Skip to main content

કોરોનાનો માનવજાતને પત્ર...

 


મારા પ્રાણપ્રિય હોમો સેપિયન્સ


જય વાયરસ સહ જણાવવાનું કે આપબધા વહેમકુશળ હશો, અમે પણ અહીં ક્ષેમકુશળ છીએ. આપ લોકોએ અમને જે રીતે આદર અને આશરો આપ્યો છે તેના માટે સમગ્ર વાયરસ સમાજ આપનો સદાય ઋણી રહેશે. આપ લોકોના સાથ સહકારથી અમારા બાળકો આજે વૃદ્ધિ પામી રહ્યા છે અને જુદા જુદા દેશો અને દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો બનાવી રહ્યા છે. આના માટે સમગ્ર માનવસમાજે અમને જે સહકાર આપ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આમારા કોરોના સમાજ માટે આ એક ગૌરવની વાત છે કે કોઈ પણ વાયરસ જાતિને માનવે આટલી નથી અપનાવી જેટલી અમને અપનાવી છે. સાચું કહું તો બીજી વાયરસ જાતિઓને પણ આપણા ગાઢ સંબંધોની ઈર્ષ્યા થાય છે.


થોડા સમય પહેલા જ અમારી સ્વાઈન ફલૂ કાકા સાથે વાત થયેલી ત્યારે તેણે અમને કહેલું કે જો તમારે તમારું અસ્તિત્વ ટકાવવું હશે તો બીજા પશુ પંખીઓમાં પોતાનો સમય બરબાદ ન કરતા સીધા હોમો સેપિયન્સને જ તમારો આશરો બનાવજો. વડીલોની વાતોમાંથી ખરેખર ઘણું શીખવા જેવું હોય છે. એમ તો બર્ડ ફલૂ દાદાએ પણ અમને આડકતરો એ જ સંદેશો આપેલો કે પંખીઓમાંથી જ્યારે મેં મારું ઘર માણસજાતમાં શિફ્ટ કર્યું ત્યારે ખબર પડી કે સાચી લકઝરી તો અહીંયા જ છે. પણ બેટા મારે થોડું ઘર બદલવામાં મોડું થઈ ગયેલું એમાં એ લોકોએ પોતાના ઘરમાં અમે ના પ્રવેશી શકીએ એવા અવનવા ટોટકા શોધી કાઢેલા. બસ આ પરથી જ અમે બોધ લીધો કે અમે ભલે ગમે ત્યાં જન્મ્યા હોય, અમારું ઘર તો તમે જ છો અને રહેશો.


અમારા સમાજે દેશ વિદેશોના પ્રવાસો કર્યા છે પણ સૌથી સારી મહેમાનગતિ અમારી ભારત દેશમાં જ થઈ છે. તમે લોકોએ જે પ્રેમથી તમારા માસ્ક નીચે ઉતારી ઉતારીને અમને તમારા શ્વાસે શ્વાસમાં જગ્યા આપી છે એવું તો કોઈ વીર જ કરી શકે છે. અમે પહેલા જ સાંભળેલું કે ભારત એ તો વીરોનો દેશ છે પણ જ્યારે અહીં આવ્યા ત્યારે ખરેખર આ હકીકતનો અમે સાક્ષાત્કાર કર્યો. આ દેશના લોકોની વિચારધારાને કારણે એક તબક્કે અમને લાગેલું કે ક્યાંક અમે એક જ મહિનામાં આ દેશના રાશન કાર્ડમાંથી નીકળી ના જઈએ પણ પછી ધીમે ધીમે જેમ જેમ અમને કેટલાક મૂર્ખ લોકોનો સહકાર મળતો ગયો તેમ તેમ અમે એ લોકોના આધારે આ જ દેશનું આધારકાર્ડ કઢાવી લેવાનું નક્કી કરી લીધું. આ દેશના કેટલાક રાજ્યોને તો અમારા સમાજના કેટલાક મોભી વાયરસોએ પોતાનું કાયમી સરનામું આધારકાર્ડમાં નોંધાવી દીધું છે. 


અમારા ફલૂ વાયરસ ધર્મમાં અમે કોરોના સમાજે જે નામના મેળવી છે એ આ દેશે આપેલા વિશેષ અનામત દરજ્જા વગર શક્ય ન હતું. આમ તો અમારી કેપેસિટી બીજા ફલૂ વાયરસો જેટલી જીવલેણ ન હતી પરંતુ તમે લોકોએ અમારા માટે તમારું જીવનધોરણ નીચે કરીને અમને ઓછા મેરિટમાં પ્રવેશ આપ્યો તેના હિસાબે આજે અમે અમારી બીજી દરેક વાયરસ જાત સામે માથું ઉંચું કરીને ચાલી શકીએ છીએ. જોકે આ બાબતે અમે તમારા આગેવાનોના પણ એટલા જ આભારી છીએ કે જેણે પોતે જ કેટલીક મૂર્ખામી ભરેલી આદતોનો પ્રચાર કરીને તમને પણ મૂર્ખ થવા પ્રેરણા આપી. આ આગેવાનોએ અમારા માટે મકાનના દલાલો જેવું કામ કર્યું. જ્યારે પણ જરૂર પડી ત્યારે આ લોકોએ એક જ જગ્યાએ અમારા માટે ઘણા બધા મકાનોની ચોઇસ આપી અને બહુ સરળતાથી અમારા મિત્રોએ આ જીવતા મકાનોમાં ગૃહ પ્રવેશ કર્યો. જ્યારે જરૂર પડી ત્યારે આ આગેવાનોએ પોતાના શરીરમાં અમને આશરો આપ્યો પણ અમને બેઘર થવા ન દીધા.


