સોપારી એટલે દરેક તમાકુ સેવન કરનાર વ્યક્તિનો અંગત મિત્ર. આ મિત્ર ઘણા જુદા જુદા રંગવેશમાં મિત્રતા નિભાવે અને છેલ્લે લાલ પિચકારી સ્વરૂપે બીજા લોકોને પણ મિત્રતાનો પાકો કલર બતાવે. ખાસ કરીને પ્રથમ લોકડાઉનમાં સોપારીએ સોના સાથે જે રીતે હોડ લગાવેલી એ જોઈને એવું લાગેલું કે જો આવું લોકડાઉન એક વર્ષ રહે તો સોપારીનો ભાવ બીટકોઈનને પણ શરમાવે.
પણ વાત આપણે કોઈ કાળા બજારીની નથી કરવી કે નથી કોઈને તમાકુનું સેવન અથવા ધુમ્રપાન છોડવાનો ઉપદેશ આપવો. આપણે તો ફક્ત સોપારી વિશે ફેલાતી અફવાઓ પર થોડોક ઉપરછલ્લો પ્રકાશ પાડવો છે.
કાઠિયાવાડમાં 'માવો' તરીકે પ્રખ્યાત સોપારી તમાકાનું મિશ્રણ ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ અલગ અલગ સ્વરૂપે આ કોમ્બોનો રુઆબ છે. આ મજેદાર વ્યસનના મોટાભાગના અનુયાયીઓ પોતાના વ્યસનને જસ્ટિફાય કરવા અથવા બીજાને પોતાના વ્યસનના લાભની લાલચ આપવા એક વાત જરૂર કહેશે કે સોપારી તો બહુ સારી, તેનાથી લોહી પાતળું રહે અને હાર્ટ એટેક ના આવે. આવું કહેવા પાછળનું એ લોકોનું મનોવિજ્ઞાન બસ એટલું જ કે પોતે જે કરે છે એ કઈક બરાબર જ કરે છે. હવે આ અનુયાયીઓને તમે કઈ રીતે કહી શકો કે વ્યસન છોડી દે.
વ્યસનીઓ માટે સોપારી એટલે સમજી લો કે સામાન્ય લોકો માટે બટેટુ. જેમ મોટા ભાગના જંક ફૂડનું મૂળ તત્વ બટેટુ હોવાનું એમ મોટા ભાગના વ્યસનમાં સોપારી તમાકાની સાથે આ રોલ વર્ષોથી ભજવે છે. સોપારી કે જેને વૈજ્ઞાનિકોએ શાસ્ત્રોમાં Betel Nuts કહી છે એ Areca Catechu નામક વનસ્પતિની પેદાશ છે અને એટલે તેને Areca Nuts પણ કહે છે. આ Areca Nuts નું મુખ્ય સક્રિય દ્રવ્ય એટલે એરિકોલીન (Arecoline) કે જે તેની પેરાસિમપેથોમાઈમેટિક (Parasympathomimetic) એક્ટિવિટી માટે જવાબદાર છે. મતલબ કે જેવી રીતે કોઈને ચા કે કોફી પીવાથી તેમાં રહેલા કેફીનને કારણે કીક મળે એમ આ એરિકોલીન પણ આવી જ કંઇક કીક વ્યસનીઓને પુરી પાડે છે. વ્યસનીઓની પાચનશક્તિને વધારે, તેની એકાગ્રતા વધારે, ખાસ કરીને ચેતાતંતુને એવા ગાંડા કરી દે કે બસ બધે આ એરિકોલીનનું જ રાજ છવાઈ જાય. પણ આ બધું ક્ષણિક હોય છે. પરિણામે વ્યસની બંધાણી બની જાય અને આ આદત કેન્સરથી લઈને બીજા ઘણા દર્દો સુધી લાંબે ગાળે દોરી જાય છે.
