Skip to main content

મહામારીની વેક્સિન તો મળી જશે પણ વેક્સિનની મગજમારી કોણ હલ કરશે?

લગભગ દોઢેક વર્ષ પહેલાં પાકિસ્તાનના પેશાવરમાં એક જ દિવસે સરકારી હોસ્પિટલો બાળકોથી ઉભરાવા માંડી. હજારો બાળકો તેમના વાલીઓ સાથે હોસ્પિટલ પર ચડી આવ્યા. વાત જાણે એમ હતી કે આગલા દિવસે આ બાળકોને પોલિયો કેમ્પેઇનમાં પોલિયોની રસી આપવામાં આવી હતી. ના રે ના રસીમાં કાંઈ વાંધો હતો નહિ, પણ એક મસ્જિદ દ્વારા એવી ઘોષણા કરવામાં આવી કે પોલિયોની રસી લીધેલા બાળકોમાં ઝાડા અને ઉલ્ટી જોવા મળેલ છે અને તમારા બાળકોને પણ થઈ શકે માટે વિચારીને રસી આપવી. આ વાતમાં કાંઈ દમ હતો નહિ પણ બેબાકળી બનેલી અબુધ પ્રજાએ કેટલાક હેલ્થ સેંટર્સને તોડી નાખ્યા અને કેટલાક હેલ્થ વર્કર્સને પાટા પથ્થરોનો સ્વાદ ચખાડ્યો એ અલગ. આ મસ્જિદની ઘોષણાની સાથે કેટલાક વેક્સિનેશન વિરોધી વાયરલ થયેલા વિડીયોએ પણ આમાં મોટી ભૂમિકા ભજવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં વેક્સિનને કારણે કોઈ તકલીફ થઈ હોય એવું શક્ય જ ન હતું. આ બધા એક માસ હિસ્ટીરિયાનો શિકાર બન્યા હતા, જેને વાસો વેગલ રીફલેક્સ દ્વારા પણ ઓળખાવી શકાય. આ સમજવા માટે બે વર્ષ પહેલાનું ગુજરાતનું મીઝલ્સ રુબેલા વેક્સિનેશન કેમ્પેઇન યાદ કરવું પડે.


વાંચો: મિઝલ્સ અને રુબેલા રસીકરણ અભિયાનનું અફવાશાસ્ત્ર


પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઇજિરિયા આ ત્રણ એવા દેશો છે જે તેની નબળી માનસિકતાને કારણે હજુ પણ પોલિયોને એંડેમીક એટલે કે સ્થાનિક રોગચાળા તરીકે ભોગવી રહ્યા છે. પણ આ ફક્ત પોલિયો વેક્સિન પૂરતું મર્યાદિત નથી કે કોઈ એક કે બે દેશો પૂરતું પણ મર્યાદિત નથી. આવી ગેરમાન્યતાઓ ભારતમાં પણ જોવા મળે છે અને વિકસિત દેશો પણ હજુ વત્તાઓછા અંશે આનો સામનો કરી રહ્યા છે, જેને વેક્સિન હેઝીટન્સી અથવા તો એન્ટીવેક્સ કહેવામાં આવે છે.


આ વેક્સિન હેઝીટન્સી માટે જવાબદાર મુખ્ય કારણો વિશે જાણીએ:


