Skip to main content

હોસ્પિટલમાં લાગણીઓનું 'તાણ' કે લાગણીઓની 'તાણ'?



"વી આર નોટ હીઅર ટુ મેક ફ્રેન્ડસ. આઇ ડુ નોટ લવ માય પેશન્ટસ્. ઇસ હાથ કો દેખો. હજારો ઓપરેશન કીએ હૈ ઇસ હાથને લેકીન યે કભી નહી કાંપા. મગર મેં અપની હી બેટીકા ઓપરેશન કરું તો યે હાથ જરૂર કાંપેગા." મુન્નાભાઈ એમબીબીએસ માંથી ડો.અસ્થાનાનો આ ડાયલોગ મને યાદ આવે છે જ્યારે કબીરસિંધ ફિલ્મમાં કોલેજ ડીન પણ ફૂટબોલમાં ઝઘડો કરીને આવેલા શાહિદ કપૂરને આવી જ કંઈક સલાહ આપે છે, "એન્ગર મેનેજમેન્ટમે તુમ ઝીરો હો. મેડિકલ પ્રોફેશનમે જો ઇન્સાન અપના ગુસ્સા કંટ્રોલ નહિ કર શકતા વો સર્જીકલ બ્લેડ હાથમે લિયે એક મર્ડરર સે જ્યાદા કુછ નહીં હૈ." 

આ બંને ડાયલોગ આમ તો એકબીજાના પૂરક છે, પરંતુ બંનેમાં બે જુદી જુદી લાગણીઓને સંબોધવામાં આવી છે. પહેલા ડાયલોગમાં ડોકટરને દર્દી પ્રત્યેની હમદર્દી અને પ્રેમથી દૂર રહેવાનું સૂચન છે તો બીજા ડાયલોગમાં નફરત અને આવેશથી પણ ડોકટરોએ જોજનો દૂર રહેવું એવી ફિલોસોફી બતાવી છે. ડોકટર કે કોઈ પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલો વ્યક્તિ બીજા ગ્રહ પરથી આવેલો નથી. એ પણ આજ સમાજમાં ઉછરેલો હોમો સેપિયન્સ છે અને એટલે તેનામાં પણ સામાજિક સંવેદનાઓ અને લાગણીઓ હોવાની જ. પરંતુ શું આ લાગણીઓ તેને પોતાની ફરજમાં રુકાવટ કરવા માટે રોકી શકે ખરી? એક ફાર્મસિસ્ટ તરીકે હું જ્યારે દિવસમાં સેંકડો લોકોને દવાઓ આપતો હોવ ત્યારે જે વિશ્વાસ અને સલાહ હું દર્દીને આપતો હોવ એ જ દવાને જ્યારે હું કોઈ સંબંધીઓને કે ઘરમાં ઉપયોગમાં લેવાની થાય ત્યારે એ દવા વિશે મિત્ર ડોકટરની સલાહ લેવાનું અનિવાર્ય સમજુ છું. આવું કેમ થાય છે? શું પોતાના પર અજમાઈશ કરવામાં નિષ્ફળ જવાથી ડરીએ છીએ કે પછી પોતાના પર વિશ્વાસનો અભાવ હોય છે? ના, પોતાના શિક્ષણ કે નોલેજ ઉપર જરાય શંકા નથી હોતી. એક રીતે આ તરફથી કોઈ વાંધો નથી હોતો. પણ આપણી સાથે જેનો તાર જોડાયેલો છે એ સામે છેડે થોડીઘણી લાગણીઓ જન્મે છે એ આ તાર વાટે આપણા સુધી પહોંચીને આપણા મનોબળમાં ખચકાટ પેદા કરે છે. આવા સમયે ટ્રીટમેન્ટ મેળવનારનો રિસ્પોન્સ આપણી લાગણીઓ અને આપણા વર્તન સાથે સીધો જ વણાઈ જાય છે. એ રિસ્પોન્સ સારો હોય કે નરસો હોય, થોડી ઘણી અજાણતાં અસર તો પહોચાડે જ છે. પરંતુ આવું દરેક માટે સાચું હોય એમ બ્રહ્મવાક્ય માની લેવાની જરૂર પણ નથી. મેં એવા ડોક્ટરના કિસ્સા સાંભળ્યા છે કે જેણે પોતાની જ પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરીને પ્રસુતિ કરાવી હોય. ત્યારે તેનો હાથ ધ્રુજયો કે નહિ એ વાત ગૌણ બની જાય છે, મહત્વનું એ છે કે પોતે એ કરવા માનસિક રીતે તૈયાર કઇ રીતે થઈ શક્યા હશે?

