Skip to main content

ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને સંધિ માટે મોકલેલો દૂત...⁉️

 


Sorry Omicron, you are still on second position. આવું જ કંઈક ગઇકાલે ICMR દ્વારા કહેવામાં આવ્યું. એટલે કે ICMRના ડેટા મુજબ હજુ પણ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઓછો ઘાતકી છે. વિશ્વભરમાંથી ટૂંકા સમય દરમિયાન મળેલ રિસર્ચ ડેટા પણ એવું જ કંઈક કહે છે કે ઓમિક્રોનથી સાવચેત રહેવાની જરૂર છે પણ નવા વાયરસમાં ખપાવીને ડરવાની જરૂર નથી. ઓમિક્રોન પરના કોઈ જ ડેટા કે ઇન્ફોર્મેશન કે બ્લા બ્લા બ્લા આગળ આ બ્લોગમાં તમને મળશે નહીં. માટે એવી આશા હોય તો અહીંથી જ અટકી જવું અને ગૂગલ પ્રભુનું શરણ લેવું. અહીં કઈક અલગ જ વિષય પર વાત કરવાની ઈચ્છા છે.


કોરોના વાઇરસથી આપણે જેવી રીતે છેલ્લા બે વર્ષથી લડી રહયા છીએ એવી જ રીતે કોરોના વાઇરસ પણ મનુષ્ય સામે છેલ્લા બે વર્ષથી લડી રહ્યો છે એવું કહી શકાય. જો આ વાઈરસની નજરોથી જોવા જઈએ તો ભલે તેનું જીવન ક્ષણિક હોય પણ તેની ઈચ્છા પણ જીવી જવાની અને પોતાની પેઢીઓને જીવતી રાખવાની હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે નવા નવા વેરીએન્ટ લોન્ચ કરીને કોરોના માનવજાત સાથે એક પ્રકારની ડીલ કરી રહ્યો છે. માનવજાત પણ નવા વેરીએન્ટ આવતાની સાથે જ પોતાને સજ્જ કરીને જાણે આ ડીલમાં તોલભાવ કરી રહ્યો છે. બન્ને છેડેથી એવી આશા છે કે કોઈને આ ડીલમાં નુકશાન ન જાય. આ જ ડીલના ભાગ રૂપે હવે ઓમિક્રોન નામની કોરોના તરફથી પહેલ કરવામાં આવી છે. આ વેરીએન્ટ દ્વારા કોરોના માનવજાત તરફ શાંતિ સંદેશો લઈને આવ્યો છે એવું તો ન જ કહી શકાય પરંતુ આજની તારીખે ઉપલબ્ધ ડેટા અનુસાર ઓમિક્રોન કદાચ સૌથી ઓછો ઘાતકી પણ સૌથી વધુ પ્રસરણ ક્ષમતા ધરાવતો કોરોનાનો બચ્ચો છે. 


ઓમિક્રોન એટલે કોરોનાએ માનવજાતને આપેલી એક સહજીવનની રિકવેસ્ટ. ઓમિક્રોન દ્વારા કોરોના એમ કહેવા માંગે છે કે અમને તમારા માનવશરીર અમારા અસ્તિત્વ ટકાવી રાખવા માટે જોશે જ પણ બદલામાં અમે એટલું ધ્યાન રાખશુ કે અમારા બચ્ચા તમને ઓછામાં ઓછા હેરાન કરે. ઓમિક્રોન સંક્રમિત મોટાભાગના લોકોને હોસ્પિટલાઇઝેશનની જરૂરત રહેતી નથી તેમજ બીજી લહેરમાં ડેલ્ટા વેરીએન્ટ દ્વારા જે રીતે ઓક્સિજનની તંગી સર્જાઈ હતી એ ડર પણ લગભગ બહુ નહિવત છે. એટલે કે એક વર્ષ પહેલાં આપણે જેમ થાકીને કહેતા કે હવે તો આપણે કોરોના સાથે જ જીવવાનું છે તે સત્ય સાબિત થઈ રહ્યું છે. આપણે હવે કોરોના સાથે જીવી રહ્યા છીએ અને માણસને ઓછામાં ઓછી તકલીફ આપે છતાં વધુમાં વધુ પ્રસરણ અને પ્રજનન ક્ષમતા ધરાવતો ઓમિક્રોન આપણી વચ્ચે ફૂલી ફાલી રહ્યો છે. જો કે આના માટે આપણી નિષ્કાળજી, રાજકારણ વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરી શકાય પણ એ વર્ષ પહેલાના બ્લોગ કોરોનાનો માનવજાતને પત્ર... માં કરી છે જે તમે ક્લિક કરીને વાંચી શકશો. 


અહીં હું કોરોનાનો વકીલ થઈને દલીલો કરવા માગું છું. કુદરતે બનાવેલો વાઇરસ હોય કે માણસે બનાવેલો છતાં હવે તે પોતાનો કુદરતી ધર્મ બજાવી રહ્યો છે અને પોતાના અસ્તિત્વ સામે આવતા હરકોઈ સામે લડવું એ તેનો પણ ધર્મ બની ગયો છે. એટલે જેટલા આપણે વેક્સિન અને દવાઓ બનાવવામાં વ્યસ્ત હતા એટલો જ આ કોરોના તેના નવા નવા વેરીએન્ટ બનાવવામાં વ્યસ્ત હતો. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કોઈ પણ જીવને ભણવો નથી પડતો. કુદરતી રીતે જ દરેક જીવ પોતાના અસ્તિત્વ માટે મરણિયા પ્રયાસ કરે છે અને આ પ્રયાસના ભાગ રૂપે જ કોરોનાએ પોતાના રસ્તામાં આવતા દરેકનો ભોગ લીધો. આવો લોહિયાળ ભૂતકાળ ધરાવતો વાઇરસ અચાનક સંધિ માટે ઓમિક્રોન લઈને આવે અને કહે કે આપણે સાથે જીવી લઈશું તો કેટલોક વિશ્વાસ બેસે? 


