Skip to main content

જો કોરોનાની વેક્સિન હજુ સુધી શોધાઈ ના હોત તો?

 


ભારતમાં કોરોનાની વેક્સિન જાન્યુઆરીના મધ્યે લોન્ચ કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને પ્રાધાન્ય આપીને સૌપ્રથમ તેમને આપવામાં આવી. ત્યારબાદ ધીમે ધીમે 60 વર્ષ 45 વર્ષ અને 18 વર્ષ એમ ક્રમશઃ વેક્સિનના ઉત્પાદન સાથે સમન્વય કરીને દરેકને વારાફરતી આપવામાં આવી. વચ્ચે થોડા દિવસો અથવા તો અઠવાડિયાઓ સુધી વેક્સિનની ડિમાન્ડ તેની સપ્લાયની સરખામણીએ વધી ગયેલી અને એટલે ઘણા પ્રશ્નો પણ ઉદ્દભવેલા પણ ધીમે ધીમે હવે દરેક માટે કોરોનાની વેક્સિન લેવી સરળ બની ગઈ છે.


જેમ જેમ વેક્સિન સરળતાથી ઉપલબ્ધ થવા માંડ્યું તેમ તેમ સરકારે પણ વેક્સિન મરજિયાત હોવા છતાં જાહેર સ્થળોએ વેક્સિનના ડોઝ વગર પ્રવેશબંધી કરીને આડકતરી રીતે વેક્સિન મુકાવવી ફરજિયાત કરી દેવામાં આવી. આવો ડિપ્લોમેટિક નિર્ણય લઈને સરકારે તો તેમની ચતુરાઈ બતાવી દીધી પરંતુ સામે વેક્સિન ન લેવા માંગતા લોકો પણ પોતાની ચતુરાઈ અને છટકબારીનો ઉપયોગ ખુબજ સારી રીતે કરી જાણે છે. આમ પણ મેનિપ્યુલેશન (manipulation) પણ હવે એક કળા બની ગઈ છે જેના પર આવતા અઠવાડિયે વાત કરીશું.


ભારતમાં એક નહિ પણ બે બે વેક્સિન બની: કોવેકસીન અને કોવિશિલ્ડ.

જો ભારતને આ વેક્સિન હજુ સુધી ના મળી હોત અથવા તો બીજા દેશોમાંથી આયાત કરવાની ફરજ પડી હોત તો..??

1. વેક્સિન કદાચ મફત ન હોત.

દુનિયાની બીજી સૌથી મોટી આબાદી ધરાવતા દેશને કશુંક મફત આપવું કેટલું અઘરું છે એ કદાચ કોઈ ધારી શકે એમ નથી. ઘરની બનાવેલી વેક્સિન પણ દેશના દરેક નાગરિકને કોઈપણ ભેદભાવ વગર મફત દેવી એ ખરેખર બહુ મોટી બાબત છે. રાજકીય ફાયદાઓ અને કૂટનીતિને બાદ કરીએ તો પણ આ એક પ્રશંસનીય પગલું છે. કારણ કે બીજા વિકસિત દેશોને મફત આપવું પોષાય એટલે એવું જરૂરી નથી કે આવડી મોટી વસ્તી ધરાવતા કે કોઈ પણ વિકસશીલ દેશને પણ પોષાતું જ હોય. વેક્સિન બીજા દેશોમાંથી આયાત કરવાની જો ફરજ પડત તો તે વેક્સિન ભારત સરકાર માટે હાલના વેક્સિનના ખર્ચ કરતા કદાચ અનેક ગણી વધુ મોંઘી પડત. આવા કિસ્સામાં વેક્સિન દરેક માટે મફત આપવી સરકારને ક્યારેય ના પરવડે. જો આવું થયું હોત તો આજે આપણે જે 100 કરોડ વેક્સિનેશનના આંક નજીક પહોંચ્યા છીએ એ 10 કરોડ પણ ન હોત. આવા કિસ્સામાં વેક્સિન એક નવા ઊંચનીચના અધ્યાયને જન્મ આપત એ અલગ.

2. દુનિયામાં કોઈ એક કે બે દેશોની મોનોપોલી હોત.

જ્યારે વેક્સિન ભારત ન બનાવી શક્યું હોત અને હાલમાં જે વેક્સિન ઉત્પાદક દેશો છે તેની સંખ્યા પણ ઓછી હોત તો ત્યારે સ્વાભાવિક છે કે ગણ્યાગાંઠ્યા વેક્સિન ધરાવતા વિકસિત દેશો આ તકનો લાભ લીધા વગર બેસી ના રહે. આવી પરિસ્થિતિમાં ભારત માટે વેક્સિન ધરાવતા દેશો સામે હાથ જોડવાનો વારો આવે. આ સાથે તે દેશો સાથેના અન્ય રાજકીય અને આર્થિક મુદ્દે પણ ભારતને વેક્સિન મેળવવા માટે સમાધાન કરવું પડે તો નવાઈ નહિ. ભારત પોતાના લોકોને મહામારીમાંથી બચાવવા કદાચ કેટલાક અણગમતા નિર્ણયોમાં જે તે દેશ સાથે સમાધાન કરવા મજબુર થાય એવું પણ થઈ શક્યું હોત. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સેવાઓમાં પણ આ જૂજ વેક્સિન ધરાવતા દેશોની દખલ વધી શકે.

3. અર્થતંત્ર હજુ તળિયે હોત.

2020ના માર્ચથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો કદાચ કોઈ ના ભૂલી શકે. ફક્ત શારીરિક રીતે જ નહીં પણ આર્થિક રીતે પણ ભારતીયો તૂટી પડ્યા હતા. અને આ તૂટેલા ભારતીયોની સાથે ભારતનું અર્થતંત્ર પણ કડડભુસ હતું. વેક્સિનના સંશોધનના સમાચાર બાદ માર્કેટમાં તેમજ વ્યાપાર ધંધામાં થોડી તેજી જોવા મળી જે 2021ની શરૂઆત બાદ ઝડપથી પોતાની ગતિ પકડીને ભારતને શ્વાસ લેતું કર્યું. બીજી લહેર વખતે ફરીથી બ્રેક આવી પણ જેમ જેમ વેક્સિનેશન વધતું ગયું અને બીજી લહેર મંદ પડી કે તરત જ ફરીથી અર્થતંત્ર ધબકવા લાગ્યુ. જો આ પુરા દોઢ વર્ષના ગાળામાંથી વેક્સિનનો લોપ કરવામાં આવે તો અર્થતંત્ર હજુ એ જ માર્ચ2020 માં શરૂ થયેલી ગતિએ સીધી લાઈનમાં નીચે ઉતરતું હોત. કેટલીય પેઢીઓ અને કંપનીઓ પાયમાલ થઈ ગઈ હોત.

4. નાના વેપારીઓ અને મિડલ ક્લાસ પીસાઈ ચુક્યા હોત

કોરોનાની સૌથી ખરાબ અસર ગરીબોને થઈ એ જગજાહેર વાત છે અને સાથે સાથે કેટલીક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ વડે તેમને ટકી રહેવા માટે ફૂલની પાંખડી જેટલી મદદ મળી રહી એ પણ બધાને ખ્યાલ છે. પરંતુ સૌથી કપરી પરિસ્થિતિ એ મિડલ ક્લાસની હતી જે ક્યારેય હાથ લાંબો કરવા ટેવાયેલા હોતા નથી. નાના વેપારીઓના ધંધાઓને લોકડાઉનનો રાક્ષસ ખાઈ ગયો. હજુ પણ કેટલાક ધંધાઓ માંડ માંડ બેઠા થયા છે તે ફક્ત અને ફક્ત વેક્સિનને આભારી જ ગણી શકાય. જે વેપારીના ઘરમાં કોરોના આવ્યો હોય તેની દુકાને મહિનાઓ સુધી લોકો ફરકતા ન હતા. આ જ સિલસિલો આજે પણ ચાલુ હોત. જે મિડલ કલાસ આજે મોંઘવારીમા પીસાઈ રહ્યો છે એ વેક્સિનના અભાવે પીસાઈ ચુક્યો હોત!

