ણન કરે. મારા સમકાલીન તમામની વાત કરું તો અત્યાર સુધીની જીવેલી ડરામણી પળોમાં ઉડીને આંખે વળગે એવું કંઈ હોય તો એ છે 2001નો ભુકંપ અને 2020નો કોરોના.
માર્ચ 2020 મહિનાથી શરૂ કરીએ તો આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોરોનાને નાથવા શક્ય તમામ પ્રયાસો કર્યા. એમાં ઘણા નિષ્ફળ પ્રયાસો પણ હતા. હાઇડ્રોકસી ક્લોરોકવીન, આઈવરમેકટિન, ફેબીફ્લુ, રેમડેસીવીર, ટોસિલિઝુમેબ આ બધા નામો ગામડાના સામાન્ય માણસને પણ કંઠસ્થ થઈ ગયા હતા. કારણ કે દરેક વ્યક્તિને આ તમામ અણુઓમાં પ્રભુના દર્શન થતાં હતા. એક એક દવા અને માસ્કમાંથી ગળાઈને આવતા ઑક્સિજનની કિંમત કરતો થઈ ગયો હતો માણસ. આવા સમયે એક જ આશ હતી કે એક વેક્સિન આવી જાય એટલે બસ આપણે આ જંગ જીતી જશુ. તો શું આપણે આ જંગ જીતી ગયા?
બસ હવે આ ટૂંકા ફ્લેશબેકમાંથી બહાર આવો. હવે સમજાશે કે આપણે તો અત્યારે પણ એવા જ છીએ જેવા ગત 2020ના જાન્યુઆરી માસમાં હતા. હજુ એવા જ ચાલાક, હજુ એવા જ સ્વાર્થી, હજુ એવા જ વિઘ્નસંતોષી, હજુ એટલા જ અશિસ્તના ધણી. બસ ફરક તો વચ્ચેના આઠ મહિના પૂરતો જ હતો. ફરી પાછો આપણો કાંટો ત્યાં જ અટકી ગયો જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?
વેક્સિન પ્રત્યે બધા શંકાની નજરોથી જોઈ રહ્યા છે. આજ સુધી આવેલી દરેક વેક્સિન અંગે આપણે ખાસ કશું જાણતા ન હતા. પણ જેવી કોરોનાની વેક્સિન આવી એટલે આપણું અધુરીયું જ્ઞાન મોર બનીને થનગનાટ કરવા માંડ્યું. વેક્સિનની કંપનીથી લઈને તેના કન્ટેન્ટ સુધીની વાતો વોટ્સએપ પર ફરવા માંડી. હજુ ગઈકાલે જ મારા પડોશમાં આ કોરોનાની વેક્સિનને પોપ્યુલેશન કન્ટ્રોલના ઇન્જેક્શન તરીકે આપવામાં આવશે એવી વાત જાણી. ત્યાં સુધી તો ઠીક હતું પણ જ્યારે ફર્સ્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રાથમિકતા આપીને આ રસી આપવામાં આવતી હોય ત્યારે આ હેલ્થ વર્કર્સ પણ જો તેમના પ્રત્યે શંકા ઉપજાવે અને ઉદાસીન બને તો સામાન્ય પ્રજાનું શું થાય? વેક્સિન લેવી કે ના લેવી એ 100 ટકા સ્વૈચ્છિક મુદ્દો છે. તેમાં કોઈ પણ તમારી સાથે બળજબરી ના કરી શકે. પણ તમે વેક્સિન નથી લેતાં એ વાતના હાસ્યાસ્પદ કારણોને બજારમાં ફેલાવવા એ તમારી નબળી માનસિકતાની નિશાની છે. આ માનસિકતાને એ ડર તો છે જ કે વેક્સિન લેવાથી મને કંઈક થશે તો? સાથે એ ઈર્ષ્યા પણ છે કે બીજા બધા લઈ લેશે અને હું રહી જઈશ તો?