1) વ્યક્તિ સ્વાતંત્ર્ય

આજથી લગભગ 100 વર્ષ પહેલાં યુએસની સુપ્રિમકોર્ટમાં એક કેશ દાખલ થયેલો. એ કેશ દાખલ કરનાર વ્યક્તિએ સરકારને પડકાર ફેંક્યો હતો કે જો હું ઈચ્છું કે મારે સ્મોલ પોક્સ (શીતળા)ની રસી નથી લેવી તો કોઈ પણ મને તેના માટે ફોર્સ કરી શકે નહીં. વળી એ સમયે કમ્પલસરી વેક્સિનેશન કાયદા અંતર્ગત જે લોકો વેક્સિનેશન ના કરાવે તેની પાસે દંડ પણ વસુલવામાં આવતો. તેની સામે સરકારી વકીલની દલીલ એવી હતી કે જો આવી રીતે બધા પોતાની સ્વતંત્રતાનો લાભ લઈને વેક્સિન મુકવાથી દૂર ભાગશે તો બહુ ઓછા લોકો ઇમ્યુનાઇઝ થશે. વળી આવા અનપ્રોટેકટેડ લોકોને કારણે આ રોગ નાબૂદ થશે નહીં અને વેક્સિનનો કોઈ મતલબ રહેશે નહીં. સુપ્રીમ કોર્ટ માટે આ ધર્મયુદ્ધ જેવી સ્થિતિ હતી. બંનેની વાતમાં દમ હતો પણ છેલ્લે કોર્ટનો ચુકાદો નરોવાકુંજરોવા જેવો જ આવ્યો. જેમાં પબ્લિક હેલ્થ માટે સ્ટેટના પાવરને લિમિટેડ કરવામાં આવ્યા તો સામે બહુજન હિતાય બહુજન સુખાય મુજબ વધુ લોકોના ભલા માટે સ્ટેટને મર્યાદામાં રહીને કાર્ય કરવાની છૂટ પણ આપવામાં આવી. જેકોબ્સન વર્સીસ મેસેચ્યુસેટ્સ નામે ઓળખાતો આ કેસ એક લેન્ડમાર્ક સાબિત થયો. 


વ્યક્તિને જો વેક્સિનેશન સામે કોઈ વાંધો હોય તો તે ના જરૂર પાડી શકે પણ સામે સરકારની પણ એટલી જ ફરજ બને કે લોકોમાં વેક્સિનની ગેરમાન્યતાઓ સામે જરૂરી જાગૃતિ અને વિશ્વાસ ઉભો કરે. કોઈ કોઈને બળજબરીથી કઈ પણ કરાવી શકતું નથી. પણ જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો જરૂર કામ પાર પડી શકે. 


2) ધાર્મિક માન્યતાઓ

વેક્સિનેશનના વિરોધ માટે જો સૌથી મોટું કોઈ ફેક્ટર હોય તો એ છે જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોની ગેરમાન્યતાઓ. હકીકતમાં આ માન્યતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતી નથી પણ ધર્મનો સહારો લઈને કેટલાક અબુઘો આ જાળ ફેલાવે છે. 


ઉપર જોયેલ પાકિસ્તાનનું ઉદાહરણ પણ આ ગેરમાન્યતાઓનું પરિણામ છે. કેટલાક કહેવાતા ઇસ્લામિક મસીહાઓના મતે વેક્સિન એ મુસ્લિમોને નપુંસક બનાવે છે અને પૃથ્વી પરથી ઇસ્લામને ભૂંસી નાંખવા માટેનું એક કાવતરું છે. લ્યો બોલો, હવે આ તે કેવી વેક્સિન કે જે એક જ ધર્મના લોકોને અસર કરે!? આ માન્યતાને ભોગે જ કેટલીક આતંકવાદી સંસ્થાઓએ પાકિસ્તાનમાં 2012 થી અત્યાર સુધીમાં લગભગ 100 થી વધુ હેલ્થ વર્કરો અને તેમના ગાર્ડસને મોતને ઘાટ ઉતારી દીધા છે. જી હા, હેલ્થ વર્કર સાથે પોલીસ ગાર્ડસને પણ વેક્સિનેશન માટે મોકલાય છે જેથી કોઈ હિંસક અથડામણ ના થાય અને જો થાય તો તેમાં આ ગાર્ડસનો પણ ભોગ લેવાય છે.


એવું નથી કે આ ફક્ત ઇસ્લામ પૂરતું જ મર્યાદિત છે. યુરોપના કેટલાક કેથોલિક ચર્ચ પણ વેક્સિનનો વિરોધ કરી ચુક્યા છે. આ ધર્મગુરુઓના મતે ફક્ત પ્રાર્થના જ સૌથી મોટી વેક્સિન છે. માણસને બીજી કોઈ વેક્સિનની જરૂર નથી. પ્રભુએ જે શરીર આપ્યું છે એ આ રોગો સામે લડવા સક્ષમ જ છે. વળી વેક્સિનમાં કેટલાક પ્રાણીઓના કોષોનો ઉપયોગ થતો હોવાથી પણ તેનો વિરોધ થયો હતો. 1990માં ફિલાડેલ્ફીયામાં મિઝલ્સ (ઓરી) ફેલાયો ત્યારે સૌથી વધુ પ્રાર્થના પર નિર્ભર રહેલા બાળકોનો જ  ભોગ લેવાયો હતો. ત્યારે કઈક અંશે આ ધર્માંધ લોકોની આંખો ખુલી.


