#KeralaElephantMurder આ હેશટેગ અને આવા બીજા ઘણા હેશટેગ છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય સ્તરે ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ પોતે જ એટલો તકલાદી શબ્દ છે કે તેની શરૂઆત સાથે જ તેનો અંત પણ નક્કી જ હોય છે. ટેમ્પરરી વૈરાગ્ય, ટેમ્પરરી ગુસ્સો અને ટેમ્પરરી લોકજુવાળ આ ડિજિટલ દુનિયામાં તરત આંખે ઉડીને સામે આવે છે. થોડાક દિવસ ધૂમ મચાવે છે અને પછી તો ક્યાં સ્વાહા થઈ જાય છે કે શોધ્યા પણ જડતા નથી. આજે પણ આપણે એવા જ એક લોકજુવાળના સાક્ષી બની રહ્યા છીએ.
વોટ્સએપના સ્ટેટ્સમાં મુકેલ વિચાર પણ ફક્ત ચોવીસ કલાકની જ વેલીડિટી ધરાવે છે, ત્યારબાદ ફરીથી એ વિચારને પ્રાણ ફૂંકવા પડે છે. આવું જ આપણા ક્ષણિક આવેશનું છે. જ્યારે લાગણીઓ કાબુ બહાર જાય એટલે સૌથી સરળ રસ્તે તેને વહેતી કરવા એક ઓનલાઈન બેસણું શરૂ થાય છે. જીવહિંસા એ કોઈ નવી બાબત નથી, દરરોજ નાના મોટા પ્રાણીઓ અને પંખીઓ માનવજાતની માવજતમાં કપાઈ મરે છે, પણ આ તો એક મહાકાય પ્રાણી નજરે આવ્યું અને તેમાં પણ તે હાથણીના પેટમાં ધબકારા લેતું તેનું મૃતબાળ નજરે ચડે એટલે પથ્થર દિલમાં થોડી ઝણઝણાટી આવે જ. પણ આખરે તો થોડા દિવસ દિલસોજીની થોડી વાતો થશે, થોડીક મીણબત્તીઓમાંથી મીણ ટપકશે અને પછી ફરીથી આપણે વધેલી મીણબત્તીઓ બીજા આવા દુઃખદ પ્રસંગો માટે સાચવીને મૂકી દેશું.
નાના બાળકોને ઘણીવાર દિવાળી પર કુતરાની પૂંછડીમાં ફટાકડા બાંધીને તેની મજા લેતા જોયા છે. પણ ત્યારે એ મનોરંજન એટલું ગંભીર ના લાગ્યું. મોટાભાગના રાજ્યોમાં ખેડૂતો જીવંત વિજળીના તાર ખેતર ફરતે પાથરીને પોતાના પાકનું પ્રાણીઓથી રક્ષણ કરે છે. આ કિસ્સામાં પણ ઘણા પ્રાણીઓ ભોગ બન્યા છે, તો શુ ખેડૂતો પોતાના ખેતરો ખુલ્લા મૂકી દે આવા પશુઓ માટે? જીવનનિર્વાહ ની વાત સામે તમે અહિંસાની વાત મુકશો તો તરત જ માછીમારી કરતા લોકો નજર સામે આવશે. આ લોકો શું કરી રહ્યા છે? શું તેમની પાસે આ જીવનનિર્વાહ સિવાયના ઉપયુક્ત રસ્તાઓ છે કે જે અપનાવી શકાય? ના, જ્યાં સુધી માનવ પોતે જ આ પ્રકૃતિના અંશોને પોતાના માટે ભોગ્ય સમજે છે ત્યાં સુધી તો આ બધી વાતો બેકાર છે.
હિંદુ સંસ્કૃતિમાં મોટા ભાગના પ્રાણી પશુઓને જુદા જુદા દેવી દેવતાઓના વાહન તરીકે જોડીને તેનો આદર કરવાનો એક રસ્તો માનવજાતને બતાવવા પ્રયત્ન થયો છે. કેટલાક પશુઓને તો ભગવાન માનીને તેની સીધી પૂજા કરવાની પ્રથા પણ આવા જ સંસ્કારોમાંથી અવતરી છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું નાનકડું ગામ ચુડવા એ મારુ મોસાળ, ત્યાં વર્ષોથી શ્રદ્ધાપૂર્વક હાથણી માતાની પૂજા થાય છે અને તેની વિશાળ મૂર્તિ પણ પ્રતિષ્ઠિત કરી છે.
