Saturday, May 26, 2018

જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?




          શોર્ટ ટેમ્પર લોકોના આ દેશમાં જ્યાં નાની અમથી ટ્વિટ કે કમેન્ટ થી મોટી મોટી રાજકીય હોનારતો સર્જાતી હોય ત્યાં લોકોનું માથું ના દુઃખે એવુ તો કેમ બને? એટલે લગભગ દરેક સામાન્ય માણસના ઘરમાંથી આપણી રાષ્ટ્રીય દવા પેરસીટામોલ ના નીકળે તો જ નવાઈ! પણ આ પેરસીટામોલ જુદા જુદા રંગવેશમાં જુદા જુદા લોકોના મનમાં ઘર કરીને બેઠી છે. જેમકે માથાના દુઃખાવામાં ડી'કોલ્ડ ટેબ્લેટ લેવા વાળાને જ્યારે સરકારી દવાખાનાની પેરસીટામોલ આપશો તો તરત જ મસ્જિદમાં ચાદરની જગ્યાએ માતાજીની ચુંદડી ભૂલથી ઓઢાડી દીધી હોય એવા ભાવથી ના પાડશે અને કદાચ એ દવા ખાઈ લેશે તો પણ એના માથામાં કંઈ ખાસ ફરક પડશે નહીં. અહીં ચુંદડી ઓઢાળો કે ચાદર એમાં ઈશ્વરને કશો ફરક પડવાનો નથી એવી જ રીતે પેરાસીટામોલ ને જેનેરીકમાં બેસાડીને મોકલો કે બ્રાન્ડેડ કારમાં બેસાડીને શરીરમાં મોકલો એમા કાઈ ફરક પડવાનો નથી. તો પછી અસરમાં ફરક ક્યાંથી આવ્યો?
          જેનેરીક દવા એ કોઈ બીજા ગ્રહનું એલિયન નથી પણ આપણી જ બ્રાન્ડેડ દવાનું પેટન્ટલેસ વર્ઝન છે એ આપણે પહેલાના આર્ટિકલમાં ઉડતું જોયું. (આર્ટિકલ લિંક માટે ક્લિક કરો ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી)પરંતુ એક જ API (active pharmaceutical ingredient) ની જુદી જુદી જેનેરીક તેમજ એ જ API ની બ્રાન્ડેડ દવાઓના પરિણામમાં થોડો ફરક જોવા મળે છે જેનું કારણ છે તેમાં રહેલા જુદા જુદા excipients (દવામાં રહેલા મુખ્ય દ્રવ્ય API ને શરીરમાં મનગમતા અને સગવડીયા રૂપરંગમાં તૈયાર કરી તેની સમયસર અસર માટે મદદરૂપ થતાં ૨સાયણો). કોઇ પણ ઉપલબ્ધ જેનેરીક દવાની નવી બ્રાન્ડ દવા તો જ બને જો એ હાલમાં ઉપલબ્ધ દવા કરતાં થોડી ચડીયાતી હોય, એટલે કે પેટન્ટ મેળવવા માટે આ દવાને નવા સ્વરૂપમાં રજુ કરીને તેનો ઉપલબ્ધ દવાની સરખામણીએ ફાયદો બતાવવો જરૂરી છે. બની શકે કે એકસરખાં જ API વાપરેલા હોવા છતાં તેમાં વાપરવામાં આવતાં અન્ય દ્રવ્યો (excipients) બ્રાન્ડેડ દવાને ચડીયાતી સાબિત કરતાં હોય. જેમ કે કદાચ જેનેરીક દવાઓ કરતાં અલગ excipients વાપરતી બ્રાન્ડેડ દવાઓનો ઓનસેટ એકશન ટાઈમ ઓછો હોય અને કદાચ 20 મીનીટ વહેલી અસર કરતી હોય. (આ 20 મીનીટ માટે જ કદાચ તેને 20 વર્ષની ઇજારાશાહી મળી હોય!) FDA પણ જેનેરીક દવા અને બ્રાન્ડેડ દવા વચ્ચેનો 20% થી 25% નો Bioequivalance ફેરફાર સ્વીકારે છે. (Bioequivalance પછી ક્યારેક....)
          પણ ફક્ત આ એક જ કારણ પૂરતું નથી હોતું દવાની અસર ના ફેરફાર માટે, આનાથી પણ મોટું એક પરિબળ છે જે ભાગ ભજવે છે. જેવી રીતે સંશોધન વખતે દવાની અસર ના યોગ્ય તારણ માટે પ્લેસીબો(જરૂરી API વગરની દવા) ટેસ્ટ કરવામાં આવે છે એ જ પ્લેસીબો દર્દીને સાજા કરવામાં પણ ક્યારેક ડોકટરને વાપરવો પડે છે. જેમકે સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનમાં આપવામાં આવતી વિટામિન્સની ગોળીઓ એ પોલીફાર્મસીનું પ્લેસીબો સ્વરૂપ છે એવું કહી શકાય. બસ આવી પ્લેસીબો માનસિકતા જ કોઈ એક બ્રાન્ડેડ દવાને અથવા જેનેરીક દવાને પકડીને બેસી જાય છે અને બીજી સ્વીકારતું નથી.  વળી બ્રાન્ડેડ દવાઓનું માર્કેટિંગ પણ મહદઅંશે (આમ તો બૃહદઅંશે) ભાગ ભજવી જાય છે.

         હવે ડોકટરની વાત કરીએ તો ડોકટર માટે સ્વાભાવિક છે કે દર્દીને સમયસર સાજું કરવું એ મોટી પ્રાથમિકતા બની જાય છે, ભલે ને ફક્ત 20 મિનિટ જ વહેલું સાજું થતું હોય. એટલા માટે બ્રાન્ડેડ દવાને વધુ પ્રાધાન્ય આપશે. મતલબ કે બધા ડોકટર એવા નથી હોતા કે જે ફક્ત કમિશન માટે જ બ્રાન્ડેડ દવાઓ લખતા હોય પણ સામે મળતા આઉટપુટ પર પણ તેનું ફોકસ રહેવાનુજ. વળી ધારોકે સરકારશ્રી ના આદેશ મુજબ સંપૂર્ણ જેનેરીક પ્રિસ્ક્રીપ્શન ડોકટર લખી નાખે તો પણ "ક્યા લીખતા હૈ વહી બીકતા હૈ?" નો પ્રશ્નાર્થ રહેવાનો જ. કેમ કે મેડિકલ સ્ટોર પર હાજર (ક્યારેક હોય પણ ખરો!) ફાર્મસીસ્ટ પાસે જો જેનેરીક સાથે એ જ દવાનો મોંઘો બ્રાન્ડેડ વિકલ્પ હશે તો દર્દીને એ પણ પધરાવી શકે છે, જેની દર્દીના શરીર પર કોઈ વિપરીત અસર નહીં થાય પણ હા પેલું દિલ પાસે રહેલું ખિસ્સું કદાચ તૂટી જાય. જોકે બધા ડોકટર જેમ કમિશનખોર નથી હોતા એવી જ રીતે બધા ફાર્મસીસ્ટ પણ આવા નથી હોવાના. ઉલ્ટાનો જો વિચાર કરીએ તો ખરેખર જેનેરીક દવાઓમાં મળતો નફો બ્રાન્ડેડ દવાઓ કરતા વધુ હોય છે. આમ જેનેરીક દવા દર્દી માટે સસ્તી, મેડિકલ સ્ટોર ના ફાર્મસીસ્ટ માટે વધુ નફાકારક અને એટલે જ સામે ફાર્માસ્યુટિકલ કંપની માટે પણ નફાકારક રહે છે. જોકે આ નફામાં પણ લાલચ જગાવીને અમુક કહેવાતી ફાર્મા કંપનીઓ નબળી ગુણવતાની જેનેરીક દવાઓ બનાવીને માર્કેટમાં મૂકે છે જેને કારણે આપણો સાચી જેનેરીક દવાઓ પરનો વિશ્વાસ પણ ડગમગી જાય છે. ખાસ કરીને આવી જેનેરીક દવાઓએ જ સરકારી આરોગ્યતંત્ર ને બદનામ કર્યું છે. સરકારી દવાખાનાઓ માં આવતી જેનેરીક દવાઓની ગુણવત્તા ચકાસણીના રિપોર્ટ ક્યારેક તો દવા મોટા જનસમુદાય સુધી પહોંચી ગયા પછી આવે છે અને દર્દીના પેટ માં પડી ગયેલી દવાઓને સરકાર અપ્રમાણસર જાહેર કરે છે!
          આમ છતાં આજે વધતી મોંઘવારીમાં સારવારનું મોટાભાગનું ખર્ચ દવાઓ જ રોકી લે છે ત્યારે જેનેરીક દવા એ આજના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગને પરવળે એવો ઉત્તમ વિકલ્પ છે. છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં ખોલવામાં આવેલા જન ઔષધિ કેન્દ્રો ભારતીય અર્થતંત્ર અને આરોગ્ય માટે જીવાદોરી સાબિત થઈ શકે એમ છે. કમ સે કમ આપણે ત્યાં એક રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તો જોઈશું! હવે નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બ્રાન્ડેડ દવાઓ લઈને 20 મિનિટ વહેલું સાજું થવું છે કે ખિસ્સાનું આરોગ્ય પણ ધ્યાનમાં રાખીને આપણું આરોગ્ય સાચવવું છે? કોઈ એક વ્યક્તિ માટે પણ જુદી જુદી પરિસ્થિતિમાં અલગ અલગ પરિબળોનો વિચાર કરીને આ નિર્ણય જુદો જુદો હોઈ શકે.
(અહીં બ્રાન્ડેડ દવાઓ જેનેરીક દવા કરતા 20 મિનિટ વહેલી અસર આપે છે એ એક પ્રતીકાત્મક ઉદાહરણ માટે રજૂ કરાયું છે. આ સિવાય બીજા પણ કેટલાક ફાયદાઓ હોઈ શકે છે જે વ્યક્તિગત અલગ અલગ હો શકે.)


Monday, May 21, 2018

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી



          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.
          આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડીને જ બેસી જાય છે.


          જેનરીક દવા અને બ્રાન્ડેડ દવાઓનો સવાલ 'પેલા મરઘી કે પેલા ઈંડુ!?' એ સવાલ જેટલો જ જટિલ છે. આજની તારીખમાં જોવા મળતી દરેક જેનેરીક દવાઓ ક્યારેક બ્રાન્ડેડ તરીકે જ ઓળખાતી હતી. આ જેનેરીક દવા એ જ બ્રાન્ડેડ દવા છે જે વીસ વર્ષ પહેલાં પોતાની ભરજુવાની માં પેટન્ટ નો મેકઅપ કરીને કેટલાય ના દિલ પાસે રહેલા ખિસ્સા તોડી નાખ્યા હતા. હવે જ્યારે જુવાની પુરી થઈ અને પોતાના સૌંદર્યની હરીફાઈ વધી ગઈ એટલે ડાહી ડમરી થઈને લોકોના ખિસ્સામાં સમાવા સામેથી તૈયાર થઈ ગઈ. તો પછી ભરજુવાનીમાં આ દવાઓ કેમ મોંઘી હતી?
          નવી નવી દવાઓના સંશોધન પાછળ આજે અબજો રૂપિયા ખર્ચાઈ રહયા છે અને આ અબજો રૂપિયાના પરિણામને અંતે સફળતા મળશે જ એની કોઈ ગેરેન્ટી હોતી નથી. જ્યારે આ દવાઓના સંશોધનકર્તા (મોટા ભાગે ફાર્મસીસ્ટ) સફળતાનો સ્વાદ ચાખે છે ત્યારે સૌથી પહેલાં  માનવહીતાર્થે કરેલા ખર્ચને પહોંચી વળવું જરૂરી બની રહે છે. આ ખર્ચ વસુલવા પેટન્ટ ફાઇલ કરવામાં આવે છે જે સામાન્ય રીતે વીસ વર્ષ સુધીની હોય છે. આ પેટેન્ટ જે-તે સંશોધનકર્તા કંપનીને વીસ વર્ષનો ઈજારો આપે છે, પોતાની કિંમત વસુલવા માટે. આથી આ નવી આવેલી દવા આપણા ખીસ્સાને ના છૂટકે રડાવી જાય છે. અહીં જરૂરી નથી કે દવા જ નવી શોધાયેલી હોવી જોઇએ. એ દવાની બનાવટમાં કે તેની પધ્ધતિમાં કરાયેલો નજીવો (આપણા માટે) ફેરફાર પણ પેટન્ટના હક હેઠળ આવરી લેવામાં આવે છે. એટલે મોંધીદાટ કિંમતો વસુલતી ફાર્મા કંપનીઓ આપણને લુંટી રહી છે એવું કહેવાને બદલે પોતાના હકનો મનોવાંછીત નફો વસુલી રહી છે એમ કહી શકાય. આ નફો વસુલવા માટે ફાર્મા કંપનીનું પહેલું અમોઘ બ્રહ્માસ્ત્ર છે ડોક્ટરો !
          આજે સરકારે જ્યારે ડોક્ટરોને જેનેરીક દવાઓ લખવા આગ્રહ કર્યો છે ત્યારે કમિશન મેળવતાં ડોક્ટરો કરતાં ફાર્મા કંપનીઓ ને વધુ ધકકો લાગી રહ્યો છે. દુનિયાની 20 % જેનેરીક દવાઓનું ઉત્પાદન કરતા ભારત દેશમાં જ મોટા ભાગની જેનેરીક દવાઓ નિકાસ પામે છે અને આપણા માટે મોંધીદાટ બ્રાન્ડનો રાફળો ખુલ્લો મુકી દેવામાં આવે છે. આપણે ગળથુથી થી જ બ્રાન્ડેડ દવાઓ થી ટેવાયેલા છીએ અને ઘણી ગેરમાન્યતાઓ નું ઘર ભરીને બેઠા છીએ. જેમ કે જેનેરીક દવાઓની અસરકારકતા બ્રાન્ડેડ દવાઓ જેટલી નથી હોતી, સસ્તું હોય એ હંમેશા સારું નથી હોતું, ડોકટર હંમેશા પોતાના કમિશન નો વિચાર કરીને જ દવા લખે છે, મેડિકલ સ્ટોરને જેનેરીક વેચવામાં રસ નથી... વગેરે વગેરે.
          જો જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવા સમાન જ હોય તો પરિણામ માં ફરક શા માટે જોવા મળે છે!? શા માટે ડોકટર બ્રાન્ડેડ ને વધુ મહત્વ આપે છે? મેડિકલ સ્ટોર અને ફાર્મા કંપનીઓ ને નફો જેનેરીક રળી આપે છે કે બ્રાન્ડેડ? આવાં કેટલાય સવાલો બધાના મન માં ઘૂમે છે જેના ઉપર નિષ્પક્ષ ચર્ચા કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. હવે પછીના લેખમાં આ સવાલોનો કોઈ પર આરોપ પ્રત્યારોપ કર્યા વગર જવાબ મેળવવા આપણે પ્રયત્ન કરીશું. જેની ડાયરેકટ લિંક અહીં ઉપલબ્ધ છે. 👉 જેનેરીક vs બ્રાન્ડેડ મેડિસિન: ચડિયાતું કોણ?

