Skip to main content

શું સોપારી ખાવાથી લોહી પાતળું થાય?


સોપારી એટલે દરેક તમાકુ સેવન કરનાર વ્યક્તિનો અંગત મિત્ર. આ મિત્ર ઘણા જુદા જુદા રંગવેશમાં મિત્રતા નિભાવે અને છેલ્લે લાલ પિચકારી સ્વરૂપે બીજા લોકોને પણ મિત્રતાનો પાકો કલર બતાવે. ખાસ કરીને પ્રથમ લોકડાઉનમાં સોપારીએ સોના સાથે જે રીતે હોડ લગાવેલી એ જોઈને એવું લાગેલું કે જો આવું લોકડાઉન એક વર્ષ રહે તો સોપારીનો ભાવ બીટકોઈનને પણ શરમાવે. 


પણ વાત આપણે કોઈ કાળા બજારીની નથી કરવી કે નથી કોઈને તમાકુનું સેવન અથવા ધુમ્રપાન છોડવાનો ઉપદેશ આપવો. આપણે તો ફક્ત સોપારી વિશે ફેલાતી અફવાઓ પર થોડોક ઉપરછલ્લો પ્રકાશ પાડવો છે.


કાઠિયાવાડમાં 'માવો' તરીકે પ્રખ્યાત સોપારી તમાકાનું મિશ્રણ ફક્ત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ અલગ અલગ સ્વરૂપે આ કોમ્બોનો રુઆબ છે. આ મજેદાર વ્યસનના મોટાભાગના અનુયાયીઓ પોતાના વ્યસનને જસ્ટિફાય કરવા અથવા બીજાને પોતાના વ્યસનના લાભની લાલચ આપવા એક વાત જરૂર કહેશે કે સોપારી તો બહુ સારી, તેનાથી લોહી પાતળું રહે અને હાર્ટ એટેક ના આવે. આવું કહેવા પાછળનું એ લોકોનું મનોવિજ્ઞાન બસ એટલું જ કે પોતે જે કરે છે એ કઈક બરાબર જ કરે છે. હવે આ અનુયાયીઓને તમે કઈ રીતે કહી શકો કે વ્યસન છોડી દે. 


વ્યસનીઓ માટે સોપારી એટલે સમજી લો કે સામાન્ય લોકો માટે બટેટુ. જેમ મોટા ભાગના જંક ફૂડનું મૂળ તત્વ બટેટુ હોવાનું એમ મોટા ભાગના વ્યસનમાં સોપારી તમાકાની સાથે આ રોલ વર્ષોથી ભજવે છે. સોપારી કે જેને વૈજ્ઞાનિકોએ શાસ્ત્રોમાં Betel Nuts કહી છે એ Areca Catechu નામક વનસ્પતિની પેદાશ છે અને એટલે તેને Areca Nuts પણ કહે છે. આ Areca Nuts નું મુખ્ય સક્રિય દ્રવ્ય એટલે એરિકોલીન (Arecoline) કે જે તેની પેરાસિમપેથોમાઈમેટિક (Parasympathomimetic) એક્ટિવિટી માટે જવાબદાર છે. મતલબ કે જેવી રીતે કોઈને ચા કે કોફી પીવાથી તેમાં રહેલા કેફીનને કારણે કીક મળે એમ આ એરિકોલીન પણ આવી જ કંઇક કીક વ્યસનીઓને પુરી પાડે છે. વ્યસનીઓની પાચનશક્તિને વધારે, તેની એકાગ્રતા વધારે, ખાસ કરીને ચેતાતંતુને એવા ગાંડા કરી દે કે બસ બધે આ એરિકોલીનનું જ રાજ છવાઈ જાય. પણ આ બધું ક્ષણિક હોય છે. પરિણામે વ્યસની બંધાણી બની જાય અને આ આદત કેન્સરથી લઈને બીજા ઘણા દર્દો સુધી લાંબે ગાળે દોરી જાય છે.


