દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.
ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.
કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે.
1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા!
આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું પણ તમારી દવાથી મને એક ઓડકાર પણ ન આવવો જોઈએ.
2. કાલે દવા લઈ ગયો 'તો પણ હજુ કંઇ ફેર પડ્યો નથી. બીજી કોઈ દવા હોય તો આપો.
આ પ્રકારના દર્દીઓ જનરલી પ્રીમેચ્યોર ડિલિવરીથી જન્મેલા હોય છે. ઉતાવળે કાર્બનની પડીકીઓ નાંખીને પકવેલી કેરીઓ જેવા આવા દર્દીઓ મોટાભાગે ડોક્ટરના સ્ટીરોઈડ અસ્ત્રનો ભોગ બનતા હોય છે. ધીરજના ફળ મીઠાં હોય એમ અધીરાઈના ફળ જનરલ પ્રેક્ટિસમાં સ્ટીરોઈડ તરીકે ઓળખાય છે.
3. રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે આ ધાધર કેમ થાય છે. એમનેમ દવા લેવી નથી કે ખોટી ખાવી નથી.
ના. સાચી વાત છે. રિપોર્ટ્સથી નિદાન બરાબર થાય. પણ કયા નિદાન માટે કયા રિપોર્ટની જરૂર પડે એ તો તમે ડોક્ટરને નક્કી કરવા દો. ઘણા પેશાબનું સેમ્પલ આપીને હીમોગ્લોબિન કેટલું આવ્યું એ પૂછી લે છે, બોલો!
4. દવા ખાઈએ એટલી ઘડીક જ સારું રહે છે. જેવી દવા મૂકી દઉં એટલે ડાયાબિટીસ અને બીપી બંને વધી જાય છે. તમે તો દવાનું બંધાણ કરાવી દીધું.
દરેક દવા ખાસ કરીને એલોપથી લાંબા ગાળાની બીમારીઓને કંટ્રોલ કરી રાખે છે, સંપૂર્ણ રીતે મટાડી શકતી નથી. દવાનો રોલ ફક્ત પચાસ ટકા જ છે બાકીનું પચાસ ટકા તો લાઇફસ્ટાઇલ ઉપર જ આવા રોગોને કાબુ કરી શકાય છે. પણ આ દર્દી નારાયણ તો દવાને મનફાવે તે ખોરાક ખાવાનું લાયસન્સ માની લે છે. પ્રભુ! દવા નિયમિત ખાતા રહો અને પોતાના પર થોડી દયા પણ ખાતા રહો, જો સાજા નરવા જિંદગી જીવવી હોય તો.
5. "ગળામાં ખૂબ બળતરા થાય છે. પાણી પણ ગળેથી ઊતરતું નથી." એટલે ડોક્ટર બોલે "ક્યાં? મોં ખોલો." અને જેવી મોઢાંમાં ટોર્ચ કરવામાં આવે કે તરત જ પાન મસાલાથી ભરપૂર લાલચોળ મોઢું અને ચૂનો મારેલ ગાલના ગલોફાં દેખાય.
આવા દર્દીઓનું મોં ખોલીને દર્શન કરીએ ત્યારે જાણે યશોદાને કૃષ્ણના મોંઢામાં આખું બ્રહ્માંડ દેખાયું હતું એમ આવા માવાભક્ષક દર્દીઓના મોઢામાં આખા ઉકરડાનું દર્શન થતું હોય એવું લાગે. દાંત પર જાણે છાણા થાપેલાં હોય એવા કાળા ડાઘ આ મોં રૂપી બ્રહ્માંડમાં બ્લેક હોલ જેવા લાગતા હોય છે. વળી આવા દર્દીઓને ભૂલથી પણ પાન મસાલા ન ખાવાની સલાહ અપાઈ જાય તો માવા ખાવાથી લોહીના ટકા વધે અને લોહી પાતળું થાય એવુંં જ્ઞાન પાછું દર્દી ડોક્ટરને સામે ચોંટાડે એ અલગ. માન્યામાં ન આવતું હોય તો નીચેની લિંક પરની બ્લોગપોસ્ટ પર પણ આંટો મારતાં આવો.
👇
શું સોપારી ખાવાથી લોહી પાતળું થાય?
👆
6. લેબોરેટરી રિપોર્ટ તો બધા કરાવ્યા પણ કાંઈ આવ્યું નહીં. પૈસાનું પાણી કરી નાખ્યું.