5. ઓનલાઇન બિઝનેસ અને આઇટી કંપનીઓનું રાજ હોત

ઓનલાઇન શોપિંગ કોરોના પહેલાનું છે પણ કોરોના બાદ તે વધુ લાઈમલાઈટમાં આવ્યું. પહેલા ઘરબેઠા શોપિંગ ફક્ત આળસને કારણે થતી હવે તેમાં સેફટી પણ સાથે ભળી ગઈ છે. આ કારણે લોકલ વેપારીઓને થોડા અંશે નુકશાન થયું છે. વેક્સિન વગરના ભારતની કલ્પના કરીએ તો આજના દિવસે ઓનલાઇન શોપિંગ દરેક માટે લગભગ ફરજીયાત બની ગયું હોત, કોઈ ડિસ્કઉન્ટના ટેગ વગર. સાથે સાથે શિક્ષણજગતમાં આજની તારીખે ઉપલબ્ધ બાયજુસ અને અનેકેડેમી જેવા કેટલાય ઓનલાઇન માધ્યમો તકનો લાભ લઈને બજારમાં આવેલા એ આજે જે પ્રગતિ પર છે તેના કરતાં અનેક ગણી પ્રગતિ એ કરી ચુક્યા હોત. દેશની આઇટી કંપનીઓ કોરોનાની શરૂઆતથી જ જોરમાં હતી અને આજે પણ છે. પરંતુ વેક્સિન ન હોત તો કદાચ આજે જ્યાં છે તેનાથી ક્યાંય ઉપર તગડી કમાણી કરતી હોત.

6. હર્ડ ઇમ્યુનિટી હોવા છતાં ડરનો માહોલ હોત

જ્યાં સુધી વેક્સિન ન હતી ત્યાં સુધી આપણી પાસે ફક્ત એક જ વિકલ્પ હતો કોરોનામાંથી બહાર આવવાનો: હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી આજે આવશે કે કાલે આવશે અને બધું સમું સુતરું થઈ જશે એવી આશાએ લોકો દિવસો ગણતા હતા. આવી પરિસ્થિતિમાં પણ વેક્સિન વગર હર્ડ ઇમ્યુનિટી વડે કોરોનાને હરાવતા આવડી મોટી વસ્તીને હજુ વર્ષો લાગી ગયા હોત એ નક્કી છે. કદાચ હર્ડ ઇમ્યુનિટી આવી પણ જાય તો પણ જેટલી નિશ્ચિંતતા વેક્સિન લીધા બાદ મળે છે એટલો વિશ્વાસ કદાચ હર્ડ ઇમ્યુનિટી પર ન હોત.

7. ટ્રાન્સપોર્ટેશનમાં મોટા પાયે ફેરફાર થયો હોત

લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં આજે પણ મોટા પાયે ફેરફાર થયેલો છે જ. વેક્સિન આવવાથી એમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી. હા, હજુ આંતરરાષ્ટ્રીય સુવિધાઓમાં કેટલાક નિયમો જેમના તેમ છે. પરંતુ વેક્સિન વગર આંતરરાષ્ટ્રીય ચહલપહલ જ બંદ હોત એ વાત સ્વીકારવી જ રહી. લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં પણ લોકોનો જાહેર ટ્રાન્સપોર્ટના વાહનોમાં વિશ્વાસ ઘટ્યો છે. જોકે વેક્સિન લીધા બાદ હવે ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ચડતા લોકો ડરતા નથી પણ હજુએ એક વર્ગ એવો છે જે પોતાના પર્સનલ વાહનનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવા પ્રેરાયો છે. કદાચ આ તહેવારની સીઝનમાં છેલ્લા બે વર્ષનો વાહનોની ખરીદીનો રેકોર્ડ તૂટે એવી પણ સંભાવના એડવાન્સ બુકિંગ પરથી સેવાઇ રહી છે. બાકી શેરબજારમાં છેલ્લા એક મહિનાની ઓટો સેક્ટરની ચાલ જોઈને જ બધુ સમજી જશો.

8. મેડિકલ સુવિધાઓ આઉટસોર્સિંગ પર ચાલુ હોત

મેડિકલ સુવિધાઓ માટે ઓછા શબ્દોમાં લખવું એ શક્ય નથી. કોરોના કાળમાં જેના ખભા પર પુરેપુરો ભાર હતો એ વ્યવસ્થા એક સાંધો તો તેર તૂટે જેવી હોવા છતાં દોઢ વર્ષથી હજુ પણ દેશનો ભાર વહી રહી છે. કાર્યક્ષમતા અને માનવ સંસાધનની ઉણપ વચ્ચે આ વિભાગ ખડેપગે રહ્યો અને જેમ ધોવાઈ ગયેલા રસ્તાના ગાબડાં ફક્ત ધૂળ અને પથ્થર નાખીને પુરી દેવામાં આવે એમ આઉટસોર્સિંગ વડે યોગ્યતા જોયા વગર બેરોજગારીની મજબૂરીથી ઘેરાયેલા યુવાધનને આ આગમાં ધકેલી દેવામાં આવ્યું. ખાસ કરીને હજુ જેનો અભ્યાસ મેડિકલ ફિલ્ડમાં પૂરો પણ થયો ન હતો એ લોકોને પણ માનવતાની રૂએ સિસ્ટમને થિંગડા મારવા મજબૂર કરવામાં આવ્યા. વેક્સિન આવ્યા બાદ અને ભાર હળવો થયા બાદ આ થિંગડાઓના યોગદાનને ફક્ત તાલીઓથી વધાવીને બરતરફ કરી દેવાયા. મેડિકલ ક્ષેત્રે આજે પણ જો વેક્સિન ન હોત તો કેટલાય વોરિયર્સ આજે પણ હોમાતા હોત અને તેની જગ્યાએ આઉટસોર્સિંગના થિંગડા આજે પણ ચાલુ હોત.

9. કોરોનાના નામે બજારમાં સેંકડો દવાઓ હોત

હાઇડ્રોકસીક્લોરોકવીન યાદ છે? જેના માટે પેલો અમેરિકાનો ભૂરો ભારત પર લાલપીળો થઈ ગયો હતો! ત્યાંથી શરૂ થયેલ આ સફરમાં ટોસિલિઝૂમેબ, રેમડેસીવીર, કોરોનીલ, આર્સેનિક આલ્બમ જેવી દરેક પેથીઓની દવાઓએ પોતાનો સમય બતાવ્યો. વેક્સિન આવ્યા બાદ આમા થોડો બ્રેક આવ્યો છે. કદાચ આ દવાઓ જે તે સમયે માઈબાપ હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ આ દવાઓની આડમાં કેટલાય લેભાગુઓએ લોભ અને લાલચની આડમાં લોકો સાથે ઠગાઈ કરી એ પણ જગજાહેર છે. જો આજે વેક્સિન ન હોત તો આજે પણ દર અઠવાડિયે એક નવી દવા લોન્ચ થતી હોત.

10. સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને બાયોટેકને કોઈ જાણતું ન હોત.

એવું નથી કે આ કંપનીઓ પણ કોરોનાકાળમાં જ બજારમાં આવી. વર્ષોથી આ વેક્સિન ઉત્પાદક કંપનીઓ ભારતની શાન રહી છે. પોલિયોથી લઈને રોટા વાઇરસ સહિતની કેટલીયે વેક્સિન આ બન્ને કંપનીઓ વર્ષોથી બનાવે છે. પરંતુ જેવી રીતે આગ લાગે ત્યારે જ પાણીની કદર થાય એમ કોરોના આવ્યા બાદ આ કંપનીઓને એક અલગ જ સંકટમોચકની ઓળખ મળી. જો વૈજ્ઞાનિકોએ હજુ થોડી ઢીલાશ રાખી હોત તો આજે પણ આ કંપનીઓ સામાન્ય લોકો માટે ગુમનામ જ હોત.


સુપર ઓવર: સાલું OTT પ્લેટફોર્મ તો ભુલાઈ જ ગયું.



Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...