પશ્ચિમની પરંપરા તો જુઓ. દરેક સંબધો માટે વર્ષમાં એક એક દિવસની જોગવાઈ કરી છે. આજે વોટ્સ એપ ખોલ્યું તો ફ્રેન્ડશિપ ડે હોય એવું લાગ્યુ.
ના, ના, એવું ન સમજતા કે આવા દિવસોને પશ્ચિમના નામે બાકાઝિકી કરીને આવા દિવસોનું કાસળ કાઢી નાખવા માટે હું આહ્વાન કરી રહ્યો છું. આ દિવસો ઉજવવામાં કંઇ ખોટું નથી. આમ પણ આ બધી દિવસોની ઉજવણી આપણી પાસેથી જ તો શીખ્યા છે આ ભૂરિયાઓ. આપણે દરરોજ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્યદેવો ભવ જેવા શિષ્ટાચાર અને સંસ્કારો આપણા બાળકોને શીખવી રહ્યા છીએ(છીએ?) એવા જ સંસ્કારોની ફર્સ્ટ કોપી સ્વરૂપે આ લોકો વર્ષનો એકાદ દિવસ નક્કી કરીને તેને રિસ્પેક્ટ આપે છે. ભલે એક તો એક દિવસ પણ આવા સંબધો સમજતા થયા એ ઘણું કહેવાય.પણ આ ઉજવણી આપણે આપણો પોતીકો દરરોજનો શિષ્ટાચાર મૂકીને તો ન જ કરાય.
જવા દો. આવી બધી વણમાંગી અને જગજાહેર સલાહો વાંચવાનો તમને સમય નથી. એટલે એક નવી વાત કરવી છે. આપણે આ ડે તો ઉજવવા માંડ્યા પણ આપણા સંસ્કારો એટલા યુનિવર્સલ છે કે આ વર્ષે એકવાર આવતા જુદા જુદા ડે નું પણ આપણે ઊંધિયું કરી દીધું છે.
ના સમજ્યા? જુઓ સમજાવું.
જ્યારે મધર્સ ડે હોય ત્યારે પોતાની માંની સાથે સાથે સાસુને પણ સ્ટેટ્સમાં સ્થાન મળતું થયું છે.(સ્થાન આપવું પડે છે?) વળી બીજી કોઈ ફોઈ, માસી કે મામી, કાકી વ્હાલી લાગતી હોય તો તેને પણ આ મધર્સ ડે પર ડીજીટલી યાદ કરવામાં આવે છે. ફાધર્સ ડે માં પણ એમ જ હોય છે. ફાધર્સ સાથે સાથે બીજા વડીલોને પણ પિતૃ સમકક્ષ ગણીને યાદ કરવામાં આવે છે.
હવે આપણે ટીચર્સ ડે પર જઈએ તો આ દિવસે વેરાયટી ઓફ ટિચર્સ જોવા મળશે. પણ સાથે સાથે આધ્યાત્મિક ગુરુને પણ આ દિવસે યાદ કરી લેવાય છે. એ જ રીતે ગુરુ પૂર્ણિમા પર આધ્યાત્મિક ગુરુની સાથે સાથે કેટલાક ટીચર્સ તો કેટલાક વડીલોને પણ યાદ કરી લેવાય છે. દત્તાત્રેય ભગવાનનું નામ સાંભળ્યું જ હશે. તેના ગુરુઓનું લિસ્ટ જુઓ તો સમજાશે કે આ ઉદાર પરંપરા ભારતમાં હજારો વર્ષોથી વ્યાપ્ત છે.
આવી જ રીતે પર્યાવરણ દિવસ અને પૃથ્વી દિવસ જેવા દિવસોના પણ પશ્ચિમમાં બહુ ઢોલ પીટવામાં આવે છે. જો કે આપણા દિવસની શરૂઆત જ તુલસી પૂજા દ્વારા થાય છે અને ઊઠતાં વેંત જ 'સમુદ્રવસને દેવી...' શ્લોક દ્વારા ધરતી માં ને આપણો વજન ઊંચકવાનો પણ આભાર પ્રગટ કરીએ છીએ એટલે કે પર્યાવરણ અને પ્રકૃતિને આપણે દરરોજની દિનચર્યામાં જ આવરી લીધા છે. આમ છતાં આ બોનસ દિવસો ઉજવવામાં કંઇ ખોટું નથી.