(માહિતી સંકલન માટે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ અંકિત કરકર-સુરત અને ભરત વઢવાણા- ચોરવાડ નો આભાર)

Monday, May 7, 2018

ભારતમાં ફાર્મસીસ્ટ માટે લોકોની પાંચ ગેરમાન્યતાઓ



આમ તો ગેરમાન્યતાઓને(misconceptions) ભારત સાથે બહુ જૂનો સંબંધ છે આમ છતાં કોઈ પણ ક્ષેત્ર ભારતમાં એવું તો નહીં જ મળે કે જેની સાથે ખોટી ગેરસમજ જોડાયેલી ના હોય. ક્યારેક લોકોની રૂઢિચુસ્ત સમજણ હોય તો ક્યારેક નિરક્ષરતા હોય તો વળી ક્યારેક જાગૃતિનો અભાવ પણ કોઈ વસ્તુ પ્રત્યે આપણને અજાણ રાખે છે. અજાણ હોવું કે અડધું પડધુ જ્ઞાન હોવું બન્ને ગેરસમજણના રોપા ઉછેરવા માટેની ફળદ્રુપ અવસ્થા છે.

આવીજ કંઈક પાંચ સામાન્ય ગેરમાન્યતાઓ સ્વાસ્થ્ય વિભાના સૈનિક એવા ફાર્મસીસ્ટ(pharmacist) માટે પણ છે જેને ફાર્મસીસ્ટ પોતાના સ્વાભિમાનના ભોગે વર્ષોથી સહન કરતો આવ્યો છે.

1. ફાર્માસીસ્ટ એક દુકાનદાર
દેશમાં મોટાભાગની વસ્તી ફાર્મસીસ્ટને એક દુકાનદારથી વિશેષ માનતી નથી. લોકો એવું જ માને છે કે જેવી રીતે ઘરવાળીએ બનાવી દીધેલુ લિસ્ટ લઈને આપણે કરિયાણુ લાવીએ છીએ એવી જ રીતે ડોકટરે લખી દીધેલ પ્રિસ્ક્રિપ્શન પર આપણે દવાની દુકાનેથી દવા લઈએ છીએ. જોકે લોકોનો વાંક પણ નથી. મોટાભાગના મેડિકલ સ્ટોર પર દવાની દુકાનનો જ બોર્ડ લાગેલો હોય છે તો પછી દવાની દુકાન વાળો ફાર્મસીસ્ટ કેમ કહેવાય, દુકાનદાર જ ગણાયને! આમ પણ આજકાલ કેટલાક કરિયાણાની દુકાને પણ દવાઓ મળી રહે છે તો વળી કેટલાક કહેવાતા મેડિકલ સ્ટોર પણ નાનું મોટું કરિયાણુ રાખતા થઈ ગયા છે!

2. ભણતરની જરૂર નથી
બે દિવસ પહેલા નજીકના એક વડીલ પાસેથી જાણવા મળ્યું કે તેણે પોતાના છોકરાને દસમા ધોરણ ના વેકેશનનો સદઉપયોગ કરવા માટે એક મેડિકલ સ્ટોરમાં શીખવા માટે મોકલવાનું શરૂ કર્યું છે. વડીલના દુરંદેશી આયોજન પ્રમાણે તેણે જણાવ્યું કે કદાચ દસમા ધોરણમાં સારા ટકા ન આવે તો મેડિકલ સ્ટોર ખોલવા થાય ને!!! આવા વડીલો આપણી આજુબાજુ ડગલેને પગલે જોવા મળશે જે માને છે કે દવા વેચવા માટે ફક્ત અંગ્રેજી વાંચતા આવડવું જોઈએ.
આનાથી વિશેષ કંઈ જરૂર હોતી નથી. વળી કેટલાક ભણેલાગણેલા મહારથીઓ મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ એવી રીતે માંગે છે જાણે પોતે દવાઓ પર પીએચડી કરેલું હોય. આવા ડૉક્ટરેટ મહાનુભાવો રેન્ટેક (Rantac) ને બદલે રાનીટીડીન (Ranitidine) પણ સ્વીકારતા નથી અને મેડિકલ સ્ટોર (દુકાન) બદલી નાખે છે. આવા લોકો એ વાતથી તદ્દન અજાણ હોય છે કે ફાર્મસીસ્ટ પણ એવા જ વિષયોમાં કટીસ્નાન કરીને આવ્યો છે જેમાં ડોકટર ડૂબકી લગાવતા હોય છે.

3. માત્ર દવા ગણી આપે છે
ફાર્મસીસ્ટ તો માત્ર પ્રિસ્ક્રીપ્શન માં લખેલી ટેબ્લેટની સંખ્યા ગણે છે બાકી દવાની સાચી સમજણ તો 'દાગતર' ને જ હોય એવી ગેરસમજ ધરાવતા ભાઈઓ બહેનો પણ દેશમાં વસે છે. આ લોકોના મતે માત્ર દવા મેળવવી જ મહત્વની હોય છે, તે દવાનો શરીરમાં પ્રવેશ કેમ ક્યારે અને કેવી રીતે કરાવવો એ તો પોતે જ નક્કી કરે છે અથવા તો દવા લઈને 'દાગતર' પાસે જશે તો જ આવા દોઢ ડાહ્યાને વાત ગળે ઉતરશે.

4. સરકારી દવાખાના માં કમ્પાઉન્ડર હોય છે.
સરકારી દવાખાનામાં તો ફાર્મસીસ્ટ ની સ્થિતિ વધુ દયનિય છે. જેવી રીતે બાહુબલી 1 ની અભિનેત્રી નો રોલ બાહુબલી 2 માં જેટલો અવગણીને ઓછો કરવામાં આવે છે એવી જ રીતે ફાર્મસીસ્ટ ડોકટર અને બીજા પેરામેડીકલ સ્ટાફ વચ્ચે એટલો દબાઈ જાય છે કે દર્દી માટે તેનો રોલ ખૂબ જ નાનો કરી દેવામાં આવે છે. આથી દર્દીને ફાર્મસીસ્ટનું ખાસુ એક્સપોઝર મળતું નથી. એટલે દર્દી માટે ફાર્મસીસ્ટ એ કમ્પાઉન્ડર જેવો જ ગણાય છે, કહો કે ગણે જ છે. કમ્પાઉન્ડર તરીકે ગણાતા દવાખાનાના આ સેકન્ડ હાઈએસ્ટ ક્વોલિફાઇડ પેરામેડીકલ ફાર્મસીસ્ટ એક નાનકડી બારીએ સંકોચાઈને રહી જાય છે.