તેમાનું એક દર્દ છે એથ્રોસ્કલેરોસીસ (Atherosclerosis). લોહીની નળીઓમાં કોલેસ્ટેરોલ(ચરબી)નું જામી જાવું. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ હોય છે: 

LDL (Low Density Lipoprotein) અને HDL (High Density Lipoprotein)

ટૂંકમાં કહીએ તો LDL એટલે હાનિકારક કોલેસ્ટેરોલ અને HDL એટલે ફાયદાકારક કોલેસ્ટેરોલ. જેટલું LDL નું પ્રમાણ લોહીમાં વધશે એટલું લોહીની નળીઓની દીવાલમાં તે જમા થઈને અવરોધ ઉભો કરશે જે બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી અણધારી આફત નોતરી શકે છે. પણ આ આફતથી બચવા ઈશ્વરે એક સરસ વ્યવસ્થા કરી છે. આપણા શરીરના કોષો જ આ LDL ને ગળી જઈને અમુક પ્રક્રિયા વડે તેને દૂર કરે તો..! આ માટે ઈશ્વરે કોષની બહાર આ LDL ને આમંત્રીત કરીને કોષમાં દાખલ કરવા ખાસ પ્રકારના રિસેપ્ટરની રચના કરી છે. જેને LDL રિસેપ્ટર કહે છે. આ રિસેપ્ટર LDL કોલેસ્ટેરોલ સાથે જોડાઈને તેને કોષમાં દાખલ કરવા માટે મદદ કરે છે. પરંતુ આ સોપારીનું એરિકોલીન આ રીસેપ્ટર પર LDLની પહેલા બેઠક જમાવી લે છે. આને કારણે LDL બહાર રખડી પડે છે અને તેનો યોગ્ય નિકાલ થઇ શકતો નથી. આ કોષ બહારનું LDL કોલેસ્ટેરોલ લોહીમાં જ્યાં ત્યાં ભટકીને તેની દીવાલોમાં વિસ્થાપિત થાય છે. આ વિસ્થાપિતો અમુક સંખ્યા કરતા વધે એટલે લોહીના પ્રવાહ ને અવરોધે છે અને પછી થાય છે... ધડામ.💣


જે ઈશ્વરે ઉપરની અદભુત રચના આપને LDL કોલેસ્ટેરોલથી બચવા માટે બનાવી છે એવી જ રીતે આ સોપારીને પણ તેણે જ બનાવી છે. એટલે આ સોપારી પુત્ર એરિકોલીનના કેટલાક ઔષધીય ગુણો પણ ખરાં પણ તેને ઔષધ તરીકે લેવામાં આવે તો જ, નહિ કે વ્યસન તરીકે. છેવટે ઈશ્વરે પણ પસંદ તો આપણા પર જ છોડી છે. 



Betel Nuts જેવું જ એક ભળતું નામ છે Betel Leaf એટલે કે નાગરવેલનું પાન જેને વૈજ્ઞાનિક ભાષામાં Piper Betel થી ઓળખવામાં આવે છે. તેને Areca Nuts કે Betel Nuts સાથે કોઈજ સંબંધ નથી. તેના ઔષધીય ગુણો પણ અપાર છે. તેમાં એક હાઇડ્રોક્ષીકેવિકોલ (Hydroxychavicol) નામનું દ્રવ્ય મળ્યું છે જે લોહી ગંઠાઇ જવાની ક્રિયાને ધીમું પાડે છે. મતલબ કે એથ્રોસ્કેલેરોસીસમાં રાહત આપી શકે. પણ હજુ તેનું મોટા પાયે પુરવાર થવું બાકી છે. અને હા.. આ સાંભળીને સોપારીને નાગરવેલના પાનમાં મૂકીને પિચકારી મારતા નહિ. કારણ કે સોપારી સાથે બીજા ઘણા રોગ દાનવો પણ જોડાયેલા છે જેનાથી તમને તમારા ગલોફામાં રહેલું નાગરવેલનું પાન બચાવી નહીં શકે.
તો હે વ્યસનીજનો! આપની કુટેવ આપને મુબારક પણ તે કુટેવમાં ડોક્ટરનું નામ કે દવા જેવું કામ ઉમેરીને અફવા ફેલાવી છે ને તો એરિકોલીન સગું નહિ થાય. 

સુપર ઓવર: 

"સોપારી ભલે લોહી પાતળું ના કરે પણ હિમોગ્લોબીન તો વધારતું જ હશે હો.." 

"એ કેમ?"

"જો આ ખાઈ ખાઈને મોઢું આટલું લાલ થઈ ગયું તો વિચારો લોહી કેટલું લાલ થતું હશે!"


Areca Nut અને LDL-HDL વિશે વિગતે વાંચવા નીચેના રેફરન્સ આર્ટિકલ્સ વાંચી શકો છો, મને તો આળસ થાય છે.

Atherogenic effect of Arecoline: A computational study


A review of the systemic adverse effects of areca nut or betel nut


Hydroxychavicol, a novel betel leaf component, inhibits platelet aggregation by suppression of cyclooxygenase, thromboxane production and calcium mobilization

Comments

Post a Comment

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...