વોર્નિંગ: કોરોનામાં કઈ દવા લેવી જોઈએ એનો જવાબ શોધવા અહીં ક્લિક કર્યું હોય તો પાછા વળી જજો.
કોરોના થયા પછીનો ભય તેના લક્ષણો કરતા પણ વધુ હાનિકારક હોય છે. જેવી રીતે અજ્ઞાની હોવું એ સારું નથી તેમ અધૂરા જ્ઞાની હોવું પણ એટલું જ હાનિકારક છે. સૌથી વધુ મૂંઝવણ ત્યારે ઉભી થાય જ્યારે તમને એક સાથે બે કે ત્રણ પેથીઓમાંથી દરેકની ચાર થી પાંચ પ્રકારની સારવાર પદ્ધતિઓ આપના સ્વજનો અને હિતેચ્છુઓ પાસેથી મળે. આવા સમયે આવા સ્વજનોનો હેતુ એકદમ શુદ્ધ હોય છે તો વળી ક્યારેક તેનો પોતાનો અનુભવ પણ હોય છે. માટે દોષ એ લોકોનો અંશમાત્ર પણ ન કહી શકાય. દોષ છે એ કોરોના ગ્રસ્ત દર્દીનો કે જે આટલા બધા ઑપશનમાં મૂંઝાઈને પોતાના માટે ઉત્તમ શું એ પસંદ ન કરી શકે. ખાસ કરીને આઇસોલેશનમાં દર્દીની વિચારક્ષમતા અને કોવિડ પોઝિટિવનો મનમાં ઊંડે લાગેલો ટેગ પણ નિર્ણય ક્ષમતામાં મોટી અસર કરે છે.
SOP કે ગાઈડલાઈન એ એવી વસ્તુ છે કે જે મોટાભાગના લોકો માટે સાચી હોય. પરંતુ અહીં મોટાભાગના એટલે દરેક એવું સમજવું ભૂલ ભરેલું છે. જેવી રીતે વેક્સિન લીધા બાદ તેની સાઈડ ઇફેક્ટ કે અસર દરેક શરીર પર થોડા ઘણે અંશે જુદી જુદી થાય એવી જ રીતે કોરોનાની અસર પણ દરેકને સરખી જ થાય એવું જરૂરી નથી. આવા વખતે પોતાની વિવેકબુદ્ધિને કામે લાગવીને પોતાના માટે ઉપયોગી સુચનોને ફિલ્ટર કરીને તેને શ્રધ્ધાપૂર્વક અપનાવવા એ જ ખરી હોશિયારી છે. કોરોનાની મોટાભાગની ટ્રીટમેન્ટ દવાખાનામાં તો ડોકટર જ હેન્ડલ કરતા હોય છે એટલે ત્યાં આ બાબતે મૂંઝવણ થવાની સંભાવના ઓછી રહેલી હોય છે. જ્યારે ઘરે સાજા થનાર કેસોની બાબતમાં સારવારની પ્રક્રિયામાં દર્દીનું કન્સેન્ટ જરૂરી બની જતું હોય છે.
આવા સમયે પોતાના શરીરની પૂરતી ઓળખ ધરાવતા વ્યક્તિ બાજી મારી જાય છે. અહીં એ વાત ગૌણ બની જાય છે કે દર્દી કેટલું ભણેલો છે કે પોતાની એનાટોમી ફિઝિયોલોજી જાણે છે કે નહીં. અહીં દર્દીનો પોતાના શરીર પરનો વિશ્વાસ અને તે વિશ્વાસને અનુરૂપ હિતેચ્છુ દ્વારા મળેલ સારવાર કે અનુભવનો ઉપયોગ મહત્વનો હોય છે. પસંદ કરેલ સલાહમાંથી પણ કેટલું ફિલ્ટર કરીને લેવું તે પણ છેલ્લે દર્દી પર જ નિર્ભર હોય છે.
આ મહામારીમા કદાચ એ લોકો ઓછા હેરાન થયા છે જેણે દરેક પેથીનો પોતાના રોગની તીવ્રતાને આધારે ઉપયોગ કર્યો હોય, નહિ કે કોઈ એક વસ્તુ સાથે જિદ્દી થઈને વળગી રહ્યા હોય. સમયાંતરે રોગની તીવ્રતા મુજબ સારવાર પદ્ધતિમાં ફેરબદલ કરવાનું ટાઇમિંગ જ તમને સૌથી ખરાબ પરિસ્થિતિથી બચાવે છે. મોટાભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે બહારથી શરીરમાં દવાઓને રેડીને ઈશ્વરે આપેલા શરીરને સાજું કરીએ છીએ પણ આ અર્ધસત્ય છે. શરીરનું પોતાનું જ તંત્ર વાઇરસ કે કોઈપણ બીમારીના જંતુ સામે લડે છે જ્યારે બહારથી આપવામાં આવતી દવાઓ તેમાં મદદરૂપ થાય છે. કોવિડની પ્રથમ લહેરથી લાઈમલાઈટમાં આવેલા CRP ટેસ્ટના આંકડા જોઈએ તો ઘણાને તમ્મર ચડી જાય અને ક્યારેક 50 કે 100 ને પાર જતો આ આંકડો શારીરિક કરતા માનસિક તકલીફ વધુ ઉભી કરી દે છે. પરંતુ જો એવું વિચારવામાં આવે કે આ આંકડો એ જંતુઓનો નહિ પણ તેની સામે લડવા માટેની આર્મીનો છે તો મનમાં થોડી હળવાશ થશે. શરીરના આ ઈંફલામેટરી માર્કર્સ ઈંફલામેટારી રિઝોલ્વર પણ છે.
નાની એવી માખી કે મચ્છર પણ તમારું અભિમાન તોડી શકતા હોય તો આ તો તેનાથી પણ અનેક ગણો સૂક્ષ્મ વાઇરસ છે. તમને પળવારમાં ભોંય ભેગા કરવા થોડી જ કલાકોમાં લાખો વાઇસરની ફૌઝ તૈયાર કરી શકે એમ છે. એટલે જિદ્દી થઈને સામનો કરવામાં બહાદુરી ઓછી અને મુર્ખામી વધુ છે. ડિપ્લોમેટિક થઈને થોડું વાયરસ જતું કરે થોડું તમે કાળજી રાખીને 'મને કાંઈ થાય નહિ'નો અહંમ મૂકીને જતું કરશો તો બન્ને વચ્ચેનો સુખદ માર્ગ જરૂર નીકળશે.
સુપર ઓવર: ભારત દેશમાં બે પેથીઓ વચ્ચે એટલુ વાંકુ છે કે જાણે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય.
nice Bhai keep it up 👍👍👍🙏
ReplyDeleteThank you🙏
DeleteGreat bhai..... Very nice article
ReplyDeleteThank you
DeleteUseful Information. Good job sandip
ReplyDeleteThanks
Delete