રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ.
આ રીલનો રેલો આવ્યો કેમ?
લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?
ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.
રીલની રોગિષ્ઠ રિયાલિટી
આજની જનરેશન ટૂંકું અને ટચ જોવા અને સાંભળવા માંગે છે એ તો સારી બાબત કહેવાય ને... એવું પ્રથમ તબક્કે લાગી શકે. પણ આ ટૂંકું અને ટચ કંઇ કામનું હોતું નથી. આ સેકન્ડો પર ચાલતું કન્ટેન્ટ મગજમાં ઘૂસવાની બારી સુધી પણ પહોંચવાનું નથી. એક કહેવત છે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ નન. બસ આવો જ કોઈક રોગ લાગુ પડતો જાય છે. જેમાં હાથમાં રાખેલી ડિવાઇસથી આપણે આખું જગતને જાણવાનો દાવો કરીએ છીએ પણ હકીકત કંઈક અલગ જ છે.
રીલ આવ્યા પછી સૌથી મોટી સમસ્યા એ નથી કે આંખો બગડી ગઈ કે પછી સમય વેડફાઈ ગયો. તેનાથી પણ મોટી સમસ્યા છે કે આપણી એકાગ્રતા (ફોકસ) ક્ષીણ થઈ ગઈ. 30 સેકંડમાં જાણે દુનિયાભરનું જ્ઞાન આપણે મેળવી લેવાના હોઈએ અથવા તો 30 સેકંડમાં ભરપૂર મોજ મનોરંજન મેળવી લેવાની લ્હાયમાં એક પછી એક 30 સેકન્ડ સ્ક્રોલ થતી જાય છે. આગળની રીલમાં આનાથી પણ વધુ ડોપામાઇન બ્લાસ્ટ થશે એવા વિચારોમાં ને વિચારોમાં મગજનું સૂરસૂરિયું કરી બેસીએ છીએ. હવે તો 30 સેકન્ડની રીલ પણ પૂરી જોવાની આપણામાં ધીરજ રહી નથી. પંદરમી સેકન્ડ પહેલા જો કિક ન લાગી તો અંગૂઠાનો ટેરવો એ રીલને તરત જ કિક મારીને બીજી રીલ પર શિફ્ટ થઈ જાય છે. વિચાર કરો જો 30 સેકન્ડના વીડિયોમાં આપણે પૂરું ધ્યાન ન આપી શકતા હોઈએ તો હવે યુટ્યુબના 10 મિનિટના વીડિયોમાં તો શું કરી લેવાના અને તેનાથી પણ આગળ 100 પાનાનાં પુસ્તકને ખોલવાની હિંમત વિશે તો હવે વાત જ શું કરવાની?
યુટ્યુબ ક્રિએટર્સ પણ હવે યુટ્યુબ પર શોર્ટ બનાવતા થઈ ગયા છે. કારણકે જેટલા વ્યુઝ શોર્ટને શોર્ટ ટાઇમ માં મળે છે તેટલા ફુલ વીડિયોને ક્યાં મળવાના? વળી લાંબા વીડિયો પણ આપણે 1.5x સ્પીડમાં જોવાની આદત પડી ગઈ છે કારણ કે પેલું ડોપામાઇન 1x માં તો ક્યાં હવે જવાબ આપે છે. હવે તો ધીરજ અને અટેન્શન બંનેની કસોટી થાય છે. રોડ પર જતા જતા આપણે ફક્ત આગળ વાળું વાહન ધીમું ચાલતું હોય કે ટ્રાફિક હોય તો ધીરજ ગુમાવીને હોર્નવાળી કરી મૂકીએ છીએ. શું આ Gen Z પાસે લાંબી લાઇનમાં ઊભવાની તાકત છે? (નવા આઈ ફોન લોન્ચ વખતે થતી લાઇનને બાદ કરતા) આ બધું ધીરજ અને એકાગ્રતાની બુઠ્ઠી થઈ ગયેલી ધાર જ સૂચવે છે.
ગુસ્સો તો બહુ પ્રાથમિક લક્ષણ છે. કોઈ તમારો મોબાઈલ છીનવી લે અથવા તો રીલની વચ્ચે કંઈક બીજું કામ સોંપે તો ઘરમાં કેવી મારામારી થઈ જાય છે કે જીવ પણ જાય છે એ આપણે છાપામાં જોઈએ જ છીએ. આ ફક્ત એક રીલનું જ નહીં બીજા ઘણાં સોશિયલ મીડિયા ફેક્ટર્સ પણ હોય છે. પરતું જો ફક્ત એકાગ્રતાની વાત કરવામાં આવે તો આ રીલ આપણા મગજની આનુવંશિક કબર ખોદી રહ્યું છે એ નક્કી છે.
