Skip to main content

મને તો કોરોના થઈ ગયો...


"એલી તારા ઘરમાં ય કોરોના આઇવો?"

"હા..બેન. તમારા ભાઈને ય થ્યો."

"બેન ઇ સારું.. વેલાસર નવરા થઈ ગ્યા એમ સમજી લેવાનું. હવે પાડોશવાળા ભલે બીવે."


આવો સંવાદ મેં સાંભળેલો છે એટલે લખ્યો પણ મોટાભાગના લોકો અને પાડોશીઓ આવું જ વિચારે છે કારણકે મોટા ભાગના લોકોને કોરોના ઘરમાં જ મટી ગયો છે અને હોસ્પિટલના બિછાને નથી જાવું પડ્યું એટલે કોરોનાને મજાક સમજી રહ્યા છે.


ઉપરોક્ત સંવાદ ઉપરથી બીજી એક વાત નોટિસ પણ કરવા જેવી છે જેના મૂળમાં જ કોરોનાના ફેલાવાની હકીકત ઉડીને આંખે વળગે એમ છે. એ મુદ્દો છે સ્વાર્થનો. લોકો જો ખરેખર કાળજી રાખતા જ હોત તો આ નોબત જ ન આવી હોત. ક્યારેક ગાફેલાઈમાં તો ક્યારેક જાણીજોઈને આ લોકો કોરોના ફેલાવતા હોય છે અથવા કહો કે કોરોના ફેલાય તેમાં તેને મજા પણ આવતી હોય છે.


નજીકમાં જોયેલો જ એક કિસ્સો ધ્યાનમાં આવે છે જેમાં એક સાથે એક જ ઘરનાં ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા. બે પુરુષ અને એક સ્ત્રી. બધાના લક્ષણો બે કે ત્રણ દિવસમાં જ જતા રહ્યા એટલે જાણે કે પોતે રાજા થઈ ગયા. એ બન્ને પુરુષો પોતાના ઘર પાસેના રસ્તા પર જ માવો ખાઈને થૂંકે. આ રસ્તા પરથી જ સોસાયટીના તમામ લોકો પસાર થાય પણ આ નરબંકાઓને તો બસ 'મને થઈ ગયો એટલે હું છૂટો' એવો ભાવ હોય કે પછી શરૂઆતમાં જે ધમાલ પેલા જમાતીઓએ કરી હતી એ પ્રકારની કોઈ અવળચંડાઈ હોય. બન્નેનું રિઝલ્ટ તો એક જ છે અને એ છે કોરોનાનો ફેલાવો. 


માનવસહજ દ્વેષને કારણે જ કોરોનાને વધુ હવા મળી છે એ પણ જગજાહેર છે. હવે તો કોરોનાને કર્મો સાથે જોવાની એવી ટેવ પડી ગઈ છે કે દરરોજ આવતા કેસમાં જો કોઈ જાણીતો વ્યક્તિ પોઝિટિવ આવે એટલે તરત જ 'એ તો એ જ લાગનો હતો' કહીને આપણે મનમાં જ બદલો લઈ લેતા હોઈએ છીએ. સાથે સાથે ક્યારેક આનાથી ઊલટું પણ થાય છે. આપણા મનમાં જેની છબી સમાજની સારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની હોઈ અને એ જ્યારે પોઝિટિવ આવે કે દવાખાનાને બિછાને પડે ત્યારે જુદો જ વિચાર સ્ફુરે 'આ તો બહુ સારો માણસ છે આને કોરોના કેમ થયો હશે?' આવી વાતોથી જ એ ફલિત થાય છે કે આ મહામારીનું મૂળ ફક્ત આપણી નિષ્કાળજી નથી પણ બીજો કેટલોક માનસિક કચરો પણ આના માટે જવાબદાર છે.


કોરોનાનો ઈંક્યુબેશન પિરિયડ 14 દિવસનો છે એટલે કે વાયરસ એકવાર શરીરના સંપર્કમાં આવ્યા બાદ આવતા 14 દિવસમાં ગમે ત્યારે લક્ષણો પ્રગટ કરી શકે. પણ હા, એકવાર કોરોના થઈ ગયો ત્યારબાદ લક્ષણો ગાયબ થયાના લગભગ દસ દિવસની અંદર જ કોરોના પોઝિટિવ વ્યક્તિનો વાયરલ લોડ એટલો ઓછો થઈ ગયો હોય છે કે તેના દ્વારા બીજા વ્યક્તિને ચેપ ફેલાવાની શકયતા નહિવત થઈ જાય છે. પરંતુ આ હકીકતની જાણ હોવા છતાં હવે તો માત્ર ત્રણ કે ચાર દિવસમાંજ કોરોના ગ્રસ્ત વ્યક્તિઓ માર્કેટમાં બિન્દાસ ફરતાં જોવા મળે છે જાણે કે તેને થઈ ગયો એટલે હવે તેને તકેદારી રાખવાની ફરજ પુરી થઈ ગઈ. જેમ વીજળીનો પ્લાસ્ટિક કોટેડ લાઈવ વાયર તમે અડકો તો ઝટકો લાગવાની શકયતા નહિવત છે આમ છતાં આપણે એ પ્લાસ્ટિક કોટેડ વાયરને પણ અડકવાનું ટાળીયે છીએ અને મેઈન સ્વીચ બંદ કર્યા બાદ જ તેને અડકીયે છીએ. કારણ મનમાં ડર છે કે ક્યાંક આ પ્લાસ્ટિક કોટેડ વાયર ક્યાંયથી ક્રેક હશે કે હલકી ગુણવત્તાનો હશે તો ઝટકો લાગી શકે છે. આવું જ આ કોરોનાનું છે. ખબર છે કે ભલે હજુ બે દિવસ પહેલા જ લક્ષણો ઓછા થયાં પણ હજુ કદાચ ઓછી માત્રામાં તો ઓછી માત્રામાં વાયરસ ફેલાઈ શકે છે મારા દ્વારા આવી સમજ હોવા છતાં માસ્ક જેવી સામાન્ય તકેદારી પણ લોકો રાખતા નથી. 


'મુજ વીતી તુજ વીતશે..' ને ન્યાયે આ ગ્રસ્ત જીવો જાણીજોઈને બીજાને ગ્રસ્ત કરવાની પેરવી મનના ક્યાંક ખૂણે સંઘરીને બેઠા હોય છે. વળી આ ઘરે બેઠા જે લોકોએ કોરોનાને મ્હાત આપી છે તેના માટે તો વેકસીનને લઈને પણ કોઈ ખાસ ઉત્સાહ નથી. પોતે જાણે લાઈફટાઈમ ઇમ્યુનાઇઝડ થઈ ગયા હોય એવી રીતે મૂછને વળ દેતા હોય છે. વળી કોરોનાના કારણે થતા કોમ્પ્લિકેશનમાં પણ તેમને સ્કેમ દેખાતા હોય છે કારણકે બંદા તો ઘરે બેઠા વગર મુસીબતે સાજા થઈ ગયા છે. 