આટલું લોહી, પેશાબ કે ગળફાં આપ્યા છતાં રિપોર્ટમાં કાંઈ ન આવવાનું દુઃખ જાણે પોતે મફતમાં અંગદાન કરી દીધું હોય એવી રીતે વ્યક્ત કરતા હોય છે. એમાં પણ જો ક્યાંય પૈસા દઈને રિપોર્ટ કરાવ્યા હોય તો પૈસા ગુમાવવાનો વસવસો પોતાની બીમારી કરતા પણ વધુ હોય છે. ઘણાંના તો અંતરાત્મા એવું ઇચ્છતા હોય છે કે આટલા પૈસા આપ્યા કંઈક તો પોઝિટિવ આવવું જોઈએ ને!
7. જ્યારે કોઈ પેશન્ટ બોલે કે ઝાડો સાફ નથી આવતો.
આ તો એકદમ કોન્ટ્રોવર્સી વાળો ટોપિક છે. આવા કિસ્સામાં દર્દીને ઝાડા થયા છે કે દર્દીને કબજિયાત થયું છે એ વાતનો ક્યાસ કઢાવવામાં જ બે મિનિટ નીકળી જાય છે. ઘણીવાર તો ચોખવટ કરવા માટે દર્દીના ઝાડાની વિસ્કોસિટી સુધીના સવાલો કરવા પડે છે. હવે જેને ખબર નથી એ એમ ન પૂછતા કે વિસ્કોસિટી એટલે શું? જો વિસ્કોસિટીને 'ચિકાસ' લખીશ તો તમને આગળનો બ્લોગ વાંચવો નહીં ગમે.
8. ખાલી ઉધરસની બોટલ લેવી છે. કેસ કઢાવો પડશે? દવા લેવાની છે પણ પેશન્ટ સાથે નથી. કેસ કઢાવો પડશે?
ના રે ના.. કેસ શેનો કઢાવવો પડે એમાં. તમે તો અમારી જાનમાં આવ્યા છો. સરકારી દવાખાને દર્દી પહેલેથી જ દવાનું ફોર્મ્યુલેશન નક્કી કરીને આવે છે ત્યારે અડધું કામ તો ડોક્ટરનું ત્યાં જ પતી જાય છે. આ ભોળા દિલના દર્દીઓ એમ સમજે છે કે બોટલ કે દવા માંગેલી મળી ગઈ પરતું એ નથી જાણતા કે હવેથી લાઇફટાઇમ આવા દર્દીઓના નિદાનમાંથી ડોક્ટર હંમેશને માટે હાથ ઊંચો કરી દેતા હોય છે. લાંબા ગાળાનું નુકશાન ન સમજતા આવા ક્વિક એકશન દર્દીઓ ભલે મનમાં મલકાતાં પણ છેલ્લો ઘા તો રાણાનો જ હોય છે!
9. ભાઈ સા'બ થાકી ગયા હવે તો એવા પગ દુઃખે છે. મરવાની કોઈ ગોળી હોય તો આપો એટલે જીવ છૂટે.
આવી ડંફાસ મારતા બહાદુરો કીડી કરડે તો પણ દવા લેવા માટે દોડી આવતા હોય છે. અસાધ્ય રોગોથી કંટાળીને કોઈ એવું બોલે તો સમજ્યા પણ નાના મોટાં શરદી ઉધરસમાં પણ આ દર્દીઓ યમને નોતરી દેતાં હોય છે. જો કે યમરાજા પણ એટલા કહ્યાગરા નથી હોતા કે પડકારો કરો એટલે હાજર થઈ જાય. એ પણ કર્મોના પ્રિસ્ક્રિપ્શન પર જ આદેશનું અનુસરણ કરતા હોય છે.
ઉપરોક્ત તમામ કેટેગરીમાં આવતા દર્દીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ અને દયા પહોંચે એવી પ્રભુને પ્રાર્થના.
તમને ક્યા નંબરના રત્ન પ્રત્યે વધુ દયા આવી? એ કમેન્ટ કરીને કહેજો.
"દુનિયામાં લખનારા તો લાખો મળી જશે,
ReplyDeleteપણ સત્ય લખનારા તમારા જેવા થોડા જ મળશે!
તમારા વિચારોમાં જે આ સામાજિક તેજ છે,
એ જ તમારી કલમની સૌથી મોટી ઓળખ છે."
Well done 👍👏