5. મારા રોગ વિશે કંઈ જાણતો નથી.
દવા લેતી વખતે દર્દી એવું જ સમજે છે કે દવા ગણવા વાળા આ ભલા માણસને શું ખબર કે મને શું વીતી રહ્યું છે? મારુ દર્દ તો ડોકટર જ જાણે. આવા દયાળુ દિલના ભોળા લોકો એ નથી જાણતા હોતા કે જેવી રીતે ડોકટર રોગના નિદાન પરથી દવા નક્કી કરે છે એવી જ રીતે લખેલી દવા પરથી ફાર્મસીસ્ટ પણ એ નિદાનનું ખૂબ સારી રીતે અનુમાન કરી શકે છે. ફાર્મસીસ્ટ પણ એ જ હોમો સેપિયન્સ ની એનાટોમી અને ફિઝિયોલોજી ભણીને આવ્યા છે જેની ડોકટરોને ભણાવામાં આવી છે. 

આવી ગેરમાન્યતાઓને લીધે જ આજે ફાર્મસીસ્ટ હાંસિયામાં ધકેલાઈ ગયો છે, જે ફરીથી હાંસિયાની બહાર આવવા મથે છે. લોકોની સમજણ શક્તિમાં પોતાનું કર્તવ્ય અને આવડત બેસાડવી એ રાતોરાત થઈ જાય એવી નાનીસૂની વાત નથી. પણ જવાબદારી લોકોની નહીં પણ ફાર્મસીસ્ટની છે કે પોતાની છબીનું નવેસરથી લેમીનેશન કરાવે.

Wednesday, April 25, 2018

પ્રિસ્ક્રીપ્શનનું ભૂલદર્શનશાસ્ત્ર

           પ્રમોદભાઈને પેટમાં દુખાવો થતો હતો એટલે ડોકટર પાસે પ્રિસ્ક્રીપ્શન(prescription) લખાવી મેડિકલ સ્ટોરેથી દવા લીધી, પીધી અને સારું થઈ ગયું. દસ બાર મહિના પછી ફરીથી પેટમાં થોડી ગડબડ જેવું લાગ્યું એટલે આપણા સંગ્રહખોર પ્રમોદભાઈએ મોહેંજો દારો ના અવશેષ જેવું પેલું જૂનું પ્રિસ્ક્રીપ્શન શોધી કાઢ્યું અને લગાવી દોટ મેડિકલ સ્ટોર તરફ. મેડિકલ સ્ટોર પર ફાર્મસીસ્ટ(Pharmacist) જેવા દેખાતા (☺️) એક ભલા માણસે તરત જ હોંશે હોંશે એ દવા કાઢી આપી. પ્રમોદભાઈએ ફરીથી દવા લીધી, પીધી પણ સારું ન થયું. પણ આ તો પ્રમોદભાઈ , હાર તો ના જ માને, પહોંચી ગયા પડોશી ઉધારમલ પાસે. ઉધારમલ ને પણ પહેલા કાંઈક પેટના દુખાવામાં અમુક દવા લીધી હતી એનાથી એ ભાઈ ને સારું થઈ ગયું હતું. એટલે આ સક્સેસ સ્ટોરીને ધ્યાને લેતા પ્રમોદભાઈએ ઉધારમલ પાસેથી તેની દવા ઉધાર લીધી, પીધી પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. છેલ્લી જાણકારી મુજબ પ્રમોદભાઈ હોસ્પિટલમાં દસ દિવસથી એડમિટ છે.
          આવા કેટલાય પ્રમાદિ પ્રમોદભાઈ વગર વિચાર્યે કેમિકલના ઝાડ પેટમાં વાવે છે અને પાછળથી પસ્તાય છે. તો સામે એવા ઉધારમલનો પણ તોટો ના મળે. ડોકટરે એક વખત લખી આપેલું પ્રિસ્ક્રીપ્શન એક જ વખતના અમલિકરણ માટે છે જ્યાં સુધી ડોકટર તેની આગળ પરવાનગી ના આપે. અમુક ગાંઠે બાંધેલા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં આ પ્રિસ્ક્રીપ્શન વેલીડ છે પણ કોઈપણ પ્રિસ્ક્રીપ્શન છ મહિનાથી વધુ વેલીડ તો ના જ ગણી શકાય. છ મહિને આ કાયમી દર્દીઓએ પણ ડોકટરના દર્શન કરવા હિતાવહ જ છે. પણ આ તો થઈ બધી શાસ્ત્રોક્ત વાતો, આપણે તો શાસ્ત્રોથી પર ખરા ને!
          પ્રિસ્ક્રીપ્શન પર લખેલી તારીખ ને વાંચવાની જવાબદારી ફાર્મસીસ્ટ ની પણ એટલી જ છે જેટલી લખવાની ડોકટરની. પણ આ હોંશે હોંશે દવા આપતો ભલો માણસ કદાચ ફાર્મસીસ્ટ જ ના હોય તો? તો પછી આ વાત એને તો ક્યાંથી લાગુ પડી શકે. ભારતમાં મેડિકલ સ્ટોર પર જોવા મળતા દિગ્ગજ મોટે ભાગે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ ના હોય એવું સામાન્ય છે. આમ પણ ગામના ચોરે એલોપેથી દવા લખતો ડોકટર પણ મુન્નાભાઈ જ નીકળે તો નવાઈ નહિ!
          જ્યારે આપણે કોઈ સિસ્ટમ કે પ્રણાલિકા તરફ આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની જે ચાર આંગળી આપણા તરફ આવે છે એ જ દર્શાવે છે કે આંગણું તો ઘરનું જ પહેલા સાફ કરવું પડશે, બહાર ઝાડું સાથે ફોટોશૂટ પછી ક્યારેક કરી લઈશુ. પહેલી નજરે જેમ પ્રમોદભાઈ વાંકે ચડે તો પ્રમોદભાઈની નજરે પેલો ફાર્મસીસ્ટ વાંકે ચડે કે તારીખ વેલીડ ના હોવા છતાં દવા કેમ આપી? તો સામે ફાર્મસીસ્ટ (જો ઓરીજીનલ હશે તો) પણ ડોકટરના પ્રિસ્ક્રીપ્શનમાં બે પાંચ ભૂલો બતાવીને પોતાની તરફ ચીંધાયેલી આંગળીની દિશા બદલશે. પરિણામ ગણિતના નિયમ મુજબ વત્તે ઓછે ઓછા થઈને શૂન્ય થઈ જશે.
          માત્ર ડોકટર કે ફાર્મસીસ્ટ જ નહીં પણ જ્યારે આરોગ્યના જવાબદાર તમામ કર્મીઓ આ મુહિમને નહિ અપનાવે ત્યાં સુધી લોકોને સમજાવીને જાગૃત કરવાનો નુસખો કારગત નીવડે એમ નથી. એક નાની ભૂલને મોટી ભૂલમાં પરિવર્તીત થતી રોકવી હશે તો સિસ્ટમના દરેક પાસામાં નવી અપડેટ જરૂરી છે નહીં તો સિસ્ટમને હેંગ થતા બહુ વાર લાગે એમ નથી.

Sunday, April 8, 2018

સાતત્યતાથી દુર દવા થઈ દારુણ: Drug Adherence


"Keep a watch... on the faults of the patients, which often make them lie about the taking of things prescribed."
-Hippocrates

          મેડિસિન ના ભીષ્મ એવા હિપોક્રેટ્સ ઉપરની ભવિષ્યવાણી એવા સમયે કરી ગયા જ્યારે ઈશુ નો જન્મ પણ થયો ન હતો. એમને ખબર હતી કે મારા વાલીડાઓ એટલા સીધા તો નહીં જ હોય કે કીધું કરે. અહીં 'કવિ' હિપોક્રેટ્સ દર્દીઓને રૂપક બનાવીને સમજાવે છે કે દવાને કહ્યા પ્રમાણે ન લેનારો દર્દી ડોકટર પાસે જઈને તો ખોટું ડહાપણ કરશે જ  કે તમારી દવા બધી બરાબર ખાધી પણ કાંઈ ફેર પડ્યો નહીં.