પુણેમાં કોઈએ વેકસીનની આડઅસર માટે દાવો ઠોકી દીધો છે. હજુ વેકસીન આવી નથી ત્યાં જ વિઘ્નસંતોષીઓની ફોજ તૈયાર થઈ રહી છે. એવી જ રીતે હમણાં હરિયાણાના એક મંત્રીશ્રીને વેકસીનનો ટ્રાયલ ડોઝ આપ્યા બાદ તેને 15 દિવસમાં જ કોરોના નો ચેપ લાગ્યો એટલે કહેવાતા બુદ્ધિજીવીઓ ઉપડી પડયા વેકસીનની ખરાઈ પર શંકા કરવા. ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજ પર કન્સેન્ટ વગર કોઈ પર ટ્રાયલ કરી શકાય નહીં માટે આડઅસર માટે દાવો કરવો વ્યાજબી નથી જે ફક્ત લાઈમલાઈટમાં આવવા માટેનું એક પેતરું છે અને રહી વાત મંત્રીશ્રીની તો હજુ તેને ડોઝ આપ્યો એ વેકસીન હતી કે વેકસીનની અસરકારકતાની સરખામણી માટે રેન્ડમલી અમુક લોકોને આપાતો પ્લેસીબો ડોઝ હતો એ પણ આ બ્લાઇન્ડ ટ્રાયલમાં જાણવું અઘરું છે અને ધારોકે વેકસીન ડોઝ હોય તો પણ તેના અમુક સમયના અંતરે આપવાના થતા ડોઝ પુરા કરે પછી જ સંપૂર્ણ ઇમ્યુનિટી ડેવલપ થતી હોય એવું બને. આ બધી શક્યતાઓને ગોળી મારીને સીધી જ શંકાઓની સોઈને ભોંકવાનું શરૂ કરવું એ તદ્દન મૂર્ખામી છે.


આપણે પોતે શિસ્તથી દોઢસો ગાઉ દૂર છીએ ત્યારે બીજાને સૂફીયાણી સલાહો આપીને આ મહામારી સામે લડવું એ માત્ર એક ઢોંગ અને તાયફો છે જેના રાજ ના કારણ જેવા કિસ્સાઓ આજકાલ છપાઓમાં પુષ્કળ છવાયેલા છે.


સુપર ઓવર: 'બહુત તકલીફ હોતી હૈ જબ આપ યોગ્ય હો ઔર લોગ આપકી યોગ્યતા ના પહેચાને' - મહામારીને ગંભીરતાથી ન લેતા લોકોને કારણે નિરાશ થયેલા એક કોરોના વાયરસની હૈયાવરાળ.

Comments

Post a Comment

Popular posts from this blog

વાર્તા રે વાર્તા: એક જંગલ હતું.

  એક જંગલ હતું. રાજા તો સિંહ જ હોય. જંગલમાં બધા પ્રાણીઓ રાજા ના ગુણગાન કરતા કારણ કે તેને ખબર હતી કે જેટલા ગુણગાન કરીશું તેટલા રાજાના શિકાર બનવાથી બચી શકાય એમ છે. સિંહને પણ શિકારની સાથે સાથે જંગલના પ્રાણીઓના સાથની જરૂર હતી જેથી કરીને એ બીજા જંગલના રાજા વાઘ તથા નદીઓના રાજા મગરમચ્છ પાસે પોતાના જંગલના સુખી સામ્રાજ્યની મોટી મોટી વાતો કરી શકે.  પરંતુ આમ કરતા કરતા તેને લાગ્યું કે હું ખુલ્લેઆમ પ્રાણીઓનો શિકાર નહિ કરી શકું, નહિ તો સિંહની ઈમેજ બગડી શકે છે જંગલમાં. એટલે તેણે જંગલના ઝરખ ને બોલાવ્યું. ઝરખને ઑફર કરી કે આમ પણ તું વધેલો શિકાર જ ખાઈને ગુજરાન ચલાવે છે, જાતે તો સારો શિકાર કરી શકતો નથી. તેના કરતાં સારું છે કે તું દરરોજ નિયમતપણે મારી પાસે એક પ્રાણીને લઈ આવ, હું ખાઈ લઉં પછી બાકી વધે એ તમારું અને તમારે ક્યાંય દરરોજ એઠવાડ માટે આંટા પણ મારવા ન પડે. ઝરખ તો તેની ટીમ  સાથે સહમત થઈ ગયું. ઝરખ ક્યારેક સસલાંને તો ક્યારેક ગાય, ભેંસને તો ક્યારેક કૂતરા કે હરણાંને વાતોમાં પરોવીને કોઈને ખબર ના પડે એવી રીતે છુપી રીતે સિંહની ગુફામાં લઈ જાય. પછી જેવી સિંહ પોતાની મિજબાની પુરી કરે એટલે વધેલું ઝરખની ટીમને મળી જ