થોડા વર્ષો પછી આપણે આપણા મગજના ચેતાતંતુઓની ચપળતા ગુમાવી દેશું એ નક્કી છે. વળી આવતી પેઢીમાં આ ચેતાતંતુઓના બિનજરૂરી અને બિનઉપયોગી જોડાણો રદ થઈ જાય એવા નવા મોડલ બહાર પાડે તો પણ નવાઈ નહીં. મગજનું પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ એટલે કે આપણા કપાળ પાછળનો મગજનો સૌથી આગળનો ભાગ ધીમે ધીમે તેનો આકાર ગુમાવી રહ્યો છે. આ ભાગ જાગૃત અવસ્થામાં નિર્ણયો લેવામાં અને તાર્કિક બુદ્ધિપ્રયોગ માટે મહત્વના સેન્ટર ધરાવે છે. પરતું કેટલાક રીલ રસિયાઓ પર કરેલા પ્રયોગો એવું કહે છે કે આ ભાગનો ગ્રોથ અટકી ગયો છે અને સંકોચાઈ રહ્યો છે. આ ઉપરાંત મગજનો મધ્યભાગ કે જે લિમ્બિક સિસ્ટમ કહેવાય છે ત્યાં ડોપામાઇન એટલું બધું દરેક મિનિટ પર ઉલેચાઈ રહ્યું છે કે લગભગ હવે આ ડોપામાઇનના રીસેપ્ટર્સ થાકી ગયા છે. એટલે જ કદાચ પહેલા જે નાની નાની વાતોમાં પણ ખુશી થતી એ હવે થતી નથી. તમે કોઈ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળે જાઓ તો મનમાં ઉમંગ જાગે છે પણ તે ઉમંગ કરતા એ જ પ્રાકૃતિક સ્થળની રીલ બનાવીને પોસ્ટ કરીને કેટલાએ જોઈ, કેટલાએ કમેન્ટ કરી અને કેટલાએ લાઈક કરી એ ચેક કરીને વધુ મજા આવે છે. આ બંને મજાઓમાં રીલ વાળી મજા કુદરતી આનંદની સાપેક્ષે વધુ કેમિકલ શોર્ટસર્કિટ કરે છે. એટલે જ કદાચ હવે આ કુદરતી આનંદ એક છ સાત ઈંચની સ્ક્રીનની સાપેક્ષે ગૌણ બનતોજાય છે.
વળી રીલ જોતા માણસનો સૌથી મોટો સ્વબાચવ એ હોય છે કે હું કંઇ જોતો જ નથી કે હમણાં જ ચાલુ કર્યુ અથવા તો હું બહુ ના જોઉં કહીને એકાંતમાં સમયથી નિરપેક્ષ થઈને કેટલા કિલોમીટર ટેરવા સ્ક્રીન પર દોડી રહ્યા છે તેની પોતાને ખબર પણ હોતી નથી. તો આ મુસીબતનો છૂટકારો મેળવવો હોય તો?
રીલ સે રિશ્તા જોડે યા તોડે?
હવે તો ઘણા રીલ થી બચવા માટે અમુક રીલ સ્ક્રોલ કર્યા બાદ લોક થઈ જાય એવી એપ પણ આવી છે તેનો ઉપયોગ કરવાનું સૂચવે છે. આ ઉપરાંત ઇન્સ્ટા કે કોઈ પણ એપને અમુક સમયના ટાઈમર બાદ લોક કરી શકાય એવી સુવિધાઓ પણ દરેક મોબાઈલમાં હોય છે. પણ પણ પણ... આ કંઇ જ કામ નથી લાગતું. તમે કોઈ ને કોઈ બહાનું રીલ સ્ક્રોલ કરવા માટે શોધીને જ રહેશો અને આ બધા એપ લોક તમે જ ઓપન કરી દેશો. આ બધા એકાદ બે દિવસના ટેમ્પરરી ઉપાયો છે. તો હવે કોઈ રસ્તો નથી બચ્યો બહિષ્કાર કર્યા સિવાય?
હા, એ ઉતમ રસ્તો છે. પણ આકરો છે. જાણે ભર્યા ભાદર્યા સંસારમાંથી તાત્કાલિક સંન્યાસ લઈ લીધા જેવું આકરું લાગે. પણ એક બીજો કામચલાઉ સરસ રસ્તો છે. રીલ કે ફીડ ફક્ત તમારે જરૂર હોય એ સર્ચ કરીને જ જુઓ. અલગોરિધમ જે પીરસે છે એ વારાફરતી ન જુઓ. જે વિષય પર તમને કોઈ માહિતી કે મનોરંજન જોઈએ તે જ કી વર્ડનો ઉપયોગ કરો અને સીધી પગદંડી પર ચાલો. રીલ કે ફીડની અલગોરિધમને તમારું બાવડું ન પકડવા દેશો. એ સિવાય બીજો એક ઉપાય છે કે તમને ગમતા વિષયના રીલ ક્રિએટર બનો. એટલિસ્ટ બીજાની રીલ ફેંદવા કરતા પોતાનું કંઈક બનાવો જે ગમે એ. બીજાના ટ્રેન્ડ ફોલો કરવા કરતા તમારું પોતાનું સામ્રાજ્ય બનાવી અને તેમાં રચ્યા પચ્યા રહો નહી કે અલગોરિધમના નાખેલા ટુકડાઓ પર.
સુપર ઓવર: કૃષ્ણને જો કળિયુગમાં મહાભારત કહેવી પડત તો તેને પણ એકાદ મિનિટની રીલમાં જ અઢાર અધ્યાય પતાવવા પડત. બાકી તો આજકાલના અરજણ તરત જ સ્ક્રોલ કરીને સારથી બદલાવી નાંખે.
તમારી સ્ક્રીનમાં જમણી બાજુ ઉપર ત્રણ લાઇન દેખાય છે ને? હા , બસ ત્યાં જ. એ જગ્યાએ ક્લિક કરશો એટલે તમને Follow બટન જેવું કંઈક દેખાશે. સમજી ગયા ને? નવા બ્લોગ સીધા તમારા મેઇલબોક્સમાં હાજરાહજૂર થશે. 🙏
Comments
Post a Comment