શું ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ દવા તમે લેતા હો અને એ દવા તમારા પર અસર કરવાનું જ છોડી દે? શું ક્યારેય એવું લાગ્યું કે તમે લીધેલી દવા શરીર પર હવે પહેલા જેટલી કારગત નથી રહી? આ એ જ દવા હતી જેનાથી તમે ભૂતકાળમાં સાજા પણ થઈ ગયેલા છો પણ હવે જોઈએ તેવું પરિણામ નથી મળતું. આવા સંજોગોમાં બે શક્યતાઓ રહેલી છે.
1. DRUG TOLERANCE (ડ્રગ ટોલરન્સ)
2. DRUG RESISTANCE (ડ્રગ રજીસ્ટન્સ)
બન્ને બાબતો લગભગ શરૂઆતમાં એક સરખી લાગે પરંતુ બન્નેમાં ઘણું અંતર હોય છે. જો કે બન્નેના પરિણામ આપણા માટે વધુ ચિંતાજનક બની શકે છે જો તેને બરાબર સમયસર ઓળખી લેવામાં ના આવે.
દવા પહેલા જેટલી માત્રમાં લેવાથી શરીરને આરામ પહોંચાડતી હતી તેટલી માત્રમાં હવે કારગત ન હોય તો તેને ડ્રગ ટોલરન્સ કહેવાય. આવા કિસ્સામાં મોટાભાગે દવાનો ડોઝ વધારવાથી તેની મૂળ અસર પાછી ફરતી હોય છે પણ એ જ અસર કેટલા સમય સુધી ટકશે એ કહેવું મુશ્કેલ હોય છે. કારણ કે ઈચ્છિત ફાર્મકોલોજીકલ એક્શન (દવાની શરીર પર અસર) મેળવવા દવાના પ્રમાણમાં વધારો કરતા તેનું ફાર્મેકોકાઈનેટિક્સ અને ડાયનેમિક્સ (શરીરમાં દવાનું વિઘટન) બદલાઈ જાય છે. આવા સંજોગોમાં તે દવા ટૂંકા ગાળા માટે તો આપને રાહત કરતી થઈ જાય છે પણ લાંબા ગાળે તેના ફાયદાના પ્રમાણમાં સાઈડ ઇફેક્ટ વધુ દેખાય છે.
દવાના ટોલરન્સ માટે દવા શરીરના જે કોષોના બાહ્યતંતુઓ (cell receptors) સાથે જોડાય છે એ તંતુઓ તે ખાસ પ્રકારની દવાથી એટલા સંતૃષ્ટ થઈ ગયા હોય છે કે પછી દવાને જોડાવા માટે રિસ્પોન્સ જ નથી આપતા અથવા કહો કે દવાને ઇગ્નોર કરવા માંડે છે. આવી પરિસ્થિતિમાં એ દવા વધુ જથ્થામાં જો એ તંતુઓ સામે બળવો કરે તો જ તે દવાને કોષો સાથે જોડીને આગળ પ્રક્રિયા કરવા રાજી થાય નહિ તો ભાવ ખાય. એટલે ડોઝની માત્રા દ્વારા આ નિષ્ક્રીય તંતુઓને કાબુમાં લઈ કામ તો કરાવી શકાય પણ કેટલા સમય સુધી કરાવી શકાય એ નક્કી નહિ.
આવું થવાનું પણ કારણ છે. એક ને એક દવાનો લાંબો સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તંતુઓ એક ની એક પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થઈ જાય એ સ્વાભાવિક છે. બસ આ નિષ્ક્રિયતા એ જ ડ્રગ ટોલરન્સ. ભારત જેવા દેશમાં જ્યાં મેડિકલ સ્ટોર પર કરિયાણુ અને કરિયાણા સ્ટોર પર મેડિસિન મળતી હોય ત્યાં આવું થવું સ્વાભાવિક છે. લોકોનું ઓવર ધ કાઉન્ટર ડ્રગ ખરીદી કરવાનું આંધળું વલણ આ મુસીબત સર્જે છે.
સમયની સાથે એવું પણ બને કે દવાનો ડોઝ વધારતા તેની આદત પડવા લાગે તો આ આદત ને ડ્રગ ડીપેન્ડન્સ (Drug dependence) કહેવાય અને જ્યારે આ આદતથી દુર થવાનો પ્રયત્ન કરવામાં આવે તો શરીર સાથ ના આપે કે બીમાર પડે તો તેને ડ્રગ એડીક્શન (Drug addiction) કહેવાય. ખાસ કરીને પેઈન કિલર તરીકે ઓપીઓઈડ એનલજેસિક્સ (Opioid analgesics) નો આંધળો ઉપયોગ એડિકશન સુધી લઈ જાય છે.
ઘણીવાર ડ્રગ ટોલરન્સમાં ક્રોસ ટોલરન્સ પણ જોવા મળે છે. જેમાં એક દવાનું ટોલરન્સ આવી જાય તો તે જ ક્લાસની બીજી દવા પણ અસર કરતી બંધ થઈ જાય છે કારણ કે સેમ ક્લાસની બન્ને દવાના કેમિકલ ફોર્મ્યુલા વધતા ઓછા અંશે એકબીજાને સમાન જ હોવાના.
મતલબ કે ડ્રગ ટોલરન્સ એ દવાની આદત કે બંધાણી થવાનું પ્રથમ પગલું છે. તો આવી સ્થિતિમાં ટોલરન્સ વખતે જ અટકી જવું વધુ હિતાવહ છે.
ડ્રગ રજીસ્ટન્સ પણ આવી જ એક પ્રક્રિયા છે પણ એ લગભગ irreversible (ફરીથી નોર્મલ ન થઈ શકે એવી) પ્રક્રિયા છે. જેમાં દવા કે દવાનો કલાસ બદલાવવો જ પડે છે તો જ શરીર પર દવા થી પરિણામ મેળવી શકાય. જો કે ડ્રગ રજીસ્ટન્સ એ માત્ર એન્ટીમાઇક્રોબિયલ દવાઓ પૂરતું જ સીમિત છે જ્યારે ડ્રગ ટોલરન્સ કોઈ પણ દવાથી થઈ શકે. ડ્રગ રજીસ્ટન્સ વિશે વધુ માહિતી માટે તમે નીચેની લિંક પરના આ બ્લોગના આર્ટિકલ વાંચી શકો છો.
ઠગ્સ ઓફ એન્ટિબાયોટિક્સ: સુપરબગ્સ
એન્ટિબાયોટિક રજીસ્ટન્સ: ગ્લોબલ વોર્મિગનો નાનો ભાઈ
સુપર ઓવર: પહેલા એક વાર કહેતા તો પણ માની જાતો હવે તો કાયમ ટોક ટોક કરીયે તો પણ નથી માનતો...
- આજકાલના માતાપિતાની સામાન્ય ફરિયાદ
Comments
Post a Comment