મિશિગન યુનિવર્સિટીના 2015ના એક રિસર્ચ પ્રમાણે ભારતમાં સૌથી વધુ વેક્સિનેશનનો દર શીખ બાળકોમાં અને ત્યારબાદ હિન્દૂ બાળકોમાં છે. ધર્મના આધારે કરાયેલા આ સર્વે મુજબ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ પણ આ બાળકોમાં જ જોવા મળી જેની સામે મુસ્લિમ બાળકોમાં વેક્સિનેશન સૌથી ઓછું છે. વળી આ રિસર્ચ મુજબ આશ્ચર્યની વાત તો એ છે કે શહેરો કરતા ભારતના ગામડાઓમાં વેક્સિનેશનનો દર વધુ જોવા મળ્યો. 


3) વેક્સિનની વિશ્વસનીયતા

વેક્સિનના સફળ પરીક્ષણો પછી પણ જ્યારે મોટી સંખ્યામાં વેક્સિન લોકલ સુધી પહોંચે અને તેની કોઈ ખાસ આડઅસરો જોવા ન મળે ત્યારે જ બીજા શંકાશીલ લોકોને વેક્સિન પર વિશ્વાસ બેસે. આમ પણ કોઈ જ વ્યક્તિ આવું જોખમ ના ખેડે જ્યાં સુધી તેને વિશ્વાસ ના બેસે. આના માટે સૌથી વધુ જવાબદારી બની જાય છે સરકારની અને હેલ્થકેર વિભાગની કે જેણે પહેલા તો નવી આવનારી વેક્સિનમાં લોકોનો વિશ્વાસ ઉભો કરવા જાગૃત કરવા પડે. હેલ્થ વર્કર્સમાં એ ક્ષમતા હોવી જોઈએ કે એ સ્થાનિક લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ ફેલાવે અને લોકોની તમામ દલીલો અને શંકાઓનો સંતોષકારક જવાબ આપે. જ્યાં સુધી લોકોને વાત ગળે ના ઉતરે ત્યાં સુધી તેની સાથે બળજબરી ના કરવામાં આવે. 


પશ્ચિમના કેટલાક દેશોમાં લોકોને વહેમ ઘુસી ગયેલો કે વેક્સિનના કારણે બાળકોમાં બહેરાશ આવી જાય છે. આ વાત મોટા પાયે ફેલાવા માંડી. જોકે જેને બહેરાશ આવી હોય એવા બાળકો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ હતા. આમ છતાં વૈજ્ઞાનિકોએ બહેરાશ માટે કદાચ શરૂઆતની કેટલીક વેક્સિનમાં અને હાલમાં પણ વપરાઈ રહેલી કેટલીક વેક્સિનમાં થિઓમર્શલ (Thiomerosal) નામનું એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ ઉમેરવામાં આવે છે તેને જવાબદાર ગણ્યું કારણ કે તેમાં મરક્યુરી હતું. જોકે આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ના મળ્યા આમ છતાં માત્ર મનને મનાવવા આ એજન્ટને વૈકલ્પિક બીજા એજન્ટ્સ સાથે બદલીને વેક્સિન તૈયાર કરવામાં આવી. આમ છતાં લોકોના વહેમમાં કાંઈ ફરક ના પડ્યો. હકીકતમાં બહેરાશનો આ એજન્ટ સાથે કોઈ જ સંબંધ ન હતો પણ લોકોની વિશ્વસનીયતા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો. ખરેખર આ બહેરાશ તો માત્ર 'કાગડાનું બેસવું અને ડાળનું પડવું' જેવું જ હતું જેમાં વેક્સિનનો કોઈ રોલ હતો નહિ. વળી ઉપયોગમાં લેવાતું મરક્યુરી પણ મહત્તમ 0.01% કરતા ઓછું હતું જે શરીરની મરક્યુરી ટોલરન્સ કેપેસિટી કરતા અનેક ગણુ ઓછું છે અને વૈજ્ઞાનિકો વેક્સિન બનાવતી વખતે આવા તોફાની તત્વોથી સેફટીને પ્રાથમિકતા આપીને જ તૈયારી કરતા હોય છે. લોકોમાં પ્રવેશેલી કેટલીક વૈજ્ઞાનિક ગેરમાન્યતાઓ પણ વેક્સિન પ્રત્યે લોકોને ઉદાસીન બનાવે છે.


