Skip to main content

7 લક્ષણો સ્વસ્થતાના


કોઈ પણ નાની કે મોટી બીમારી વખતે દરેકને સ્વસ્થ શરીરની કિંમત સમજાય છે. જો કે આવી કૃતજ્ઞતા બહુ લાંબી ટકતી નથી. આપણે સ્વસ્થ થવા માટે ચારેબાજુથી તકલાદી ટ્રીક્સ અને ટીપ્સ અપનાવતા હોઈએ છીએ પણ નિભાવતા હોતા નથી. જો કે ઘણા લોકોનું જીવન જ એટલું ડિસિપ્લિનથી ભરેલું હોય છે કે તેની જીવનશૈલીની સાતત્યતા જ તેના સ્વાસ્થ્યની ચાળી ખાટી હોય છે.


તમે બીમાર લાગો છો એવું કહેવાવાળા અને બીમારીના લક્ષણો ઓળખાવવાવાળા તો હજારો મળી જશે પરંતુ તમે સ્વસ્થ લાગો છો એવું કહેવાવાળા બહુ ઓછા હોય છે અને જે કહેતા હોય તે પણ ઉપરછલ્લી રીતે ફક્ત તમારા શરીરના બાંધાને જોઈને જ અનુમાન લગાવતા હોય છે. લોકોની વ્યાખ્યામાં કહીએ તો તાજોમાજો કે મસ્ક્યુલર વ્યક્તિ સ્વસ્થ સમજાય છે જ્યારે દૂબળો પાતળો કે નબળા બાંધાવાળા બીમારની કેટેગરીમાં ઓળખાય છે.


ખરેખર તમે સ્વસ્થ છો કે નહીં એ આ સાત પેરામીટર દ્વારા તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો.


1. સવારે નિશ્ચિત કરેલા સમયે ઊઠવું

સવારમાં વહેલા ઉઠવાનો મહિમા તો તમામને ખબર જ છે. વહેલું ઊઠવું શરીર માટે લાભદાયી છે પણ જો રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ થઈ હોય તો જ. કેટલાક લોકોની કામગીરી જ એવી હોય છે કે રાત્રે વહેલા ન સુઈ શકતા હોય તો પણ ભલે એકદમ વહેલા ન ઉઠાય પરંતુ સવારમાં એક નિશ્ચિત સમયે તમારી આંખ કોઈ પણ બાહ્ય અવાજ વગર ખુલી જાય છે તો એ તમારી બાયોલોજિકલ કલોકની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય. તમારું શરીર એ રીતે ટેવાઈ ગયું છે કે સવારના સાત વાગ્યે વગર એલાર્મ ઊઠી શકો છો તો જિંદા હો તુમ. એ જ રીતે નિશ્ચિત કરેલા સમયે પથારીમાં પડતાની સાથે જ જો દસ મિનિટમાં ઊંઘ આવી જતી હોય તે પણ સારા માનસિક સ્વાસ્થ્યની નિશાની છે.


2. સવાર સવારમાં ભૂખ લાગવી

સવારના ભોજનનું ખૂબ જ મહત્વ છે. જી હા, ભોજન. નાસ્તા જેવો ફેન્સી શબ્દ સવાર સવારમાં તમારી ડિશમાં આવવો ન જોઈએ. જે ભાવે એ ખાઇ શકો અને સવાર સવારમાં ભરપેટ ખાઈ શકો તો સમજી લો કે તમારી બપોર પણ સારી જશે.


ઘણીવાર એવું બને છે કે સવારે લોકો નાસ્તાના નામે ચા પી લેતા હોય છે અને આખી રાત પાંચનનું કામ કરીને સવારે સાફ થયેલું પેટ એમનું એમ ખાલી જ રહે છે. જઠરાગ્નિને ચામાં ડૂબાડીને મંદ કરાય છે પણ બપોર સુધી આપણું પાચનતંત્ર ભૂખ્યું વલોવાય છે. સવારમાં પાચન ક્ષમતા પણ એકદમ ટોચ ઉપર હોય છે. આ સમયે ખાધેલું તમને પૂરા દિવસ દરમિયાન શક્તિથી ભરપૂર રાખવા પૂરતું હોય છે.