ક્યોંકી જેનેરીક ભી કભી બ્રાન્ડેડ થી

          માનવસહજ ગુણધર્મ આપણો એ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં સસ્તું અને સારું આ બંને વચ્ચે સમતુલન બનાવીને જ જિંદગીના મોટા ભાગના નિર્ણયો લઈએ છીએ. માત્ર ખરીદ વેચાણ જ નહીં પરંતુ હવે તો કેટલાક સંબંધો પણ આપણે આવી જ કેટેગરી નું ફિલ્ટર મારીને શોધીએ છીએ. પરંતુ જ્યારે જિંદગી અને મરણ વચ્ચે નો સવાલ આવે એટલે આપણે સૌથી મોંઘી અને ઉત્તમ નામની નવી કેટેગરી ઉભી કરીયે છીએ અને આ કેટેગેરીને જ આપણે વિશ્વાસપાત્ર માનીએ છીએ. કારણ આપણે આ બાબતમાં ચેડાં જરાય નહીં સાંખી લઈએ.           આજકાલ ચીરનિંદ્રામાંથી ઉઠેલું છતાં અનાદિ કાળથી જેનું અસ્તિત્વ હતુંજ પણ હવે વધતી જતી મોંઘવારીમાં જાગેલું જેનેરીક અને બ્રાન્ડેડ દવાઓનું ભૂત ઘણાખરાઓને વળગ્યું છે. જેનેરીક એ આપણી જરૂરિયાત છે જ્યારે બ્રાન્ડેડ આપણી લકઝરી છે એવું માનતા ઘણાખરા યેદીયુરપ્પા આજે રાજીનામુ આપીને બેસી ગયા છે. જેનેરીક લોકોના મનમાં ઘર કરવા લાગી છે તો સામે ડોકટરો માટે તથા બ્રાન્ડેડ દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ માટે થોડા દુઃખદ સમાચાર બની ગયા છે. બંને પ્રકારની દવાઓના કેટલાક ચડતા તો કેટલાક પડતા પાસા છે પણ માનવ મન એટલું સગવડીયું છે કે મન ને ગમતો મોરલો પકડી

કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં કે 42 દિવસે?

" વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસે લઉં તો શું વાંધો ?"   અત્યાર સુધીમાં ગયા મહિને પ્રથમ ડોઝ લીધેલા ઘણાં લોકોના અત્યારે 28 દિવસ પુરા થઈ ગયા છે કે થવા આવ્યા છે . ત્યારે બધાના મનમાં ફરીથી એક નવી ગૂંચવળ ઉભી થઇ છે કે હવે આ બીજા ડોઝનું અંતર પંદર દિવસ મોડું કરવાનું કારણ શું ? શું સરકાર પાસે પૂરતી રસી નથી એટલે આવા પોતાના નિયમો લાવી રહી છે ? હું જો બીજો ડોઝ મોડો લઇશ તો એ પહેલાં મને કોરોના થઈ જશે તો ? આવા પ્રશ્નો સાથે વેક્સિનેશન સેન્ટર પર આવતા લોકો અવઢવમાં તો હોય જ છે પણ સાથે થોડો ગુસ્સો અને વિશ્વાસ પણ ડગેલો જોવા મળે છે .   સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવેક્સિનનો બીજો ડોઝ હજુ 28 દિવસના અંતરે જ છે ( અને તેની પણ ભવિષ્યમાં દોઢ થી ત્રણ મહિને થવાની પુરી શક્યતા છે ) અને કોવિશિલ્ડનો બીજો ડોઝ ફેરફાર કરીને 42 થી 56 દિવસના અંતરે આપવાનું નક્કી થયું છે . આ વાતનો પ્રસાર પ્રચાર છાપાઓમાં અને ટીવીના સમાચારોમા થયો જ છે પરંતુ આમ છતાં કેટલાક લોકોના પ્રથમ ડોઝ