          દવા ખાવી એ જ ઘણી વાર પૂરતું નથી હોતું આપણી બીમારીને ડામવા માટે; સાથે સાથે એ દવા ક્યારે, કેટલી, કોની સાથે, કેટલી વાર અને કેટલા દિવસ લેવી એ પણ પુરેપુરો ખ્યાલ હોવો જરૂરી છે. દવા કે સારવાર પ્રત્યે આપણી સાતત્યતા અને ડોકટર કે ફાર્માસીસ્ટ દ્વારા એના માટે અપાયેલ તમામ સુચનોનું પાલન એટલે જ Drug adherence. અહીં દવા કે સારવાર પૂરતું મર્યાદિત ન રાખતા WHO સારવારને અનુકૂળ જીવનશૈલીમાં પરિવર્તન અને ખોરાક માં નિયમિત કહ્યા મુજબ નું અનુસરણ ને પણ Drug adherence ની વ્યાખ્યામાં જોડે છે. WHO ના એક રિપોર્ટ મુજબ આશરે 50% થી વધુ દર્દીઓ સારવાર સંબંધી સુચનોનું પાલન કરવામાં ઉણા ઉતરે છે. મતલબ એ થયો કે અડધા દર્દીઓ તો ડોકટરના કહ્યામાં જ નથી તો પછી ધાર્યું પરિણામ કઈ રીતે મેળવી શકાય. આજ્ઞાનું પાલન તો આપણે આપણા વડીલોનું પણ નથી કરતા તો પછી આ ડોકટર-ફાર્માસીસ્ટ શુ ચીજ છે! ક્યારેક એવું વિચારજો કે જે સારવાર કે દવા માટે લાખો રૂપિયા બગાડીને પણ તમે એ જ સારવારનો કે દવા નો સાચો લાભ ના લઈ શકો તો સૌથી મોટું મૂર્ખ કોણ? એમાં પણ હવે તો ગુગલ યુગમાં સામાન્ય સારવાર તો આપણે મેડિકલ સ્ટોર પાસે થી જ મેળવી લઈએ છીએ અને એમ માનતા હોઈએ છીએ કે આપણે ડોકટરની કન્સલ્ટન્ટ ફી બચાવી લીધી. પણ હે મહાનુભાવો ! આ દવા તમારા માટે યોગ્ય છે કે નહીં અને યોગ્ય ન હોય તો શું કરશો એ જવાબ બધા ગૂગલમાંથી નહી મળે.
          Drug adherence એટલું જ જરૂરી છે જેટલું સવાર બપોર સાંજ નિયમિત જમવું અને દરરોજ સવારે નહાવું.(જો લાગુ પડતું હોય તો!) નબળા Drug adherence નું સૌથી વધુ ખરાબ પરિણામ આપણે ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડાતા દર્દીઓમાં જોઈ શકીએ છીએ. આ દર્દીઓ માટે Drug adherence એટલું જ જરૂરી છે જેટલો જીવવા માટે ઓક્સિજન. બ્લડપ્રેસર ની ગોળી લેતા દર્દી જો એક થી વધુ વાર ગોળી લેતા ભૂલે એટલે તરત જ તેનું પરિણામ તેના બ્લડ પ્રેસરમાં જોવા મળશે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ જ વસ્તુ જોઈ શકાય. આવા દર્દીઓ માટે ગોળી લેવાનો નિયમિત સમય પણ એટલો જ મહત્વનો બની જાય છે. આ સમયમાં એક કલાક થી વધુનો ફેરફાર પણ ક્યારેક માઠા પરિણામો લાવી શકે છે. આ ઉપરાંત ટૂંકા સમયની સારવારમાં પણ Drug adherence એટલું જ મહત્વનું બની જાય છે, ખાસ કરીને ત્યારે જ્યારે વાત આવે એન્ટિબાયોટિક દવાઓની. ચણા મમરાની જેમ આજે દેવામાં આવતી એન્ટિબાયોટિક્સ તેના સેવનમાં એટલી સાવધાની માંગી લે છે કે જેની આપને સૌને કોઈ ગંભીરતા જ નથી. એન્ટિબાયોટિક્સને સાથે આપેલી બીજી દવાઓની સાપેક્ષે થોડી વીઆઇપી સગવડ આપીને માન આપવું જરૂરી છે. કારણ તમે એક એવો ટાઈમબૉમ્બ તમારા પેટમાં મુકવા જઈ રહયા છો જેના છેડા બરાબર સમયસર નહીં જોડાઈ તો ભવિષ્ય માં ગમેત્યારે એન્ટિબાયોટિક રજીસ્ટન્સ ના રૂપમાં ફૂટી શકે છે. જો સૂચિત ડોઝ અને સમયગાળા સુધી એન્ટિબાયોટિકસ ન લેવામાં આવે તો આપણા શરીર માટે તે ભવિષ્યમાં બિનઉપયોગી પુરવાર થઇ શકે છે. ભારત જેવા દેશમાં નબળું Drug adherence એ એન્ટિબાયોટિક રજીસ્ટન્સ જેવી મોટી મહામારી માટે સૌથી મોટું કારણ છે.
          દર્દીની સારવાર પ્રત્યેની અનિયમિતતા માટે દર્દીને કદાચ એકલો જવાબદાર ના પણ ગણી શકાય. દર્દીને આપવામાં આવતી એક કરતાં વધુ દવાઓ દર્દીને કન્ફ્યુઝ કરી મૂકે છે. આ પોલીફાર્મસી પ્રેક્ટિસ ની જગ્યાએ જો ડોકટર ઓછી અથવા કોમ્બિનેશન વાળી તેમજ જરૂરી દવા જ પ્રિસ્ક્રાઇબ કરે અને વધારાની કમિશનયુક્ત દવાઓને અવગણે તો જ દર્દીને માનસિક અને આર્થિક કન્ફ્યુઝ થતો બચાવી શકાય. સવાસો કરોડના દેશમાં ડોકટર કે ફાર્મસીસ્ટ દ્વારા તેની આગળ લાગેલી લાંબી લાઈનને પૂરતો સમય ફાળવી દવાઓનું મહત્વ સમજાવવાનો સવાલ જ ઉભો નથી થતો. અમેરિકા જેવા વિકસિત દેશોમાં જ્યાં એક દર્દી દીઠ ડોકટર સરેરાશ 15મિનિટ ઓપીડી સમય ફાળવે છે એની સાપેક્ષે આપણાં કિસ્સામાં માત્ર દોઢ મિનિટથી કામ ચલાવી લેવું પડે છે. વળી આપણા હેલ્થ વર્કરોની સર્વિસ પણ એટલી પાણિયારી નથી કે અમુક દર્દીને ઘટતી માહિતી સીંચી આપે. ઘર ઘર ફરતા આ હેલ્થ વર્કરો આ સાંકળ ને પુરી કરવામાં અસમર્થ રહયા છે, તો બીજી બાજુ જે લોકો આ માહિતી આપવા સમર્થ છે એવા ફાર્માસિસ્ટના ફાળામાં પણ આ બાબતે ખાસ કંઈ કરવાનું આવતું નથી જે આપણા સિસ્ટમની નબળા મેનેજમેન્ટની સૂચક છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય સાક્ષરતા નહીં આવે ત્યાં સુધી આપણે Drug adherence ને મજબૂત નહીં બનાવી શકીએ. આ માટે દર્દીને દવા લક્ષી એટલી  સમજ તો હોવી જ જોઈએ કે જે તેને સાતત્ય સારવાર માટે મજબૂર કરે. ઘણીવાર કોઈ દવાઓની સામાન્ય સાઈડફેક્ટ દર્દીઓથી છુપાવાય છે અથવા સમયના અભાવે જણાવવામાં આવતી નથી જેના પરિણામે આ સામાન્ય સાઈડ ઇફેક્ટને કારણે દર્દી સારવાર પુરી કરતું નથી. ટીબી ની સારવાર માં વપરાતી રિફામ્પીસીન દવાનું મેટાબોલિઝમ થયા બાદ એ પેશાબ વાટે બહાર નીકળે ત્યારે પેશાબનો રંગ લાલ થઈ જાય છે પણ દર્દી પેશાબ માં લોહી નીકળે છે એવું સમજીને સારવાર વચ્ચે જ છોડી દે છે અને એટલે જ આપણા દેશ માં આજે ડ્રગ રજીસ્ટન્સ ટીબી ના કેસ વધ્યા છે. ટીબી ની સારવાર માટે ડોટ્સ નામની પદ્ધતિ ભારત દેશમાં અપનાવવામાં આવી જેમાં દર્દીને ફરજીયાતપણે નિશ્ચિત કરેલ વ્યક્તિની હાજરીમાં જ દવા ગળવી પડે છે. આવી પદ્ધતિ હવે ઇલેક્ટ્રોનિક મીડિયા રેકોર્ડ દ્વારા પણ ટૂંક સમયમાં પ્રચલિત થવાની છે જેમાં દર્દીએ દવા ગળ્યા પછી ફરજીયાત પણે અમુક ચોક્કસ નંબર પર મિસ્કોલ કરીને ખાતરી આપવી પડશે કે દવા સમયસર લીધેલી છે જેનો ઓટોમેટિક રેકોર્ડ ઇલેક્ટ્રોનિકલી સચવાશે અને સમયાંતરે દર્દીની પ્રત્યક્ષ ચકાસણી પણ કરાશે.
          ઘણીવાર દર્દી એક ડોકટરની દવા પુરી કર્યા વગર અધીરા બનીને કોઈ બીજા જ ડોકટર પાસે જઈ ચડે છે અને ત્યાંથી પણ એક બે દિવસ માં પરિણામ ન મળતા ત્રીજા ડોકટરને ફેંદે છે, આ પણ એક નબળા Drug adherence નું જ કારણ છે. અધીરા અને લાગણીશીલ દર્દીને આત્મીયતા થી સમજાવી શકાય અને દવા સમયસર ન લેવાના ગેરફાયદાઓથી વાકેફ કરાવી શકાય. ઘણી વાર દર્દીઓની પોતાની માન્યતાઓ પણ તેને અમુક દવાથી દૂર રહેવા માટે પ્રેરે છે. જેમેકે કોઈ હર્બલ મેડીસીનમાં માનતા દર્દી ક્યારેય એલોપેથી ટ્રીટમેન્ટને સહકાર નહીં આપે. પરંતુ જો આવા દર્દીને એક યા બીજી રીતે સમજાવીને વાત ગળે ઉતારવામાં આવે તો Drug adherence વધારી શકાય છે. જેમ કે ડાયાબિટીસનો આવો કોઈ દર્દી હોય તેને સમજાવી શકાય કે તમે જે મેટફોર્મિન દવા લો છો એ ફ્રેન્ચ લીલીએક નામના એક હર્બમાંથી જ મેળવાય છે. આવી જ રીતે દર્દીઓની બીજી કેટલીક અંધશ્રદ્ધા પણ હોઈ શકે જેને વિવેકપૂર્ણ રીતે ઉકેલવી એ દરેક હેલ્થ પ્રોફેશનલની જવાબદારી છે.
          મોટા ભાગની લાંબા ગાળાની સારવાર એ પહેલાના  ટૂંકા ગાળાના નબળા Drug adherence નું જ પરિણામ છે. સફળ સારવાર માટે દર્દી દવાને પોતાની શક્તિ મુજબ વર્તવાનો પુરેપુરો સમય અને તક આપે એ ખૂબ જ જરૂરી છે. નહીં તો એક એક ને નાના બાળક ની જેમ નાક દબાવીને ફરજીયાત દવા પીવડાવાનો સમય પાછો ફરે તો નવાઈ નહીં.