પણ વિધિની વક્રતા કહો કે આપણી મૂર્ખાઈ, આપણે નાસ્તાના નામે બે બટકા ચામાં પલાળીને પેટમાં ઠુંસતા હોઈએ છીએ. આમ કરવાથી બપોર સુધીમાં એટલી ભૂખ લાગે છે કે બપોરે આપણે ભરી ભરીને ખાવું પડે છે. પણ બપોર બાદ તો ફરી આપણું પાચનતંત્ર સુરજ માથે ચડે એટલે થોડુંઘણું મેન્ટેનન્સ મોડમાં ચાલ્યું જાય છે. પરિણામે આપણે પણ ઝોકું ખાઈને આળસું મોડમાં જતા રહીએ છીએ.


એટલે સવાર સવારમાં પેટ ભરીને ભાવતું ખાનારાઓએ પોતાની જાતને ભાગ્યશાળી ગણવા.


3. સવારમાં નિશ્ચિત સમયે પેટ સાફ થઈ જાય છે

સવારમાં ખાવું જ મહત્વનું નથી, જાવું પણ એટલું જ મહત્વનું છે. જો તમે દરરોજ નિશ્ચિત કરેલ સમયે જ સવારમાં તમારું પેટ સાફ કરી શકતા હો તો સમજી જજો કે દિવસની અડધી જંગ જીતી ગયા. જી હા, આ કોઈ અતિશયોક્તિ નથી. 


જો તમે દરરોજ ઉઠવાની બાયોલોજિકલ કલોકની જેમ કુદરતી હાજતે જવાની બાયોલોજિકલ કલોક પણ સેટ કરી લીધી છે તો દિવસ દરમિયાન તમારા પાચનતંત્ર પર કોઈ લોનનો બોજો રહેશે નહીં. 

સવાર સવારમાં સમયસર ચૂકવેલું 'વ્યાજ' આખા દિવસ દરમિયાન તમને નવા સાહસ પેટમાં ઠાલવવા માટે હિંમત પૂરી પાડશે. આ વાત તમને જો સામાન્ય લાગતી હોય તો એક વાર કોઈ કબજિયાતના કાયમી પીડિતને મળી લેજો અને પૂછી લેજો કે તેને પેટ સાફ કરવા માટે પણ કેટલીકવાર લોહી વહાવવું પડે છે!


4. ચળકતી સાફ ત્વચા

જી નહીં. ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમવાળી ત્વચાની વાત નથી. ત્વચાનો એક સરખો રંગ અને તેની સુંવાળપ તેની સ્વસ્થતાની નિશાની છે. સમયાંતરે ત્વચાના મૃત કોષો આપોઆપ દૂર થાય અને નવી ત્વચા પુનર્જીવિત થયા કરે તો જ આ સુંવાળપ જળવાઈ રહે. જો શરીરમાં પાણી અને વિટામિનની ખામી હોય તો તે શુષ્ક અને કરચલીવાળી ત્વચા દ્વારા પ્રદર્શિત થાય છે.


ચળકતી સ્વસ્થ ત્વચા કુદરતી પ્રકાશને સારી રીતે પરાવર્તિત કરે છે જે ત્વચાને ગ્લો આપે છે અને ત્વચામાં લોહીના યોગ્ય પુરતા પરિભ્રમણની ખાતરી આપે છે. 


તમારી ત્વચામાં ખેંચાણ, ખંજવાળ કે લાલ ચકામા નથી અને કોઈ પણ પ્રકારની બળતરા કે ઇરિટેશન નથી એટલે તમારી ત્વચા એકદમ જવાન છે. સમયાનુસાર મેલનિનનું ઉત્પાદન કરીને આપણી ત્વચા સૂર્યના UV કિરણોથી આપણી રક્ષા કરે છે. આજકાલ આ મેલેનિનનું પ્રમાણ આપણા સ્ક્રીન ટાઇમને કારણે હોર્મોનલ ઇમ્બેલન્સ વડે પ્રભાવિત થયું છે. તડકામાં ત્વચા કાળી થવાનું કારણ પણ આ મેલેનિનની ડિફેન્સ મિકેનિઝમ જ છે જે તમારી ત્વચાને બચાવે છે. તો હવે તડકે રહેવાથી તમે લાલ થવાને બદલે કાળા થવા માંડો તો મૂંઝાતા નહીં, તમારી ડિફેન્સ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરી રહી છે એમ સમજવું.