આવો જ આદર રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના ઘોડા ચેતકને તેની સમાધિ સાથે મળ્યો છે તો કચ્છમાં મેકરણ દાદાના લાલીયા ગધેડા અને મોતિયા કૂતરાની સમાધિ પણ આપણો પશુપ્રેમ પ્રદર્શિત કરે છે. પણ શું આવા સંસ્કારોને આપણે ગર્વ સાથે આજે ગળે વળગાળી શકીએ એટલા લાયક છીએ? શુ આપણે આ સંસ્કારોને ક્યાંય પાછળ છોડીને તો નથી આવ્યા ને? તહેવારોના આનંદ અને ઉન્માદમાં ચડાવાતી બકરાઓની બલી કે પછી ભુવાઓના પાખંડી ઉપચારોમાં નિર્દોષ પશુ પંખીઓના બલિદાનમાં પોતાનું ભાગ્ય શોધતા મૂર્ખ માણસ માટે એવો જ શ્રાપ નીકળે કે આવી માનવજાતને કોરોના જેવી કે તેનાથી પણ ભયંકર મહામારી જ ખપે.અશ્વેતો સામેની રંગભેદની નીતિનો વિરોધ શું આજકાલનો છે? પેઢીઓની પેઢીઓ આખી દુનિયામાં આ વિચાર અર્થે ખપી ગઈ પણ વત્તે ઓછે આ વિચાર હજુ ક્યાંય દિલના ખૂણેથી ઓગળ્યો નથી એ વાત આપણે અત્યારે અમેરિકામાં બનેલા જ્યોર્જ ફ્લોયડના અહિંસક બનાવો પરથી લાગે છે. જે દેશમાં અશ્વેત પ્રેસિડેન્ટ દસ વર્ષ સુધી આદર્શ રીતે પોતાનો કાર્યકાળ પૂરો કરે એવા ગૌરવવંતા દેશમાં ફરીથી હતા ત્યાં ને ત્યાં જ ના પ્રશ્નો સામે આવે એ શું સૂચવે છે? એ બસ એક જ વાત સૂચવે છે કે કોઈ પણ પરિવર્તન તકલાદી હોય છે. થોડા સમય બાદ બધું હતું તેમ નું તેમ જ રહે છે. માનવસહજ દુર્ગુણ કહો કે માનવને કૂતરાની પૂંછડી કહો, ફરક કઈ નથી.
ગાંધીજીના મતે મનમાં બીજા માટે હિંસક વિચાર કરવો એ પણ એક હિંસા જ છે. પણ આવી પ્રો-અહિંસા ના લેવલથી આપણે હજુ ઘણા દૂર છીએ તો તેના માટે વિચારવું પણ હાસ્યાસ્પદ થશે. જૈન ધર્મનો ઉડીને આંખે વળગે એવો કોઈ વિચાર હોય તો એ અહિંસા છે. બીજા ધર્મોમાં પણ દરેક જીવોનો આદર કરવાની વાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કહેવામાં આવી જ છે. પણ આપણે આ દરેક વાતોને આપણા કુતર્કોથી હરાવીને આપણું ધાર્યું જ કરીયે છીએ. માંસાહારથી પીડાતો માણસ ફક્ત આવી વાતો જ કરી શકે અને ટ્રેન્ડ ચલાવી શકે. આવેશમાં આવીને કદાચ બે દિવસ ચીકનને હાથ ના પણ લગાવે પણ છેલ્લે સહનશક્તિની હદ આવશે એટલે આમલેટથી કામ ચલાવતો થઈ જશે. થોડા મહિનાઓ પહેલા હૈદરાબાદમાં વેટરનરી ડોકટર પર થયેલ ગેંગરેપ બાદ જુવાળ ફાટી નીકળેલો. થોડા જ દિવસોમાં એન્કાઉન્ટર દ્વારા એ જુવાળને શાંત કરવાનો પ્રયત્ન થયો. પણ શું ત્યારબાદ કોઈ રેપ થયો જ નથી અને થયો તો પછી દરેક રેપ ટ્રેન્ડ પર કેમ નથી આવતો? સમસ્યાઓને પણ હવે આપણે ચૂંટી ચૂંટીને સ્વીકારતા થયા છીએ. ટોળાંને જે ગમ્યું એ ન્યાય, ટોળાંને જે દુખ્યું એ દર્દ અને ટોળાંને જે ચુભ્યું એ કાંટો. અહીં એક જ વહેણમાં બધું ધોવાઈ જાય છે અને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં જ.
સુપર ઓવર: એક દેશભક્ત યુવાને પોતાના રેડમી મોબાઈલ ફોનમાંથી ચાઈનીઝ એપ્સ ઓળખીને દૂર કરતી એક એપ ચલાવીને ચાઈનીઝ એપ્સથી સ્વચ્છ ફોનનો સ્ક્રીનશોટ સોસીયલ મીડિયામાં મુક્યો. નીચે આજકાલ ચાલતો ટ્રેન્ડ હેશટેગ કરીને મુક્યો. #BoycottChina
So true.. 👌👍
ReplyDeleteThanks for your feedback.
ReplyDelete