આવું જ ફ્રેન્ડશીપ દિવસનું છે. આજે મિત્રોની સાથે મિત્રો જેવા ભાઈઓ બહેનોને પણ યાદ કરાય છે અને મિત્રો જેવા વડીલો પણ આ લિસ્ટમાં સ્થાન પામી શકે. આવી જ રીતે આપણો રક્ષાબંધન અને એ ભૂરા લોકોનો બ્રધર્સ ડે અને સિસ્ટર્સ ડે. આ સિવાય હવે તો ક્ઝીન્સ ડે પણ અલગથી નીકળ્યો છે એવું સંભળાય છે.
આ આખી રામાયણ બાદ તમે કહેશો કે
આખીર કહેના કયા ચાહતે હો?
...તો કહેવાનું એટલું જ કે આપણી સંસ્કૃતિ અને લોહીમાં જ આ સંબંધો અને પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વણાયેલું છે. તમે તેને કોઈ એક દિવસ કે એક વ્યક્તિપાત્રમાં બાંધી શકશો નહીં. દરેક વ્યક્તિ માટે એ પાત્ર જુદુ જુદુ હોય શકે. આને જ તો ભારતની વિવિધતાવાળી સંસ્કૃતિ કહી છે, જે પોતાની સંસ્કૃતિમાંથી કોપી કરેલા સામાજિક મૂલ્યોને પશ્ચિમી દિવસો તરીકે પણ સ્વીકારીને ફરી પાછા પોતાના મૂળ ભાવોને ખુલીને વ્યક્ત કરે છે. જરૂર છે બસ આપણી મૂળ કૃતજ્ઞતાવાળી વિચારધારાને વળગી રહેવાનું અને બને તો આ કૃતજ્ઞતાને દરરોજ વ્યક્ત કરીને આવા દિવસોને બોનસ તરીકે ઉજવીએ.
આ બધા વચ્ચે તમે કહેશો કે ભાઈ વિમેન્સ ડે અને મેન્સ ડે તો ભૂલી ગયો. અરે પણ આપણે ક્યારેય બંનેને અલગ અલગ માન્યા જ નથી. આ તો ફેમિનીઝમની પેદાશમાંથી નીકળેલી ગંદકીઓ છે. જો તમે તમારી માતા અને બહેનો સાથે ભાઈ અને પિતાને પણ આદર આપો છો તો હવે તેને સ્ત્રી કે પુરુષ જાતિમાં અલગ રીતે વર્ગીકૃત કરીને ઉજવણીના નામે હો હો દેકારો કરવાની કે વૈમનસ્ય ઊભું કરવાની જરૂર નથી. છતાં પણ જો વિમેન્સ ડે મનાવવો જ હોય તો એ ઓછામાં ઓછા નવ દિવસ નવરાત્રી સ્વરૂપે મનાવવો પડે, નારીના તમામ સામાજિક સંબંધો રૂપી સ્વરૂપોને એક તાંતણે નમન કરીને. ફેમિનીઝમ એક ઇન્ડસ્ટ્રીયલ કોન્સેપ્ટ છે એવું હું માનું છું. આ બધા દિવસોમાં હું પેલા ફેબ્રુઆરીમાં આવતા દિવસોને જરાય સ્થાન આપતો નથી. ફેબ્રુઆરીમાં આવતા ચોકલેટ, ટેડી, વેલેન્ટાઇન જેવા વાહિયાત દિવસો પણ એક બિઝનેસ મોડલના જ બાયપ્રોડક્ટ છે. સમજાય તેને વંદન. ન સમજાય તેને અભિનંદન.
સુપર ઓવર: વેલેન્ટાઇન ડે પર તમારા જુદા જુદા પ્રેમ પાત્રોની વિવિધતા ડીજીટલી સોશિયલ મીડિયા પર બતાવો તો જાણું!

Comments
Post a Comment