5. બીમારીમાંથી ઝડપી બેઠું થવું 

બીમાર થવું એ કંઈ ગુનો નથી. બદલાતા વાતાવરણ સાથે કે બદલાતા ખોરાકની ગુણવત્તાને કારણે બીમાર થવું સામાન્ય છે. પરંતુ બીમારીમાંથી ઝડપથી બેઠાં થવું એ પણ એક પ્રકારનો સુપરપાવર જ છે.


ઓછા સમયમાં શરીર રિકવર થઈ શકે એ માટે ઉમદા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. આપણી ઇમ્યુનિટી એ જ આપણી ડિફેન્સ સિસ્ટમ છે જે બીમારીઓના વાઈરસ બેક્ટેરીયા જેવી મિસાઈલોને ચેપ લગાડતા પહેલા જ હવામાં ઉડાવી દે છે અને છેલ્લે જે તેનો કાટમાળ શરીરમાં પડે છે તેને કારણે ખૂબ જ નજીવું નુકશાન થાય છે. 


લાંબી માંદગી શરીર અને ખિસ્સા બંનેને નુકશાન પહોચાડે છે. એટલા માટે જ ઝડપી રિકવરી હેલ્થ અને વેલ્થ બંનેને હર્યુંભર્યું રાખે છે. જો તમે પણ વધુ પડતી દવાઓ વગર બે કે ત્રણ દિવસમાં સાજા માજા થઈ જાઓ છો તો અભિનંદન!


6. ઝડપી ચાલ 

Walking is a good exercise but brisk walking is the best exercise. ચાલી તો બધા જાણે પણ જલદ ચાલ કરી જાણે એ જ સાચો નરબંકો. દોડવું એ ટૂંકા સમય માટે ઘણું સહેલું છે પણ લાંબા અંતર સુધી ઝડપી ચાલવું એ સ્વસ્થ સ્નાયુઓ અને હૃદયની નિશાની છે.


ચાલતા ચાલતા શ્વાસને કાબૂમાં રાખવાની કલા કાર્ડિયો એક્સરસાઇઝથી ઓછી નથી. જો તમે હાંફ્યા વગર ઝડપથી લાંબુ અંતર ચાલી શકો છો તો તમે મજબૂત દિલના માણસ છો.


7. તમારી સોશિયલ મીડિયા અલ્ગોરીધમ 

અલ્ગોરીધમને હેલ્થ સાથે શું સંબંધ? તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે સીધો જ સંબંધ છે. તમારી સોશિયલ મીડિયા ટાઇમલાઇન તમારી માનસિકતાની ભલે સો ટકા નહી પણ પચાસ ટકા ગવાહી તો આપી જ દેશે. તમને શું ગમે છે અને શેમાં રસ છે એ આ ટાઇમલાઇન પરથી આખા જગને ખબર પડે છે. 


ટાઇમલાઇન પરની વાહિયાત પોસ્ટ કે પોઝિટિવ પોસ્ટ તરફનું તમારું વલણ, કોઈ પોસ્ટ પર તમારી કમેન્ટનું સ્તર, તમારા ફ્રેન્ડ્સનું લિસ્ટ કે તમે ફોલો કરતાં પેજનું લિસ્ટ તમારો પૂરેપૂરો મેન્ટલ બાયોડેટા આપે છે. તમારા શબ્દો કે દેખાવ હજુ મિસલિડિંગ હોઈ શકે પણ ટાઇમલાઇન ક્યારેય ખોટું બોલતી નથી.


આ ટાઇમલાઇન પર તમારો જેટલો કંટ્રોલ વધુ એટલું તમારું માનસિક સ્વાસ્થ સારું. જો તમે અલ્ગોરિધમને ફોલો કરો એના કરતાં અલ્ગોરિધમને તમારી સ્વસ્થ પસંદ મુજબ કામ કરાવી શકો તો જિંદા હો તુમ.


સુપર ઓવર: એક માન્યતા મુજબ આજકાલ LPG કે પેટ્રોલ ડીઝલની લાઇનમાં તમે ઊભા ન હો તો પણ સ્વસ્થ જ ગણાશો.

Comments

Popular posts from this blog

દવાઓ બેફામ: વરદાન કે અભિશાપ?