કેટલાય લોકોનું માનવું છે કે દરેક રસીની શોધ વર્ષોના વર્ષો વીતી ગયા પછી થઈ તો આ કોરોનાની રસી એક વર્ષથી પણ ઓછા સમયમાં બને જ કેવી રીતે? અત્યાર સુધી આપણે કોરોના જેવા વાઇરસનો પણ સામનો નથી કર્યો કે તમે બાકીની રસીના ડેવલપમેન્ટને તેની સાથે સરખાવી શકો. રહી વાત ટેક્નોલોજીની તો આપણે હવે ગત પચાસ વર્ષની સરખામણીએ ખાસ્સા એવા સક્ષમ થઈ ગયા છીએ કે નવી વેક્સિન કે નવી દવાના ડેવલપમેન્ટને વેગ આપી શકીએ. પચાસ પ્રયોગોની ટ્રાયલ એરર હવે એકજ સોફ્ટવેરના ક્લિક પર અલગોરીધમ દ્વારા જાણી શકાતી હોય તો નવાઈ નથી કે નવી વેક્સિન ઝડપથી કેમ બની ગઈ! જરૂરિયાત એ શોધખોળની જનની છે. બસ આ જ એ જરૂરિયાત હતી જેમાં આપણે જીવ રેડીને ઓછા સમયમાં કઈક નવું કરી બતાવ્યું અને 'સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ' ના ચાર્લ્સ ડાર્વિનના લિસ્ટમાં આજે પણ માનવજાત સૌથી ઉપર છે. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મનો એક ડાયલોગ યાદ આવે છે "કુછ ચીજે જિંદગીમે પહેલીબાર ભી હોતી હૈ, મામુ." મતલબ જરૂરી નથી કે કોરોનાની વેક્સિન પણ આપણે પાંચ વર્ષ પછી જ લગાવીએ.
BCGનું ફુલફોર્મ ન જાણતા આપણે આપણા બાળકને જન્મતાંવેંત જ આ રસી અપાવવાની ડોક્ટરને હા પાડીએ છીએ. પણ કોરોનાની વેક્સિન લેશું તો કંઈક થઈ જશે તો? સમગ્ર દુનિયામાં આ વેકસિનની ટ્રાયલ સાથે જોડાયેલા લાખો લોકો પણ આવો જ ડર મનમાં રાખીને આગળ ન આવ્યા હોત તો? તો શું આજે આપણે કોરોના સામેની જંગના અંતિમ ચરણમાં પહોંચ્યા હોત? શંકાઓના ખારા સાગરમાં આપણે વિશ્વાસની મીઠી વીરડી ઉલેચવાની છે. દરેક રસી કે દરેક દવાને પોતાની આડઅસર કે જે તે ખાસ પ્રકૃતિના માણસો માટે નાના મોટા એલર્જિક રિએક્શન હોવાના. પણ દવા કે વેક્સિનનું અસ્તિત્વ જ એ શરતને આધીન હોય છે કે તેના ફાયદા સામે તેની આડઅસરો નહિવત હોય. રિસ્ક ટુ બેનિફિટ રેશિયો આ દરેક સંશોધનોમાં જોવામાં આવે જ છે. પણ આપણે એવું રિસ્ક મનમાં ઠસાવી દેશું કે બહાર નિકળીશ તો મારું એક્સિડન્ટ થઈ જાશે તો આપણી જિંદગી ચાર દિવાલ વચ્ચે જ પુરી થઈ જાય. વળી આ દીવાલ પણ ગમે ત્યારે પડી શકે તો મારે ખુલ્લામાં જ રહેવું જોઈએ આવો વિચાર તમે ક્યારેય કર્યો છે? જો ના તો પછી આ વેક્સિનમાં આટલો વિચાર કરવાની કોઈ જરૂર નથી. જેટલી તમારી વાહન લઈને બહાર નિકળવાથી એક્સિડન્ટની શકયતા છે એનાથી ક્યાંય ઓછી શકયતા છે કે તમને વેક્સિનની કોઈ ગંભીર આડઅસર થાય. હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમે આ લડાઈના અંતિમ તબક્કામાં લડવા માંગો છો કે પ્રેક્ષક બનીને માત્ર બીજાને જીતતા જોઈને જ ખુશ થવા માંગો છો? અને હા આ લડાઈમાં ના ઉતરો તો કાંઈ નહિ પણ ઓછામાં ઓછી એક મહેરબાની જરૂર કરજો કે આ લડાઈમાં લડનારાનો ઉત્સાહ તોડીને તેને વિચલિત ના કરતા.
સુપર ઓવર: મોઢામાં માવો (કાઠિયાવાડી પાનમસાલા) ઠુંસતા એક વ્યક્તિએ મને કહ્યું, " ભલે કોરોનાની વેક્સિનથી અત્યારે તમને કાંઈ ના થાય પણ પાંચ વર્ષ પછી તમારું લીવર, કિડની બધું ફેલ થઈ જશે."
Superb Story very nice
ReplyDeleteGood
🙏
DeleteVery nice and important article
ReplyDeleteThank you
DeleteVery nice and important article
ReplyDelete