આ વાત ફક્ત ડોક્ટર સુધી સીમિત ન રહેતા દવાખાનામાં કામ કરતા નર્સિંગ તેમજ અન્ય પેરા મેડીકલ્સને પણ સરખી રીતે જ લાગુ પડે છે. નર્સિંગ સ્ટાફ સ્કિલ્સની સાથે સાથે લાગણી અને મમતા માટે પણ જાણીતો છે. હા, ક્યારેક ખાનગી કે (ખાસ કરીને) સરકારી દવાખાનામાં ચીસો પાડીને દર્દીઓને ધમકાવીને સાજા કરતી નર્સ પણ જોવા મળે છે પરંતુ આ માટે શું તેનો આવેશ કે કટુતા હંમેશા એવી જ હોય છે કે પછી અમુક કડવા અનુભવો તેમને આવું બનવા માટે મજબૂર કરે છે? આજકાલ દવાખાનામાં અને તેમાં પણ ખાસ કરીને સરકારી દવાખાનાઓમાં વધી રહેલી હિંસા તો આવું થવા પ્રેરતી નહિ હોઈને? કદાચ કડવા અનુભવોએ તેને એટલા લાગણીવિહીન તો નથી બનાવી દીધાને કે જ્યાં ખરેખર દર્દીને વિશ્વાસ અને હૂંફની સાથે પોતાની માંદગીમાંથી ઉભા થવા માટે જે પ્રેરણાની જરૂર હોય છે તેનો જ દુષ્કાળ પડવા માંડ્યો હોય. દૂધનો દાઝયો છાસ પણ ફૂંકીને પીવે એ કહેવત અનુસાર કદાચ હવે દર્દીઓના દર્દથી વૈરાગ્ય આવી ગયો હોય એવું પણ બને. આજકાલ દર્દીઓની ટ્રીટમેન્ટ સાથે તેના કન્સેન્ટ પર ડોક્ટરનું વધુ ધ્યાન હોય છે. જોકે દર્દીઓની તોફાની લાગણીઓના ઘોડાપુર સામે આ કન્સેન્ટ ફોર્મની કોઈ જ વિસાત રહેતી નથી. આમ દવાખાનું એ હરખ, દુઃખ, ગુસ્સો, શરમ, ડર, ઘૃણા, આશ્ચર્ય, સંતોષ, રાહત એમ હાસ્યથી લઈને રુદન સુધીના તમામ આવેગોનો ઘાટ છે.



જુદા જુદા દર્દીઓ સાથે એક જ પ્રકારનું વર્તન અને એક જ પ્રકારની સારવાર શક્ય જ નથી. કૃત્રિમ રીતે પણ કદાચ તમે થોડા દિવસ અજમાવી શકો પરંતુ ત્યારબાદ કસ્ટમર કોલ એક્ઝિક્યુટિવ જેવી નકલી કૃત્રિમતા વધુ સમય તમને ચલાવી શકતી નથી. દરેક દર્દી સાથે ફ્રિકવન્સી મેચ કરવાની લ્હાયમાં ક્યાંક પોતાની મૂળ ફ્રિકવન્સી જ ખોવાઈ ના જાય એ પણ જરૂરી બની રહે છે. તો શું ડો. અસ્થાનાની વાત એકદમ સાચી કે દર્દીઓ જોડે હમદર્દીને કોઈ સ્થાન નથી? કેટલાક અસાધ્ય રોગો કે કેટલાક માનસિક રોગો કે જેમાં ફક્ત હિંમત અને પ્રેરણા તથા હોસ્પિટલનું વાતાવરણ જ દર્દી માટે જીવવાનો એકમાત્ર વિકલ્પ છે ત્યારે પ્રિસ્ક્રિપ્શનમાં દવા કરતા લાગણીનું લિસ્ટ વધી જાય છે. રહી વાત કબીરસિંધ જેવા માથા ફરેલ ડોકટરોની તો તેઓ પણ પોતાની લાગણીઓને આધીન છે અને આ લાગણીઓ જ્યાં સુધી પોતાના સુધી સીમિત રાખીને પોતાની અંદરના ડોકટરને પોતાનું કામ કરવા દે ત્યાં સુધી કોઈની સીમાઓનું ઉલ્લંઘન થાય એવું લાગતું નથી. પોતાના આવેગો પર કાબુ રાખ્યા વગર કામ કરનાર કોઈપણનો ગુનો અક્ષમ્ય બને છે પછી તે મેડિકલ સિવાયનો કોઈ પણ પ્રોફેશન કેમ ના હોય. આવેગોને પોતાના ઓફિસના ટેબલ પર ઓગાળતા સૌથી વધુ ઉદાહરણો કોર્પોરેટ વર્લ્ડમાં મળે છે. પણ અહીં લાગણીઓને પોતાના પર હાવી કરી દેવામાં જે નુકશાન છે તેની સાપેક્ષે માનવદેહ સાથે પ્રત્યક્ષ કામ પાર પાડનારા લોકોની લાગણીસહજ ભૂલો વધુ ઝડપથી અને વધુ સારી રીતે દ્રષ્ટિગોચર થાય છે અને તેના કારણે જ આવી જગ્યાઓ પર ઇમોશનલ અત્યાચારો થવાની શક્યતાઓ પણ હજાર ગણી વધી જાય છે. આ લેખમાં દર પાંચમી લાઈનમાં આવતો લાગણી શબ્દ ખરેખર બે ધારની તલવાર જેવો છે, તમારી પોતાની લાગણીઓને કાબુમાં રાખી તમે બચી નહીં શકો, સામેના લોકોની લાગણીઓ પણ એટલી જ મહત્વની છે. એક્સિડન્ટ ન થવા માટે એકલા તમને જ વાહન ચલાવતા આવડે એવું અભિમાન રાખવું પૂરતું નથી, સામેથી કે પાછળથી આવતા કરતબકારો પણ તમને આ બાબતે ખોટા પાડી શકે છે.


સુપર ઓવર: મારામારીની ઘટના બાદ  પોસ્ટમોર્ટમ માટે આવેલા મૃતદેહ પાસે ઉભેલા ડોકટરને બહારથી આદેશ આવ્યો, "રિપોર્ટમાં હાર્ટએટેક જ લખવાનું છે, હો." પછી શું? બીજું તો કાઈ કરી શકે એમ ન હોઈ ડોકટરે બધો જ ગુસ્સો સ્કાલપેલ વડે મૃતદેહ પર કાઢ્યો.

Comments

  1. Nice article.....tame khota pharmacist bani gaya....Lekhak to tame pelethi 6o j

    ReplyDelete
  2. Thank you.. pan pharmacist hovu e pan ek moto faydo chhe lekhak banava mate.. aatla anubhavo mate...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...