હોસ્પિટલ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરવી એ શરૂઆતના દિવસોમાં ખૂબ જ ધીરજ માંગી લે એવું કામ હતું.  કેમ? કારણ કે જે પણ એકેડેમિક નોલેજને બસ ઇમ્પ્લીમેન્ટ કરવાની તૈયારી કરતો હતો એ જ એકેડેમિક અહીં પેંડેમીક બનીને ઉભું હતું. આ પેંડેમીક એટલે દવાઓનો બેફામ ઉપયોગ. ના માત્ર એન્ટિબાયોટિકસ જ નહીં પણ સ્ટીરોઇડ્સ, પેઈન કિલર, એન્ટાસિડ દરેકનો આ જ હાલ હતો અને છે. એવું નથી કે આવું ફક્ત ગ્રામ્ય કક્ષાએ જ છે. મોટા શહેરોમાં પણ ઝડપથી સાજા થવાની લ્હાયમાં આવા દવાઓના બેફામવેડા ચાલુ જ છે. એલોપેથી દવાઓ ઝડપથી રાહત કરવા માટે પ્રખ્યાત છે પણ હવે લોકોની ધીરજ અને સહનશક્તિ એટલી હદે જવાબ દઈ ચુકી છે કે આ એલોપેથીની ઝડપ પણ તેને હવે ઓછી લાગે છે. આવા સમયમાં આયુર્વેદ થેરાપીની તો વાત જ કેમ કરવી? આયુર્વેદ ધીમી સારવાર માટે ભલે જાણીતું હોય પરંતુ તેની દરેક સારવારના પરિણામ ધીમા જ મળે એવું જરૂરી નથી હોતું. પણ આમ છતાં આયુર્વેદનો ચાર્મ હાલ તો એલોપેથી ની સાપેક્ષે ખૂબ જ પાછળ છે. વળી, મહેરબાની કરીને કોઈ હોમીઓપેથી, નેચરોપેથી કે યુનાની જેવી પધ્ધતિઓ ની તો વાત જ ન કરતા. એ તો હજુ લોકપ્રિયતાની એરણ પર જોજનો દૂર છે. અહીં વાત અસરકારકતાની નહ...

સાયનોકોબાલની મોટી બબાલ: અથ શ્રી વિટામિન B12 કથા

  "તમારામાં વિટામિન B12ની ખામી છે, દવાનો કોર્સ કરવો પડશે." આવી વાતો આજકાલ કોમન થઈ ગઈ છે. તેનાથી પણ વધુ પ્રચલિત થયા છે એકાંતરા વાળા વિટામિન B12ના ઇન્જેક્શન. વળી હવે તો આ ઇન્જેક્ટેબલ સારવાર પણ OTC (ઓવર ધ કાઉન્ટર) બનતી જાય છે. એટલે જ્યારે પણ ભળતાં લક્ષણો જોવા મળે તો લગાઓ B12. વિટામિન D પછી સૌથી વધુ કોઈ વિટામીનની ખામી માણસોમાં જોવા મળે છે તો એ છે વિટામિન B12 જેને સાયનોકોબાલામાઈન ના હુલામણાં નામથી પણ બોલાવામાં આવે છે. 🤔 પણ આ B12 શા માટે આટલું જરૂરી છે? તેના વગર ચાલે એમ નથી? એવું તો શું કામ કરે છે આ VIP વિટામિન?  વિટામિન B12 એ આપણા DNA એટલે કે આપણો પાયો બાંધવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણા RBC એટલે કે રક્તકણોનું નિર્માણ થવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં એનર્જી પ્રોડ્યુસ કરતી કેટલીક ક્રિયાઓમાં જરૂરી ઘણા બધા ઉદ્દીપક (enzymes) ના બનવા માટે પણ આપણું લાડકવાયું વિટામિન B12 જ ભાગ ભજવે છે. ચેતાતંતુઓમાં પણ સંવેદનાના વહન માટે B12 જ મેઇન્ટેનન્સ પાર્ટનર તરીકે કામ કરે છે. મગજ જેવા મૂળભૂત અંગોનું સારી રીતે સંચાલન કરવા બદલ પણ હે વિટામિન B12! આપનો ખૂબ ખૂબ આભાર. 😱 ...