માણસજાત કદાચ કંટાળીને આ રિકવેસ્ટ સ્વીકારી પણ લે અને કોરોના સાથે જીવી પણ લઈએ પરંતુ આ ઓમિક્રોનના નામે લાંબા ગાળે દગો કરશે નહીં તેની શું ખાતરી? જેવી રીતે ડેલ્ટા કોરોના વાઇરસે માનવ સામે લડવા મ્યુકરમાઇકોસીસ ફૂગ સાથે પાર્ટનરશીપ કરેલી એવી જ રીતે ક્યાંક આ ઓમિક્રોન દુશ્મનનો દુશ્મન દોસ્ત સમજીને બીજી કોઈ મહામારી સાથે પીઠ પાછળથી આક્રમણ ન કરે તેની કોઈ જ ખાતરી નથી. 


મોલબાયો કંપનીના ડાયરેકટર ચંદ્રશેખર નાયરના મત મુજબ થોડા જ દિવસોમાં RTPCR દ્વારા ઓમિક્રોનની ઓળખ થઈ શકે એવી કીટ આવી જશે અને દરેક વખતે જીનોમ સિક્વન્સિંગની જરૂરિયાત નહિ રહે. મતલબ કે હજુ આપણે  એટલા જ ઓમિક્રોન કેસ ઓળખી શક્યા ગણાય જેટલાના જીનોમનું ઇન્વેસ્ટિગેશન કર્યું બાકી બીજા અનામી પાસપોર્ટ વગરના ઓમિક્રોન આપણી આજુબાજુ ઘૂમી જ રહ્યા છે. માટે ફલાણો આટલું ધ્યાન રાખે તો પણ તેને કોરોના થયો અને ઢીકડો સાવ બેદરકાર છતાં તેને બે વર્ષથી કાંઈ નથી થયું એવા હાસ્યાસ્પદ લોજીક આપ્યા વગર દરેક માટે સમાન પ્રોટોકોલ માસ્ક અને ડિસ્ટન્સનું પાલન કરવું એમાં જ કોરોના વાઈરસની દ્રષ્ટિએ માનવજાતની આબરૂ છે. 


સુપર ઓવર: વિશ્વમાં ઓછા વેક્સિનેશન ધરાવતા દેશોમા જે રીતે કોરોના હજુ પણ પ્રભાવી છે તેની સાપેક્ષે વેક્સિનમાં ભારત આ બાબતે સદ્ધર છે એમ કહી શકાય. વેક્સિન વિરુદ્ધના મોટા મોટા કેમ્પઈન કે વિરોધ પ્રદર્શનો ભારતમાં ન થયા કારણ કે ભારતમાં બીજા ઘણાં મુદ્દાઓ છે વિરોધ પ્રદર્શનો કરવા માટે. એટલે જ આટલા બધા મુદાઓમાં કેટલાકને વેક્સિનનો મોટા પાયે વિરોધ કરવાનું ભુલાઈ ગયું જે સદ્ભાગ્યે ભારત માટે ઉત્તમ સાબિત થયું.


Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

પાબ્લો એસ્કોબાર એટલે દસ માથા વાળો રાવણ

વેબ સિરીઝ: નાર્કોસ  કેરેક્ટર: પાબ્લો એસ્કોબાર  નાર્કોસ સિરીઝ જોઈ હોય તો નીચેના શબ્દો સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશો પણ જો ના જોઈ હોય તો કોઈ ચિંતા નથી, એવા પણ કોઈ ખાસ સ્પોઇલર નથી લખ્યા કે જે તમારી સિરીઝ જોવાની મજા બગાડે. સો પ્લીઝ કન્ટીન્યુ. નાર્કોસની વેબ સિરિઝોમાં પાબ્લોનું જે રીતે ચરિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે એ જોઈને ઉપરનું ટાઈટલનું વાક્ય તરત જ મારા મગજમાં ગુંજે. બાયોપિક હોય એટલે જરૂરી નથી કે બેઠેબેઠી જિંદગી ચિતરેલી હોય, પણ હા જે પણ સાહિત્ય કે મીડિયામાં ઉપલબ્ધ ઇતિહાસ હોય એ તમામનો નિચોડ કાઢીને તેને સ્ટોરીલાઈનમાં ફીટ કરીને પરોસેલું હોય. એટલે કે કેટલીક વાતો સ્ત્રીઓની ઓટલા પરિષદની જેમ કે'તો 'તો 'ને કે'તી 'તી ની જેમ મસાલેદાર બનાવેલી હોઈ શકે. આ બાબતને નજરઅંદાજ કરીને ફક્ત આ સિરીઝમાં દેખાતા પાબ્લોની વાત કરવી છે પાબ્લોની જિંદગી જોઈને દાઉદ પણ તેની પાસે નાનું બચ્ચું લાગે, એવી ભાયાનક ક્રુર અને છતાં પણ ક્યારેક દયા આવે એવું વ્યક્તિત્વ છે. જ્યારે જ્યારે એ ડ્રગ્સની સાથે સાથે હિંસા અને રાજકારણમાં અરાજકતા સર્જે છે ત્યારે ત્યારે એ દસ માથા વાળો રાવણ જ લાગે. પણ જ્યારે જ્યારે તેના ...