ઓળખ્યો?
હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?
સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!
આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ છું પણ જ્યારે કોઈ કામ કરતા કરતા મને વાત કરવા માટે ખભા પર ડોક મરડીને કાન વડે દબાવે છે ત્યારે સાચું કહું છું, જીવ નીકળી જાય છે. આવા સમયે જાણે હું બાબા રામદેવના કોઈ યોગાસનમાં સ્થાયી સ્વરૂપે જકડાઈ ગયો હોઉં એવું લાગે છે.
એમાં પણ જો આ યોગાસન ચાલુ વાહને શરૂ હોય તો સમજો કે કાં' તો હું નહીં કાં' તો અમે બંને નહીં. ચાલુ બાઇક પર કાચી પાંત્રીસની લાલી સાથે રંગાયેલા હોઠે જ્યારે તે મારા માઇક્રોફોન પર રક્તવર્ણી છાંટા ઉડાડતા ઉડાડતા ખભા અને કાન વચ્ચે મને જોતરે છે ત્યારે માં કસમ મને મારી પોતાની બેટરી બ્લાસ્ટ કરીને આત્મઘાતી હુમલો કરવાનું મન થાય છે. વળી આ પરિસ્થિતિમાં આજુબાજુ આવતા જતા રાહદારીઓ અને વાહનચાલકો જે અશિષ્ટ ડિક્સનરીમાંથી પ્રખ્યાત શબ્દો ફેંકતા જાય છે, તેમાં મોટાભાગે મને ઉદ્દેશીને વધુ ફરિયાદો હોય છે.
આવી તમામ મુશ્કેલીઓ સહન કરતા કરતા પણ જો ભૂલથી ખભા અને કાન વચ્ચેનું અંતર કોઈ રોડ પરના સુક્ષ્મ જળાશયોને કારણે એકાદ બે મિલિમીટર પણ વધ્યું તો સમજો કે મારે ખભા પરથી સરકીને એ જળાશયમાં જ જળસમાધિ લેવાનું નક્કી. જો કે આજકાલ અમે પણ વોટર કે ડસ્ટ પ્રૂફના સર્ટિફિકેટ સાથે જ કૉલેજમાંથી પાસ આઉટ થઈએ છીએ છતાં ગમે એમ તો નાજુક વસ્તુ જ ને! હિરણ્યક્ષિપુ જેવા મલ્ટીડાયરેક્શનલ ડિફેન્સ મિકેનિઝમ ધરાવતા રાક્ષસને પણ નરસિંહ ભગવાને કન્ડીશન અપ્લાય વાળી ફુદરડી વાપરીને પતાવી દીધો 'તો એમ અમે પણ આવા આઇપી રેટિંગ હોવા છતાં ક્યાંક ને ક્યાંક તો ઠોકરાઈને વિખેરાવાના જ છીએ.
આ ખભા અને કાન વચ્ચે અમારી બેઠક ગોઠવતા આ મહામાનવો જાણે પોતાને અંબાણીથી પણ વધુ વ્યસ્ત સમજતા હોય છે. ચાલુ બાઇક પર મને પિસ્તાળીસ ડિગ્રી ડોક ફેરવીને દબાવીને વાત કરતી આ પ્રજાતિ શું બાઇક બાજુ પર ઊભું રાખીને પ્રેમથી મને પકડીને વાત ન કરી શકે?
ચાલો સમજ્યા કે ઉતાવળ છે ક્યાંક પહોંચવાની. પણ તેના માટે જ તો અમારા મોબાઇલ સમાજે બ્લુટુથ ઇયર ફોનને માન્યતા આપી છે. આમ છતાં આમારો સમાજ આ પીડા ભોગવી રહ્યો છે. ગમે તેવા સરકાર કાયદાઓ બનાવે પણ તેનો અમલ જ ન થાય તો શું કામનું? બસ આ બ્લ્યુટુથ હેડફોન પણ અમારા સમાજનો આવો જ એક નિષ્ફળ કાયદો હોય એવું લાગે છે.
અમારો સમાજ તો ગમે તેવા કાયદા કાનૂન લાવે, કોઈ ફરક પડવાનો નથી. પણ જો હવે દેવાધિદેવ ભગવાન બ્રહ્મા નવા હોમો સેપિયન્સ મોડલ બનાવતી વખતે ડોક પિસ્તાળીસ ડિગ્રી વાળી ફિક્સ અને ખભા પર એક અમારા બેસવા માટે ખાંચો કરી આપે તો અમને કંઈક શાંતિ થાય. નહીં તો કાનનો મેલ અને ખભાના હાડકાંથી ત્રાસી ગયા છીએ, ભઈસા'બ!
મુખવાસ: આરટીઓ વાળાએ હવે મોબાઇલ ખભા અને કાન વચ્ચે દબાવીને બાઇક ચલાવી શકે કે કેમ તેનો ટેસ્ટ પણ એડ કરવો જોઈએ!
Excellent
ReplyDelete