ફાસ્ટ ફૂડ એટલે મેન્ટલ હેલ્થનું બ્લાસ્ટ ફૂડ

જીભનું પ્રિયતમ પણ જીવ માટે યમ એવા તસતસતા જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ દ્વારા થતી આપણા શરીરની ખાનાખરાબી તો આપણે જાણીએ જ છીએ અને આંખ આડા કાન કરીને આ જંક ફૂડને આટલું નુકશાનકર્તા હોવા છતાં આપણા શરીર રૂપી ઘરના પાટલે બેસાડીએ છીએ. એમાં શું નવું છે? સિગારેટ તમાકુ કદાચ આ જંક ફૂડથી વધુ ઘાતક હોવા છતાં આપણે તેને આટલી નવાબીથી નથી નવાજતા જેટલું આપણે જંક ફુડને વ્હાલ આપીએ છીએ! જંક ફુડ નુકશાનકારક છે એ બધાને ખબર જ છે એટલે અહીં કોઈ સિક્રેટ શેર કરવાનો નથી. પણ હા કેવી રીતે નુકશાન કરે છે એ કદાચ તમને કહીશ તો આશ્ચર્ય થશે! જીભ માટે તસતસતું ભોજન પેટ માટે કેટલું અઘરું બને છે એ તો ખબર છે પણ આ જીભનો ચટાકો પેટને તો પકડે જ છે પણ સાથે સાથે આપણું મગજ પણ જકડે છે. સિંથેટિક કલર્સ અને મસાલાથી ભરપૂર જંક મિસાઈલ જ્યારે પેટમાં પડે છે ત્યારે ત્યાં તો નુકશાન થવાનું જ છે પણ સાથે સાથે આપણા મેન્ટલ હેલ્થને પણ કોલેટરલ ડેમેજ કરતું જાય છે! મેન્ટલ હેલ્થના ચાર કોલેટરલ ડેમેજનું એસેસમેન્ટ કરી લઈએ. 😵‍💫એડિક્શન પહેલા તો ખાલી દારૂ તમાકુ ને જ વ્યસન ગણવામાં આવતું. પછી જમાનો ડિજિટલ થયો એટલે નેવુંના દશકમાં ટીવીના વ્યસનીઓ થઇ ગયા. ત્યારે એમ લ...

એડોલ્શન્સ: ટીનેજર સ્ટોરી કે પેરેન્ટિંગ ડોક્યુમેન્ટ્રી!?

                         વેબસિરિઝ: એડોલ્શન્સ             કેરેકટર: એડવર્ડ મિલર અને લ્યુક બેસકોમ્બ ચાર એપિસોડ વાળી અને દરેક એપિસોડ શરૂઆતથી અંત સુધી સિંગલ શોટમાં શૂટ થયેલી મિનિસિરિઝ આમ તો એકદમ બોરિંગ છે અને એકદમ સ્લો છે પણ જો તેને તમે એક ટીનેજરની લાઇફ આસપાસની ડોક્યુમેન્ટ્રી તરીકે જુઓ તો આ સિરીઝમાં ઘણો રસ પડશે. આ સિરીઝ શરૂ થાય ત્યારે એવું લાગે કે સસ્પેન્સ થ્રિલર છે પણ હકીકતમાં આ સિરીઝમાં આપણે જે નોર્મલ જોઈએ છીએ એવી ઘટના અંગેનું સસ્પેન્સ છે જ નહી પરતું આ ઘટનાનો જન્મ કેવી રીતે થયો તેના તાણાવાણા પર જ ચાર એપિસોડ ચાલે છે. ઘટનાના મૂળ સુધી જવામાં ટીનેજરના મનોવૈજ્ઞાનિક આવેશો, સોશિયલ મીડિયા, સ્કૂલ કલ્ચર, પોર્નોગ્રાફી આ બધું પેરેન્ટિંગ પર કઈ રીતે પાણી ફેરવે છે તેના પડ ધીમે ધીમે ખુલે છે. આગળ નાના મોટા સ્પોઇલર છે પણ તેનાથી સિરીઝ જોવામાં કોઈ ખાસ અસર નહી પહોંચે, જો તમે સિરીઝને ડોક્યુમેન્ટ્રી તરીકે લેવાના હો તો. સિરીઝનું નામ ભલે એડોલ્શન્સ હોય પણ ખરેખર તો આજે વાત આ ટીનેજરની નહીં પણ તેના એડલ્ટ પિતાની કરવા...