રશિયાના સર્વેસર્વા પુતિને કોરોનાની નવી બનેલી વેક્સિનનો પ્રથમ ડોઝ તેની પુત્રીને અપાવ્યો. લોકોમાં નવી વેક્સિન પ્રત્યે વિશ્વાસ ઉભો કરવાનો આનાથી મોટો રસ્તો કયો હોઈ શકે!?


4) વેક્સિનની આડઅસરો

કોઈ પણ વેક્સિન 100% કારગત હોતી નથી. વેક્સિનની કારગત હોવાની ક્ષમતાની સરેરાશ ટકાવારી 98% જ છે. તેમાં પણ બાળપણમાં બાળકોને રૂટિન ઇમ્યુનાઇઝેશન દ્વારા આપવામાં આવતી મોટાભાગની વેક્સિન માત્ર વેક્સિનેટ કરેલા 85% થી 95% બાળકોને જ રક્ષણ આપી શકે છે. પરંતુ જે લોકોને ફક્ત દૂધમાંથી પોરાં કાઢવા છે તે લોકો આ 2 થી 15% વચ્ચેના ઉદાહરણો લઈને વેક્સિનનો વિરોધ કરવા મેદાને પડી જશે. દરેક વેક્સિનની સામાન્ય આડઅસરો હોવાની જ છે. જેમકે સામાન્ય તાવ આવવો, વેક્સિનના ઇન્જેક્શનના સ્થાને રતાશ આવવી કે દુખાવો થવો વગેરે. એમાં પણ જો કોઈ વ્યક્તિ વેક્સિનમાં વપરાયેલ પદાર્થોથી એલર્જિક હશે તો તેને એનાફાયલેકટિક શોક કે એલર્જિક રીએક્શનની પણ સંભાવના રહે છે. જો કે આ એલર્જિક રીએકશન એ ફક્ત વેક્સિન પૂરતું મર્યાદિત નથી. કોઈ પણ દવા કે કોઈ પણ વસ્તુથી પણ આવું થઈ શકે એટલે આવી આડઅસર માટે વેક્સિનને સંપૂર્ણ નકારી દેવામાં આવે એ વ્યાજબી નથી. 


પણ આ સાથે જ કેટલીક તકેદારીઓ રાખવી એટલી જ જરૂરી છે. બે વર્ષ પહેલાં આંધ્રપ્રદેશના એક ગામમાં પેન્ટાવેલન્ટ વેક્સિન આપ્યા બાદ 24 કલાકમાં બે બાળકો મૃત્યુ પામ્યા હતા. જોકે એમાં વેક્સિનનો કોઈ જ રોલ હતો નહિ. તપાસ બાદ માલુમ પડ્યું કે મોત વેક્સિનના કારણે નહિ પરંતુ ટ્રામાડોલ દવાને લીધે થયું હતું. સામાન્ય રીતે હેલ્થ વર્કરો દ્વારા વેક્સિનેશન બાદ તાવ આવે તો પેરાસીટામોલ ટેબ્લેટ આપવામાં આવે છે પરંતુ અહીં ગફલતને કારણે તેના જેવી જ પેકિંગવાળી ઓપીઓઈડ પેઇનકિલર દવા ટ્રામાડોલ આપી દેવામાં આવી. આ દવા નાર્કોટિક અને સાયકોટ્રોપિક સબસ્ટન્સની શ્રેણીમાં આવે છે જેને ડોકટર અને ફાર્માસિસ્ટ બન્નેની સહમતી સિવાય આપી શકાય જ નહીં, પરંતુ અહીં આ નિયમોને નેવે મુકતા બે બાળકોના જીવ ગયા. આ સમગ્ર ઘટનામાં કોઈ વિલન બનીને લોકોના મનમાં ઘુસ્યું હોય તો એ છે પેન્ટાવેલન્ટ વેક્સિન. આવી નિષ્કાળજી પણ લોકોને વેક્સિનથી દૂર કરવામાં કારણભૂત બને છે. 