Thursday, March 29, 2018

બેઇમાન દુનિયાનું પ્રામાણિક ભવિષ્ય: રોબોટ્સ

       
        માનવહિતો નું રક્ષણ શેમાં છુપાયેલું છે!? પોતાની આવડત અને અવળચંડાઈ વચ્ચે ની પાતળી ભેદરેખાને ભૂંસીને આગળ વધી ગયેલો આજનો સુપર ડુપર હ્યુમન શું ખરેખર એ જ મેળવી રહ્યો છે જેની આદિમાનવે વર્ષો પહેલા શરૂઆત કરી હતી? ડાર્વિન કાકા ના મત મુજબ એ વાત તો એકદમ સાચી જ માનવી પડે કે જ્યારે જ્યારે જીવ ના અસ્તિત્વ સામે જોખમ ઉભું થાય ત્યારે ત્યારે જીવ  પોતાનામાં એવી નવી આવડત, અનુકૂલન, ચાલાકી... વગેરે વગેરે ઉભું કરીને પ્રતિકુળતાને ચેલેન્જ ફેંકે છે. હવે જોવું એ રહ્યું કે આ સ્વરક્ષણ માટે ઉભી કરાયેલી આવડત છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર અનુકૂળ પરિસ્થિતિ માં પણ આ આવડતને પ્રયોજીને માનવ પોતાની ચલાકીનો લાભ (ગેરલાભ) લઈ રહ્યો છે. બસ,બહુ થઈ ફિલોસોફીકલ વાતો. હવે સીધા જ ટેકનિકલ પોઇન્ટ પર આવીએ. માનવ આવિશ્કૃત યંત્રમાનવ (રોબોટ) શુ ખરેખર માનવ નો પર્યાય બની રહેશે ? જી ના, હું કોઈ સાઉથ કે હોલીવુડ ની ફિલ્મો ની સ્ટોરી લાઈન ને રેફરન્સ મુકવાનો નથી. પણ હા આવી સાયન્સફિક્શન સ્ટોરી લખવા વાળાની ફિલોસોફી ને દાદ તો દેવી જ પડે. સાંભળ્યું છે કે રોબોટ્સ આપણી ઘણી બધી નોકરીઓ ને હડપ કરી જવાના છે, લગભગ કરી ગયા છે. શુ આ બાબત નું કોઈ સામાન્ય કારણ પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકશો? હા, બહુ સરળ. રોબોટ્સ ખરેખર સુવિધાજનક અને ઓછા ખર્ચાળ છે, માનવ સંશાધન ની સાપેક્ષે. હાલમાં જ સોફિયા નામના પ્રથમ રોબોટ્સને સાઉદી અરેબિયાની નાગરિકતા મળ્યા બાદ આપણા ભારતની મુલાકાત લેવા પહોંચી ગઈ હતી. (પહેલા આદમ કે પહેલા ઇવ એ જવાબ પણ તમને કદાચ સોફિયા પાસેથી મળી ગયો હશે.)