શું તમે પણ મોસ્કિટો મેગ્નેટ (Mosquito magnet) છો?

શું તમને એવું લાગે છે કે તમારી સાથે ઉઠતા બેસતા લોકો કરતા તમને વધુ મચ્છર કરડે છે? બીજા બધાને છોડીને આ મચ્છર મને જ કેમ વધુ વ્હાલ કરે છે એવું લાગ્યું છે ક્યારેય? આવો ભેદભાવ માણસ કરે એ તો સમજ્યા પણ આ નાનકડું મચ્છર આ ભેદભાવ કરવાનું ક્યાંથી શીખતું હશે?  પહેલાં તો એ ચોખવટ કરી લઈએ કે માણસને કરડવાવાળું આ મચ્છર નહીં પણ મચ્છરી (માદા મચ્છર) જ હોય છે. મારા ફેમિનિસ્ટ મિત્રોને કદાચ ખોટું લાગી શકે પણ હકીકતમાં માદા મચ્છરને જ માણસનું લોહી પીવાની જરૂરિયાત વધુ હોય છે! માદા મચ્છરને ઈંડા બનાવવા માટે પ્રોટીનની ભરપૂર જરૂર પડે છે. આ પ્રોટીન તે મનુષ્યના લોહીમાંથી મેળવે છે. તો તમને વળી એમ થશે કે પેલા નર મચ્છર કેમ જીવતાં હશે? નર મચ્છર વૃક્ષો અને છોડના ફૂલોની પરાગરજ અને ફૂલોના રસ પર આધાર રાખે છે. જેવી રીતે આખી નર મચ્છર જાત મનુષ્યને થતાં રોગો માટે જવાબદાર નથી એવી જ રીતે બિચારો એકલો ભમરો જ ફુલના રસ માટે ગુનેગાર નથી, કેટલાંક છીછરાં ફૂલોમાંથી આ નરબંકા મચ્છરો પણ રસપાન કરી લેતા હોય છે. જો કે આ પરાગરજ વાળી થાળી નર સાથે માદા મચ્છરોને પણ લાગુ પડે. જો કે મનુષ્યનું લોહી પીવાનો ઇજારો ખાલી મચ્છર બાયું પાસે જ છે....

કાન અને ખભા વચ્ચે દબાયેલા મોબાઈલ ફોનની આપવીતી

  ઓળખ્યો? હું તમારો સાવકો જીવનસાથી. સવારે ઊઠતાં અને રાત્રે સૂતા પહેલા મારા દર્શન અચૂક કરો છો પણ દિવસ દરમિયાન નર્યો અત્યાચાર કેમ કરો છો? આજની ડિજિટલ દુનિયામાં મારા વગર તમને નથી ચાલતું કે નથી ચાલવાનું એ નક્કી હોવા છતાં મારી સાથે સાવકો વ્યવહાર કેમ?  સવારે ઉઠીને તરત જ તમે જ્યારે મને આળસ મરડીને તમારી હથેળીમાં ધારણ કરો છો ત્યારે સાક્ષાત કરાગ્રે વસતા લક્ષ્મીજી, કરમુલે વસતા સરસ્વતીજી અને કરમધ્યે વસતા ગોવિંદને પણ મારી ઈર્ષ્યા થતી હશે. આટલું મહત્વ મારું હશે એવું વિચારીને મને જરાય અભિમાન આવતું નથી. કારણકે ઘણી વાર મારે ઓશિકા નીચે તમારા માથાના વજન તળે દબાઈને આખી રાત કાઢવી પડે છે તે કોઈને દેખાતું નથી. ઘણા તો મને સવાર સવારમાં ટોયલેટના દર્શને પણ લઈ જાય છે. શું મારો જન્મ આના માટે જ થયો હતો? સવારમાં ટોયલેટની સફર કર્યા બાદ અમે અમારા લેન્ડલાઇન પૂર્વજની નજરમાં એકદમ ઊતરી ગયેલા માનીએ છીએ. હવે તો અમારા પૂર્વજો પણ અમને કહે છે કે ભલે અમે તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર ન હતા પણ સવાર સવારમાં કોઈના ટોયલેટમાં સાથે જવું પડે એવી ગુલામી ક્યારેય નથી કરી!  આ બધું તો હજુ હું જેમ તેમ કરીને સહન કરી લઉ...