આવી જ રીતે કેટલાક વર્ષો પહેલા પશ્ચિમના દેશોમાં ડીટીપી વેક્સિન માટે પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો કે આ વેક્સિનથી બાળકો તરત મરી જાય છે. (SIDS- Sudden Infant Death Syndrome) જો કે મરેલા દરેક બાળકોના મોતનું કારણ તેની બીજી આનુવંશિક બીમારીઓ હતી. રોટલીનો ટુકડો ખાવાથી કાર એક્સિડન્ટ થવાનો ભય રહે છે એવો ભ્રમ ફેલાવનાર એ નથી જાણતો કે દરેક કાર એક્સિડન્ટના મૃતકે મોટાભાગે છેલ્લા 24 કલાકમાં એકવાર તો રોટલી ખાધી જ હોય છે તેનાથી રોટલીને દોષિત ના ગણી શકાય. બસ આવી જ રીતે આ કિસ્સામાં ડીપીટીનો રોલ આ રોટલી જેટલો જ હતો. આવી જ કંઈક દલીલો કરીને કોર્ટમાં પહોંચેલા આ કેસને ડીટીપી વેક્સિને જીતી લીધો!


જેમ જેમ કોઈપણ વેક્સિનની વિશ્વસનીયતા વધતી જાય છે અને અસરકારકતા વધતી જાય તેમ તેમ જે તે રોગનું પ્રમાણ ઘટતું જાય છે. આવા સમયે લોકોનું ધ્યાન તે રોગચાળાના ખતરામાંથી વેક્સિનના ખતરા તરફ ફંટાતું જાય છે. કારણ કે માણસને સૂંઘી સુંધીને પણ ખતરો જોવાની ટેવ છે એટલે એ પોતાના માટે કંઈક ડરામણું ઉભું કરીને જ જંપે છે.


5) સોસીયલ મીડિયા

નાસાના વૈજ્ઞાનિકો જો થોડા ફ્રી થઈને રિસર્ચ કરે તો મને વિશ્વાસ છે કે સોસીયલ મીડિયા દ્વારા ફેલાતા ફેક ન્યૂઝની ગતિ સૂર્યપ્રકાશની ગતિ કરતા વધુ નીકળે! હવે આ વાતથી તો અત્યારે કોઇ અજાણ ન હોઈ શકે કે સૌથી વધુ અફવાઓનું માધ્યમ અત્યારે સોસીયલ મીડિયા બની રહ્યું છે. આ જાણવા છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને આ કોરોના કાળમાં ઇન્ફોડેમીક માટે સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ બની ગયું છે.