        વાત અહીં ફક્ત આપણે આપણી સુવિધા પૂરતી જ સીમિત રાખીને આગળ વધી રહયા છીએ, એવું નથી. ખરેખર કદાચ હવે માનવ માનવ થી જ કંટાળી ગયો છે. શુ તમને તમારા સાથી કર્મચારી પર ભરોસો છે? એ તો બહુ દૂરની વાત કરી નાખી આપણે, શુ તમને તમારા પર ભરોસો છે!? ના, હું વિશ્વાસ થી કહી શકું કે આપણે આપણા ખુદ ના માટે જ ચોક્કસ નથી કે આપણે શું કરી બેસવાના. પણ આ રોબોટ્સ બિલકુલ આવડત પ્રમાણે જ વર્તશે જે એને કહેવામાં આવ્યું છે. કહેવામાં તો માનવ ને પણ ઘણું આવ્યું છે જ્યારે ઈશ્વરે તેને આ ધરતી પર મોકલ્યો. અને કદાચ એટલે જ નવું જન્મતું બાળક એ સંદેશો લઈને આવે છે કે હજુ ઈશ્વર માનવજાત થી કંટાળી નથી ગયો. હજુ કદાચ થોડી આશા બાકી છે. પણ માનવ માનવ થી કંટાળી ગયો છે અને લગભગ ત્રાસી ગયો છે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નહી લાગે. ભ્રષ્ટાચારના ભરડામાં માણસ ઓશિયાળો બની ગયો છે. આ સમય માં હવે કદાચ આ યંત્રમાનવ જ એક સારો વિકલ્પ બની રહે તો નવાઈ નહીં. હા, માણસ ની અવળચંડાઈ પર પુરેપુરો ભરોસો એટલે આ યંત્રમાનવ ને પણ છેવાડે મૂકી શકે એવી શૈતાની તાકાત ખરી એમની પાસે.

        ભ્રષ્ટાચાર ની ભીંસમાં આજે કોઈ કોઈ પર ભરોસો કરી શકે એવી પરિસ્થિતિ નથી. કદાચ તમે પણ પોતાના ડાબી બાજુની છાતી પર હાથ મૂકીને દ્રઢપણે નહીં કહી શકો કે હું પ્રામાણિક છું અને ગમે તેવી પરિસ્થિતિમાં રહીશ. કદાચ આ સિસ્ટમ જ તમને પ્રેરસે કે બસ હવે બહુ રમ્યા પ્રામાણિક પ્રામાણિક, જો આ દુનિયામાં ટકી રહેવું હોય તો હવે તારે તારા સિદ્ધાંતોથી ઉપર ઉઠવું જ પડશે. ક્યાં સુધી તમે મક્કમ રહી શકો? આવી પરિસ્થિતિમાં તમે માત્ર રોબોટ્સ પર ભરોસો મૂકી શકો કારણ તેના પ્રોગ્રામમાં તમે ઈમાનદારી ભરી છે. જોકે સોફિયા જેવા લાગણીદર્શક રોબોટ્સ પણ ધીમે ધીમે આવશે પણ જ્યાં સુધી તેનો ડેટાબેઝ ભ્રષ્ટાચારથી મલીન નહીં થાય અથવા તો મલીન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ જ ઉત્તમ વિકલ્પ માની શકાય. મેન્યુફેક્ચરિંગ થી માંડીને રિશેપશનિસ્ટ સુધીની નોકરીઓ પર પહેલેથી જ જાપાન જેવા દેશો માં રોબોટ્સ ની બોલબાલા વધી છે તો સિક્યુરિટી ગાર્ડ અને એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનમાં પણ રોબોટ્સ માનવને ટક્કર આપી રહ્યા છે. જાપાન જેવા દેશોમાં વધી રહેલો રોબોટ્સ નો ઉપયોગ તેની પ્રમાણિકતાના સ્તર પર અસર કરી રહ્યો છે અને લગભગ એ બાબત સ્પષ્ટ આપણે તેના વિકાસદરમાં જોઈ શકીએ છીએ. ડિજિટલ ઇન્ડિયાના આ યુગ માં આજનો વામણો સરકારી કર્મચારી હોય કે સામાન્ય ઘરનો નોકર હોય બધા જ સીસીટીવી કેમેરા નીચે ખૂબ જ અસુરક્ષિત અનુભવ કરે છે. ખરેખર તો આ ટેકનોલોજી આપણી સુરક્ષમાટે છે તો પછી આવું કેમ? આવુ એટલા માટે કે તમે વ્યક્તિ પર નહીં પણ તેની ઈમાનદારી પર કેમેરા લગાવી રહ્યા છો કેમકે તમને ગળા સુધી તેમની ઈમાનદારી ઉપર શક છે અને એ સ્વાભાવિક પણ છે આ જમાનામાં. બાયોમેટ્રિક જેવી સામાન્ય ટેક્નોલજી પણ માણસ ને સમયસર દફતર આવવામાટે મજબૂર કરી રહી છે. તો હજુ સમય છે ચેતી જાવાનો. આજના તમારા સેવક રોબોટ્સ કાલે તમારા બોસ બનીને તમારી પાસે ગીતાકથ્ય કર્મ કરાવે એ પહેલા જ જાગી જઈએ તો સારું છે.

         હવે આપણો દ્રષ્ટિકોણ ફક્ત ઉત્તમ સુવિધા અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આરામદાયક જીવન પૂરતો મર્યાદિત નથી રહેવાનો પણ આપણા નૈતિકમુલ્યોના જતન માટે પણ ધીમે ધીમે આ રોબોટ્સ તરફ વહેલું કે મોડું આપણે વળવું તો પડશે જ. કાલે ઉઠી ને કદાચ આ રોબોટ્સ આપણા પર હાવી થઈ જવાની બીકે આપણે આપણી જાત પર જ હાવી થઈ જવાના છીએ તો ખરેખર ભારત જેવા દેશમાં નૈતિકમુલ્યોને પાયાથી બચાવી લેવા હોય તો ઈમાનદાર માણસ કરતા એક યંત્રમાનવ પર ભરોસો મૂકી શકાય. કાલે સવારે ઉઠશુ તો માનવ કદાચ બધા જ કામમાંથી નવરો થઈ ગયો હશે, એક પણ નોકરી માટે તે લાયક નહીં રહે અને બેરોજગરીમાં અધિક માસ તો આવશે જ જો આવી યાંત્રિક નૈતિકતા તરફ દુનિયા પગલું ભરશે તો. કદાચ આ ડર થી જ માનવ સુધરી જાય અને પોતાનું કર્મ પૂરેપૂરી પ્રામાણિકતા થી કરે એવી જ હાસ્યાસ્પદ ઈચ્છા અત્યારે તો કરી શકાય.