એક દિવસનો યોગ કેમ ભગાડે રોગ?

21 જૂનના રોજ આપણે યોગદિવસ મનાવી લીધો. આમ જોઈએ તો યોગાસન દિવસ મનાવી લીધો. યોગને વિશ્વ સ્તરે લાવનાર આપણે એ જ ભૂલી ગયા કે યોગ એટલે ફક્ત યોગાસન જ નહીં. યોગ આઠ અંગોનું બનેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, આહાર, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ.  યોગ એ 21 જૂનના દિવસનો ટ્રેન્ડિંગ ટોપિક છે એથી વિશેષ કંઈ નથી એવું મને લાગે છે. એવું નથી કે રોજ યોગ, કસરત કે મેડિટેશન કરનારા નથી. કરે જ છે ઘણા લોકો પરતું આ દિવસે જો તમે કોઈ વિચિત્ર આસન કરેલ ફોટો સોશિયલ મીડિયા પર ન મૂકો તો તમે યોગી નથી. વિશ્વ યોગ દિવસની નિંદા કરવાનો મારો કોઈ ઉદ્દેશ નથી. વળી કેટલાક કહેશે કે દરેક દિવસ તો વર્ષે એક વાર જ ઉજવાતો હોય છે. એમાં વળી નવું શું છે? શું દિવાળીના ફટાકડા આખું વર્ષ ફોડી શકાય? શું પિચકારી લઈને આખું વર્ષ ધૂળેટી રમવાની તાકાત છે? શું આખું વર્ષ આપણે પતંગ ચગાવીને ઉતરાયણ મનાવીએ છીએ? બસ એમ જ યોગ દિવસ એક જ દિવસ મનાવવાનો હોય. વાત પૂરી. તહેવારો અને ઉત્સવો આપણા જીવનને રંગીન બનાવે છે. પણ યોગ દિવસ એ કોઈ તહેવાર કે ઉત્સવ નથી. યોગ દિવસ એ દર વર્ષે આવતું એક રીમાઇન્ડર છે. યોગ એ જીવન જીવવા માટેનું એક મેઇન્ટેનેન્સ મેન્યુઅલ છે. યોગના આઠ...

એક જિદ્દી છોકરી Wednesday

                              સિરીઝ : Wednesday     પાત્ર : Wednesday   એકદમ એરોગન્ટ, નકચડું અને દરેક વાતે સામેની વ્યક્તિનું કાચું કપાઈ જાય છતાં પોતાના મોં પરના હાવભાવમાં તલભારનો પણ બદલાવ ન આવે એવું જક્કી અને જિદ્દી પાત્ર એટલે Wednesday. સ્ટોરીલાઇનને લગતું કોઈ જ સ્પોઇલર નથી એટલે બિન્દાસ આગળ વધો. કદાચ Wednesday નું કેરેક્ટર આ બ્લોગમાં વાંચીને તમે તેની સાથે વધુ કનેક્ટ કરી શકશો. જેવી રીતે હેરી પોટરની વાર્તામાં બે પ્રકારના લોકો હોય છે: Muggles અને Wizard . એવી જ રીતે અહીં પણ બે પ્રકારના લોકો છે: Normi કે જેની પાસે કોઈ સુપરપાવર નથી હોતો અને બીજા છે Outcast એટલે કે જે જુદા જુદા પ્રકારના સુપરપાવર જન્મજાત ધરાવે છે. આ Outcast બાળકોની સ્કૂલ એટલે નેવરમોર જેની આસપાસ જ Wesnesdayની બંને સિઝનની કહાનીઓ આકાર લે છે. આ ટીનેજ છોકરી બધાથી અલગ. તેની ઉંમરની છોકરીઓને સોળ શણગારનો શોખ હોય જ્યારે આપણી Wednesday એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ. તેને રંગોથી એલર્જી હોય છે. હા, ફ્ક્ત કહેવા પૂરતી જ નહીં પણ ખરેખર જો એકદમ શાઈ...