આમ તો અમારો કોરોના સમાજ મોટેભાગે કોઈ પણ મકાનમાં 14 દિવસના બોન્ડ પર ભાડે રહેવા ટેવાયેલો છે. આમ છતાં જો કોઈ માસ્ક ડિસલોકેશન સિન્ડ્રોમ ધરાવતું પ્રવેશદ્વાર મળે, સિગારેટના ધુમાડાથી પેઇન્ટ થયેલી ફેફસાંની દીવાલો મળે, બ્લોક થવાના આરે હોય એવી લોહીની પાઇપલાઇન મળે અને જો અધૂરામાં પૂરું સાથે સાથે મધુપ્રમેહની મીઠાશ મળે તો અમને અમારા પૂર્વજોના સોગંધ કે અમે એ ઘરને શિવચરણે ભેટ ધરવામાં અચકાતા નથી. આમ છતાં અમે એટલા અભિમાની નથી કે આવું ઘર હોય તો જ ફાવે. કોઈ પણ છાપરું મળી જાય તો અમે ચલાવી લઈએ છીએ. અમે બસ તમારી જેમ પોતાની જ ચિંતા નથી કરતા પણ અમે અમારી આવનારી પેઢીઓનું વિચારીને ચાલીએ છીએ. એટલે જ ગમે તેવા મકાનમાં પણ આશરો લઈને અમારા બાળકોને મુક્ત ગગનમાં વિહરતા કરીએ છીએ પછી ભલે અમારો પોતાનો અંત એ જ મકાનમાં લખાયેલો હોય.


હે મહાન હોમો સેપિયન્સ! આપના આચાર, વિચાર અને વર્તનને કારણે તમે જે અમને સહકાર આપ્યો છે એ સદીઓ સુધી ભૂલી શકાય એમ નથી. તમારા કેટલાક બુદ્ધિશાળી લોકોએ અમને ખૂબ જ હેરાન કર્યા છે, સેનિટાઈઝર અને સાબુથી અમારો કત્લેઆમ કર્યો છે. વળી તમારા કેટલાક સૈનિકોએ તો અમને ભાડાના મકાનમાં પણ સુખેથી રહેવા નથી દીધા અને વળી પોતે પણ પોતાનું મકાન એવી રીતે પેક કરીને ફરે છે કે અમને અંદર ઘૂસવાનો કોઈ અવકાશ જ નથી રહેતો. આ લોકોએ પોતાના વેન્ટિલેટર અને ઓક્સિજન તેમજ કેટલાક કેમિકલ શસ્ત્રો વડે અમારો સામનો ખૂબ સાહસથી કર્યો. પણ આ સૈનિકોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ હતી જ્યારે આપ જેવા મૂર્ખાઓ અમને અપરંપાર મળી રહેતા હતા. એટલે અમે અમારા ઇરાદામાં કંઈક અંશે સફળ રહ્યા. એમાં પણ તમારી કેટલીક અંધજમાતે અમારા વિશે ડિજિટલ માર્કેટિંગ સંભાળીને અને અફવાઓ ફેલાવીને આ લડાઈમાં જોડાયેલા તમારા પોતાના સૈનિકોને જ શંકાના ઘેરામાં લાવીને જે મદદ કરી છે તે ખરેખર અમારી જીતમાં ઉડીને આંખે વળગી રહી છે. આ મદદમાં શિક્ષિત મૂર્ખ માનવ સમાજનો ફાળો પણ અવગણી શકાય એમ નથી. આવી રીતે તમે ભલે માનવજાતના દ્રોહી સાબિત થાઓ પણ અમારા માટે તો તમે એક સાચા મિત્રો જ રહેશો.


અંતે બસ એટલું જ કહીશ કે આવનારા દાયકાઓમાં પણ અમારી આવનારી પેઢીઓને તમે આવા જ પ્રેમથી વધાવી લેશો એવી આશા સહ જય વાયરસ જય કોરોના.


લી. 🙅કોરોના કાયમ રહે🙅


સુપર ઓવર: કોરોના વાયરસની એક વાત મને બહુ ગમી. તેણે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ધારાવીની ઝૂંપડપટ્ટી સુધી દરેકને આવકાર્યા.


Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Waah bhai waah....aaj divas sudhi Corona mate je lakhayu ane vanchyu che, ema best....maja padi gai

    ReplyDelete
  3. Very nice..

    ReplyDelete
  4. Resham na kapda ma lapetine pathra Marya 6....liked it

    ReplyDelete
    Replies
    1. 😀😀 The most unique feedback I've received...

      Delete
  5. Very good letter.. Appreciable writing style... and beauty of words

    ReplyDelete
  6. Very good letter.. Appreciable writing style... and beauty of words

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જ

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડી

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