તેમાનું એક દર્દ છે એથ્રોસ્કલેરોસીસ (Atherosclerosis). લોહીની નળીઓમાં કોલેસ્ટેરોલ(ચરબી)નું જામી જાવું. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ હોય છે:
LDL (Low Density Lipoprotein) અને HDL (High Density Lipoprotein)
ટૂંકમાં કહીએ તો LDL એટલે હાનિકારક કોલેસ્ટેરોલ અને HDL એટલે ફાયદાકારક કોલેસ્ટેરોલ. જેટલું LDL નું પ્રમાણ લોહીમાં વધશે એટલું લોહીની નળીઓની દીવાલમાં તે જમા થઈને અવરોધ ઉભો કરશે જે બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી અણધારી આફત નોતરી શકે છે. પણ આ આફતથી બચવા ઈશ્વરે એક સરસ વ્યવસ્થા કરી છે. આપણા શરીરના કોષો જ આ LDL ને ગળી જઈને અમુક પ્રક્રિયા વડે તેને દૂર કરે તો..! આ માટે ઈશ્વરે કોષની બહાર આ LDL ને આમંત્રીત કરીને કોષમાં દાખલ કરવા ખાસ પ્રકારના રિસેપ્ટરની રચના કરી છે. જેને LDL રિસેપ્ટર કહે છે. આ રિસેપ્ટર LDL કોલેસ્ટેરોલ સાથે જોડાઈને તેને કોષમાં દાખલ કરવા માટે મદદ કરે છે. પરંતુ આ સોપારીનું એરિકોલીન આ રીસેપ્ટર પર LDLની પહેલા બેઠક જમાવી લે છે. આને કારણે LDL બહાર રખડી પડે છે અને તેનો યોગ્ય નિકાલ થઇ શકતો નથી. આ કોષ બહારનું LDL કોલેસ્ટેરોલ લોહીમાં જ્યાં ત્યાં ભટકીને તેની દીવાલોમાં વિસ્થાપિત થાય છે. આ વિસ્થાપિતો અમુક સંખ્યા કરતા વધે એટલે લોહીના પ્રવાહ ને અવરોધે છે અને પછી થાય છે... ધડામ.💣
જે ઈશ્વરે ઉપરની અદભુત રચના આપને LDL કોલેસ્ટેરોલથી બચવા માટે બનાવી છે એવી જ રીતે આ સોપારીને પણ તેણે જ બનાવી છે. એટલે આ સોપારી પુત્ર એરિકોલીનના કેટલાક ઔષધીય ગુણો પણ ખરાં પણ તેને ઔષધ તરીકે લેવામાં આવે તો જ, નહિ કે વ્યસન તરીકે. છેવટે ઈશ્વરે પણ પસંદ તો આપણા પર જ છોડી છે.
Betel Nuts જેવું જ એક ભળતું નામ છે Betel Leaf એટલે કે નાગરવેલનું પાન જેને વૈજ્ઞાનિક ભાષામાં Piper Betel થી ઓળખવામાં આવે છે. તેને Areca Nuts કે Betel Nuts સાથે કોઈજ સંબંધ નથી. તેના ઔષધીય ગુણો પણ અપાર છે. તેમાં એક હાઇડ્રોક્ષીકેવિકોલ (Hydroxychavicol) નામનું દ્રવ્ય મળ્યું છે જે લોહી ગંઠાઇ જવાની ક્રિયાને ધીમું પાડે છે. મતલબ કે એથ્રોસ્કેલેરોસીસમાં રાહત આપી શકે. પણ હજુ તેનું મોટા પાયે પુરવાર થવું બાકી છે. અને હા.. આ સાંભળીને સોપારીને નાગરવેલના પાનમાં મૂકીને પિચકારી મારતા નહિ. કારણ કે સોપારી સાથે બીજા ઘણા રોગ દાનવો પણ જોડાયેલા છે જેનાથી તમને તમારા ગલોફામાં રહેલું નાગરવેલનું પાન બચાવી નહીં શકે. તો હે વ્યસનીજનો! આપની કુટેવ આપને મુબારક પણ તે કુટેવમાં ડોક્ટરનું નામ કે દવા જેવું કામ ઉમેરીને અફવા ફેલાવી છે ને તો એરિકોલીન સગું નહિ થાય.
સુપર ઓવર:
"સોપારી ભલે લોહી પાતળું ના કરે પણ હિમોગ્લોબીન તો વધારતું જ હશે હો.."
"એ કેમ?"
"જો આ ખાઈ ખાઈને મોઢું આટલું લાલ થઈ ગયું તો વિચારો લોહી કેટલું લાલ થતું હશે!"
Areca Nut અને LDL-HDL વિશે વિગતે વાંચવા નીચેના રેફરન્સ આર્ટિકલ્સ વાંચી શકો છો, મને તો આળસ થાય છે.
Atherogenic effect of Arecoline: A computational study
A review of the systemic adverse effects of areca nut or betel nut
👍
ReplyDeleteVah bapu jordar ho baki
ReplyDelete