એકાદ મહિના પહેલાંની જ વાત છે જ્યારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પૂરેપૂરો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં બેઠેલો હતો. વાત ફકત એટલી જ હતી કે એક દર્દી દ્વારા નર્સ સાથે બોલાચાલી થઈ ગઈ અને એ બોલાચાલી તમામ મર્યાદાઓ ચૂકીને ડૉકટરથી માંડીને તમામ સ્ટાફ સાથે કરવામાં આવી. દર્દીને એટેન્ડ કરવામાં ફ્કત પાંચ મિનિટનો સમય લાગતા એ દર્દીની ધીરજ ખૂટી ગઈ હતી, બસ વાત ફ્કત એટલી જ હતી. દર્દીને કોઈ ઇમરજન્સી ન હોવા છતાં પોતાના નંબરની રાહ જોવા તૈયાર ન હતો. આવી સામન્ય ધીરજના આભાવને કારણે તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. કોઈ જ પ્રકારની મારામારી થઈ ન હતી, થોડી ઘણી પાયાવિહોણી ધાકધમકીઓ હતી. આમછતાં તમામ સ્ટાફ દ્વારા તરત જ આ વાત સામે બાંયો ચડાવીને ફરિયાદ દાખલ કરી જેને કારણે થોડા ઘણા અંશે પણ લોકોમાં એક ઉદાહરણ બેસાડી શકાય. ખરાબ માનસિકતા અને દાદાગીરીના પવનમાં ભાન ભૂલી ગયેલા એ 'કહેવાતા' દર્દીએ એ રાત્રિ પોલીસ સ્ટેશનમાં વિતાવી.
આ વાત આજે યાદ કરવાનું કારણ રાજસ્થાનમાં થયેલ એક દુર્ઘટના છે. અહીં લોકોની નજરમાં જે દુર્ઘટના છે તેના કરતાં અલગ દુર્ઘટના દેશના ડૉકટર અને મેડિકલ સ્ટાફની નજરમાં છે. આ બંને દુર્ઘટનામાં જીવ ગયા જેમાં એક દર્દીની સાથે એક ડૉકટર પણ જીંદગી હારી ગઇ. ગાયનેકોલોજિસ્ટ ડૉકટર અર્ચના શર્માની પ્રાઇવેટ કલીનિકમાં એક દર્દીનું પ્રસૂતિ બાદ પોસ્ટ પાર્ટમ હેમેરેજને કારણે લોહી વહી જવાથી મૃત્યુ થયું પણ બાળકને બચાવી લેવાયું. આ મૃત્ય બાદ મૃતદેહને ઘરે લઈ જવાયો પણ ત્યારબાદ કેટલાક રાજનૈતિક અને ગુંડાગીરી ધરાવતા આગેવાનો આગળ આવ્યા અને મૃતદેહને પાછો હોસ્પિટલ લાવીને હંગામો ઊભો કર્યો, કેસ કર્યો અને એટલી માનસિક સતામણી કરવામાં આવી કે બે બાળકોની માતા કે જેનો પતિ એક મનોચિકત્સક હોય તેણે પોતાના સ્વમાન ખાતર આત્મહત્યા કરવી પડી. અહીં કેટલાકના મતે દર્દીનું મૃત્યુ મર્ડર હશે તો કેટલાક માટે ડૉકટરની આત્મહત્યા પણ મર્ડર જ ગણાશે.
હોસ્પિટલમાં થતી ભાંગફોડ કે હિંસા એ કોઈ નવી વાત નથી. આમ છતાં આ હિંસાને કોઈ કોમી હિંસા જેવું કે આંદોલન જેવું માઇલેજ મીડિયામાં ભાગ્યે જ મળે છે. હકીકતે મોટાભાગના કિસ્સામાં મીડિયાનુ નેરેટિવ સેટ કરીને જ લેભાગુ તત્વો તેના આશરે હોસ્પિટલમાં ખેપાની ખેલ ખેલતા હોય છે. હવે તો દરેકના ખિસ્સામાં રહેલો મોબાઈલ જ જાણે રિપોર્ટિંગ નું સાધન બની ગયું હોય એમ કોઈ પણ પ્રકારની પ્રાઈવસી કે કોઈના સ્વમાનની પરવા કર્યા વગર જ દરેક અર્ધસત્ય કે અસત્ય વાઇરલ કરીને જનહિતમાં જારી કરી દેવામાં આવે છે. દરેક ઘટનાઓની બે બાજુઓ હોય છે પણ સામાન્ય અભિપ્રાયને જ વાયરલ કરીને તેનો ગેરલાભ ઉઠાવતા લોકોને જ આજે 'જાગૃત' નાગરિકનું બિરુદ મળે છે.
આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે તેનું કારણ આવી ઘટનાઓને હજુ આપણા ન્યાયક્ષેત્રમાં પ્રાયોરીટીની નજરથી જોવાતી નથી. જ્યાં ગંભીર બોમ્બ વિસ્ફોટ જેવા મુદ્દાઓમાં પણ સાચો છતાં દસ કે પંદર વર્ષે ન્યાય મળતો હોય તો પછી આવી બાબતોને પ્રાધાન્ય થોડું મળે! ન્યાયમાં વિલંબ એ લગભગ અન્યાય બરાબર જ માનવામાં આવે છે.
🔗આ પણ વાંચો: હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?
એક્સિડન્ટના કેસમાં દાખલ થયેલ દર્દીનું મૃત્યુ થાય એટલે ડૉકટર જવાબદાર, વીસ બાળકોના વેક્સિનેશન બાદ તેમાંથી જો એક બાળકને પણ આડઅસર થાય એટલે નર્સ જવાબદાર, મેડીકો લીગલ કેસમાં પોલીસની મદદ માટે આગળ આવતા ડૉકટરની ગુંડાઓ દ્વારા સતામણી, સરકારી હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રકચર કે પૂરતા સ્ટાફની સુવિધાઓના અભાવે દર્દીઓને પડતી હાલાકીઓ માટે પણ જવાબદાર ડૉકટર... આમ આવી દરેક બાબતોમાં આપણે ડૉકટર જવાબદાર કે મેડિકલ સ્ટાફને શૂળીએ ચડાવીને છીએ અને તેની જ ટેવ પડતી જાય છે. મૂળ અસુવિધાનું કારણ કે તેનું સોલ્યુશન શોધવાની તસ્દી કોઈ લેવા તૈયાર નથી.
એવું નથી હોતું કે દર વખતે ડૉકટર નિર્દોષ જ હોય, પણ જાણીજોઈને કોઈ ડૉકટર બેદરકારી દ્વારા જીવ લેવા તો તૈયાર હોતો નથી. કેટલીકવાર બેદરકારી તો કેટલીકવાર દર્દીઓની લાગણી સભર નાજુક ક્ષણો પણ આવી હિંસા માટે ટ્રિગરનું કામ કરે છે. આવી સ્થિતિમાં ડોકટર પણ દર્દીઓ અને તેના સગાવહાલાઓની લાગણીઓને ધ્યાને લઇને વિવેકપૂર્ણ વર્તન અને વ્યવહાર કરે એ જરૂરી છે, કારણ કે આ સમયે એક પણ જડ શબ્દ દર્દીઓના સ્વજનોને તીર જેવો ખૂંપી જતો હોય છે. દરેક મેડિકલ સ્ટાફે આ વાત ગળે બાંધી જ લેવી જોઈએ કે સામેનો વ્યક્તિ લાગણીના તાણમાં હોય છે પણ પોતે હમેશાં સ્થિતપ્રજ્ઞ રહેવો જોઈએ. મોટાભાગના કેસોમાં હિંસા અથવા ધાકધમકી એ લાભ ખાટવાનું સાધન હોય એવું બને છે પરંતુ જેટલા કિસ્સાઓમાં ફક્ત લાગણીઓને કારણે આવું બનતું હોય ત્યારે મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલની જવાબદારી પણ દર્દીઓ પ્રત્યે એટલી જ હોય છે.
હોસ્પિટલ અને દર્દી વચ્ચે વિશ્વાસનું વાતવરણ ઉભુ થાય એ જરૂરી છે જેની જવાબદારી બંને પક્ષે સરખી રહે છે. આ વિશ્વાસના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનાર સામે યોગ્ય પગલા ભરાય અને ન્યાય મળે એ જવાબદારી પણ સામે સરકારની તેમજ ન્યાયતંત્રની બને છે.
સુપર ઓવર: "એ'લા ગાડી ઉભી તો રાખ. આ હોસ્પિટલ પાસે આટલી ભીડ કેમ છે?"
"કોઈક એક્સિડન્ટનો કેસ હશે અથવા બધા ડૉક્ટરને લમધારવા આવ્યા હશે. તું સીધી ગાડી જવા દે ને, ભાઈ."
Comments
Post a Comment