Tuesday, November 14, 2017

એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ

      શીર્ષકના મુખ્ય શબ્દો કદાચ પૂર્વ પશ્ચિમ જેવા લાગે કે જેને એકબીજા સાથે કંઈજ લેવા દેવા નથી, પણ બંનેના પરિણામો જે મળવાના છે તે કદાચ ભવિષ્યમાં કોઈ એક જ સમયે એક સાથે ત્રાટકશે એ સંભવ છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ વગેરે વગેરે શબ્દોને જેટલો સંબંધ વાતાવરણના સ્વાસ્થ્ય સાથે છે કદાચ એટલો જ સંબંધ પ્રાણીમાત્રના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે ખરો. આપણે આપણા પ્રાકૃતિક વરદાનમય સ્ત્રોતો ને એટલા મલિન બનાવી દીધા છે કે જાણે આખી પૃથ્વી જ હવે હાઈબ્રીડ બનતી જાય છે! નવું નવું બનાવવા જતા જૂનો ઘાટ જ હવે આ દુનિયામાં દેખાતો બંધ થવા લાગ્યો છે. એટલેજ હવે એ સમય દૂર નથી કે નાશપ્રાય જીવોની યાદીમાં મનુષ્યનું નામ જોડાઇ જાય.

      બદલાતા વાતાવરણમાં જીવોની બદલાતી પ્રકૃતિ તેની અનુકૂલન ક્ષમતાનો પુરાવો આપે છે અને આ બદલાવ જ જે તે જીવોને અસ્તિત્વની જંગ માટે તૈયાર કરે છે. એન્ટીમાઇક્રોબીઅલ દવાઓ એટલે એવી દવાઓ જે મનુષ્ય કે પ્રાણીના શરીરમાં રહેલા ચોક્કસ હાનિકારક સુક્ષમજીવો પર હુમલો કરીને તેનો નાશ કરે છે. આવા સૂક્ષ્મજીવો જો બેક્ટેરિયા હોય તો તેના પર અસર કરતી આવી ચોક્કસ દવાઓને એન્ટિબાયોટિક કહેવાય. આ એન્ટિબાયોટિક દવાઓના રાસાયણિક ગુણધર્મો અને બંધારણ એવા હોય છે જે અમુક ચોક્કસ પ્રકારના સુક્ષ્મજીવો ને જ શોધીને તેના પર જ તેની અસર બતાવી શકે અને આવા તોફાની સૂક્ષ્મજીવોને શરીર બહાર કાઢી મૂકે.
      આજે હેલ્થકેર સિસ્ટમમાં કોઈપણ ડોક્ટરનું મુખ્ય હથિયાર એટલે એન્ટિબાયોટિક. કોઈ પણ બીમારી બેક્ટેરીયા દ્વારા જ થતી હશે એવો ગણિતનો એક્સ ધારીને આગળ વધતા લેભાગુ તબીબો અને ઉતાવળી પ્રજાએ એન્ટિબાયોટિક્સનો કચ્ચરઘાણ વાળ્યો છે. એન્ટિબાયોટિક્સ વડે આ બેકટેરિયા સામે લડતા લડતા આપણે આવા બેક્ટેરિયાને ખૂબ જ તાકાતવાન બનાવી દીધા છે. આવા બેક્ટેરિયા એ હોલીવુડની ફિલ્મોમાં વિવિધ પ્રયોગો વડે બનતા દાનવો થી કંઈ કમ નથી. આ તાકાતવાન બેક્ટેરિયાનું એન્ટિબાયોટિક દવાઓના તાબે ના થવું તેને જ મેડિકલ ટર્મિનોલોજીમાં 'એન્ટિબાયોટિક રજીસ્ટન્સ' કહેવાય. ખેતરોમાં વપરાતી કિટનાશક દવાઓ પણ આ જ સિદ્ધાંતના આધારે અસર વિહોણી બનતી જાય છે. જેવી રીતે સતત બે થી ત્રણ વર્ષ સુધી કોઈ ચોક્કસ પ્રકારના કિટકોને મારવા માટે વાપરવામાં આવતી જંતુનાશક દવાઓનું યોગ્ય પ્રમાણ અને પ્રકાર ના જળવાય તો કીટકો મરવાને બદલે આ દવા સાથે અનુકૂલન સાધીને અસ્તિત્વ ટકાવવા માટે પગભર બની જાય છે. એ જ રીતે મનુષ્યના શરીરમાં રોગ પેદા કરતા વિવિધ બેક્ટેરિયા ને જો સારી રીતે સમજ્યા કે ઓળખ્યા વગર એન્ટિબાયોટિક દવાઓનો મારો ચાલવામાં આવે તો બની શકે કે આવા બેક્ટેરિયા મરવાને બદલે આવી દવાઓને અનુકૂળ બની જાય અને પોતાના રૂપરંગ ( રાસાયણિક કોશિય બંધારણ) એવી રીતે બદલાવી નાખે કે કદાચ એન્ટિબાયોટિક દવા તેને ઓળખી જ ન શકે !!
      આ સમસ્યાનું સમાધાન શોધવા આપણે આગળ વધવા માંડયા. જો એક દવા અસર ના કરે તો બદલાયેલા બેક્ટેરિયાની રચનાને આધારે નવી એન્ટિબાયોટિક દવાઓ વિકસાવા માંડ્યા. આજે સેંકડો પ્રકારની એન્ટિબાયોયિકસ નો ઢગલો બનાવીને મનુષ્ય બેસી ગયો છે અને એમ વિચારે છે કે હવે તો જીતી ગયા. પરંતુ દવાની એક પછી એક જનરેશન કાઢવાને બદલે prevention is better than cure ના ન્યાય મુજબ એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ જ મર્યાદિત કરી દઈએ તો કેવું ? બે દિવસ એન્ટિબાયોટિક ખાઈને ઉભા થઇ જતાં અધુરીયા જીવવાળા લોકો અને ખીસ્સોભરી લેતા ડોકટરોને તો બે દિવસમાં જ પરિણામ જોઈએ અને ત્રીજા દિવસે પરિણામ મળે તો દવા બંદ અને ના મળે તો એન્ટિબાયોટિક નંબર બે. આવા માહોલ માં ખાસ કરીને ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં એન્ટિબાયોટિક રજીસ્ટન્સને આગળ વધવામાં કદાચ ગ્લોબલ વોર્મિંગના હુમલાની પણ રાહ જોવાની જરૂર નહીં રહે. ચોક્કસ નિદાન અને એનાથી પણ ચોક્કસ કાઉન્સેલિંગ મળી રહે તે માટે ડોકટર તથા ફાર્મસીસ્ટ (નામ તો સુના હી હોગા!) બંનેએ કમર કસવી પડશે અને એન્ટિબાયોટિક પર કાબુ મેળવવો પડશે. જ્યાં સુધી લોકો એન્ટિબાયોટિક ને બીજી દવાઓથી અલગ નહીં સમજે ત્યાં સુધી એ તેના માટે સામાન્ય ગોળી કે કેપસ્યુલ જ રહેવાની. કદાચ આ કહેવું થોડું યોગ્ય ના ગણાય પણ છતાં હવે દરેક દર્દીને તેને આપવામાં આવતી એન્ટિબાયોટિક જે રોગ માટે છે એ રોગથી થતા નુકશાન કરતા એ એન્ટિબાયોટિકના રજીસ્ટન્સ થી થતાં નુકસાનનો ડર બતાવીને તેનો યોગ્ય ઉપયોગ કરવા વિનંતીપુર્વક નહીં પણ બળપૂર્વક આગ્રહ કરવો જોઈએ. જો આવું થશે તો જ આવનારી પેઢી ટકી શકશે, બાકી એ દિવસો દૂર નથી કે હવે ગ્લોબલ વોર્મિંગ ઇન્ટરનેશનલ સમિટ ની જેમ એન્ટિબાયોટિક રજીસ્ટન્સ ની સમિટ શરૂ થાય અને પછી ડાહી ડાહી વાતો થાય. હજુ સમય છે.

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી...