Skip to main content

કોવિડપેથી: તમે કઈ દવા લીધી?

 


વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો.

કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે.


SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને સરખી જ થાય એવું જરૂરી નથી. આવા વખતે પોતાની વિવેકબુદ્ધિને કામે લાગવીને પોતાના માટે ઉપયોગી સુચનોને ફિલ્ટર કરીને તેને શ્રધ્ધાપૂર્વક અપનાવવા એ જ ખરી હોશિયારી છે. કોરોનાની મોટાભાગની ટ્રીટમેન્ટ દવાખાનામાં તો ડોકટર જ હેન્ડલ કરતા હોય છે એટલે ત્યાં આ બાબતે મૂંઝવણ થવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જ્યારે ઘરે  સાજા થનાર કેસોની બાબતમાં સારવારની પ્રક્રિયામાં દર્દીનું કન્સેન્ટ જરૂરી બની જતું હોય છે.


આવા સમયે પોતાના શરીરની પૂરતી ઓળખ ધરાવતા વ્યક્તિ બાજી મારી જાય છે. અહીં એ વાત ગૌણ બની જાય છે કે દર્દી કેટલું ભણેલો છે કે પોતાની એનાટોમી ફિઝિયોલોજી જાણે છે કે નહીં. અહીં દર્દીનો પોતાના શરીર પરનો વિશ્વાસ અને તે વિશ્વાસને અનુરૂપ હિતેચ્છુ દ્વારા મળેલ સારવાર કે અનુભવનો ઉપયોગ મહત્વનો હોય છે. પસંદ કરેલ સલાહમાંથી પણ કેટલું ફિલ્ટર કરીને લેવું તે પણ છેલ્લે દર્દી પર જ નિર્ભર હોય છે. 


આ મહામારીમા કદાચ એ લોકો ઓછા હેરાન થયા છે જેણે દરેક પેથીનો પોતાના રોગની તીવ્રતાને આધારે ઉપયોગ કર્યો હોય, નહિ કે કોઈ એક વસ્તુ સાથે જિદ્દી થઈને વળગી રહ્યા હોય. સમયાંતરે રોગની તીવ્રતા મુજબ સારવાર પદ્ધતિમાં ફેરબદલ કરવાનું ટાઇમિંગ જ તમને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવે છે. મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બહારથી શરીરમાં દવાઓને રેડીને ઈશ્વરે આપેલા શરીરને સાજું કરીએ છીએ પણ આ અર્ધસત્ય છે. શરીરનું પોતાનું જ તંત્ર વાઇરસ કે કોઈપણ બીમારીના જંતુ સામે લડે છે જ્યારે બહારથી આપવામાં આવતી દવાઓ તેમાં મદદરૂપ થાય છે. કોવિડની પ્રથમ લહેરથી લાઈમલાઈટમાં આવેલા CRP ટેસ્ટના આંકડા જોઈએ તો ઘણાને તમ્મર ચડી જાય અને ક્યારેક 50 કે 100 ને પાર જતો આ આંકડો શારીરિક કરતા માનસિક તકલીફ વધુ ઉભી કરી દે છે. પરંતુ જો એવું વિચારવામાં આવે કે આ આંકડો એ જંતુઓનો નહિ પણ તેની સામે લડવા માટેની આર્મીનો છે તો મનમાં થોડી હળવાશ થશે. શરીરના આ ઈંફલામેટરી માર્કર્સ ઈંફલામેટારી રિઝોલ્વર પણ છે. 


નાની એવી માખી કે મચ્છર પણ તમારું અભિમાન તોડી શકતા હોય તો આ તો તેનાથી પણ અનેક ગણો સૂક્ષ્મ વાઇરસ છે. તમને પળવારમાં ભોંય ભેગા કરવા થોડી જ કલાકોમાં લાખો વાઇસરની ફૌઝ તૈયાર કરી શકે એમ છે. એટલે જિદ્દી થઈને સામનો કરવામાં બહાદુરી ઓછી અને મુર્ખામી વધુ છે. ડિપ્લોમેટિક થઈને થોડું વાયરસ જતું કરે થોડું તમે કાળજી રાખીને 'મને કાંઈ થાય નહિ'નો અહંમ મૂકીને જતું કરશો તો બન્ને વચ્ચેનો સુખદ માર્ગ જરૂર નીકળશે.


સુપર ઓવર: ભારત દેશમાં બે પેથીઓ વચ્ચે એટલુ વાંકુ છે કે જાણે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય.



Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખ...

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ મ...

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ...