સોશિયલ મિડીયાનો ત્યાગ કરવો એ કોઈ ભીષ્મ પ્રતિજ્ઞા જેટલું અઘરું નથી. વળી, ત્યાગ કરવાથી તમે કોઈ સંત બની જશો એવું પણ નથી. સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવો એ સંસારમાંથી સંન્યાસ લેવા જેવું કપરું કામ નથી. આમ છતાં જો તમે સોશિયલ મીડિયા છોડી દો છો અને ત્યારબાદ તમને વીથડ્રોઅલ સિન્ડ્રોમની કિક લાગે તો સમજી લેવું કે સાલું આ તો સંસાર છોડવા જેવું કપરું કામ હતું!
ડિજિટલ દુનિયામાં સોશિયલ મીડિયા હવે એક અનિવાર્ય ઓળખપત્ર બનતું જાય છે. જો તમે સોશિયલ મિડીયા પર નથી તો લોકો તમને શંકાની નજરે જોઈ શકે છે. ઘણીવાર તો એવું પણ વિચારી શકે કે તમે પોતાના નામે નહી પણ કોઈ એન્જલ કે પ્રિયાના નામે સોશિયલ મીડિયા પર અગ્નાતવાસ ભોગવી રહ્યા હો.
આ બધા આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક મહત્વના સોશિયલ મીડિયાના અમુક ઘાતક હથિયારો વિશે જાણીએ.
અલ્ગોરિધમ
સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એટલે કાબુ બહારની વાત. જેણે પણ આ અલ્ગોરિધમ ડિઝાઇન કર્યું હશે એ મગજનો મહાનતમ જાણકાર ગણાય. એક જ વાત વિશે વિચારતા વિચારતા તેને લગત બીજી વાત પર તમે કઈ રીતે પહોંચી જાઓ છો તે તમને પણ ખ્યાલ રહેતો નથી.
તમે બેઠા બેઠા ખાલી એક પ્રયોગ કરજો. કોઈ એક વ્યક્તિ કે પ્રસંગ વિશે વિચારશો તો તરત જ બીજી સેકન્ડે તે વ્યક્તિ કે પ્રસંગ સાથે જોડાયેલ બીજી વ્યક્તિ કે પ્રસંગ પણ મગજમાં તરવરશે. જેવી રીતે કોઈ એક શબ્દ સર્ચ કરો અને એ શબ્દ સાથે જોડાયેલ તમામ ફાઇલ ડિસ્પ્લે થાય એ જ રીતે મગજના કોઈ એક વિચાર સાથે બીજા હજારો વિચારો અને યાદો મગજની અગણિત મેમરીમાં સાયનેપ્સ વચ્ચે જોડાયેલા હોય છે. આ સાયનેપ્સને છંછેડવામાં આવે એટલે એક પછી એક તાણાવાણા ખૂલતાં જાય છે અને જે વિચારવા બેઠાં હો તેને બદલે તેની ભળતી જેનરના અલગ અલગ વિચારોમાંથી પસાર થઈને ક્યારે તમે તમારા વિચારોની જેનર જ બદલી નાખો છો તેનો ખ્યાલ રહેતો નથી. બસ આ જ સિદ્ધાંત પર કામ કરે છે સોશિયલ મિડિયા અલ્ગોરિધમ.
શું તમે ક્યારેય સોશિયલ મીડિયા પર કંઇ સર્ચ કરો છો? સર્ચ કર્યા પછી તમારે જે જોવું હતું એ જ જુઓ છો કે પીરસાયેલું બધું જ જોઈ નાખવું પડે છે? મોટાભાગે પીરસાયેલું બધું જ આપણે ફેંદતા રહીએ છીએ. આવી રીતે આપણી જેનર કે ટેસ્ટ કેવી રીતે બદલાઈ ગયો તેની જાણ સુદ્ધાં રહેતી નથી. પરિણામે આપણે આપણી જે જિગ્નાસા સંતોષવા મનમાં આકાર પામેલા ઓર્ગેનિક વિચારોને આ મીડિયાના સર્ચબારમાં સર્ચ કરતાની સાથે જ આપણે રેડીમેઇડ પીરસાયેલા કન્ટેન્ટમાં ખોવાઈ જઈએ છીએ.
ટ્રોલિંગ અને એન્ગેજમેન્ટ
સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ જેટલું ઘાતક છે તેટલું જ તેને યુઝ કરનારા યુઝર્સની ટોક્સિસિટી પણ ખતરનાક બનતી જાય છે. કોઈ પણ કન્ટેન્ટની નીચે તેના ભાવપ્રતિભાવમાં મગજની ન્યૂનતમ કક્ષાએ પહોંચેલા ઉદાહરણો કમેન્ટ સ્વરૂપે જોવા મળે છે. હવે તો આ ટોક્સિક કમેન્ટ્સની હદ પણ એટલી પાર થઈ ગઈ છે કે આવા ટ્રોલ્સ પણ આપણને સામાન્ય લાગવા માંડે છે અને કન્ટેન્ટની સાથે સાથે આવા ટ્રોલને પણ કમેન્ટબોક્સ વાંચી વાંચીને એન્જોય કરવા માંડ્યા છીએ.
જ્યારે કોઈ નેગેટિવ કમેન્ટ કરીને કન્ટેન્ટ પર કુલ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે ટ્રોલરની સાથે સાથે તે ટ્રોલ કમેન્ટને રીએકશન આપવા વાળા લોકો પણ પોતાની એનર્જીનો મહત્વનો ભાગ બર્ન કરીને પોતાની માનસિકતાને છતી કરે છે.
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં ફેસ ટુ ફેસ કંઇ કહેવું નથી પડતું. મતલબ કે આ રણભૂમિમાં તમારે શારીરિક રીતે કાંઇ જ ગુમાવવું પડતું નથી એવી માન્યતાને કારણે કાયર લોકો ટાઈપિંગના થપેડા મારતા ફરે છે. પરંતુ હકીકતમાં આ કાયર લોકો એ નથી જાણતા કે આ ટ્રોલિંગ કરવાથી તેનું પોતાનું મગજ કોઈ ગંદકીથી ખદબદી રહ્યું હોય છે. આ ગંદકી પણ તેના મગજમાં આ સોશિયલ મીડિયા પરથી ભાડાપેટે લીધેલી જ હોય છે. જી હા, તેને ભાડાપેટે જ કહેવાય કારણ કે આ ગંદકીનું ભાડું તમારે લાંબા ગાળે કથળતી મેન્ટલ હેલ્થ સ્વરૂપે ચૂકવવું પડતું હોય છે.
એવું નથી કે ફક્ત ટ્રોલિંગ જ અસર કરે છે. ક્યારેક જરૂર કરતા વધારે પ્રસંશા પણ રાતોરાત કોઈ વ્યક્તિને વાયરલ કરી દે છે. પણ હકીકતે એ વાયરલ કન્ટેન્ટ પાછળ કંઈ ખાસ પ્રયોજન હોતું નથી. આવી વાયરલ થયેલી વ્યક્તિ થોડા જ સમયમાં ઝડપથી ભુલાઈ જાય છે ત્યારે તે ટૂંક સમયનું સ્ટારડમ ભોગવેલ વ્યક્તિની માનસિક સ્થિતિ પણ પરીક્ષામાં ફેલ થયેલ વિધાર્થી જેવી થઈ જાય છે. કેટલાય ઈન્ફ્લુએન્સર ફોલોઅર્સ અને લાઈક કમેન્ટની લ્હાયમાં ખપી ગયા તેના સમાચારો તો છાશવારે આપણે જોઈએ જ છીએ.
ન્યૂઝ વોચ
સોશિયલ મીડિયા યુઝ કરવાનો કોઈ મુખ્ય હેતુ હોય તો એ છે દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણવું. પણ તેના માટે તો ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ એપ્સ છે, વર્તમાનપત્રો છે. હા, એ બધું છે ખરું પણ ન્યૂઝ વાંચ્યા પછી તેનો બળાપો કાઢવાનું કે એની સામે રિએક્ટ કરવાનું એકમાત્ર સાધન તો સોશિયલ મીડિયા જ છે ને!
આ ન્યૂઝ સામે ઓપિનીયન આપવો, એ ન્યૂઝ પર સમ્યક વિચારો ધરાવતા કમેન્ટબાજોની કમેન્ટ્સને વધાવવી કે પછી વિરુદ્ધ વિચારોવાળી કમેન્ટ્સ પર લાલ આંખ કરેલું ઇમોજી ઠાલવવું. આ બધું તો સોશિયલ મીડિયા પર જ થાય છે ને!
કોઈ ન્યૂઝ પર ઓપિનીયન તર્ક સાથે રજૂ કરવો એ કંઇ ખોટું નથી પણ પછી એ તર્કના પડછાયામાં એ માહિતી કે સમાચાર સાઇડલાઇન થઈ જાય છે અને બીજા જ નવા વાકયુદ્ધ જામી પડે છે જે ન્યૂઝને જ ટોક્સિક બનાવી દે છે. એટલે જો ફક્ત ન્યૂઝના બહાને સોશિયલ મિડિયા પર પડ્યા પાધર્યા રહેતા હો તો તેના માટે બીજા પણ ઘણાં વિકલ્પો છે.
ફ્રેન્ડ વોચ
સોશિયલ મીડિયા સાથે જોડાવાનો બીજો એક હેતુ મિત્રો સાથે જોડાવાનું માનીએ છીએ. આપણા મિત્રો અને આસપાસના લોકોની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના પર સીસીટીવી નજર રાખવા માટેનું સાધન એટલે સોશિયલ મિડિયા !
ક્યાંક જો હું સોશિયલ મીડિયા નહી વાપરું તો મારા મિત્રો કે સગા સંબંધીઓની દરરોજની જિંદગીમાં શું થઈ રહ્યું છે તેની મને ખબર નહીં રહે તો? એ જે ભાડાનાં ક્વોટ્સ મૂકે છે તેના પરથી તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેનું હું અનુમાન નહીં લગાવી શકું તો? આવા FOMO (Fear of Missing Out)ના કારણે ઘણાં દિવસ રાત સોશિયલ મીડિયા સાથે ચિટકેલા રહે છે. આવી રીતે અજાણતાં જ બીજાના જીવનમાં કારણ વગરનું ડોકિયું કરીને પોતાના જીવનની માનસિક શાંતિ હણી રહ્યા છે. સમજી લો કે પહેલા જે ગામના પાદરે બેસીને કે ઘરના ઓટલે બેસીને પારકી પંચાત થતી એ હવે સોશિયલ મીડિયા સ્ટેટ્સ કે પોસ્ટ વડે ડિજિટલ પંચાતમાં પરિવર્તિત થઈ ગઈ છે!
સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણે કરવો જોઈએ?
સોશિયલ મીડિયાનો ઉપયોગ ન જ કરવો જોઈએ એવું આ જમાનામાં કહેવું મુશ્કેલ છે. પણ અમુક કિસ્સામાં સોશિયલ મીડિયા જરૂરી બની જાય છે.
જો તમે કોઈ એવો બિઝનેસ ચલાવો છો જેનો ઓનલાઇન માર્કેટિંગથી ફાયદો થઈ શકે એમ હોય. તમારા બિઝનેસના પ્રચાર પ્રસાર અને વિસ્તાર માટે બિઝનેસ ઓરિએન્ટેડ પોસ્ટ માટે સોશિયલ મિડિયા હંમેશા પહેલી પ્રાયોરીટી છે.
જો તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર છો અને નિયમિત રીતે બીજાને મદદરૂપ થઈ શકે એવું કોઈ કન્ટેન્ટ આપી શકો એમ છો તો સોશિયલ મીડિયા તમારું પ્રથમ ઠેકાણું હોવું જોઈએ. પણ અહીં કન્ટેન્ટના પ્રકાર પર પણ ઘણા 'જો અને તો' હોઈ શકે જેમાં વિવેકબુદ્ધિ વાપરવી જરૂરી છે.
જો તમે આ બે મુદ્દા સિવાય પણ સોશિયલ મીડિયા પર હયાત છો તો તમે ઝુકરુ ભાઈ અને મસ્કાબુન જેવા મોટા માથાના કન્ઝ્યુમર છો. એટલે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરી રહ્યા પણ સોશિયલ મિડિયા તમારો ઉપયોગ કરી રહ્યું છે.
જો તમે સોશિયલ મીડિયા છોડીને તે સમયને બીજા કોઈ કામ માટે ઉપયોગમાં લઈ શકો એમ છો તો ખુશી ખુશી સોશિયલ મીડિયા આજે જ છોડી દો. પણ જો તમારે સોશિયલ મીડિયાને બીજી કોઈ ગેમિંગ એપ્સથી કે યુટ્યુબના શોર્ટ્સથી જ રિપ્લેસ કરવાની હોય તો સોશિયલ મીડિયા છોડવાનો કોઈ મતલબ નથી જે છે એ શરૂ રાખો.
મેં સોશિયલ મીડિયા શા માટે છોડ્યું?
જી હા વોટ્સએપ અને યુટ્યુબ પણ સોશિયલ મીડિયા જ છે જેને હું કન્ટેન્ટ એપને બદલે કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એપ તરીકે વાપરું છું એટલે એ દ્રષ્ટિએ સોશિયલ મીડિયા મેં સો ટકા છોડી દીધું એવું ટેકનિકલી કહી શકું નહીં. પણ બાકી રહેલા તમામ સોશિયલ મીડિયા એપ્સ પરથી રાજીનામું આપ્યાને બે વર્ષ થયા જેમાં ઘણી શાંતિનો અહેસાસ થાય છે.
શરૂઆતમાં વિથડ્રોઅલ સિન્ડ્રોમ આવતા. જેમ કે ખાલી પડેલા સમયમાં શું કરવું એ સમજવું અઘરું હતું. મેં જ્યાં સુધી એ સમયનો સદુપયોગ શરૂ ન કર્યો ત્યાં સુધી એ સમયને ઊંઘમાં પરિવર્તિત કરી દીધો અને ત્યારબાદ ધીમે ધીમે બાયોલોજિકલ કલોક સેટ થઈ. અવનવું વાંચન, યુટ્યુબ પર લોંગ ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ, પોડકાસ્ટ અને ઓડિયોબૂક વડે આ ખાલી પડેલ સમયનું મારી બાયોલોજિકલ કલોક સાથે સંધાન થયું.
પણ મારે છોડવું શા માટે પડ્યું એ જાણવાની તમારી પર્સનલ ઈચ્છા હોય તો આ બ્લોગ ફરીથી શરૂઆતથી વાંચો.
અલગોરિધમે મને ભટકાવી ભટકાવીને માનસિક મૂર્છિત કરી દીધો હતો. પ્રાઈવસી પણ મારી એક ચિંતા હતી. સોશિયલ મીડિયા જાણે મારા અંગત જીવનમાં ડોકિયું કરીને મારા માટે ટાઇમલાઇન ફીડ કરવા લાગતું હોય એવું લાગ્યું. કઠપૂતળી બનતા પહેલા જ આ કઠપૂતળીની દોરીઓ તોડવી જરૂરી હતી.
ટ્રોલિંગમાં તો એવી હથોટી આવી ગઈ હતી કે શરૂ શરૂમાં તો મને શબ્દબાણ છોડવા બહુ જ વ્હાલા લાગતા હતા પણ ક્યારેક કેટલાક સામે આવતા તીર મારી આસ્થા, મારી માન્યતા અને મારા વિચારોને પણ ચીરી નાખીને મને વધુ મોટો કાયર ટ્રોલર બનાવી રહ્યા હતા જે વિષચક્રમાંથી મુક્ત થવું જરૂરી હતું.
ન્યૂઝના નામે ખોટા સમાચારોમાં મગજની ઊર્જાનો બગાડ અને કહેવાતા સ્ટિંગના નામે લોકોના એકતરફી વિડિઓ ઉતારીને સોશિયલ મીડિયામાં લાઈક કમેન્ટની લ્હાણી મેળવવાની ઘેલછાએ આ મીડિયા દ્વારા મળતી સમાચારો અને માહિતી પરથી મારો વિશ્વાસ ઉડાવી દીધો. આજે પણ ન્યૂઝ માટે સૌથી વિશ્વાસપત્ર ફક્ત પ્રિન્ટ મીડિયા જ રહ્યું છે.
અને રહી વાત મિત્રોની તો ફોનમાં કોન્ટેક્ટ લિસ્ટ બહુ જ મોટું છે. ક્યારેક મેસેજથી તો ક્યારેક કોલથી હાલ ચાલ મળી જ રહ્યા છે. ઊલટાનો વધુ સારી રીતે સંપર્ક સેતુ સ્થપાઈ રહ્યો છે. લાઈકના વાટકી વ્યવહારના બદલે વૈચારિક સામ્યતાઓને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. જો આ બધું છે તો મિત્રોના નામે સોશિયલ મિડિયા પર પડ્યા પધાર્યા રહેવાનું કોઈ કારણ નથી મારી પાસે. ક્વોન્ટિટી ભલે ઓછી છે આ પ્લેટફોર્મની સરખામણીએ પણ કવોલિટીમાં કાંઇ ના ઘટે!
સોશિયલ મીડિયાના મુખ્ય ટ્રિગર કે ટાર્ગેટ એવા ડોપામાઇનની વાત કરીએ તો હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ મારા ડોપામાઇન લેવલને નાચતું કરી દે છે એટલે કે રજિસ્ટન્ટ રીસેપ્ટર્સ ફરી પાછા સેન્સિટિવ થઈ ગયા છે!
સુપર ઓવર:
એક વણમાંગી સલાહ આપુ છું. સોશિયલ મીડિયા મૂકો કે ના મૂકો પણ તમારા અંગત જીવનને ઝુકરુ અને મસ્કુ જેવા ડાકુઓના હાથમાં આપતા પહેલા સાવચેતી રાખજો.






Comments
Post a Comment