એક અજાણી આફત: રીલની રામાયણ

રીલની દુનિયાની શરૂઆત મને યાદ છે ત્યાં સુધી ટિકટોક નામક ઝેરી જીવડાંથી થઈ. આ ટિકટોકિયું ભારતમાંથી કાયદેસર રીતે પ્રતિબંધિત થઈ ગયું પણ તેના ઝેરને બીજા તમામ સોશિયલ મીડિયામાં ઘોળતું ગયું. ફેસબુક થી લઈને ઇન્સ્ટા અને યુટ્યુબ સુધી પણ આ ટૂંકા વીડિયોનો ચેપ એવો ફેલાયો કે આપણે બધા આ બીમારી સાથે રાજીખુશી(?)થી જીવી રહ્યા છીએ. આ રીલનો રેલો આવ્યો કેમ? લાંબા લચક નવલકથા જેવા લાગતા વર્ણનો અને ઔપચારિક વાતોથી કંટાળેલી નવી જનરેશન હવે ફક્ત ટુ ધ પોઇન્ટ વાત કરવા અને સાંભળવા માંગે છે એ તો નક્કી. વધારાનો બકવાસ તેને ગમતો નથી અથવા તો 1.5x ની સ્પીડ પર આ લાંબુ લચક સ્કીપ થતું જાય છે. ચાલો રીલ બનાવવા વાળાને તો કંઈક મળતું હશે પણ આ રીલની રેલમછેલમ કરીને આખો દિવસ જોવાવાળાને વળી શું મળતું હશે?  ડોપામાઇન સ્પાઈક. જી, આ જ એ કેમિકલ લોચો છે જે તમારા ટેરવાને સ્ક્રીન પર દોડતો રાખે છે. હું તો કહું છું આ ચાલવાના સ્ટેપ્સ ગણવા વાળી એેપ્લિકેશન આવે એમ આપણો અંગૂઠો કે આંગળી આપણી સ્ક્રીન પર આખા દિવસમાં કેટલા કિલોમીટર દોડ્યા એનો કોઈ હિસાબ રાખી શકે એવી એપ આવવી જોઈએ. આવે છે? આવતી હોય તો નીચે કોઈક કમેન્ટ કરીને કે'જો.  રીલ...

નવરત્ન દર્દીઓની શૌર્ય કથાઓ

દરેક વ્યવસાયમાં કેટલાક એવા લોકો સાથે સામનો થાય છે જ્યાં તમારું લોજીક અને વિનમ્રતા પાણી ભરતી હોય છે. કોઇપણ પ્રકારે આવા જીવો તમને તમારી કાર્યશૈલી છોડવા મજબૂર કરીને મગજના તાર છંછેડી દેતા હોય છે. મારા કિસ્સામાં આજકાલ અનુભવેલા કેટલાક કાયમી ઉદાહરણો આપની સમક્ષ રજૂ કરું છું.  ઘણી બધી કાપકૂપ મૂકીને છેલ્લે આ નવરત્ન તમારી સાથે વાગોળવા મૂકું છું પણ એ પહેલા એક ડિસક્લેમર આપી દઉં. આ નવેનવ પ્રકારના રત્નો જરાય કાલ્પનિક નથી અને એક એક રત્ન સાથે ઘણા બધા લોકોનો સંબંધ હોઈ શકે. તો આને માત્ર સંયોગ ન સમજવો પણ જાણીજોઈને કરેલ રજૂઆત જ સમજવી. રજૂઆત હળવી જરૂર છે પણ ગંભીરતાથી લેવી.  કેટલાક દર્દીઓના એવા વાણી વર્તનના નમૂનાઓ કે જેનાથી તમારી અંતર આત્મા ત્રાહીમામ પોકારી ઊઠે. 1. જ્યારે માવો ચોળતા ચોળતા દર્દી પૂછી લે કે ભાઈ આ દવા ખાવાથી ગરમ તો નહીં લાગે ને? ગયા વખતે દવા ખાધી તો પેટમાં ગડબડ થઈ ગઈ હતી અને મોઢામાં ચાંદા પડ્યા હતા! આ તો એવી વાત થઈ કે આત્મહત્યા કરવા માટે છરી લઈને હાથની નસ કાપવી છે પણ હાથ પર કટ મૂકતી વખતે ઇન્ફેક્શન ન લાગે એટલે છરીને પહેલા સ્ટરિલાઇઝ કરીને જંતુમુક્ત કરી લઉં. મારા માવાથી ભલે મોઢું ખદબદતું ...