શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?
પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે.
આ તો વાત થઈ મચ્છરની ફૂલ થાળી વિશે. પણ હવે આ ફૂલ થાળીની ફિક્સ હોટલ આ માદા મચ્છર કઈ રીતે પસંદ કરે છે?
ઘણાં એવું કહે છે કે કોઈ ખાસ પ્રકારના બ્લડ ગ્રુપને વધુ પસંદ કરે છે જેમાં O અને ABની વાત વધુ થાય છે પણ એવું કંઇ સો ટકા સાબિત થયું નથી. મારા જેવા B પોઝિટિવ વાળા ઘણાં બધા લોકો હશે જેને આ મચ્છર વધુ પસંદ કરતા હશે. તેના માટે આ બ્લડ ગ્રૂપવાળો છેદ ત્યાં જ ઉડી જાય છે. એટલે આ બ્લડ ગ્રુપ વાળો તુક્કો એવો છે કે સાચો હોય પણ અને ના પણ હોય. ક્યાંય સાબિતી વાળું કામકાજ મળે તો શેર કરજો.
બીજું એક ફેક્ટર છે કાર્બન ડાયોક્સાઈડ. દરેક વ્યક્તિ કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન તો કરે જ છે. એટલે એ કોઈ યુનિક વાત તો નથી. પણ આ મચ્છર એટલા તેજ છે કે તેની સામે બેઠેલા પાંચ જણમાંથી કોનું કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન વધુ તેના પર કેમેરા વધુ ફોકસ કરે છે. એટલે કે જુદા જુદા વ્યક્તિઓનો મેટાબોલિક રેટ અલગ અલગ હોવાનો. દરેકનો શ્વાસોશ્વાસનો રેટ પણ તેના મુજબ અલગ હશે. મતલબ ફિંગરપ્રિન્ટ જેટલો યુનિક હોવો જરૂરી નથી. બસ પાંચના ઝૂંડમાં તમારો રેટ વધુ એટલે તમારી ટિકિટ પેલી કપાશે. બોલે તો મચ્છરીના ચૂંબનનો પહેલો ચાન્સ પાકો. કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જન બાદ તેનું પ્રમાણ આપણા માથાની આસપાસ વધુ હોય છે એટલે જ તો અમુકના મોં પાસે અને માથા ઉપર મચ્છરોના ટોળાં પેટ્રોલિંગ કરતા જોવા મળે છે.
સાથે સાથે શરીરનું તાપમાન પણ મચ્છર માટે મેગ્નેટનું કામ કરે છે. જેના શરીરનું તાપમાન વધુ તેને મચ્છરના સેન્સર એન્ટેના તેની રડારમાં ઝડપથી પકડી પાડે છે. વળી આ તાપમાન મેટાબોલિક રેટ સાથે પણ સંબંધ ધરાવે છે. જેનો રેટ વધુ તેનું તાપમાન સાપેક્ષે અડધા ડિગ્રી ફેરનહિટ જેટલું વધુ હશે. ગર્ભાવસ્થા ધરાવતી સ્ત્રીઓનો મેટાબોલિક રેટ, તાપમાન અને કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન બીજાની સાપેક્ષે થોડું વધુ હોવાની શક્યતા છે. એવી જ રીતે નાના બાળકોનો પણ આ રેટ વધુ હોવાનો એટલે આ કેટેગરીવાળી સ્ત્રીઓ અને બાળકો મચ્છરસેનાની હિટલિસ્ટમાં ખરાં!
આ સિવાય બીજું એક અજુગતું ફેક્ટર છે. આપણી ચામડી પર રહેલા બેક્ટેરીયા કે જેને ભણેલાં ગણેલા લોકો Microbiota નામથી ઓળખે છે. ચામડી પર બેક્ટેરીયા!!!? પણ હું તો દરરોજ સ્નાન કરું છું!!! હા, એમાં શું થયું એમ તો પેટના આંતરડામાં પણ કેટલાય બેક્ટેરીયા કોલોની બનાવીને બેઠાં છે. પણ ચામડી પર રહેલા આ બેક્ટેરીયાની વાત કરીએ તો એ આપણા શરીર પરના પરસેવામાં રહેલા લેક્ટિક એસિડ અને એમોનિયા પર નિર્ભર હોય છે. આ અલ્પજીવી બેક્ટેરીયા ભલે અડધો દિવસ જ તમારી સાથે વિતાવે પણ આ સમય દરમિયાન જો મચ્છરની રડારમાં આવ્યા એટલે મેગ્નેટનું કામ કરશે મતલબ કે congratulations you are mosquito magnet now.
આપણા પરસેવામાં લેક્ટિક એસિડ અને એમોનિયાની સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ પણ હોય છે. આ ત્રણેયના જુદા જુદા પ્રમાણને આધારે જે જુદા જુદા સિગ્નલ મચ્છરના એન્ટેના દૂરથી મેળવે છે તેનો પણ મચ્છરના ટાર્ગેટ પર અસર પડે છે.
આ ઉપરાંત ડાર્ક શેડ વાળા કપડા પણ મચ્છર ને વધુ આકર્ષે છે. જોકે આ એક પ્રકારનું તુક્કા સાયન્સ જ છે હજુ સુધી.
આ બધી વાતો પરથી એવું નહીં વિચારવાનું કે ઉપરના ફેક્ટર વાળાને જ ચિંતા કરવાની. બીજાને મચ્છર ના કરડે. આ ફેક્ટર તો ઘણાબધા વ્યંજનમાંથી ભાવતી વાનગી પસંદ કરવા માટે જ છે. બાકી મચ્છર માટે તો જો તમે એકલાં હો તો પણ ભૂખમાં ગાજર ચાલે એમ ચલાવી જ લેશે. આ તો આઇન્સ્ટાઇનની જેમ ઉપરના ફેક્ટર ફ્ક્ત મચ્છરોના સાપેક્ષવાદ રજૂ કરે છે.
વળી તમને કરડતાં દરેક મચ્છર રોગ કરશે એ નક્કી નથી. જો માદા મચ્છર કોઈના લોહીમાંથી પેરેસાઇટ ભાડે લઈને ઉડતું હશે તો જ ચાન્સ છે કે તમને ચેપ આપે. માંડ દસેક ટકા મચ્છર આવા પેરેસાઇટ લઈને ઊડતાં હોય છે. બાકીના તો બધા નિર્દોષ આઝાદ પરિંદા જ હોય છે. આમ છતાં કોઇપણ ચાન્સ લીધા વગર અહિંસાને ભૂલીને જો મચ્છર આજુબાજુ ઉડતું નજરે ચડે તો તેને બે હાથ વચ્ચે તાળી પાડીને વધાવી લેવુ.
સુપર ઓવર: શું આ માદા મચ્છર મનુષ્યોનું લોહી પીને ચલાવી લેતા હશે કે પછી નર મચ્છરનું લોહી પણ અલગથી પીતા હશે ??
જોરદાર અને મજેદાર 👏👌
ReplyDeletePlease share it if you like it.
Delete