Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે.
કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી રહ્યો છે. બન્ને છેડેથી એવી આશા છે કે કોઈને આ ડીલમાં નુકશાન ન જાય. આ જ ડીલના ભાગ રૂપે હવે ઓમિક્રોન નામની કોરોના તરફથી પહેલ કરવામાં આવી છે. આ વેરીએન્ટ દ્વારા કોરોના માનવજાત તરફ શાંતિ સંદેશો લઈને આવ્યો છે એવું તો ન જ કહી શકાય પરંતુ આજની તારીખે ઉપલબ્ધ ડેટા અનુસાર ઓમિક્રોન કદાચ સૌથી ઓછો ઘાતકી પણ સૌથી વધુ પ્રસરણ ક્ષમતા ધરાવતો કોરોનાનો બચ્ચો છે.
ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને આપેલી એક સહજીવનની રિકવેસ્ટ. ઓમિક્રોન દ્વારા કોરોના એમ કહેવા માંગે છે કે અમને તમારા માનવશરીર અમારા અસ્તિત્વ ટકાવી રાખવા માટે જોશે જ પણ બદલામાં અમે એટલું ધ્યાન રાખશુ કે અમારા બચ્ચા તમને ઓછામાં ઓછા હેરાન કરે. ઓમિક્રોન સંક્રમિત મોટાભાગના લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂરત રહેતી નથી તેમજ બીજી લહેરમાં ડેલ્ટા વેરીએન્ટ દ્વારા જે રીતે ઓક્સિજનની તંગી સર્જાઈ હતી એ ડર પણ લગભગ બહુ નહિવત છે. એટલે કે એક વર્ષ પહેલાં આપણે જેમ થાકીને કહેતા કે હવે તો આપણે કોરોના સાથે જ જીવવાનું છે તે સત્ય સાબિત થઈ રહ્યું છે. આપણે હવે કોરોના સાથે જીવી રહ્યા છીએ અને માણસને ઓછામાં ઓછી તકલીફ આપે છતાં વધુમાં વધુ પ્રસરણ અને પ્રજનન ક્ષમતા ધરાવતો ઓમિક્રોન આપણી વચ્ચે ફૂલી ફાલી રહ્યો છે. જો કે આના માટે આપણી નિષ્કાળજી, રાજકારણ વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરી શકાય પણ એ વર્ષ પહેલાના બ્લોગ કોરોનાનો માનવજાતને પત્ર... માં કરી છે જે તમે ક્લિક કરીને વાંચી શકશો.
અહીં હું કોરોનાનો વકીલ થઈને દલીલો કરવા માગું છું. કુદરતે બનાવેલો વાઇરસ હોય કે માણસે બનાવેલો છતાં હવે તે પોતાનો કુદરતી ધર્મ બજાવી રહ્યો છે અને પોતાના અસ્તિત્વ સામે આવતા હરકોઈ સામે લડવું એ તેનો પણ ધર્મ બની ગયો છે. એટલે જેટલા આપણે વેક્સિન અને દવાઓ બનાવવામાં વ્યસ્ત હતા એટલો જ આ કોરોના તેના નવા નવા વેરીએન્ટ બનાવવામાં વ્યસ્ત હતો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કોઈ પણ જીવને ભણવો નથી પડતો. કુદરતી રીતે જ દરેક જીવ પોતાના અસ્તિત્વ માટે મરણિયા પ્રયાસ કરે છે અને આ પ્રયાસના ભાગ રૂપે જ કોરોનાએ પોતાના રસ્તામાં આવતા દરેકનો ભોગ લીધો. આવો લોહિયાળ ભૂતકાળ ધરાવતો વાઇરસ અચાનક સંધિ માટે ઓમિક્રોન લઈને આવે અને કહે કે આપણે સાથે જીવી લઈશું તો કેટલોક વિશ્વાસ બેસે?
માણસજાત કદાચ કંટાળીને આ રિકવેસ્ટ સ્વીકારી પણ લે અને કોરોના સાથે જીવી પણ લઈએ પરંતુ આ ઓમિક્રોનના નામે લાંબા ગાળે દગો કરશે નહીં તેની શું ખાતરી? જેવી રીતે ડેલ્ટા કોરોના વાઇરસે માનવ સામે લડવા મ્યુકરમાઇકોસીસ ફૂગ સાથે પાર્ટનરશીપ કરેલી એવી જ રીતે ક્યાંક આ ઓમિક્રોન દુશ્મનનો દુશ્મન દોસ્ત સમજીને બીજી કોઈ મહામારી સાથે પીઠ પાછળથી આક્રમણ ન કરે તેની કોઈ જ ખાતરી નથી.
મોલબાયો કંપનીના ડાયરેકટર ચંદ્રશેખર નાયરના મત મુજબ થોડા જ દિવસોમાં RTPCR દ્વારા ઓમિક્રોનની ઓળખ થઈ શકે એવી કીટ આવી જશે અને દરેક વખતે જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત નહિ રહે. મતલબ કે હજુ આપણે એટલા જ ઓમિક્રોન કેસ ઓળખી શક્યા ગણાય જેટલાના જીનોમનું ઇન્વેસ્ટિગેશન કર્યું બાકી બીજા અનામી પાસપોર્ટ વગરના ઓમિક્રોન આપણી આજુબાજુ ઘૂમી જ રહ્યા છે. માટે ફલાણો આટલું ધ્યાન રાખે તો પણ તેને કોરોના થયો અને ઢીકડો સાવ બેદરકાર છતાં તેને બે વર્ષથી કાંઈ નથી થયું એવા હાસ્યાસ્પદ લોજીક આપ્યા વગર દરેક માટે સમાન પ્રોટોકોલ માસ્ક અને ડિસ્ટન્સનું પાલન કરવું એમાં જ કોરોના વાઈરસની દ્રષ્ટિએ માનવજાતની આબરૂ છે.
સુપર ઓવર: વિશ્વમાં ઓછા વેક્સિનેશન ધરાવતા દેશોમા જે રીતે કોરોના હજુ પણ પ્રભાવી છે તેની સાપેક્ષે વેક્સિનમાં ભારત આ બાબતે સદ્ધર છે એમ કહી શકાય. વેક્સિન વિરુદ્ધના મોટા મોટા કેમ્પઈન કે વિરોધ પ્રદર્શનો ભારતમાં ન થયા કારણ કે ભારતમાં બીજા ઘણાં મુદ્દાઓ છે વિરોધ પ્રદર્શનો કરવા માટે. એટલે જ આટલા બધા મુદાઓમાં કેટલાકને વેક્સિનનો મોટા પાયે વિરોધ કરવાનું ભુલાઈ ગયું જે સદ્ભાગ્યે ભારત માટે ઉત્તમ સાબિત થયું.
Superb.. Totally Agree
ReplyDeletethank you🙏
Deleteસરળ શબ્દોમાં સારી રજૂઆત...
ReplyDeleteThank you
Deleteસુપર ઓવરની સિક્સર ગમી.
ReplyDelete👍
🙂🙏
Delete