વાંચો: પેન્ડેમિકથી પણ ખતરનાક છે ઇન્ફોડેમિક


ઉપરના દરેક કારણોનું કોઈ વાહક હોય તો એ છે સોસીયલ મીડિયા કે જ્યાં નવી પેઢીનો અંધવિશ્વાસ જન્મ લે છે અને કેટલીક મહત્વની વાતો જે ખરેખર લોકો સુધી પહોંચવી જોઈએ તેનું મોત થાય છે. હજુ અઠવાડિયા પહેલા જ વાયરલ થેયેલી એક ઓડિયો ક્લિપે એટલી અંધાધૂંધી મચાવી કે લોકો મોઢામાં આંગળા નાખી ગયા. કોરોનાની વેક્સિનમાં વૈજ્ઞાનિકો એલ્યુમિનિયમ ભેળવે છે જે તમને થોડા જ વર્ષોમાં મારી નાખશે એવું આ ક્લિપમાં ભાઈ ભાર દઈને કહે છે. અરે મારા ભઈલા, તું મોટો થયો ત્યાં સુધી જેટલી વેકસીન લીધી એમાંથી મોટા ભાગની વેક્સિનમાં એલ્યુમિનિયમ હતું જ. એલ્યુમિનિયમ સોલ્ટ વર્ષોથી એક એડજયુવન્ટ તરીકે મિઝલ્સ, રોટા, રુબેલા, વેરિસેલા, ન્યુમોકોકલ વગેરે વેક્સિનમાં વપરાય જ છે. પણ ના તમારે તો એક બે ભારે નામ લઈને અજાણ પ્રજાને અબુધ બનાવી હતી. જોકે સોસીયલ મીડિયા પર એવા લોકો પણ છે કે જે આવી માહિતીઓ પર રમૂજ કરીને લોકોને કટાક્ષમાં સમજાવાનો પ્રયત્ન કરે છે. પણ કટાક્ષ સમજનારા લોકોની સંખ્યા સોસીયલ મીડિયા પર ફરતા અબુધોની સંખ્યા કરતા બહુ ઓછી છે જેને પરિણામે જ આવી વાતો ફેલાય છે. હજુ થોડા દિવસો પહેલા જ પુતિનની પુત્રી કોરોના વેક્સિનના ડોઝ બાદ મૃત્યુ પામી છે એવા ખોટા સમાચાર વહેતા કરવામાં આવ્યા. વળી આવા ખોટા મેસેજીસમાં એવા વૈજ્ઞાનિક કારણો અને બે ચાર પેરામીટર્સ જોડી દેવામાં આવે કે જાણે બધું સાયન્સ ફિક્શન મુવી જેવું આબેહૂબ થઈ જાય. બસ પછી આ મુવી દૂર દૂર સુધી થોડી જ મિનિટમાં પહોંચી જાય. જ્યાં પ્રણવ મુખર્જી પણ પોતાના મોતના સમાચાર જોવા જીવતા હોય એ દેશમાં કાંઈ પણ થઇ શકે!



કોરોના વેક્સિન આવી ગયા પછી શું?

વેક્સિન આવશે એટલે મુખ્ય બે વર્ગ જોવા મળશે.

એક એ કે જે કોઈ પણ ભોગે, વહેલા તે પહેલાના ધોરણે, કોઈ પણ લાગવગ કે લાંચ આપીને પણ વહેલી તકે કોરોનાની વેક્સિન લેવા તલપાપડ થશે. જ્યારે બીજો વર્ગ ઉપર લખેલા તમામ અખતરાઓ કરીને, વિરોધ કરીને, પાયાવિહોણી દલીલો કરીને છેવટે મોડું તો મોડું પણ વેક્સિન લેશે જરૂર. કારણકે જો આ મહામારીને હરાવવી હોય તો એકલ દોકલ રહીને જીતી શકાય એમ નથી. જો આપણે અસ્તિત્વ ટાકાવવું હશે તો આપણો દુશ્મન પણ કોરોનાની વેક્સિન લઈને નિરોગી બને એ જરૂરી છે કારણ કે આપણે કોરોનાના વાહકોને રોકવાના છે.


વેક્સિન કેવી હશે અને કેટલી હાનિકારક હશે એ તો આવનારો સમય જ કહેશે પણ જો આ વેક્સિન થોડીઘણી વૈયક્તિક આડઅસરો છતાં કરોડો લોકોનો જીવ બચાવવા સક્ષમ હોય તો પણ આ સોદો ખોટનો નથી.


સુપર ઓવર: જેવી રીતે આ કોરોનાના સાજા થયેલા દર્દીઓ તેનું પ્લાઝ્મા ડોનેટ કરીને કોરોનાના બીજા દર્દીઓને બચાવે છે એમ એકવાર જો અંબાણી, અદાણી, ટાટા કે બિરલા પોતાનું પ્લાઝ્મા આવી રીતે ડોનેટ કરે તો દેશની મોટાભાગની જનતાની ધન બીમારી દૂર ના કરી શકાય?😂



Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...