સિરીઝ: Wednesday
પાત્ર: Wednesday
એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday.
સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો.
જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard. એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે.
આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈની કલરફૂલ કપડાં પહેરે કે એકદમ રંગો વાળો ખોરાક પેટમાં જાય એટલે તેની ચામડી પર લાલ ચકામાં દેખાવા લાગે. કોઈ જ પ્રકારના મોજશોખ નહીં. કોઈ જ વ્યક્તિથી ડરવાનું નહીં. સોરી મારી ભૂલ થઈ ગઈ. શોખ તો છે અને તે પણ ગાંડો શોખ છે. Wednesdayને મૃત્યુ અને દુઃખનો શોખ છે. જ્યાં પણ કોઈનું મૃત્યુ થાય એટલે Wednesday તેને સોલ્વ કરવાની જિજ્ઞાસા સાથે કોઈ પણ વ્યક્તિ કે દાનવથી ડર્યા વગર, સ્કૂલ અને હોસ્ટેલના નિયમોની ઐસી કી તૈસી કરીને તેના મૂળ સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે.
Wednesdayને સ્માઈલ કરતી જોવી એ પણ એક લ્હાવો છે અથવા કહો કે એક દુર્ગમ ઘટના છે. આ લ્હાવો બંને સિઝનમાં બસ એકાદ વખત જ મળે છે. બાકી આખી સિઝન કોઈને પણ તેનો ચહેરો અને આંખો જોઈને એમ જ લાગે કે સામે વાળાને કાચેકાચો ખાઇ જશે. પહેલી સિઝનમાં જ્યારે તેની રૂમ મેટ Enid ને છેલ્લે સહીસલામત જુએ છે ત્યારે તેના નેચરની વિરુદ્ધ ખુશ થઈને ભેટી પડે છે. પછી ફરીથી આજુબાજુના લોકોથી શરમાઈને પોતાની સ્ટ્રીક્ટ છબીમાં પાછી ફરે છે. આવું જ બીજી સિઝનમાં તેની નાનીને જોઈને એકદમ ખુશ થઈને ભેટી પડે છે.
Wednesday આમ તો તેના પરિવારને બેહદ પ્રેમ કરે છે પણ ઉપરથી તો એવું જ બતાવે છે કે જાણે તે લોકો મરી જાય તો પણ મને કંઈ ફરક નથી પડવાનો. ખાસ કરીને તેની માં સાથેના સંબધો એટલા ભયાનક હોય છે કે Wednesday તેની માં ને ખરું ખોટું સંભળાવીને અપમાનિત કરવામાં એક મોકો પણ છોડતી નથી. તેનો ભાઈ તો જાણે તેના માટે એકદમ સોફ્ટ ટાર્ગેટ છે.
વાતવાતમાં એકદમ ડાર્ક અને હોરર હ્યુમર સાથે કટાક્ષના બાણ છોડતી Wednesday પહેલીવાર કદાચ કોઈને એરોગન્ટ લાગે પણ ધીમે ધીમે જે તેને ઓળખે છે તે જાણે છે કે Wednesday આખા નેવરમોર સ્કૂલની કેર કરે છે. બસ તેને કેર કરે છે એવું દેખાડવામાં રસ નથી. તમે તેના વખાણ કરશો તો પણ તેને નહીં ગમે એટલી હદે તે detached વ્યકિત છે. બહાદુરી પૂર્વક કરેલ કોઇપણ કામનો તે યશ લેવા માંગતી નથી કે તેને ઇન્ટ્રસ્ટ પણ નથી. મોં પર ચોખે ચોખ્ખું કહીને સામેવાળાને શબ્દોથી છિન્નભિન્ન કરી દેતી Wednesday અને તેના પેરેન્ટ્સની Wednesdayને કુશળતાથી હેન્ડલ કરવાની કરામત જોઈને એવું જરાય નહીં લાગે કે આ ફિક્શનલ ફૅન્ટેસી ડ્રામા છે. ક્યાંક ને ક્યાંક માં બાપ સાથે થતી બાળકોની ચડભડ વાસ્તવિકતા સાથે તદ્દન બંધબેસતી લાગશે.
👍 આ સિરીઝ કોણે જોવી જોઈએ?
* જો તમને થોડુંઘણું હોરર અને બહુ બધું થ્રિલર ગમે છે તો જોવાય.
* જો તમને કપિલ શર્માના હ્યુમર કરતા પણ વધુ ડીપ હ્યુમર સમજવાની તાકાત હોય તો જોવાય.
* જો તમને સુપરનેચરલ પાવરવાળી ફૅન્ટેસી મૂવી કે સિરીઝ જોવી ગમતી હોય તો જોવાય.
* જો તમને હેરી પોટર જોવી ગમી હોય તો ખાસ એ જ જેનરમાં આ સિરીઝ પણ જોવી ગમશે.
* ન્યુડિટી શૂન્ય પણ જો થોડી ઘણી ચીરફાડ જોઈ શકો તો જોવાય.
👎 આ સિરીઝ કોણે ના જોવી?
* એક એક કલાકના લાંબા એપિસોડ જોવાની હિંમત ન હોય તો ના જોવાય કારણ કે કટકે કટકે જોવાય એવી આ સિરીઝ નથી. બિન્જ વોચ એલર્ટ.
* જો તમને કટાક્ષ સમજવામાં વાર લાગતી હોય અને બેકગ્રાઉન્ડમાં ઓડિયન્સ હસે તો જ હસવાનું એવું લાગતું હોય તો આ શો તમારા માટે નથી.
* જો તમને ડિટેક્ટીવ ટાઈપની સ્ટોરી ન ગમતી હોય અને ક્રાઈમના મોટીવ સાથે કંઇ નિસ્બત ન હોય તો આ સિરીઝ તમને ના પણ ગમે.
Good written Bhai 👌
ReplyDelete