એકલતા પણ કેવી ખતરનાક વસ્તુ છે! જિંદગીમાં એકલું હોવું કે સિંગલ હોવું એ અર્થમાં નહિ પરંતુ ખરેખર ચાર દીવાલ વચ્ચે જેમ જેલમાં વીર સાવરકર રહ્યા હતા તે એકલતાની વાત કરું છું.
આ એકલતાના બે પાસા છે, એક તો દુન્વયી વાતોથી દૂર થવાનો એક આસાન મોકો અને બીજો પોતાની જાતને દુન્વયી બાબતોથી દૂર લઈ જવામાં અનુભવાતી અકળામણ. જેવી રીતે વ્યસનીને વ્યસન છોડવામાં તકલીફ પડે તેવી જ રીતે આ ચાર દીવાલો વચ્ચે દુનિયાને ભૂલીને 'સ્વ' સાથે મળવામાં તકલીફ પડે છે.
'સ્વ' સાથે મળવું આટલું અઘરું હશે એવું કોઈએ સ્વપ્નેય નહિ વિચાર્યું હોય! પોતાની સાથે સંવાદ કરવો એ જેટલું ફિલ્મોમાં બતાવાય છે એટલું સહેલું હોતું નથી. માથું ઓળતા ઓળતા અરીસામાં જોઈને કહેવું કે "વાહ, આજે તું મસ્ત લાગે છે." એ કાંઈ સ્વ સાથેનો સંવાદ નથી. પોતાના મતને સર્વોપરી ગણીને તેનો જ કક્કો ઘૂંટવો એ દરેક વિકસિત મનુષ્યનો દુર્ગુણ છે. આ કક્કો સાચો હોય તો પણ તેને પોતાના સ્વ પાસે જ્યા સુધી સર્ટિફાઇડ ના કરાવીએ ત્યાં સુધી બધુ મિથ્યા છે. આ સ્વ સાથે સર્ટિફિકેશનની પ્રોસેસમાં પહોચવા માટે સ્વ ને પૂરેપૂરી સમાનતા આપવી પડે. કહેવા ખાતર તો આપણે કહી દઈએ છીએ કે દિલને પૂછીને કામ કરવું પણ શું ખરેખર દિલને બોલવાનો મોકો આપ્યો છે? કદાચ આપ્યો હોય તો પણ એ દિલ શબ્દો તો તમને સારા લાગે એવા જ બોલશે. દિલ સાથેની પ્રામાણિક વાતો એટલે સ્વ સાથેનો સાક્ષાત્કાર.
સ્વ ને પૂછીને તેને દરેક દિશામાં વિચારવા દો. જ્યારે દરેક શક્ય પોસીબીલીટી પર નજર ફેરવીને સૌથી બેસ્ટ તર્ક પર સ્વ તમને લઈ જશે, ત્યારે જ સ્વ ને તમે પ્રામાણિક તક આપી ગણાશે. સ્વ સાથેનો સંવાદ તમને મંદિરમાં પ્રભુ સામે થતા કન્ફેસન (ભૂલ સ્વીકાર) જેવો લાગશે. એક પછી એક તમારા ચહેરા પર રહેલા માસ્ક તમે પોતે જ ઉતારવા માંડશો. સ્વ તમને તમારું સાચું રૂપ બતાવીને તમને ઉતરતો સાબિત નહીં કરે, પણ તમારી સાથે અનુકંપા રાખીને તમારો હાથ પકડીને બેઠો કરશે. ઉભા થવામાં જે દંભનો વજન નડતો હતો તેને દૂર કરશે જેથી તમે બાળપણમાં ભરેલી પાપા પગલીની જેમ જ ફરીથી નવી દોડ લગાવી શકો.
બસ આ હમદોસ્ત સ્વ ને ઓળખ્યો અને અનુભવ્યો એટલે મોટાભાગની પળોજણ અને ઝંઝાળ છૂટી જશે. આ હમદોસ્ત સ્વ એટલે જ આપણી માંહ્યલો ઈશ્વર.
Comments
Post a Comment