Skip to main content

જાપાનના કાંઠે કોરોના કન્ટેનર બનીને ઊભેલું ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ


      

80 વર્ષના એક વૃદ્ધને ચાઇના ઉતાર્યા બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ આગળ વધી ગયું. ક્રુઝ ઉપર કોઈને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે પોતાની સાથે 5 દિવસ સુધી મુસાફરી કરેલો એકદમ સ્વસ્થ લાગતો આ માણસ આખેઆખા ક્રુઝને જેલ બનાવી દેશે. ક્રુઝ જાપાનના રસ્તે વળ્યું અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝ કંપનીને એક મેઈલ મળ્યો. આ મેઇલને અજાણતા કે જાણીજોઈને અવગણવામાં આવ્યો હોય તેમ છેક 3 ફેબ્રુઆરી 2020 ના રોજ ક્રુઝના તમામ યાત્રીઓને આ મેઈલથી અવગત કરવામાં આવ્યા. હવે કદાચ મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય એવું લાગ્યું. ડોકટરોની ટીમ દ્વારા તથા ક્રુઝની ઓથોરિટી દ્વારા કદાચ ખૂબજ પ્રાયમરી કહી શકાય એવા પગલાં ન લેવાયા. અવગણેલા એ 48 કલાક આ ક્રુઝ પર જાણે યમરાજ બનીને ત્રાટકયા.

એ મેઈલ દ્વારા હોંગકોંગની  હેલ્થટીમ વતી ક્રુઝને જાણ કરવામાં આવી હતી કે આપના ક્રુઝ પર દિવસો વિતાવેલો માણસ અહીં ઉતરીને તરતજ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તકેદારીના પગલાં લેખે કે માનવતાના ધોરણે કરવામાં આવેલી જાણ કદાચ તેના હેતુ સુધી ના પહોંચી અથવા મોડી પહોંચી. પરિણામ એ આવ્યું કે આ જાણ બાદ ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ 2700 મુસાફરો અને 1000 ક્રૂ મેમ્બર્સ સાથે જાપાનના  યોકોહામા ના કાંઠે જેલ બનીને ઉભું રહી ગયું. 3 ફેબ્રુઆરીથી લોકોને કોરોનાની બીકે ગોંધી રાખવામાં આવ્યા. અત્યાર સુધીમાં 696 કોરોના પોઝિટિવ કેસ અને 7 મૃતઆંક સાથે આ ક્રુઝ જાણે એક સ્વતંત્ર કોરોના સંક્રમિત દેશની જેમ દુનિયાના નકશા પર ઉભરી રહ્યો છે.

3 ફેબ્રુઆરી 2020 પછી એક જ દિવસમાં 10 લોકો સર્વપ્રથમ કોરોના પોઝિટિવ બન્યા જેના પરિણામે જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીએ 14 દિવસ માટે શિપને કિનારા પર જ ક્વોરોન્ટાઇન સ્ટેટમાં રાખવા આદેશ આપ્યો અને એ સાથે જ અંદરના બધા જ લોકો માટે કિનારા પર ઉતરવાની મનાઈ ફરમાવાઈ. 

જોકે હવે પુરી શિપને ક્વોરોન્ટાઈન કરવામાં પણ ઘણું મોડું થઈ ગયું હતું કારણ કે દરેક લોકો છેલ્લા 15 દિવસથી ક્રુઝ પર એક યા બીજી રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા જ હતા. ઓપેરા, પાર્ટીઝ, સ્વિમિંગ પૂલ્સ અને એવી દરેક મનોરંજનની જગ્યા પર કોઈ જ પ્રતિબંધ શિપ પર હતો નહિ. 

ધીમે ધીમે જાપાનની હેલ્થ ફેસિલિટીએ બીજા  શંકાસ્પદ પેસેન્જર્સના પણ વારાફરતી ટેસ્ટ કર્યા અને જે લોકો પોઝિટિવ આવે તેને યોકોહામામાં નજીકની હેલ્થ ફેસિલિટીમાં ટ્રાન્સફર કરવામાં આવતા ગયા.

સ્પેન્સર નામના એક અમેરિકન ગ્રેજયુએટ વિદ્યાર્થીએ મીડિયા સાથે જે વાતચીત શેર કરી એ મુજબ તેણે ખૂબ જ અસંતોષ વ્યક્ત કર્યો. તેણે જણાવ્યું કે મારા પોતાના રિપોર્ટ માટે મારે બે દિવસ રાહ જોવી પડી હતી અને આ દરમિયાન હું ક્રુઝ પર જ હતો. આ સમય દરમિયાન હું ક્રુઝ પર જાહેર જગ્યાએ દરેક સાથે સંપર્કમાં હતો. તો આ સમયગાળા દરમિયાન કોઈને પણ ચેપ લાગી શકે. શિપ પર રહેલા દરેક લોકો એકદમ કન્ફ્યુઝડ હતા અને તેઓ પાસે કોઈ પણ પ્રકારની પ્રાયમરી ઇન્ફોર્મેશન પણ ન હતી કે કઈ રીતે પ્રિવેંટિવ એક્શન લઈ શકાય. એમ્બ્યુલન્સમાં પેસેન્જરને ટ્રાન્સફર કરતા બધા જોઈ રહ્યા હતા પણ કોઈને ફાઇનલ આંકડો જણાવાયો ન હતો. કેટલાક પેસેન્જર્સની ફરિયાદ એ પણ હતી કે અમારું સ્ક્રીનીંગ વ્યવસ્થિત કરાયું નથી. સરખી રીતે થર્મોમીટર મુકયા વગર અમારા ચેક અપ કરવામાં આવી રહ્યા હતા, જેનાથી કેટલાક લોકો ખરેખર અસંતૃષ્ટ હતા. 

11 ફેબ્રુઆરી 2020 ના રોજ એક ક્રૂ મેમ્બરે જણાવ્યું કે 1850 જેટલા લોકોને હાલમાં દવાની જરૂરિયાત છે અને શિપ પર હવે આટલા લાંબા ગાળા માટે દવાનો જથ્થો ટકી શકે એમ નથી. કેટલાક લોકોએ જાપાનના રાષ્ટ્રધ્વજ પર 'દવાની અછત' અને 'થેંક્યું મીડિયા' જેવા સૂત્રો લખીને કિનારા પર લહેરાવ્યા. 

એલન સ્ટીલ નામના એક મુસાફરે જણાવ્યુ કે અમને એક કેદી જેવો અનુભવ થઈ રહ્યો હતો જેને પોતાના ગુનાની જ ખબર ના હોય. ધીમે ધીમે પેસેન્જર્સ પોતાને મળતા ફૂડ થી લઈને માસ્ક સુધીના બધા જ ફોટા ટ્વીટર અને અન્ય સોશિઅલ મીડિયા દ્વારા વહેતા કરવા માંડ્યા. શરૂઆતના દિવસોમાં ખરેખર કોની ગફલત થઈ એ જવાબદારી નક્કી કરવામાં જાપાન સરકાર થાપ ખાઈ ગઈ. દરેક પેસેન્જર્સને એકબીજાથી મિનિમમ 6 ફુટ દૂર રહેવાની સૂચના આપાઈ હતી. કેટલાક બાયોએથીસ્ટ અને અન્ય એક્સપર્ટના મત મુજબ લોકોને ગોંધી રાખવા એ વધુ ભયજનક હતું. કારણ કે આખેઆખું શિપ પોતે એક કોરોના વાઇરસ ઈંક્યુબેટર તરીકે કામ કરી રહ્યું હતું. વાઇરસને એક લિમિટેડ જગ્યામાં ફેલાવા માટે વધુ લોકોની ગીચતા મળી રહી હતી. ટોરેંટો યુનિવર્સિટીના એપિડેમીઓલોજીના પ્રોફેસર ડેવિડ ફિશમેનના મતે આ શિપ એક વાઇરસ કન્ટેનર બની ગયું છે જેમાં લોકોને પણ સાથે રાખવામાં આવ્યા છે. કેલી હિલ્સ નામના બાયોએથીસ્ટના મતે ક્રૂઝની સપાટી વાઇરસના ચિપકવા માટે એકદમ અનુકૂળ છે. જે વાઇરસને આ શિપ પર જ જકડી રાખે છે. ઇન્ફેક્શન ડીસિઝ સ્પેસિયાલિસ્ટ કેન્ટારો ઈવાટાએ એક યુટ્યુબ વિડિયો દ્વારા શિપની પોલ ખોલી. જેમાં તેણે કહ્યું કે ઇન્ફેક્શન કંટ્રોલને લગતા કોઈ જ સ્ટાન્ડર્ડ આ ક્રુઝમાં જળવાતા નથી. ગ્રીન ઝોન અને રેડ ઝોન વચ્ચે કોઈ જ સ્પેસિફિક અંતર રાખવામાં આવ્યું નથી. આ શિપ પરના કેટલાક યાત્રીઓ કે જે ખરેખર કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ પણ નથી તેઓએ નારાજગી વ્યક્ત કરી કે તેમને શા માટે આટલા દિવસો સુધી કેદી બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોને ક્રૂ મેમ્બર્સ તેના રૂમમાં જ સર્વ કરી રહયા હતા, પરંતુ દરેક માટે એક જ ગ્લોવ્ઝ પહેરીને આ કામ કરી રહ્યા હતા. વળી, આ લોકો આખા શિપની સેવા કરીને પોતે પાછા ભેગા મળીને જમતા હતા. સોનાલી ઠક્કર નામની એક ભારતીય ક્રુઝ વર્કરના જણાવ્યા મુજબ પ્રથમ સપ્તાહે નીકળેલા કોરોના પોઝિટિવ કેસોમાં 140 જેટલા તો ક્રૂ વર્કર્સ જ હતા.

જાપાનના ડીસીઝ કન્ટ્રોલ અને પ્રિવેંશન સેન્ટરના ડિરેક્ટર ડો. નોરીઓ ઓહમાગરીએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે માનવાધિકાર અને અન્ય લોકોની નારાજગી છતાં આ કઠોર નિર્ણય લેવો એકદમ જરૂરી હતો અને એટલા માટે જ આ ક્રુઝને ત્યાં ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. જ્યારે પોઝિટિવ આંકડો 200 ને પાર થયો ત્યારે કેટલાક લોકો ક્રુઝને જ પોતાનો અંતિમ પડાવ માની રહયા હતા. હવે એ લોકોને જમીન નસીબ થશે કે કેમ એ જ એક કોયડો બની ગયો હતો. આખરે 12 ફેબ્રુઆરી 2020 ના રોજ જાપાનની મિનિસ્ટ્રીએ એક નિર્ણય લીધો. 80 વર્ષથી ઉપરના લોકો પોતાનો ક્વોરોન્ટાઇન પિરિયડ જમીન પર તૈયાર કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં પૂરો કરી શકે છે. વેલેન્ટાઈન ડે ના દિવસે જાપાનની મિનિસ્ટ્રીએ ક્રુઝ પર ફૂલોના ગુલદસ્તાઓ અને ચોકલેટ્સ પણ મોકલ્યા. તે ગમે તેમ કરીને લોકોના હમદર્દ બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શિપ પરથી જમીન પર ટ્રાન્સફર કરાયેલા પોઝિટિવ કેસોમાંથી પ્રથમ મૃત્યુ 18 ફેબ્રુઆરી 2020 ના રોજ થયું. એક સાથે બે વ્યક્તિએ દમ તોડ્યો. તે પછી 5 દિવસના ગાળામાં બીજા 4 લોકોએ પણ દમ તોડ્યો. આ તમામ 6 મૃતકોમાંથી 5ની ઉંમર 70 વર્ષથી પણ વધારે હતી. પછીના અઠવાડિયામાં 240 ક્રૂ મેમ્બર્સને પણ ટ્રાન્સફર કરીને ટોક્યો શહેરની બહાર બનાવાયેલા ક્વોરોન્ટાઈન એરિયામાં બીજા 14 દિવસ માટે નજર કેદ કરવામાં આવ્યા. બહાર નીકળેલા બધા જ પેસેન્જરોમાંથી કેટલાય લોકો પોતાના ઘરે કે પોતાના દેશમાં પહોંચીને પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

જાપાન સરકાર માટે ના ગળાય કે ના થૂંકાય એવી રીતે માથાનો દુખાવો બની ગયેલું આ શિપ હજુ ખાલી થાય એ પહેલા તો પ્રિન્સેસ કાર્નિવલ કંપનીનું જ બીજું એક ક્રુઝ આવી જ રીતે સાન્ફ્રાન્સિસ્કોના કાંઠે ક્વોરોન્ટાઈન થઈને તૈયાર પડ્યુ છે. ગ્રાન્ડ પ્રિન્સેસ નામના આ જહાજ પર પણ અત્યાર સુધીમાં 21 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે અને 45 લોકોના ટેસ્ટ રિઝલ્ટ હજુ આવવાના બાકી છે. ભગવાનની દયાથી હજુ કોઈ મૃત્યુ થયું નથી પરંતુ યોકોહામાના કાંઠે જે ટ્રેજેડી બની ગઈ તેના પરથી શીખીને તેવી જ ભુલોનું પુનરાવર્તન આ ક્રુઝ પર ના થાય એવી જ પ્રભુને પ્રાર્થના.
 

(નોંધ: આ લેખ ન્યુયોર્ક ટાઈમ્સ, બિઝનેશ ઇનસાઈડર, સીએનએન ન્યૂઝલેટર્સ, સાયન્સન્યુઝ તેમજ જાપાન ટાઈમ્સ જેવા પ્રતિષ્ઠિત મીડિયા નેટવર્કમાંથી સંકલિત કરેલ છે.)


સુપર ઓવર: કોરોના વાઇરસ માટે ન્યુયોર્કમાં એક કોંફરન્સ યોજાવાની હતી જે હવે કોરોનાને કારણે જ બંદ રહી છે.

Comments

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...